શ્રાદ્ધના ભોજનમાં પિઝા, પાસ્તા, બર્ગર, મેક્રોની જેવી વાનગીઓ પીરસવા કાગડાઓની માગણી


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- કાગડાસમાજના સ્વાદપ્રિય કાગડાઓ મહિનાઓથી જે વાર્ષિક ઉત્સવની રાહ જોતા હતા સોળ દિવસ લાંબો તહેવાર 'શ્રાદ્ધપક્ષ' આવી ગયો હતો. જૂની પેઢીના કાગડાઓ દરરોજ દૂર-સુદૂર ફરીને જુદા-જુદા ભોજનનો આનંદ માણતા હતા, પરંતુ નવી પેઢીના કાગડાઓમાં પરંપરાગત ભોજનને લઈને આક્રોશ જોવા મળતો હતો

કાગડાઓના વાર્ષિક મહોત્સવ શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થયો તે સાથે જ કાગડાસમાજનું વાર્ષિક મેગેઝીન 'કાગવાસ'નો અંક પ્રગટ થયો હતો. કાગડાભાઈ કંકાસિયા આ વાર્ષિક અંકનું સંપાદન કરતા હતા. દર વર્ષની જેમ એમાં વિવિધ વિભાગો આવરી લેવાયા હતા. 'ઈન્સ્પિરેશનલ સ્ટોરી' નામના વિભાગમાં દૂરના વિસ્તારોમાં મુશ્કેલી વેઠીને પણ શ્રાદ્ધનું ભોજન જમીને પરંપરાને જીવંત રાખનારા કાગડાઓની વાતો હતી. 'પરંપરા' નામથી ચાલતા વિભાગમાં એક જૂની પેઢીના કાગલેખકે જૂના જમાનામાં કાગડાઓ કેટલો સંઘર્ષ કરીને વિચિત્ર આકારના નળિયાઓ પર બેસીને ભોજન આરોગતા તેના સ્મરણો વાગોળ્યા હતા. 'શ્રાદ્ધ-સેલ્ફી' નામથી એક ફોટોફિચર પણ અંકમાં હતું, જેમાં શ્રાદ્ધ આરોગતા કાગડાઓની તસવીરો છાપવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષના અંકની કવરસ્ટોરીમાં સાંપ્રત વિષયને શ્રાદ્ધ સાથે જોડીને ચર્ચા કરવામાં આવી હતી. જંગલની ગાયોમાં લમ્પિ વાયરસનો હાહાકાર મચ્યો હતો. સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ હતી કે લમ્પિ વાયરસથી સંક્રમિત ગાયના દૂધથી બનેલી ખીર શ્રાદ્ધપક્ષમાં ખાનારા કાગડાઓનો કચ્ચરખાણ નીકળી જશે. આ અફવાઓના કારણે કાગડાઓમાં ભારે ફફડાટ હતો. કેટલાક પરંપરાવાદી જંગલવાસીઓ હતા એમણે હજુય શ્રાદ્ધમાં ખીર-પૂરી કે દૂધપાક-પૂરીની પરંપરા જાળવી રાખી હતી. ખીર કે દૂધપાક દૂધ વગર શક્ય નથી અને એમાં ક્યાંક લમ્પિથી સંક્રમિત ગાયનું દૂધ વપરાઈ જાય તો કાગડાઓ પણ બીમાર પડે. આવા મેસેજો વોટ્સએપમાં દર બીજા દિવસે આવતા હતા. તેના કારણે આખા કાગડાસમાજમાં ભારે ચિંતા અને ગભરાટનો માહોલ હતો. ઘણા કાગડાઓ તો ખીરને સૂંઘવાનું પણ ટાળતા હતા.

આ માન્યતાના વૈજ્ઞાાનિક કારણોની ચર્ચા કવરસ્ટોરીમાં કરવામાં આવી હતી. જંગલના જાણીતા ડોક્ટર અષ્ટબાહુ ઓક્ટોપસનું નિવેદન કવરસ્ટોરીમાં છપાયું હતું. ડૉ. ઓક્ટોપસે વૈજ્ઞાાનિક અહેવાલોને ટાંકીને એવી અફવાઓનું ખંડન કર્યું હતું અને ઉમેર્યું હતું કે લમ્પિ સંક્રમિત ગાયનું દૂધ એકવાર ગરમ થઈ જાય પછી ખાવામાં કોઈ વાંધો નથી. વળી, એનો રોગચાળો કાગડાસમાજમાં ફેલાય એવી શક્યતા નથી. આ લેખ 'કાગવાસ'માં પ્રસિદ્ધ થયો પછી કાગડાઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને ખીર-પૂરી આરોગવાની શરૂઆત કરી હતી. જમાનો જોઈ ચૂકેલા જૂની પેઢીના કાગડાઓ તો ખીરની સુગંધ જોઈને કહી શકતા હતા કે આ ખીરમાં ચાંચ બોળવા જેવી છે કે નહીં! એવા કાગડાઓ અલગ અલગ સ્થળોએ ઉડીને ખીર-પૂરીના જુદા-જુદા ટેસ્ટ માણતા હતા. અમુક સ્વાદરસિયા શહેરી કાગડાઓ તો ગામડાંમાં શુદ્ધ દૂધ-ઘી હોવાથી વધુ સારી ખીર બને છે એમ માનીને લાંબી સફર ખેડીને ગામડાં સુધી પહોંચતા હતા.

છતાં નવી પેઢીના કાગડાઓને એ બાબતે શંકા તો હતી જ. લમ્પિના કારણે ભયનો માહોલ હતો અને આમેય નવી જનરેશનના કાગડાઓ ઘણા સમયથી શ્રાદ્ધપક્ષનું મેનુ બદલવાની હિમાયત કરતા હતા. લમ્પિના કારણે તેમને તક દેખાઈ. અત્યારે બરાબર કેમ્પેઈન ચાલે તો પરિણામ મળે એવી પૂરી શક્યતા હતી. આ બધા જ કાગડાઓએ સોશિયલ મીડિયાની મદદથી પૂરજોશમાં નવા ભોજનની તરફેણમાં કેમ્પેઈન ચલાવ્યું. યુવાકાગડાઓની દલીલ હતી કે જંગલવાસીઓ પોતાના પિતૃઓ માટે ખીર-પૂરી જ કેમ બનાવે છે? એમાંના ઘણાને તો પિઝા-બર્ગર-પાસ્તા-મેક્રોની પણ ભાવતા હશે. જંગલવાસીઓએ તેમને ભાવતું ભોજન આપવું જોઈએ કે ખીર-પૂરી?

દલીલ તો એવીય હતી કે ઘણાં પિતૃઓને જે-તે વખતે ડોક્ટરોએ ડાયાબિટીસના કારણે ગળ્યું ખાવાની ના પાડી હશે. એમાંના ઘણાંને તો તળેલું ખાવાની પણ મનાઈ હશે. ખીર-પૂરી કે દૂધપાક-પૂરી આપવાથી પિતૃઓ નારાજ નહીં થતા હોય એની શી ખાતરી? આવી દલીલો પછી ઘણાં જંગલવાસીઓ શ્રાદ્ધમાં પિઝા-પાસ્તા-બર્ગર-મેક્રોની-નાચોઝ વગેરેને સમાવવા લાગ્યા. ઘણા કાગડાઓએ તો કાગવાસમાં ચીઝ-મેયોનિઝ સમાવવાની પણ ભલામણ કરી. 

સોશિયલ મીડિયામાં ચલાવેલા ટ્રેન્ડની અસર થવા લાગી. કૂતરાભાઈ કડકાએ તેના દાદાનું શ્રાદ્ધ કર્યું ત્યારે બિસ્કિટ ઉપરાંત બર્ગર વગેરેનો સમાવેશ કર્યો. બાબાલાલ બકરાએ પણ તેના પિતાશ્રીના શ્રાદ્ધમાં નવી નવી વાનગીઓ સમાવી.

નવી પેઢીઓના કાગડાઓને ભાવતા ભોજન મળવા લાગ્યા તેનાથી જૂની પેઢીના કાગડાઓ નારાજ થયા. એ બધાએ ભેગા થઈને ભારે વિરોધ કર્યો. કાગડાસમાજમાં જ બે ભાગ પડી ગયા. પરંપરાવાદી કાગડાઓ ખીર-પૂરીની હિમાયત કરતા હતા. નવી પેઢીના કાગડાઓ નવી નવી ચટપટી વાનગીઓની ભલામણો કરતા હતા. કન્ફ્યૂઝ થયેલા જંગલવાસીઓ નક્કી નહોતા કરી શકતા કે ખરેખર કાગવાસમાં શું સમાવવું? બંને પક્ષની દલીલો સાચી જણાતી હતી.

અંતે અકળાયેલા જંગલવાસીઓએ નક્કી કર્યું કે વાનગીઓની પળોજણમાં પડવા કરતાં કાગડાઓ બદલી નાખીએ. આપણે આપીએ એ વાનગી કચકચ કર્યા વગર આરોગી જાય એવા કહ્યાગરા કાગડાઓને જ બોલાવી લઈએ એટલે વિવાદ પૂરો થાય. કાગડાઓની અંદરો-અંદરની લડાઈ પછી શ્રાદ્ધપક્ષને ધ્યાનમાં રાખીને દૂર-દર્રાજના જંગલોમાંથી કહ્યાગરા કાગડાઓનો જ ઓનલાઈન ઓર્ડર કરવાનું જંગલવાસીઓ શરૂ કર્યું!

City News

Sports

RECENT NEWS