Get The App

જંગલને સિદ્ધિનાં શિખરો સર કરાવવા રાજા સિંહની અદ્ભુત બચત યોજના

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
જંગલને સિદ્ધિનાં શિખરો સર કરાવવા રાજા સિંહની અદ્ભુત બચત યોજના 1 - image

- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- રાજા સિંહે વીડિયોમાં અપીલ કરીઃ 'મારા પ્યારા જંગલવાસીઓ! તમારે બધાએ ખોરાક ઓછો કરવો પડશે, જંગલભક્તિ બતાવવાનો આ જ સમય છે...'

રાજા સિંહના સલાહકાર રીંછભાઈ ઉતાવળે મળવા આવ્યા. ચિંતામાં જણાતા રીંછભાઈએ રાજાને કહ્યું, 'મહારાજ! આપણાં જંગલમાં ઘણી ચીજવસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. આપણી પાસે અગાઉ પણ જંગલનું પ્રતિનિધિ મંડળ અછતની ફરિયાદ લઈને આવ્યું હતું ત્યારે આપણે...'

રીંછભાઈને અટકાવીને રાજા બોલ્યા, 'મને યાદ છે. એ વખતે મેં હજારેક પગલાં ભર્યાં એ જંગલવાસીઓએ જોયા હતા. પછી તો મેં પાંચ સૂત્રો પણ આપ્યા હતા. ફરિયાદ ન કરો, સંતોષી બનો, શાંતિ જાળવો, ધીરજ કેળવો, સહનશીલ બનો - આવા મુદ્દાથી આપેલું મારા ભાષણની તો જંગલના સાહિત્યકારોમાં પણ ચર્ચા થઈ હતી. તેમણે આ ભાષણને શ્રેષ્ઠ ચિંતનાત્મક ભાષણ ગણાવ્યું હતું.' 

રાજા સિંહ ફરીથી ભાષણ કરવા માંડશે એવું લાગતાં રીંછભાઈએ મુદ્દા તરફ ફરીથી ધ્યાન દોર્યું, 'મહારાજ જંગલમાં ગંભીર સ્થિતિનો કોઈ ઉકેલ આવ્યો નથી.'

'...પણ પડકારોનો સામનો કરવા માટે હું જંગલવાસીઓને સતત આત્મનિર્ભર બનાવી રહ્યો છું. હવે શું પ્રશ્ન છે?' રાજા સિંહે અકળાયા.

'રાજાજી! એ વખતે પડકારોની શરૂઆત થઈ હતી, હવે તો અછત સર્જાઈ ગઈ છે. આપણી તિજોરી ખાલી થવા માંડી છે. આમ ચાલ્યું તો જંગલોની નાની-મોટી ચૂંટણીઓમાં આપણે બચત કરવાની નોબત આવશે,' રીંછે ખરી મુશ્કેલી જણાવી.

'એમાં આપણે શું મુશ્કેલી પડશે?' રાજા સિંહે આંખ ઝીણી કરી, બગાસું ખાધું

'આપણે સરકારી રકમમાંથી બધે પ્રવાસો કરીએ છીએ. આપણા મુખ્યમંત્રીઓને ધારાસભ્યોની જરૂર પડે છે ત્યારે આપણે એમને ખરીદવામાં મદદ કરીએ છીએ અને જ્યારે વિપક્ષના નેતાઓને...' 

રીંછભાઈ વિગતવાર જણાવતા હતા એનાથી કંટાળીને સિંહે સ્પષ્ટતા કરી, 'તું ભૂલી જાય છે. નેતાઓની ખરીદી અને ચૂંટણીનો ખર્ચ તો આપણા ઉદ્યોગપતિ મિત્રો ગુલામદાસ ગધેડો અને પપ્પુ પોપટ આપે છે. આપણે ક્યારેય સરકારી તિજોરીમાંથી એવું કામ કર્યું નથી. મેં નીતિમત્તા જાળવી રાખી છે.'

'માફ કરજો, મહારાજ! આપ તો નીતિમત્તાની જીવંત મૂર્તિ છો, પરંતુ આપણે ઉદ્યોગપતિ મિત્રોને સરકારી કોન્ટ્રાક્ટ્સ આપીએ છીએ. એમાંથી તેમને સારો એવો લાભ મળે છે એટલે એ આપણું બાકીનું જોઈ લે છે. જો જંગલવાસીઓને સરકારી ફંડમાંથી સહાય કરવાની થશે તો આપણે નવા કોન્ટ્રાક્ટ નહીં આપી શકીએ. એની અસર ઉદ્યોગપતિ મિત્રોના ડોનેશનમાં પણ દેખાશે.' રીંછભાઈ એકી શ્વાસે બોલીને હાંફી ગયા.

રીંછની આખી વાત બરાબર સમજી ગયા પછી રાજા સિંહના મોં પર ચિંતાના ભાવ દેખાયા. થોડું વિચાર્યા પછી સિંહે રીંછભાઈને જ પૂછ્યું, 'તને શું લાગે છે? મારે શું કરવું જોઈએ?'

'જંગલવાસીઓને સલાહો આપવી જોઈએ!' રીંછભાઈએ સલાહ આપી.

'હમણાં તો પાંચ સૂત્રોની સલાહ આપી હતી. હવે કંઈક નવું કરવું પડશે.' રાજા સિંહ બોલ્યા કે તરત જ એમના દિમાગમાં ઝબકારો થયો, 'હું નવી રીતે સલાહ આપીશ!'

'જી, મહારાજ! હું આપને એ જ કહેવાનો હતો. તમારી સલાહોની અસર સમર્થકોમાં દેખાતી હોય છે. પછી આપણે મિડીયા અને સોશિયલ મિડીયાથી માહોલ બનાવી દઈશું. એનાથી જંગલવાસીઓ ખુદ પડકારોનો ઉકેલ શોધી લેશે.' રીંછભાઈ જરા અટક્યા ને પછી ઉમેર્યું, 'રાજાજી! સલાહો આપવી, અપીલ કરવી એ તમારી ઓળખ છે. આપણી સરકારની ઓળખ છે. તેનાથી અદ્ભુત કામ થશે. એમાં આપણો રેકોર્ડ પણ ઉજળો છે.'

'તારી વાત સાચી છે. મેં અગાઉ સબસિડી જતી કરવાની અપીલ કરી તો જંગલવાસીઓ માની ગયા. મેં ધીરજ રાખવાની વાત કરી તો જંગલવાસીઓ માની ગયા. મેં ફિટ રહેવાની અપીલ કરી તો જંગલવાસીઓમાં ટ્રેન્ડ બન્યો, મેં સ્વચ્છતાની અપીલ કરી તો જંગલવાસીઓને મજા પડી ગઈ. મેં સીટી વગાડવાની, દીવડા પ્રગટાવવાની અપીલો કરી તો જંગલવાસીઓ જોડાઈ ગયા. મેં આત્મનિર્ભર બનવાની વાત કરી તો જંગલવાસીઓ માની ગયા. મેં પકોડા-ભજિયા બનાવીને રોજગારી મેળવવાની વાત કરી તો જંગલવાસીઓ માની ગયો. મેં રીલ્સ બનાવો, રોજગારી મેળવો - એવું સૂત્ર આપ્યું તો પણ જંગલવાસીઓ માની ગયા.' રાજા સિંહને તેમની અપીલો, સલાહો સાંભરી આવી. મનોમન બોલ્યા, 'શું મારાં ભાષણોની અસર છે...'

રાજા સિંહ આત્મમુગ્ધ થઈને સાવ ખોવાઈ જાય તે પહેલાં રીંછભાઈએ મોટેથી કહ્યું, '...તો મહારાજ હું વીડિયો મેસેજની વ્યવસ્થા કરાવું છું. આપનું ભાષણ લખવા માટે કવિશ્રી કલકલિયા કલમઘસુને મોકલું છું.'

***

બધી વ્યવસ્થા થઈ ગઈ. રાજા સિંહનો વીડિયો મેસેજ રેકોર્ડ થઈ ગયો ને જંગલના સોશિયલ મિડિયામાં શેર થયો. વિડીયોમાં રાજા સિંહે અપીલ કરીઃ 'આપણે જંગલને મહાન બનાવવાનું છે એટલે આપણે સૌએ ખોરાક ઓછો કરવાનો છે. હવાની અછત ન સર્જાય તે માટે બને એટલા શ્વાસ રોકવાની પ્રેક્ટિસ કરવાની છે. તરસ અસહ્ય બને તો જ પાણી પીજો. શોપિંગ તો બિલકુલ ન કરશો. હું વાંદરાઓને અપીલ કરીશ કે એ એક ઝાડથી બીજા ઝાડ પર કૂદાકૂદ ન કરે. પાંદડાને ખરતા બચાવો. પક્ષીઓ હવામાં ઉડે ત્યારે પાંખો ઓછી ફફડાવે. પ્રાણીઓ ચાલવાનું ઘટાડે. બને તો માળા, ગુફા, બખોલોમાં ભરાઈ રહો. પ્રવાસો ન કરો. આ જ જંગલભક્તિ છે.'

બીજા દિવસે 'જંગલ ન્યુઝ'માં જંગલવાસીઓએ જોયું, રાજા સિંહ ૫-૧૦ દિવસના પ્રવાસે નીકળી ગયા હતા...