Get The App

ટાઢી સાતમના દિવસે માદાઓની પાણીપુરી પાર્ટી

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ટાઢી સાતમના દિવસે માદાઓની પાણીપુરી પાર્ટી 1 - image

- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- નરોએ મધરાતે ઘુવડોની ટોળકી સાથે મળીને રમત શરૂ કરી, પરંતુ એમાં એવું વિઘ્ન આવ્યું કે બધા નરોનાં ખિસ્સાં ખાલીખમ થઈ ગયાં...

'કાલે મોડી સાંજે આપણે પાણીપુરીની પાર્ટી કરીએ તો કેવું?' રાંધણ છઠ્ઠના દિવસે માદાપાર્ટીની મીટિંગમાં મંગળા માછલીએ આઈડિયા આપ્યો.

'હું તૈયાર છું. ક્યાં  જવાનું છે એ કહી દેજે,' પાણીપુરી ખાવાનાં અઠંગ શોખીન બકુલાબહેન બકરીએ તરત ઉત્સાહ બતાવ્યો. આમેય બકુલાબહેન બકરી પાણીપુરીના શોખીનોમાં અવ્વલ નંબરે આવતાં. જંગલમાં એકેય એવી જગ્યા નહીં હોય કે જ્યાં બકુલાબહેને પાણીપુરી ન ખાધી હોય.

'હું પણ આવીશ.' ચક્રી ચકલીએ ઉમેર્યું, 'મેં તો ચક્રધર ચકલા માટે ઠંડુ બનાવી રાખ્યું છે અને એને બધું સમજાવી દીધું છે. એ એની રીતે ખાઈ લેશે.' 'મને નજીક પડે એવી જગ્યા હશે તો હું પણ આવીશ,' જ્ઞાાની ગાયબહેને તૈયારી બતાવી.

'પાણીપુરીની વાતમાં આપણે ક્યારેય ના પાડતાં જ નથી. દૂર-નજીક જ્યાં પણ હોય, હું પહોંચી જઈશ,' ભટકેલી ભેંસબહેનના મોંમાં તો પાણીપુરીની વાતથી પાણી આવી ગયા હતાં.

'ગુલામદાસ ગધેડા ઉદ્યોગપતિઓની મીટિંગમાં જવાના છે. હું ફ્રી જ છું. તમે કહેશો ત્યાં આવી જઈશ,' ગુલાલી ગધેડીએ ઉમેર્યું, '.. અને પાણીપુરી પાર્ટી મારા તરફથી. ગુલામદાસે આજે જ મને જન્માષ્ટમી માટે બજેટ આપ્યું છે.' 

ગુલાલીબેન ગધેડીની જાહેરાતને માદાપાર્ટીમાં પંજાઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી.

પાણીપુરી-પાર્ટીનો ફાયદો એ હતો કે તેમાં સાતમના દિવસે ઠંડું ખાવાનું વ્રત પણ જળવાતું હતું. બધી જ માદાઓએ નક્કી કરેલા સ્થળે ભેગી થઈ. એક પછી એક પાણીપુરીનાં સ્થળો એક્સપ્લોર કર્યા. બધી માદાઓએ વોટ્સએપ સ્ટેટ્સમાં, ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટામાં ટાઢીસાતમ હેશટેગથી ચિત્ર-વિચિત્ર મોંના આકારો કરીને ફોટા મૂક્યાં.

ફેસબુકમાં બાબાલાલ બકરાએ માદાઓની ગ્રુપ સેલ્ફી જોઈ. એ જ પળે એના દિમાગમાં ઝબકારો થયો, 'માદાઓ એની રીતે એન્જોય કરે છે તો આપણે શું કામ પાછળ રહેવું જોઈએ?' એણે સાતમની સાંજે તરત નરોના વોટ્સએપ ગુ્રુપમાં માદાઓની સેલ્ફી મૂકીને મેસેજ ડ્રોપ કર્યોઃ 'ચલો, રાતે આપણે પણ કંઈક ગોઠવીએ!'

ગ્રુપમાં બે-ત્રણ કોડવર્ડ્સ હતાં. એમાં પાર્ટી, રમત, કંઈક જેવા શબ્દોનો સમાવેશ થતો હતો. 'કંઈક ગોઠવીએ' એનો અર્થ સમજીને તુરંત નરોના ગ્રુપમાં મેસેજ શરૂ થયા. મહાસીર માછલાએ લખ્યું, 'આય્મ રેડી!' 

પાડા પંચાતિયાએ પૂછ્યું, 'ક્યાં અને ક્યારે?' કબૂતર કાનાફૂસિયાએ બાબાલાલના મેસેજને લાઈક કરીને સહમતી આપી.

તહેવારોમાં ગોઠવાતી આવી પાર્ટીઓની જવાબદારી બાબાલાલ બકરા ઉત્સાહથી ઉપાડી લેતા. બાબાલાલે તેમના મિત્ર વરુભાઈ વાંકાને ફોન કર્યો. વરુભાઈનો હોટલ-રેસ્ટોરન્ટનો બિઝનેસ હતો અને નિયમિત ઘરાકો માટે શોર્ટ નોટિસમાં એ ડાન્સ-ડ્રિંક્સની પાર્ટી પણ ગોઠવી આપતા. એમાં કમાણી સારી હતી. શોખીન ગ્રાહકો મોં માગ્યા દામ પણ મળતા. સાતમની રાતે બાબાલાલ બકરા, પાડાભાઈ પંચાતિયા, કબૂતર કાનાફૂસિયો, મસ્તરામ મોર, ચક્રધર ચકલો, ગુલામદાસ ગધેડો, પપ્પુ પોપટ, કાગડાભાઈ કંકાસિયા સહિતનું ગ્રુપ આવી પહોંચ્યું એટલે પાર્ટી શરૂ થઈ. હરણીઓ લહેરાઈને ડાન્સ કરવા માંડી. બીજી તરફ પીણા પીરસાવા માંડયા.

અહીં સુધી તો બધું રૂટિન હતું. વરુ વાંકાએ તહેવારને ધ્યાનમાં રાખીને 'રમવાની' વ્યવસ્થા પણ ગોઠવી હતી. જન્માષ્ટમીમાં એક તરફ ભક્તિભાવનો માહોલ હોય ને બીજી તરફ ખબર નહીં કેમ પણ જંગલમાં જુગાર રમવાનું પણ ચાલતું હોય. અંદરોઅંદર રમવાની શું મજા? બહારના ખેલાડીઓ હોય તો રંગ જામે એમ વિચારીને વરુએ અઠંગ જુગારી ઘુવડ ઘંટાલ અને તેની આખી ટીમને રમવા બોલાવી હતી. વરુ વાંકાને તો ચાંદી જ ચાંદી હતી. ખાણી-પીણી અને ડાન્સ માટે તો ગ્રાહકો સારું એવું બિલ ચૂકવવાના જ હતા, પરંતુ જુગાર રમવાનું અલગથી ભાડું મળવાનું હતું. એક દાવ પૂરો થાય કે ટોટલ રકમનો ૧૦ ટકા બેઠો હિસ્સો વરુને મળી જતો. વિશિષ્ટ પ્રકારના લીંબુંના ઝાડ ઘંટાલી પર અડ્ડો જમાવીને રાત રાતભર જુગાર રમી જાણતા ઘુવડને એ કારણે જ ઘંટાલીની ઉપમા મળી હતી. તેણે ઘુવડોની આખી ટીમ બનાવી હતી. એ દિવસે ઊંઘે ને રાતે જુગાર રમે. સતત મહાવરાના કારણે આ ટોળકી સામે જીતવાનું કામ કપરું હતું.

બાજીમાં કંઈ ન હોય તોય હિંમત બતાવીને ચાલ ઉપર ચાલ ચાલવામાં ઘુવડને જંગલમાં કોઈ ટક્કર આપી શકે તેમ ન હતું. વરુ વાંકાના કહેવાથી બધા નરોએ ઘુવડ ઘંટાલ સામે રમવાનો પડકાર ઉપાડી લીધો.

બધા ટેબલ પર ગોઠવાઈ ચૂક્યા હતા. ખાણી-પીણીની સાથે બાજુમાં નોટોની થપ્પી લાગી ગઈ હતી. એક પછી એક બાજી આગળ વધતી જતી હતી. બે-એક કલાક વીત્યા હશે કે અચાનક કંઈક હો-હા મચી ગઈ. ભટકેલી ભેંસબહેન વરુભાઈના સિક્યોરિટી ગાર્ડ્સને ધક્કો મારીને હોલમાં પ્રવેશ્યા અને તેની સાથે હતું માદાઓનું આખું ધાડું.

બસ, પછી શું? નરોની રોકડની થપ્પી કબજે કરીને માદાઓએ એવો હલ્લો બોલાવ્યો છે કે ટાઢી સાતમ મિનિટોમાં નરો માટે દઝાડતી સાતમ બની ગઈ!