For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટ્રેનતોડ અથડામણથી વાયરલ થયેલી બે ભેંસો સાથે એક્સક્લુઝિવ વાતચીત

Updated: Oct 13th, 2022

ટ્રેનતોડ અથડામણથી વાયરલ થયેલી બે ભેંસો સાથે એક્સક્લુઝિવ વાતચીત

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ભટકેલીબહેન અને ભગરીબહેન સાથે હસીનાનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં જ જંગલની સરકારના સુરક્ષા અધિકારી મગરભાઈ માથાભારે સ્ટૂડિયોમાં ત્રાટક્યા અને....

'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલ ન્યૂઝ'...' ચુલબુલી એન્કર હસીના હરણીએ ગળામાંથી અવાજ ઉપરાંત ઉત્સાહ પણ દર્શકો સામે ઠાલવ્યો: 'આ...જે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત થયા છે - ભેંસરત્નો એવાં શ્રી ભટકેલીબહેન અને શ્રી ભગરીબેન'

'નમસ્કાર!' બંને ભેંસોએ કેમેરા સામે આગળના બંને પગ ભેંગા કર્યાં.

'આ બંને ભેંસબહેનોનું નામ હવે જંગલમાં સહેજપણ અજાણ્યું નથી,' હસીના હરણીએ એન્કરસહજ કૃત્રિમ સ્માઈલ કરીને ટીવી ચેનલ માટે અનિવાર્ય એવો પ્રચાર શરૂ કર્યો: 'ટ્રેનતોડ પરાક્રમ કરનારી બંને ભેંસોની ટીવીમીડિયામાં આ સૌપ્રથમ મુલાકાત છે. આપણી સુપરએક્સક્લુઝિવ મુલાકાતમાં ભટકેલીબહેન અને ભગરીબહેન તેમના અભૂતપૂર્વ પરાક્રમ વિશે પહેલી વખત વાતચીત કરશે...'

ચુલબુલી હસીનાએ બે-ચાર વખત શરીરને આમતેમ લહેરાવ્યું અને પછી સ્માઈલ સાથે આગળ ચલાવ્યું: 'બંને મહેમાનો સાથે વાતચીત કરતાં પહેલાં વધુ એક વાર જોઈ લઈએ વાયરલ થયેલો વીડિયો.'

હસીના હરણીના જ વોઈસઓવરમાં વીડિયો પ્લે થયો: 'ધસમસતી આવતી ટ્રેનની સામે ધડાકાભેર અથડાયેલી આ ભેંસોને હવે આપણે સૌ ઓળખીએ છીએ... લાંબાં શિંગડાંથી શોભતું કાળું મોં આજે જંગલમાં કોઈથી અજાણ્યું નથી અને તેમનું પરાક્રમ પણ કોઈ જંગલવાસીથી છાનું નથી... નવી નવી શરૂ થયેલી ટ્રેન સાથે બેય ભેંસબહેનોએ એવી તો ટક્કર લીધી કે ટ્રેનના પતરાં નોંખાં કરી નાખ્યાં.. પરિણામ એ આવ્યું કે જંગલની સરકારે ટ્રેનને અધવચ્ચે અટકાવી દેવાની ફરજ પડી...'

'હવે આપણે વાત કરીએ શ્રી ભટકેલીબહેન ભેંસ અને શ્રી ભગરીબહેેન ભેંસ સાથે...' હસીના હરણીએ કેમેરા લૂક આપ્યા પછી બંને ભેંસો સામું જોઈને હાથ જોડયા: 'જંગલ ન્યૂઝના સ્ટૂડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે!'

હસીના: 'સૌપ્રથમ તો અમારા દર્શકોને એ જણાવો કે ટ્રેનને ટક્કર આપવાની પ્રેરણા તમને ક્યાંથી મળી?'

ભગરીબહેન: 'પ્રેરણાનું એવું ખાસ કંઈ નક્કી નથી હોતું, એ તો હાલતા-ચાલતા ગમે ત્યાંથી મળી જતી હોય છે'.

હસીના: (ફિલોસોફીથી પ્રભાવિત થઈને) વાહ શું વાત છે! સામાન્ય રીતે જંગલમાં પ્રેરણા મેળવવા માટે પ્રેરક પુસ્તકોનો જથ્થો વાંચવાનો ટ્રેન્ડ છે ત્યારે આમ હાલતા-ચાલતા પ્રેરણા મેળવી લેવી એ બહુ મોટી વાત કહેવાય. દર્શકમિત્રો! આવાં પ્રાણીત્વો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બહુ ગૌરવની વાત કહેવાય!' 

ભટકેલીબહેન:'મને તો ઘરમાંથી જ પ્રેરણા મળે છે.'

હસીના: 'ઓહ એમ? તમારા ઘરમાં આટલા બધાં પ્રેરક પ્રાણીત્વો છે?'

ભટકેલીબહેન: 'ના રે ના. મારા હસબન્ડ પાડાકુમાર પંચાતિયા પંચાત કરવામાંથી ઊંચા જ ક્યાં આવે છે? તેમની પાસે પરાક્રમનો બિલકુલ સમય નથી. એ કામ હું કરું છું. આ તો વાયરલ થયું એટલે બધાયને ખબર પડી, નહીંતર મારું તો આ રોજનું છે.'

હસીના: 'સ્કૂટર-કાર-રિક્ષા કે ઈવન રસ્તે જતા જંગલવાસીઓને બદલે એક્સપ્રેસ ટ્રેન સાથે ટકરાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?'

ભગરીબહેન: (સેલિબ્રેટી કરે એવા નખરા કરીને) 'એવી બધી નાની-નાની ટક્કરો ગાયો અને કૂતરાઓ કરે છે. ઘણાં કિસ્સામાં બિલાડા પણ કરતાં હોય છે. પણ એમાં પરાક્રમ નથી, થ્રિલ નથી. કોઈ કામ કરો તો...'

ભટકેલીબહેન:(ભગરીબહેનની વાત કાપીને) 'બસો-ટેક્સીઓ-ઓટોરિક્ષાઓ સાથે ટક્કર કરીને અમે અમારું સ્ટેન્ડર્ડ શું કામ નીચું લાવીએ?'

હસીના:  'પણ તમે જે ટ્રેન સાથે ટકરાયા એ ટ્રેન મહારાજા સિંહની ફેવરિટ ટ્રેન છે. તેમણે જાતે થોડાં સમય પહેલાં એ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. એમાં તેમણે પોતે મુસાફરી પણ કરી હતી.'

ભટકેલીબહેન:'મહારાજા સિંહે લીલી ઝંડી બતાવી એ મુદ્દે જ ભેંસ-પાડા સંયુક્ત સંગઠનમાં નારાજગી હતી. દરેક વખતે લીલી ઝંડી જ કેમ બતાવે છે?'

હસીના: 'તમને લીલીઝંડીથી કંઈ વાંધો છે?'

ભગરીબહેન: 'અમારો ભેંસસમાજ કેવા કલરનું પ્રતિનિધિત્વ કરે છે?'

હસીના: (થોડીવાર પછી દિમાગમાં લાઈટ થતાં) 'બ્લેક... બ્લેક...'

ભટકેલીબહેન: '...તો મહારાજા સિંહ કેમ ક્યારેય ટ્રેનના ઉદ્ધાટનમાં કાળો ઝંડો નથી બતાવતા?'

હસીના:'આઈ ગેસ, એ તો વિપક્ષમાં હોય એ બતાવેને? સિંહ તો રાજા છે. કિંગ કંઈ કાળો વાવટો થોડો ફરકાવે?'

ભગરીબહેન: 'બસ, જંગલમાં ચાલતા રંગભેદનો આ જ પુરાવો છે. મહારાજા ધારે તો લીલી ઝંડીને બદલે કાળી ઝંડી બતાવીને ટ્રેનનું ઉદ્ધાટન કરી જ શકે. તેમણે એવું ન કર્યું એટલે અમે નક્કી કર્યું કે ટ્રેનને નુકસાન કરીશું જ જંપીશું'

હસીના આગળનો સવાલ કરે તે પહેલાં અચાનક સ્ટુડિયોમાં કોલાહલ થઈ ગયો. કોઈ કંઈ સમજે-વિચારે તે પહેલાં જંગલની સરકારના સુરક્ષા અધિકારી મગરભાઈ માથાભારે આખી ટુકડી સાથે સ્ટૂડિયોમાં ધસી આવ્યા. પળનો જ વિલંબ કર્યા વગર મગરભાઈએ વૉન્ટેડ ભેંસોની ધરપકડ કરી. હસીના હરણી આ ઘટનાક્રમથી ડઘાઈ ગઈ. મગરભાઈ માથાભારેને માંડ એક સવાલ પૂછી શકી: 'કેમ શું થયું?'

'નવીનક્કોર એક્સપ્રેસ ટ્રેનને નુકસાન કરવાનો ગુનો દાખલ થયો છે. મહારાજા સિંહે ખર્ચ વસૂલવાનો આદેશ કર્યો છે.' 

મગરભાઈનો જવાબ સાંભળીને હસીનાએ કાર્યક્રમ સમેટતા કહ્યું: '...તો દર્શકમિત્રો! તમે 'જંગલ ન્યૂઝ'માં ભેંસબહેનોની એક્સક્લુઝિવ વાતચીત સાંભળી. 'જંગલ ન્યૂઝ' જ એવી પહેલી ટીવી-ચેનલ છે જે તમને ભેંસોની ધરપકડનું લાઈવ કવરેજ બતાવી રહી છે. જોતાં રહો 'જંગલ ન્યૂઝ'...'

Gujarat