For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલમાં પાણી ભરાયું તે પાછળ મહારાજા નહીં, મેઘરાજા જવાબદાર : મગરભાઈ માથાભારેનો બચાવ

Updated: Jul 14th, 2022


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ વરસાદનું લાઈવ કવરેજ શરૂ કર્યું: 'નમસ્કાર હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલની નંબર વન ન્યૂઝ ચેનલ 'જંગલ ન્યૂઝ'. જંગલમાં ચારેબાજુ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ક્યાંકને ક્યાંક આખા જંગલમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને એ પાણીમાં ક્યાંકને ક્યાંક અનેક જંગલવાસીઓ ફસાઈ ચૂક્યા છે. જંગલમાં પાણી ભરાયું એ પાછળ મહારાજા સિંહની સરકાર જવાબદાર છે? શું પ્લાનિંગ અધિકારી મગરભાઈ માથાભારે જવાબદાર છે? કે હવામાન વિભાગના અધિકારી ફ્રોગભાઈ ફોરકાસ્ટરે આગાહી કરવામાં થાપ ખાધી? આ સવાલોના જવાબો મેળવીશું. એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ...'

*

વિરામ બાદ હસીના હરણીએ જંગલમાં થયેલા ભારે વરસાદનો વિગતવાર અહેવાલ આપ્યો તેના કેટલાક અંશો...

હસીના હરણી અને તેની ટીમ જંગલની ગૌશાળામાં પહોંચી ગઈ. ગાયબહેન જ્ઞાાની સહિતની ગાયોનો ચારો વરસાદી પાણીમાં ભીંજાઈ ચૂક્યો હતો. ઘૂંટણ સુધીનાં પાણીમાં ઊભી રહેલી ગાયો પાસે પહોંચીને હસીના હરણીએ કપાળમાંથી વરસાદના ટીપાં સાફ કરતાં કરતાં જંગલની ટીવી ચેનલો માટે અનિવાર્ય એવો સવાલ ગાયબહેન જ્ઞાાનીને પૂછ્યો: '...તો તમને કેવું લાગી રહ્યું છે?' કોરો ચારો બાંધીને સલામત સ્થળે જવાની તૈયારીમાં પડેલા ગાયબહેને ઉતાવળે કટાક્ષમાં જવાબ આપ્યો: 'બહુ જ અવિસ્મરણીય અનુભવ. પાણીની અછતનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આવી મહેર કરવા બદલ અમે મહારાજા સિંહનો આભાર માનીએ છીએ'.

*

ત્યાંથી નીકળીને હસીના હરણી પાડાભાઈ પંચાતિયા જ્યાં ફસાયા હતા ત્યાં પહોંચી ગઈ. પાડાભાઈ પંચાતિયા તેમના મિત્રો સાથે વરસાદના મુદ્દે પંચાત કરવા પહોંચ્યા હતા એ સમયે જ જોરદાર વરસાદ ખાબક્યો હતો. પાડાભાઈના રેસ્ક્યૂ માટે હાથીઓની ટીમ કામે લાગી હતી. જંગલના સુરક્ષા અધિકારી બબ્બનકુમાર બિલાડા હાથીની અંબાડી પર બેસીને વારંવાર હાથીઓની ટુકડીને આક્રમક થઈને સૂચનો કરતા હતા. તેમની મ્યાંઉ મ્યાંઉથી થાકીને આખરે હાથીભાઈ હરખપદૂડાએ બબ્બનભાઈને સૂંઢમાં પકડીને દૂર ક્યાંક ફંગોળી દીધા. એ પછી હસીનાએ પણ બચાવનો અહેવાલ પડતો મૂકીને ચાલતી પકડી...

*

હસીનાને વિચાર આવ્યો કે મહારાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈનો ટેલિફોનિક ઈન્ટરવ્યૂ થઈ જાય તો ચેનલની ટીઆરપી (તિકડમ રેટિંગ પદ્ધતિ)નો ગ્રાફ ઊંચો ચડી જાય. હસીનાએ સૌથી પહેલાં સ્માર્ટનેસ વાપરીને વિપક્ષના સસલાભાઈને ફોન જોડયો. ફોનની રાહમાં જ હોય એમ સસલાભાઈ બોલવા માંડયા: 'જંગલની સરકારનું આયોજન સદંતર નાકામ રહ્યું છે. આટલું ખરાબ મોન્સૂન મેનેજમેન્ટ તો અમારી સરકાર વખતેય ન હતું. ચારેબાજુ પાણી ભરાયું એ માટે માત્રને માત્ર મહારાજા સિંહ જવાબદાર છે'.

હસીનાને ખાતરી હતી કે સસલાભાઈનું નિવેદન સાંભળ્યા પછી હવે રીંછભાઈ બચાવ કરવા ફોનમાં હાજર થશે. એમ જ થયું. રીંછભાઈએ ફોન ઉપાડયો કે તરત જ હસીના હરણીએ પૂછી લીધું: 'પહેલાં વરસાદમાં જ જંગલમાં ચારેકોર પાણી ભરાઈ ગયું એ પાછળ મહારાજા સિંહની સરકાર જવાબદાર હોવાનો વિપક્ષી નેતા સસલાભાઈનો આરોપ છે. તમે શું કહેશો?' રીંછભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો: 'મહારાજા સિંહે તો ચોમાસા પહેલાં બેઠકો યોજીને સૂચના આપી દીધી હતી, પણ ફ્રોગભાઈ ફોરકાસ્ટરની આગાહીમાં પાણી ભરાશે એવો ઉલ્લેખ ન હતો. આ તેમની અને દેડકાસમાજની આગાહીની નિષ્ફળતા કહેવાય.'

*

હસીના હરણીએ ફ્રોગભાઈ ફોરકાસ્ટરને સ્ટુડિયોમાં બોલાવીને સવાલોનો વરસાદ વરસાવ્યો. ફ્રોગભાઈએ અહેવાલની નકલ વાંચી સંભળાવી અને અખબારોના અહેવાલોની ફાઈલ પણ દર્શકો સમક્ષ રજૂ કરી. એમાં મહારાજા સિંહે ફ્રોગભાઈ ફોરકાસ્ટરના અહેવાલના આધારે પ્લાનિંગ અધિકારી મગરભાઈ માથાભારેને મોનસૂન પ્લાનિંગનો આદેશ આપ્યો હતો એ વાત સ્પષ્ટ થતી હતી.

હસીનાએ જંગલના પ્લાનિંગ અધિકારી મગરભાઈ માથાભારે સાથે વાત કરવાના અનેક પ્રયાસો કર્યા પછી આખરે બે મિનિટ માટે વિડિયો લિંકથી જોડાયેલા મગરભાઈએ સાદું પ્લાનિંગ સમજાવતા કહ્યું: 'વરસાદથી બચવાનો એક જ રસ્તો છે, સ્થળાંતર. પાણી ભરાવાની શક્યતા હોય એ સ્થળેથી અન્ય સ્થળે જતાં રહેવું. અમે તો સદીઓથી એવું જ કરીએ છીએ. જંગલવાસીઓની સ્થિતિ માટે જંગલવાસીઓ ખુદ જવાબદાર છે' એમ કહીને મગરભાઈ માથાભારેએ કેટલાક કાગળો બતાવ્યા અને ઉમેર્યું: 'ફ્રોગભાઈ ફોરકાસ્ટરના અહેવાલ પછી તુરંત જ મેં તમામ જંગલવાસીઓને પાણીથી બચવાની ચેતવણીઓ આપી દીધી હતી. આનાથી વિશેષ પ્લાનિંગ તો બીજું શું હોય?'

હસીનાએ પૂછ્યું: 'તો પાણીના નિકાલની વ્યવસ્થા અને એ બધું...' સવાલ અધવચ્ચેથી કાપતા મગરભાઈ ગુસ્સામાં તાડૂક્યા: 'ઓહ.. એક્સક્યૂઝ મી! તો તમે એમ કહો છો કે આ બધું સરકારે કરવાનું હોય? પાણી ભરાય એમાં જંગલની સરકાર કેવી રીતે જવાબદાર છે?'

હસીના હરણીએ વળતો સવાલ કર્યો: 'તો ઠેર-ઠેર પાણી ભરાયું એના માટે કોણ જવાબદાર છે?'

મગરભાઈ માથાભારેએ બેબાક થઈને ઠંડા કલેજે કહ્યું: 'મેઘરાજા!'

જવાબ સાંભળ્યા પછી ડઘાઈ ગયેલી હસીના હરણીએ વરસાદનું કવરેજ અધૂરું મૂકવાની જાહેરાત કરતા કહ્યું : 'તો દર્શકમિત્રો હવે આપણે સાંભળીશું ફિલ્મીગીતોનો વિશેષ કાર્યક્રમ...જેમાં આજે આપણે માણીશું, વરસાદી ગીતો....'

Gujarat