જંગલના ચિંતકો-વિચારકોનું નવું 'વનસંપર્ક' માધ્યમ - વેબિનાર
- વેબિનારો અને તેની જાહેરાતોથી ઉભરાઈ રહેલું જંગલનું સોશિયલ મીડિયા!
- આપનાં તો અઢાર વાંકાં- અષ્ટાવક્ર
કોરોનાના કારણે જંગલમાં ચિંતકોના વકતવ્યો, પ્રોફેસરોના લેક્ચર્સ, કવિઓના મુશાયરાઓ, ઉભરતા નવોદિત વિચારકોના સેમિનાર બંધ થઈ ગયા હતા. શરૂઆતમાં તો આ વક્તાઓ, કવિઓ અને ઉભરતા વિચારકો, નેતાઓએ ઓડિયન્સ વગર દિવસો કાઢી નાખ્યા, પણ પછી જેમ જેમ લૉકડાઉન લંબાતું ગયું તેમ તેમ વૈચારિક અપચાના પ્રશ્નો ઉદ્ભવ્યાં. ઘણાં વક્તા-વિચારકોને સપના પણ કેવાં બિહામણાં આવતા હતા! ભાષણ ચાલતું હોય અને હોલ ખાલી થઈ જાય એવા સપનાથી અમુક વિચારકો પરસેવે રેબઝેબ થઈને સફાળા જાગી જતા હતા. ભાષણ વગર જીવવાની આ પરિસ્થિતિ તેમના માટે અસહ્ય હતી.
સતત વિચાર્યે રાખતા વિચારકો જો તેમના વિચારો ક્યાંય ઠાલવે જ નહીં તો તો દિમાગમાં ગજબનો વિસ્ફોટ થવાની શક્યતા હતી. બીજો ડર એવોય હતો કે વકતવ્યો અને મુશાયરા વગર જંગલવાસીઓને જીવવાની આદત પડી જાય તો તો વિચારકોની આખી પ્રજાતિ જ જંગલમાંથી લુપ્ત થઈ જાય. વિચારકો-ચિંતકો-કવિઓ-સર્જકો વગરનું જંગલ તો કેવું હોય? ટાંચણી પડે તો પણ અવાજ આવે એટલાં શાંત જંગલની તો કલ્પના જ કરવી અઘરી હતી.
વૈચારિક અપચો વધી જાય એ પહેલાં આ બધાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'વનસંપર્ક' શરૂ કર્યો. જંગલના યુવા કવિ ઘુવડકુમાર ઘાંટાપાડુએ ટ્વીટ કર્યું ઃ
'આજે સાંજે મારી સાથે વેબિનારમાં જોડાઈને તદ્ન નવી કવિતાઓ માણો. મારી અછાંદસ કોરોના કવિતા અંગે વાતો કરીશું.'
ખરાબ વીડિયો ક્વોલિટી અને પૂઅર નેટવર્ક કનેક્શન વચ્ચે પણ નિયત સમયે કવિ શ્રી ઘુવડકુમાર ઘાંટાપાડુ વેબિનારમાં હાજર થયા. તેમણે નવી કવિતાઓના નામે જૂની કવિતાઓ ઘાંટા પાડી પાડીને ગાઈ સંભળાવી! કોરોના પર રચેલા અછાંદસ મુક્તકો પણ તેમણે સંભળાવ્યાં. તેમના અવાજની ક્વોલિટીમાં કોઈ જ ફરક પડયો ન હતો. જેમ મુશાયરામાં ઘાંટા પાડતા હતા, એટલાં જ ઘાંટા તે વેબિનારમાં પણ પાડી શકતા હતા. તેમના વેબિનાર અને મુશાયરા વચ્ચે બીજી એક સમાનતા એ હતી કે બંનેમાં ઓડિયન્સની હાજરી ખૂબ જ પાંખી હતી!
મહારાજા સિંહના કટ્ટર સમર્થક અને ભક્ત શિરોમણીનું બિરુદ પામેલા ઘેટાભાઈ ઘનચક્કરે પણ નવોદિત ભક્તોના લાભાર્થે એક વેબિનારનું આયોજન કર્યું. ઘેટાભાઈએ ફેસબુક પોસ્ટમાં લખ્યું ઃ 'ભક્તમાંથી ભક્ત શિરોમણી બનવાની મારી યાત્રા - આ વિષય પર આજે ફેસબુકમાં આયોજિત મારો લાઈવ કાર્યક્રમ નિહાળો. નોંધ- સવાલ-જવાબમાં ભાગ લેવા ઈચ્છતા ભક્તોએ બે કલાક પહેલાં મને મેસેન્જરમાં સવાલ મોકલી દેવાનો રહેશે. વંદે જંગલમ્, જંગલ માતા કી જય..'
ઘેટાભાઈ ઘનચક્કરના વેબિનારને ઠીક-ઠીક વ્યૂઅર્સ મળ્યાં. કોરોનાકાળ પહેલાં ય ભક્તો સોશિયલ મીડિયામાં જ સમય વીતાવતા હતા. તેમની પાસે નવરાશ જ નવરાશ હતી. કોરોનાકાળમાં રેલી કે સભાઓ યોજાતી ન હતી એટલે તેમની નવરાશમાં ઘણો વધારો થયો હતો. નવરાશના સમયનો લાભ લઈને આ કાર્યકરો પાર્ટીના સેમિનાર્સમાં મોટી સંખ્યામાં ઓનલાઈન હાજર રહેતા હતા. ભક્ત શિરોમણી ઘેટાભાઈ ઘનચક્કરના વેબિનારને પણ ભક્તોએ ખૂબ વખાણ્યો. મહારાજા સિંહના કટ્ટર સમર્થક બનીને પાર્ટી માટે જીવન સમર્પિત કરી દેનારા ઘેટાભાઈની ભક્ત શિરોમણી બનવાની યાત્રા વિશે જાણ્યા પછી ભક્તોને બહુ જ પ્રેરણા મળી હતી. જેમ પાર્ટીના કાર્યક્રમમાં ભક્તો-સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહેતા હતા, એ જ રીતે પાર્ટીને લગતા વેબિનાર્સમાં પણ એ બધાની હાજરી નોંધપાત્ર હતી.
નવોદિત વિચારક હોલાજી હઠિલાએ ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટા-વોટ્સએપ - એમ બધે જ જાહેરાત કરી ઃ 'દોસ્તો. જૂની જનરેશનના વિચારકો જૂના વિચારો જ ઠાલવ્યા કરે છે, પરંતુ મેં તદ્ન નવું ચિંતન કર્યું છે. અગાઉ ક્યારેય કોઈએ જે દિશામાં વિચાર્યું નથી એવા વિષયોમાં મેં ઊંડાણપૂર્વકનું સચોટ ચિંતન કર્યું છે. મારા તદ્ન નવા વિચારને જાણવા-માણવા માટે મારી સાથે ઈન્સ્ટા.માં જોડાવ. સમય અને તારીખની વિગતો ફોટોમાં મૂકી છે..'
હોલાજી હઠિલા કોરોનાકાળમાં જ અચાનક વિદ્વાન વિચારક તરીકે ઉભરી આવ્યા હતા. એવું એટલિસ્ટ હોલાજી પોતે તો પોતાના માટે માનતા જ હતા. અગાઉ હોલાજી હઠિલા પોતાને લેખક ગણાવતા હતા અને ભાંગેલી-તૂટેલી ભાષામાં કંઈકનું કંઈ લખતા રહેતા હતા, પરંતુ કોરોનાના સમયગાળામાં ઘરમાં બંધ રહેનારા હોલાજી હઠિલાએ પોતાને નવોદિત વિચારક તરીકે રજૂ કરીને મહારાજા સિંહના 'આત્મનિર્ભર' અભિયાનને સમર્થન આપ્યું હતું.
હોલાજી હઠિલાએ ચાર-પાંચ દિવસ સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વેબિનારની જાહેરાતનો હાહાકાર મચાવી દીધો. તેની અલગ અલગ પોસ્ટને એમ તો રીઝનેબલ લાઈક્સ મળી હતી. વોટ્સએપમાં પણ ઘણાએ હોલાજીની પ્રશંસા કરી હતી. એ બધા ફિડબેક પરથી હોલાજીને લાગતું હતું કે વેબિનારને ભવ્ય સફળતા મળશે, પરંતુ વેબિનારને ગણીને ત્રણ જ વ્યૂઅર્સ મળ્યા. એમાંથી બે એટલા માટે જોડાયા હતા કે તેમને હોલાજી પાસેથી લેખનની કળા શીખવી હતી એટલે હોલાજીને ખુશ રાખવા જરૂરી હતા. એક વ્યૂઅર પોતે મોટિવેશનલ સ્પીકર બનવા માગતો હતો. એને પોતાને વેબિનાર યોજવો હતો એટલે તે હોલાજીના વેબિનારને ઉદાહરણ માટે જોતો હતો.
વેબિનાર સુપરફ્લોપ રહેવા છતાં જંગલના વિચારકો-મોટિવેશનલ સ્પીકર્સે વેબિનારનું આયોજન યથાવત રાખ્યું હતું. કારણ એટલું જ હતું કે તેમના ફળદ્રુપ દિમાગમાં જે વિચારોનો જથ્થો ઉદ્ભવતો હતો એ ઠાલવવા માટેનું એક સરસ માધ્યમ તેમને મળી ચૂક્યું હતું. વેબિનારના આયોજનમાં વક્તાઓને એક શાંતિ એ પણ હતી કે આયોજકો શોધવા જવું પડતું ન હતું! વકતવ્ય માટે આ તદ્ન આત્મનિર્ભર ઉપાય હતો.
બીજી તરફ વેબિનારમાં દર્શકો-શ્રોતાઓને પણ એક વાતે શાંતિ હતી. ચાલુ કાર્યક્રમે ઉભા થઈને જતાં રહેવાથી અવિવેક થતો હતો. ક્યારેક મન મારીને પણ કાર્યક્રમમાં બેસવું પડતું હતું, આંખની શરમે ન ગમતા વક્તા, ચિંતકોને સહન કરવા પડતા હતા. પરંતુ વેબિનારને ગમે ત્યારે અધૂરો મૂકી શકાતો હતો. વેબિનાર અને વક્તાને એકલા મૂકીને ઓફલાઈન થઈ શકાતું હતું એ મોકળાશ ઓનલાઈન પ્લેટફોર્મ પર મળતી હતી. આંખની શરમ વેબિનારમાં નડતી ન હતી એ તેનું સૌથી મોટું જમા પાસું હતું!
કોરોના વાયરસના ભય હેઠળ જંગલવાસીઓએ એકબીજાને મળવા માટે વર્ચ્યુઅલ વર્લ્ડનો સહારો લીધો હતો. વોટ્સએપ-ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વીડિયો કૉલની મદદથી જંગલવાસીઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતા. એનાથી પ્રેરિત થઈને જંગલના વક્તાઓ, વિચારકો, પ્રોફેસરો, કવિઓએ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'વનસંપર્ક' શરૂ કર્યો. 'વનસંપર્ક'ની આ નવી રીત ઘણાં જંગલવાસીઓ માટે અભ્યાસનો વિષય બની હતી.