ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાની જંગલભક્તિ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાની જંગલભક્તિ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં એક દિવસ જંગલભક્તિ છવાઈ જતી. જંગલ દિવસની શુભેચ્છાના મેસેજોથી સોશિયલ મીડિયા ઉભરાઈ જતું. એમાં ઘેટાભાઈ ઘાસફૂસિયા સૌથી અવ્વલ રહેતા

'આજે વોટ્સએપ સ્ટોરીમાં જંગલના ધ્વજનો ફોટો ન મૂકનાર જંગલદ્રોહી ગણાય. જંગલનાં પ્રતીકો ખરીદીને ન લગાવે એ પણ જંગલદ્રોહી જ કહેવાય.' ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ચર્ચા જગાવી. ઘેટાભાઈ ઘાસફૂસિયા મહારાજા સિંહના કટ્ટર સમર્થક હોવાથી 'ભક્ત શિરોમણી કાર્યકર'નું ઉપનામ પામ્યા હતા. મહારાજા સિંહના સૌ કાર્યકર/ભક્તોમાં ઘેટાભાઈ ઘાસફૂસિયા અલગ હતા. તેમને ભાવ મળે ન મળે, કામ-ધંધો છોડીને એ કાયમ સિંહભક્તિમાં વ્યસ્ત રહેતા હતા. ઘેટાભાઈ માનતા કે રાજાસિંહની ભક્તિ અને જંગલની ભક્તિ એકબીજાના પર્યાય છે.

'મેં આજે ફોટો નથી મૂક્યો કે નથી મેં જંગલનું પ્રતીક ખરીદીને ધારણ કર્યું, પણ હું તારા કરતાં સારો જંગલભક્ત છું.' કબૂતર કાનાફૂસિયાએ ઘેટાની પોસ્ટમાં કમેન્ટ કરી તેને મસ્તરામ મોર, હીરજી હંસ, મંગળા માછલી વગેરે લાઈક કરી ગયા.

'કબૂતર જેવા જંગલવાસીઓ જંગલમાંથી હાંકી કાઢવા જોઈએ. આવા જંગલદ્રોહીથી જંગલને મોટો ખતરો છે. જંગલની શાન જેવા પ્રતીક ખરીદવાનો પણ સમય નથી. આટલો ખર્ચ પણ કરતા નથી એવા જંગલવાસીનું અહીં શું કામ છે?' ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈના સમર્થનમાં ઉતરેલા કાગડાભાઈ કંકાસિયાએ કબૂતર કાનાફૂસિયાને ટ્રોલ કર્યો.

બકુલેશ બળદ, પાડાકુમાર પંચાતિયા, હોલાજી હઠીલા જેવા સિંહ-સમર્થક કાર્યકરોએ એકઠા થઈને કબૂતર વિશે જાતભાતની ટિપ્પણી કરી. હોલા હઠીલાએ પોસ્ટ કરી : 'કબૂતર કાનાફૂસિયો, મસ્તરામ મોર, હીરજી હંસ, મંગળા માછલી, જ્ઞાાની ગાયબેનની ટોળકી આમેય જંગલવિરોધી છે. રાજા સિંહની દરેક બાબતનો વિરોધ કરતી આવે છે.'

કબૂતરના સમર્થનમાં પણ ઘણી કમેન્ટ થઈ. જ્ઞાાની ગાયબેને વળતી દલીલ કરી : 'રાજા સિંહનો કોઈ બાબતે વિરોધ થાય તેને જંગલના વિરોધ સાથે ન સરખાવી શકાય.'

વિપક્ષના નેતા સસલાભાઈએ જ્ઞાાની ગાયબેનની દલીલને પોસ્ટ બનાવીને શેર કરી. સસલાભાઈના સમર્થકો - લંગૂર લપલપિયો, ઊંટભાઈ ઉટપટાંગ, બતકભાઈ બટકબોલાએ પોસ્ટની પ્રશંસા કરી.

કબૂતરની ફેવરમાં મસ્તરામ મોરે લખ્યું : 'જંગલની ભક્તિ એક દિવસનો વિષય નથી. કબૂતરની વાત સાચી છે. પ્રતીકો ખરીદી શકો ને ધારણ કરો તો સારી વાત છે, પરંતુ અનિવાર્ય ન હોય.'

મંગળા માછલીએ બોલ્ડ સ્ટેટમેન્ટ આપ્યું: 'એક દિવસ જંગલનું કોઈ ચિહ્ન સોશિયલ મીડિયામાં મૂકી દેવાથી જંગલભક્તિનું સર્ટિફિકેટ ન મળી જાય. એ ફોટોની નહીં, ફીલિંગ્સની વાત છે!'

મંગળાની કમેન્ટમાં તેનો બોયફ્રેન્ડ મહાસીર માછલો લવ રિએક્ટ કરી ગયો. જંગલના સોશિયલ મીડિયામાં આ બધા વાદવિવાદો ચાલતા રહ્યા.

એ દરમિયાન ઘેટાભાઈ ઘાસફૂસિયાએ આગળનું કામ આરંભી દીધું. સવાર-સવારમાં તેમણે એક શુભેચ્છા સંદેશો બનાવી નાખ્યો. એમાં મહારાજા સિંહનો મોટો ફોટો હતો. નીચે બંને હાથ જોડયા હોય એવો ઘેટાભાઈ ઘાસફૂસિયાનો ફોટો પણ દેખાતો હતો. ઘેટાભાઈએ જંગલનું ચિહ્ન ધારણ કર્યું હતું. મહારાજા સિંહના કોઈ ભાષણમાંથી જંગલ પ્રત્યે તેમને કેટલો પ્રેમ છે એ દર્શાવતી બે લીટી મોટા અક્ષરે વચ્ચે મૂકી હતી. સૌથી નીચે લખ્યું હતું : 'સૌ જંગલવાસીઓને જંગલ દિવસની શુભકામના.'

આ શુભેચ્છા સંદેશો તેમણે બધા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. તમામ વોટ્સએપ ગુ્રપમાં એ શુભકામના સંદેશો પાઠવ્યો. એટલું જ નહીં, વોટ્સએપમાં જેટલા નંબર હતા એ બધામાં એક પછી એક મેસેજ કરી દીધા. કોઈ બાકી ન રહી જાય એની પૂરી કાળજી રાખીને આ કામ પૂરું થયું પછી ઘેટાભાઈ ઘાસફૂસિયાએ બીજું કામ શરૂ કર્યું. સૌને જંગલભક્તિનાં ગીતો મોકલ્યાં. મોબાઈલમાં જંગલભક્તિની રિંગટોન અને કોલરટયુન સેટ કરી. તેમણે જે ઉજવણી કરી એના ઢગલાબંધ ફોટા ઠેકઠેકાણે શેર કર્યા.

સૌથી મહત્ત્વનું કામ તેમણે છેલ્લે કર્યું. સૌને જંગલનાં પ્રતીકો ધારણ કરવાની સલાહ આપી. એક્ચ્યુઅલી જંગલ દિવસે સૌ જંગલવાસીઓમાં જંગલભક્તિનો મોટો ઉભરો આવતો અને એ સારું જ હતું. એ દિવસે સૌ જંગલનાં પ્રતીકો ધારણ કરતાં. પ્રકૃતિનું પ્રતીક - વૃક્ષ, પર્વતો, આકાશનો સિમ્બોલ બનાવીને સૌ પહેરતા. જંગલ દિવસની ઉજવણી ચાલતી હોય ત્યારે ઠેર ઠેર આવા પ્રતીકો વેચાતાં મળી જતાં. ઘણાં જંગલવાસીઓ એ ખરીદીને પહેરતાં.

એ પ્રતીકોનું પ્રોડક્શન જંગલના ટોચના ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' કરતી હતી. સામાન્ય કમિશનથી જંગલના ધંધાર્થીઓ એ વેચતા. એમાંથી એમનું થોડા દિવસનું ખાવા-પીવાનું નીકળતું.

ને એ રીતે જંગલ દિવસની ઉજવણી પૂરી થઈ જતી.

થોડા દિવસ પછી જ્યારે વેપારીઓ વધેલો સામાન પાછો આપવા જતાં ત્યારે ગુલામદાસ ગધેડો જવાબ આપતો : 'અમે વેચેલો સામાન પાછો રાખીશું નહીં.'

'...પણ અમે આ સામાન અમારી પાસે રાખીએ તો તો કશું મળે નહીં. શું કરીએ?' વેપારીઓ બિચારા થઈને પૂછતા.

ગુલામદાસ ગધેડાએ જવાબ આપ્યો : 'જંગલમાં સૌને સ્વતંત્રતા છે. હમણાં જ તો આપણે એની ઉજવણી કરી. તેથી તમારે શું કરવું એ તમારી આઝાદીનો વિષય છે!'

થોડા દિવસ પછી...

ઘેટાભાઈ ઘાસફૂસિયાના સરનામે ગિફ્ટનું એક મોટું પેકેટ મળ્યું. જંગલ દિવસે પ્રતીકો વેચવા માટે સૌને પ્રેરિત કરવા બદલ એ ગિફ્ટ ગુલામદાસ ગધેડાએ મોકલી હતી...


Google NewsGoogle News