For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુલામદાસ ગધેડા આયોજિત 'પાર્ટી બદલો મેળો'ને અભૂતપૂર્વ આવકાર

Updated: Mar 14th, 2024

ગુલામદાસ ગધેડા આયોજિત 'પાર્ટી બદલો મેળો'ને અભૂતપૂર્વ આવકાર

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ઉજળો ક્રિમિનલ રેકોર્ડ, કટ્ટર ધાર્મિક ઈમેજ, બેફામ નિવેદનો આપવાની આવડત ધરાવતા જંગલના નેતાઓ માટે ગુલામદાસ ગધેડો રાજા સિંહને ભલામણ કરતો એટલે તેમના માટે પક્ષ પલટવાની સારી તક સર્જાઈ હતી

જંગલના સૌથી સફળ બિઝનેસમેન ગુલામદાસ ગધેડાની કંપની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડે' કેટલાય ક્ષેત્રોમાં ઝંપલાવીને ધારી સફળતા મેળવી હતી. ગુલામદાસ ગધેડાના રાજા સિંહ સાથેના ગાઢ સંબંધોના કારણે કેટલાય સરકારી કોન્ટ્રાક્ટ ગધેડાની કંપનીને મળતા. જંગલની બેંકો ગધેડાના નામથી કરોડોની લોનો મંજૂર કરતી એટલે કોઈ વાતે અત્યારે ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડને ઓછું આવે તેમ ન હતું. ગધેડોય સંબંધો સાચવવામાં ભારે માહેર હતો. રાજા સિંહનો તમામ ચૂંટણી ખર્ચ એ એટલા હાથે ઉઠાવી લેતો. જરૂર પડે ત્યાં વિપક્ષના ધારાસભ્યો-સાંસદો ખરીદવાનું ફંડ એ છૂટા હાથે આપતો.

એક બાજુ ગુલામદાસ છૂટા હાથે ફંડ વેરતો હતો તો બીજી બાજુ જ્યાં તક મળે ત્યાંથી બે હાથે વકરો એકઠો પણ કરી લેતો હતો. ચૂંટણી નજીક આવી એ વખતે ગુલામદાસે નેતાઓ માટે પાર્ટી બદલો મેળો યોજ્યો. બિઝનેસ પાર્ટનર પપ્પુ પોપટ સાથે મળીને ગુલામદાસે નેતાઓની ફાઈલો તપાસવાનું શરૂ કર્યું હતું. પાર્ટી બદલવા ઈચ્છતા નેતાઓ માટે ગુલામદાસે એકદમ પ્રોફેશનલ વ્યવસ્થા ગોઠવી હતી. રાજકારણમાં જરૂરી હોય એવા ગુણો ધરાવતા નેતાઓની જ ફાઈલો મહારાજા સિંહ અને તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈ સુધી પહોંચતી. ખાસ તો જે નેતાઓ ઉજળો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોય, બેફામ નિવેદનો આપવામાં માહેર હોય, કટ્ટર ધાર્મિક ઈમેજ ઉભી કરી હોય, રાજા સિંહની પ્રશંસા કરી શકતા હોય તેમના માટે પક્ષ પલટો સરળ રહેતો.

પલટીબાજ નેતાના કેસમાં બધું બરાબર હોય તો રીંછભાઈ ફાઈલની ઉપર ગ્રીનપેનથી રાઈટની નિશાની કરી દેતા ને તેમાં સિંહની સાઈન થઈ જતી એટલે કોઈ એક સારા દિવસે એ નેતા સત્તાવાર રીતે પક્ષપલટું જાહેર થઈ જતો ને ભારે ગૌરવ અનુભવતો. ગુલામદાસ ગધેડાના પાર્ટી બદલો મેળોમાં સૌથી વધુ નેતાઓ વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીમાંથી આવતા હતા. રાજા સિંહ અને રીંછભાઈ પણ સસલાભાઈના નેતાઓને પાર્ટીમાં લેવા વધારે ઉત્સુક હતા એટલે ગુલામદાસ-પપ્પુનું ફોકસ પણ એ તરફ જ રહેતું.

પણ ઘણા નેતાઓને પાર્ટી બદલવામાં તેમના જૂનાં નિવેદનો આડે આવતા હતાં. પાર્ટી બદલી નાખે કે તુરંત એ નેતાઓ મહારાજા સિંહની ઝાટકણી કાઢતા હોય એવા જૂના વિડીયો વાયરલ થતા. ગુલામદાસ પાસે એનોય ઉકેલ હતો. ધારો કે વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીમાંથી કોઈ નેતા રાજા સિંહની પાર્ટીમાં આવવા ઈચ્છતો હોય અને સસલાભાઈએ અગાઉ તેને મહત્ત્વના હોદ્દા આપ્યા હોય. વળી, તે વખતે આ નેતાએ સસલાભાઈના ભરપેટ વખાણ કર્યા હોય ને રાજા સિંહની કડકમાં કડક શબ્દોમાં ટીકા કરી હોય તેવા અઘરા કિસ્સામાં ગુલામદાસ ગધેડો એની કંપનીના ભાષણલેખકો પાસે જુદી જ સ્ક્રિપ્ટ લખાવતો. એમાં નેતાનું હૃદય પરિવર્તન થયું હોય એવો સૂર ઉઠતોઃ 'પહેલાં મારી આંખો બંધ હતી. હું રાજા સિંહનો વિકાસ જોઈ શકતો ન હતો. સસલભાઈની જંગલ વિરોધી, ધર્મ વિરોધી ગતિવિધિ ધ્યાનમાં આવતી ન હતી, હવે અંતરમનનાં તમામ કમાડ ખૂલી ગયાં છે એટલે જૂનું બધું ભૂલીને રાજા સિંહના વિઝનને સંપૂર્ણ સમર્થન આપું છું.'

એમ તો સાઈબર ક્રાઈમ એક્સપર્ટ ફ્રોગભાઈ ફ્રોડની મદદથી ગુલામદાસ ગધેડો અને પપ્પુ પોપટ માથે ઉભા રહીને જૂના વિડીયો સોશિયલ મિડીયા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવાનું કામ પણ કરી જાણતા હતા. આ પલટીબાજ નેતાઓ મુદ્દે રાજા સિંહની પૉલિસી બહુ જ સ્પષ્ટ હતીઃ ચૂંટણીમાં ઉપયોગી હોય તો વધુમાં વધુ એક વખત તક આપવી. પછી સાઈડલાઈન કરીને એ નેતાને ક્યાંયનો ન રહેવા દેવો. જો સાઈડલાઈન કર્યા પછી એ નેતા બહુ આડો ફાટે તો તપાસ એજન્સીઓના અધિકારીઓ એનું કામ કરીને મામલો થાળે પાડી દેતા.

ગુલામદાસ આયોજિત પાર્ટી બદલો મેળો ધારણા પ્રમાણે જ ભારે સફળ રહ્યો. નેતાઓને બેસ્ટ વેલ્યુ અપાવીને ગુલામદાસ-પપ્પુની જોડીએ એના કમિશનમાંથી ઘણી કમાણી કરી. જે નેતાઓને મંત્રાલયો મળ્યા હોય કે મળવાના હોય એ તો આ બંને બિઝનેસમેન માટે કાયમી કમાણીનો મજબૂત સ્રોત બની જતા.

***

રાજા સિંહના પક્ષના નારાજ નેતાઓ અન્ય પાર્ટીઓમાં જવા માટે ગધેડાનો સંપર્ક કરતા હતા, પણ એમાં ગધેડાનેય ખાસ કમાણી થતી નહીં એટલે એ રસ બતાવતો નહીં. સિંહની પાર્ટીના નેતાઓ બે કારણથી ભારે અવઢવમાં હતા. એક, રાજા સિંહ તેમને ખાસ ગણકારતા નહીં ને બીજી પાર્ટીઓમાંથી આવતા નેતાઓને માનપાન મળતા. બીજું, વિપક્ષના નેતા સસલભાઈ કે મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા પાસે એવું કશું હતું નહીં કે આ નેતાઓનું મૂલ્યાંકન કરીને સરખો ભાવ આપી શકે.

વળી, વિપક્ષના મુખ્ય નેતાઓ - સસલાભાઈ અને મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા પાસે એટલું ફંડ હતું જ નહીં કે રાજા સિંહના નેતાઓ ખરીદી શકે.

ને ધારો કે ડીલ કરી લે તો બદલામાં આપવા માટે કોઈ પદ ન હતા. સસલાભાઈ પોતે પદ વગરના હોય ત્યારે પલટીબાજ નેતાઓને કયા પદ આપે?

Gujarat