Get The App

રંગના આધારે કીડીઓની વસતિ ગણતરી

Updated: May 15th, 2025

GS TEAM

Google News
Google News
રંગના આધારે કીડીઓની વસતિ ગણતરી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- વિપક્ષના નેતા સસલાભાઈ કેટલાય સમયથી કીડીઓની રંગ આધારિત વસતિ ગણતરીની માંગણી કરતા હતા. આખરે મહારાજા સિંહે સત્તાવાર આંકડા બહાર પાડીને સૌને ચોંકાવી દીધા

'રંગના આધારે વસતિ ગણતરી ન કરીને રાજા સિંહે કીડીસમાજ અન્યાય કર્યો છે.' જંગલમાં વિપક્ષના નેતા સસલાભાઈ વારંવાર આવાં ભાષણો આપીને રાજા સિંહને નિશાન બનાવતા હતા. કીડીઓની વસતિ ગણતરી થાય તો તેમને રાજકીય મહત્ત્વ મળે. વળી, સસલાભાઈ વારંવાર આ મુદ્દો ઉઠાવીને તમામ કીડીઓને પોતાની તરફ કરવાની કોશિશ કરતા હતા.

સસલાભાઈએ જંગલજોડો યાત્રા કરીનેય જંગલના ખૂણે ખૂણે કીડીઓની વિવિધ જાતિઓ સાથે વાતચીત કરીને કહેતા હતા: 'તમારી સાથે સામાજિક અને રાજકીય રીતે અન્યાય થયો છે. રાજા સિંહની સરકારમાં કે રાજા સિંહની પાર્ટીમાં કીડીસમાજમાંથી કોઈને સ્થાન મળતું નથી. ઓછી વસતિ હોવા છતાં મહારાજા સિંહની સરકાર હાથીઓનું સન્માન કરે છે, કીડીઓનું અપમાન કરે છે.'

'રંગના આધારે કીડીઓની વસતિ ગણતરી કરો!'

'જાતિના આધારે કીડીઓની વસતિ ગણતરી કરો!'

એક દિવસ રાજા સિંહના રાજકીય સલાહકાર રીંછભાઈએ વિપક્ષી નેતા સસલાભાઈના ભાષણો જોઈને સલાહ આપી: 'આપણે કંઈક કરવું જોઈએ. જો કીડીઓ સસલાની તરફેણમાં થઈ જશે તો ચૂંટણીમાં ફટકો પડશે.'

રાજા સિંહે વહીવટી અધિકારી મગર માથાભારેને બોલાવીને આદેશ આપ્યો: 'કીડીઓની રંગના આધારે વસતિ ગણતરી કરી નાખો!'

'જી, રાજાજી!' આદેશ સ્વીકારીને હળવેથી મગર માથાભારેએ કહ્યું, '..પણ સર આમાં બહુ સમય લાગશે. કીડીઓ આખાય જંગલમાં જુદી જુદી જગ્યાએ રહે છે. સિંહ-હાથી-દીપડા-વાઘ-ભેંસ-હરણ-મોર-કબૂતર-ગીધની વસતિ ગણતરી થોડી સહેલી છે. કીડીઓનું કંઈ ઠેકાણું હોતું નથી. જો વરસાદ-બરસાદ થયો હોય તો દરમાં ક્યાંય છૂપાઈ ગઈ હોય. બહુ તડકો પડયો હોય તો જગ્યા બદલીને ઠંડા સ્થળે ચડી ગઈ હોય. ગુસ્સે થઈને ચટકા ભરવાનો સમય ચાલતો હોય ત્યારે વળી વસતિ અચાનક ઘટી પણ જાય. કોઈક કીડીયાળું પૂરી આવે તો વસતિ વધી જાય એવુંય લાગે.'

'ઓકે... વિચારવા દે!' રાજા સિંહે થોડીવાર કંઈક વિચાર્યું ને પછી ફરીથી આદેશ આપ્યો, 'અગાઉ વસતિ ગણતરી થઈ હોય એમાં આંકડા ઉમેરીને રંગ પ્રમાણે બે ભાગ પાડી દો. મને આંકડો આપી દો એટલે હું સત્તાવાર જાહેરાત કરી દઈશ.'

***

બે-ચાર નાના-નાના સેમ્પલ સર્વેના આધારે મગર માથાભારેએ રંગના આધારે કીડીઓની વસતિ ગણતરી કરી નાખી. લાલ કીડીઓ વધુ દેખાતી હતી એટલે એનો આંકડો વધારે રાખ્યો. કાળી કીડી ઓછી દેખાતી હતી તો એનો આંકડો ઓછો રાખ્યો. જાતિના આધારે પણ વસતિ ગણતરીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું.

આખરે મહારાજા સિંહે જંગલજોગ સંબોધન કર્યું ને જાહેરાત કરી: 'મારા વહાલા જંગલવાસીઓ! કીડીઓની રંગ અને જાતિના આધારે વસતિ ગણતરી સંપન્ન થઈ ગઈ છે. આ રહ્યો અહેવાલ.' એમ કહીને સિંહે કીડીઓની વસતિ ગણતરીના આંકડાં બહાર પાડયા.

એ પછી વસતિ ગણતરીની ક્રેડિટ લેવાની હોડ જામી. વિપક્ષના નેતા સસલાભાઈએ કહ્યું, 'મેં સતત રાજા સિંહ પર દબાણ વધાર્યું હતું એટલે કીડીઓને ન્યાય મળ્યો છે.' 

હાથીભાઈ હરખપદૂડાએ હરખ વ્યક્ત કર્યો, 'સિંહ સરકાર કોઈની સાથે અન્યાય કરતી નથી. આ સરકાર માટે હાથીઓ જેટલું જ મહત્ત્વ કીડીઓનું પણ છે.'

સસલાભાઈની પાર્ટીના અધ્યક્ષ લંગૂર લપલપિયાએ કહ્યું, 'અમારા શરીરમાં લોહીનું એક ટીપુ બચ્યું હશે ત્યાં સુધી અમે જંગલવાસીઓ માટે લડતા રહીશું. આ એવી જ લડાઈનું પરિણામ છે. જંગલજોડો યાત્રાથી સસલાભાઈનું વજન ઉતરી ગયું હતું. તેમની તનતોડ મહેનતના કારણે કીડીઓને હવે રાજકીય મહત્ત્વ મળશે.'

રાજા સિંહ સમર્થિત ડોક્ટર અષ્ટબાહુ ઓક્ટોપસે સાયન્ટિફિક નિવેદન આપ્યું, 'લોહીનું એક ટીપુ શરીરમાં બચે ત્યાં સુધી કોઈ જીવી શકે નહીં. લપલપિયાજીની વાત સાયન્ટિફિક ફેક્ટથી વેગળી છે!'

એ નિવેદનને બ્રેકિંગ ન્યૂઝ બનાવીને 'જંગલ ન્યૂઝ'ની વેબસાઈટમાં સ્થાન મળ્યું. એનો સ્ક્રીનશોટ સિંહ સમર્થકોએ વાયરલ કર્યો. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું, 'વિપક્ષના નેતાઓ જુઠાણાં ચલાવે છે. શરીરમાં લોહીનું એક બુંદ રહે ત્યાં સુધી કામ કરી શકાય નહીં. આ સદંતર પાયાવિહોણી વાત છે.'

સિંહ સમર્થક સ્વઘોષિત વિદ્વાન હોલાજી હઠીલાએ વીડિયો બનાવ્યો: 'વિપક્ષી નેતાઓને શું બોલવું ને શું ન બોલવું એનું ભાન નથી. જંગલના મહાન ડોક્ટર અષ્ટબાહુજી કહે છે કે લોહીનું છેલ્લા ટીપા સુધી શરીર બચે જ નહીં તો જંગલવાસીઓ માટે લડતા રહેવાની તો વાત જ કેવી રીતે આવે? સત્ય તો એ છે કે સસલાભાઈ ક્યારેય જંગલવાસીઓ માટે લડતા જ નથી.'

'લોહીનાં છેલ્લાં ટીપા સુધી લડવું એ પ્રતીકાત્મક છે.' સસલાભાઈના નેતા ઉંટ ઉટપટાંગે બચાવ કર્યો.

સસલાભાઈની પાર્ટીના હોદ્દેદાર બતક બફાટિયાએ કહ્યું, 'રાજા સિંહ તેમનું લોહી વહાવીને છેલ્લું ટીપું બચે ત્યાં સુધી લડે તો તેમને ખબર પડે કે સસલાભાઈના કહેવાનો અર્થ શું છે.'

આખી વાત જ આટાપાટે ચડી ગઈ એમાં કીડીઓ વતી પ્રતિક્રિયા આપતા સમાજના પ્રમુખ કીડીબહેન કામઢાના નિવેદન તરફ કોઈનું ધ્યાન જ ન ગયું. કીડીબહેન કામઢાએ કહ્યું હતું: 'અમારી પાસે તો જંગલના સરકારી અધિકારીઓ સર્વેક્ષણ માટે આવ્યા જ નથી. આ વસતિ ગણતરીમાં અમને ભરોસો નથી.'