Get The App

'ઘોડાઓને મળતું નથી ઘાસ, ગધેડાઓ ખાય છે ચ્યવનપ્રાશ'

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
'ઘોડાઓને મળતું નથી ઘાસ, ગધેડાઓ ખાય છે ચ્યવનપ્રાશ' 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- હાથીભાઈ હરખપદૂડાએ ભાષણ આપ્યું, 'માર્ગ અને પરિવહન વિભાગમાં ગધેડાઓ જે ભારવહનનું કામ કરે છે એ ઘટાડીને ઘોડાઓને તક આપવામાં આવશે. હું ઘોડાઓને રોજગારી આપીશ.'

હાથીભાઈ હરખપદૂડા મહારાજા સિંહની પાર્ટીના મહત્ત્વના નેતા હતા. રાજા સિંહની સરકારમાં માર્ગ અને પરિવહન મંત્રાલય સંભાળતા હતા. તેમણે જંગલમાં ઠેર-ઠેર નદીઓ પર પુલ બંધાવી આપ્યા હતા. જંગલના દરેક ખૂણે રસ્તો પહોંચે તે માટે હાથીભાઈ ભારે પ્રયાસો કરતા હતા. હાથીભાઈ કહેતા કે તેમની પાસે રસ્તાઓ અને પુલો બાંધવાનું વિઝન છે એવું કોઈ નેતા પાસે નથી. એમ કહીને હાથીભાઈ રાજા સિંહના વિઝનને પડકારતા હતા, પરંતુ રાજા સિંહ એનો કોઈ જવાબ આપતા નહીં. જંગલના ઘણાં રાજકીય વિશ્લેષકો માનતા કે પાર્ટીમાં રાજા સિંહને ટક્કર આપી શકે એવો કોઈ નેતા હોય તો એ હાથીભાઈ હરખપદૂડા જ છે, કારણ કે રાજા સિંહની જેમ હાથીભાઈ હરખપદૂડાના રાજકીય ગુરુ પણ બગલાભાઈ હતા.

બગલાભાઈ સ્વયં અનેકાનેક રાજકીય નેતાઓ અને કાર્યકરો માટે પ્રેરણારૂપ હતા, કારણ કે બગલાભાઈ કાયમ રામ-રામ બોલતા ને તે છતાં સિફતપૂર્વક માછલી કે દેડકાંનો શિકાર કરી જાણતા. તેમનામાં આ અજબ આવડત હતી. બગલાભાઈ મૂળે તો જંગલમાં સંસ્કાર આપવાનું કામ કરતી પાઠશાળા ચલાવતા. બગલાભાઈ એમ માનતા કે જંગલવાસીઓએ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે સંસ્કાર મેળવવા જોઈએ અને જંગલની સંસ્કૃતિને બચાવવી જોઈએ.

બગલાભાઈની સંસ્કારી પાઠશાળામાં જ ભણેલા ને બગલાભાઈને રાજકીય ગુરુ માનતા સિંહ અને હાથીમાંથી સિંહને રાજા બનવામાં સફળતા મળી પછી બગલાભાઈના કહેવાથી જ હાથીભાઈ હરખપદૂડાને જંગલની સરકારમાં મંત્રાલય મળ્યું હતું. હાથીભાઈ હરખપદૂડા રાજા સિંહની સ્પર્ધામાં હતા. જો તક મળે તો ગમે ત્યારે જંગલની ગાદી પર બેસવા તૈયાર હતા. રાજા સિંહ અને હાથીભાઈ વચ્ચે અંદરોઅંદર ન દેખાય એવી સ્પર્ધા પણ ચાલતી. રાજકીય સલાહકાર રીંછભાઈ સાથે મળીને રાજા સિંહે હાથીભાઈ પર ખાસ નજર રાખી હતી.

હાથીભાઈની વોટબેંકમાં ઘોડા સમાજ મહત્ત્વનો હતો. રાજા સિંહની વોટબેંકમાં ગધેડા સમાજનો હિસ્સો મોટો હતો. પરિણામે બંને પોત-પોતાની વોટબેંટ સાચવવા મથામણ કરતા. હાથીભાઈ રોડ અને પુલો બનાવવાના સરકારી કામોમાં ઘોડાઓની મદદ લેતા અને ઘોડાઓને રોજગારી આપતા. રાજા સિંહ ગધેડાઓ પર મહેરબાન હતા. રાજા સિંહના કાર્યકાળમાં જ ગુલામદાસ ગધેડા જંગલના સૌથી ધનવાન ઉદ્યોગપતિ બની ગયા હતા. રાજા સિંહના કાર્યકાળમાં ગધેડાઓનો દબદબો વધ્યો હતો. ડોન્કીકુમાર દોઢડાહ્યો અનેક ક્ષેત્રોમાં દોઢડહાપણ કરીને નામ કમાયો હતો. જંગલના પોપ્યુલર સિંગર-ડાન્સર ડોન્કીકુમાર ડિન્કો પાસે તો રાજા સિંહે સરકારી યોજનાઓ એટલા જિંગલ્સ ગવડાવ્યા કે હવે લગભગ બધી યોજનાઓમાં એનો જ અવાજ સાંભળવા મળતો. બિઝનેસમાદા મિસ ગુલગુલ ગધેડી યુવાધનવાન જંગલવાસીઓના લિસ્ટમાં ચમકવા માંડી હતી. તેના સ્ટાર્ટઅપને સરકારી ફંડ મળતું હતું. ગુલગુલને ગુલામદાસ ગધેડાનું સમર્થન મળી રહેતું. તેમની દોસ્તી ચર્ચામાં રહેતી હતી.

ગધેડાઓનો દબદબો વધ્યો હતો. ઘોડાઓની પહેલા જેવી નામના ન હતી. ઘોડાઓનો ઈતિહાસ જાણીતી હતો ખરો, પરંતુ હવે પહેલા જેવો પ્રભાવ જોવા મળતો નહીં. ઘોડાઓ ખૂબ ટેલેન્ટેડ હતા, પરંતુ લાગવગના જમાનામાં જુગાડુ ગધેડાઓ ક્યાંય આગળ વધી ચૂક્યા હતા. જંગલમાં આવા માહોલમાં ઘોડાઓનું સ્નેહમિલન યોજાયું. આખા ઘોડા સમાજે ખાસ આગ્રહ કરીને હાથીભાઈ હરખપદૂડાને મુખ્ય મહેમાન બનાવ્યા. વોટબેંકને ખુશ કરવા હાથીભાઈ ખાસ હાજર રહ્યા ને તેમણે હરખાઈને ભાષણ આપ્યું, 'ગઈકાલ ઘોડાઓની હતી, આજ ઘોડાઓની છે અને આવતીકાલ ઘોડાઓની હશે.' 

આ વાક્યથી આખાય ઘોડા સમાજમાં ઉન્માદ વ્પાપી ગયો. ઘોડાઓએ હણહણાટી કરી મૂકી. હાથીભાઈએ આગળ ચલાવ્યું, 'હું રોડ અને પરિવહન મંત્રાલયમાં ઘોડાઓને વધુને વધુ તક આપીશ. ઘોડા સમાજની યુવાપેઢી આ કાર્યમાં મારી સાથે જોડાશે તો જંગલમાં આપણે વધારે રસ્તા અને પુલો બનાવી શકીશું.' 

ઘોડાઓએ ખરીઓ ટકરાવીને આ વાતને વધાવી લીધી. ઘોડાઓના શોરથી હરખઘેલા બનેલા હાથીભાઈ બોલ્યા, 'વિભાગમાં ગધેડાઓ જે ભારવહનનું કામ કરે છે એ ઘટાડવામાં આવશે અને ઘોડાઓને નવી તક આપવામાં આવશે. ઘોડાઓનો ઈતિહાસ શૌર્યથી ભર્યો છે. ભારવહનનું કામ તેમના માટે રમત વાત છે.' રાજા સિંહની ગધેડા કેન્દ્રીય યોજનાઓ પર આડકતરો કટાક્ષ કરતાં હાથીભાઈ બોલ્યા, 'ગધેડાઓને પ્રમોટ કરવા આખી સિસ્ટમ ચાલી રહી છે. તેના કારણે સ્થિતિ એવી આવી ગઈ છે કે ઘોડાઓને નથી મળતું ઘાસ, ગધેડાઓ ખાય છે ચ્યવનપ્રાશ. પણ હું તમારા સૌ માટે આ શિયાળામાં ચ્યવનપ્રાશની વ્યવસ્થા કરીશ!'

હાથીભાઈ હરખપદૂડાની આ જાહેરાતથી ઘોડા સમાજ બેહદ ખુશ થયો. ભાષણ વાયરલ થયું. ભાષણનો વિડીયો ગધેડાઓના ધ્યાનમાં આવ્યો. હાથીભાઈ હરખપદૂડાની આ વાતથી ગધેડાઓ ભારે નારાજ થયા. રાજકીય સલાહકાર રીંછભાઈએ રાજા સિંહને પણ વિડીયો બતાવ્યો. ચ્યવનપ્રાશ ઘોડાઓ પાસે ન પહોંચે તે માટે રાજા સિંહ અને રીંછભાઈએ તુરંત વ્યૂહ ઘડી કાઢ્યો. ગુલગુલ ગધેડીની કંપની સરકારી ફંડથી ચ્યવનપ્રાશનું ઉત્પાદન કરતી હતી અને તેના વેચાણની જવાબદારી ગુલામદાસ ગધેડાની 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' પર હતી. તેમણે રાજા સિંહની સૂચનાથી ચ્યવનપ્રાશનો બધો જથ્થો એક્સપોર્ટ કરી દેવાયો. ગધેડા સમાજના આંતરિક વર્તુળોમાં નવો નારો ગૂંજતો હતો : 'ભલે ગધેડાઓ નહીં ખાય ચ્યવનપ્રાશ, પણ ઘોડાઓને તો સૂંઘવા પણ નહીં મળે ચ્યવનપ્રાશ!'