Get The App

સિંહે સત્તામાં આવવા એલપીજીનો સહારો લીધો: સસલાભાઈ સસલાભાઈએ એલપીજીથી રાજકીય ફાયદો મેળવ્યો : રાજા સિંહ

Updated: Mar 12th, 2026

GS TEAM

Google News
Google News
સિંહે સત્તામાં આવવા એલપીજીનો સહારો લીધો: સસલાભાઈ સસલાભાઈએ એલપીજીથી રાજકીય ફાયદો મેળવ્યો : રાજા સિંહ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં એલપીજી મુદ્દે રાજકારણ શરૂ થયું હતું. રાજા સિંહથી લઈને સામાન્ય જંગલવાસીઓ સુધી સૌએ એલપીજી અંગે યુનિક વિચારો વ્યક્ત કર્યા...  

'એલપીજી - લોંચ ધ મિસાઈલ (એલ), પેનિક (પી) એન્ડ ગ્લોબલ શોક (જી).' 

વિદેશી જંગલના રાજા ગોલ્ડન ઈગલે સોશિયલ મિડીયામાં આ પોસ્ટ મૂકીને હાહાકાર મચાવી દીધો. ગોલ્ડન ઈગલે બીજા કોઈ રાજાના જંગલમાં મિસાઈલો છોડીને આ મેસેજ આપ્યો હતો. ગોલ્ડન ઈગલે આ મેસેજથી સ્પષ્ટ કર્યું કે મિસાઈલ લોંચ કરીને તેમણે ઘણાં જંગલોમાં પેનિક એટલે કે ભયનો માહોલ ફેલાવ્યો છે અને તેનાથી ગ્લોબલ એટલે કે બધાં જ જંગલો આઘાતમાં છે.

ગોલ્ડન ઈગલની પોસ્ટ પછી બધા જંગલોમાં એલપીજી... એલપીજી... થઈ ગયું. હેશટેગ એલપીજીનો ટ્રેન્ડ ચાલ્યો. બધાએ એલપીજી અંગે પોતાનો વિચારો વ્યક્ત કર્યાં. સૌથી પહેલું રિએક્શન આવ્યું વિપક્ષના નેતા સસલાભાઈનું. તેમણે રાજા સિંહ પર આરોપ લગાવતા કહ્યું, 'દોસ્તો! રાજા સિંહે સત્તામાં આવવા માટે એલપીજીનો સહારો લીધો છે. રાજા સિંહે લાઈ (એલ), પ્રોમિસ (પી) અને ગિમિક (જી)નું આખું ષડયંત્ર રચ્યું અને આખુંય જંગલ એમાં ફસાઈ ગયું. તમને સૌને હું રાજા સિંહનું ષડયંત્ર વિસ્તારથી સમજાવું છું. તેમણે જંગલમાં જાતભાતના જૂઠાણાં ચલાવીને પ્રોમિસ એટલે કે વાયદા કર્યા. જૂઠાણાં અને વાયદાનું ચક્ર ચાલતું રહે તે માટે તેમણે ગિમિક એટલે કે યુક્તિઓ કર્યા કરી. પરિણામે તેઓ રાજાના સિંહાસને ચિપકી ગયા છે.'

રાજા સિંહે તુરંત વીડિયો જાહેર કરીને સસલાભાઈને જવાબ આપ્યો. રાજા સિંહ તેમના આગવા અંદાજમાં બોલતા હતા: 'મારા પ્યારા જંગલવાસીઓ! એલપીજીનો રાજકીય ફાયદો તો સસલાભાઈએ ઉઠાવ્યો છે.' રાજા સિંહે એક લાંબો પોઝ લીધો. એક-બે વખત હોઠ ખોલીને બીડયા ને પછી ઉમેર્યું, 'હું તમને આજે એલપીજીનો સાચો અર્થ જણાવી રહ્યો છું.' એક-બે વખત શ્વાસ ભર્યો ને શ્વાસ બહાર કાઢ્યો પછી રાજાએ આગળ ચલાવ્યું, 'સસલાભાઈ અને તેમની પાર્ટીએ કૌભાંડો કરીને લોંગ ટર્મ (એલ) પોલિટિકલ (પી) ગ્રોથ (જી) કર્યા છે. તમારી સરળતા માટે હું તો આ એલપીજીનો અર્થ કરીશ કે લાંબા (એલ) પોલિટિકલ (પી) ગોટાળા (જી) કરીને તેમણે એલપીજીનો ફાયદો ઉઠાવ્યો છે.'                     

વિપક્ષના નેતા મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ સસલાભાઈ અને સિંહની ટિપ્પણીઓમાં કકળાટ કર્યો : 'સસલાભાઈ માટે હું એટલું જ કહીશ કે તેઓ લાઉડ પબ્લિસિટી ગિમિક કરી રહ્યા છે. રાજા સિંહને એટલી સલાહ છે કે કોઈ એક ભાષાના શબ્દો પ્રયોજે. આમાં જંગલવાસીઓને એલપીજીનો મેળ બેસાડવાનું અઘરું પડે છે.' 

જંગલનાં માદા મુખ્યમંત્રી વાઘણબહેન કાચબાભાઈની કમેન્ટમાં ફની ઈમોજી રિએક્ટ કરી ગયાં.

રાજા સિંહના અંગત વિશ્વાસુ રીંછભાઈએ મુખ્યમંત્રી કાચબાભાઈને ટેગ કરીને વ્યંગમાં જવાબ આપ્યો: 'તમે પણ એલપીજીમાં માહેર છો. 'લાંબી (એલ) પોલિટિકલ (પી) ગપસપ (જી)માં તમને કોઈ પહોંચે તેમ નથી.' જંગલના જાણીતા કવિ અને કાચબાભાઈના મિત્ર રહી ચૂકેલા કલકલિયા કુમાર મુશાયરાની સ્ટાઈલથી રીંછભાઈની પોસ્ટમાં લખી ગયા: 'બહોત અચ્છે!'

જંગલના બધા નેતાઓને એલપીજી મુદ્દે અંદરો અંદર બાખડતા જોઈને કબૂતર કાનાફૂસિયાએ લખ્યું: 'લાંબી (એલ) પંચાત (પી) અને ગેરસમજ (જી).' કબૂતરના મિત્ર મસ્તરામ મોરે ટપારતા કમેન્ટ કરી: 'તું ક્યારથી આ વર્ડ પ્લેની ગેમમાં આવી ગયો?'

ઉદ્યોગપતિ પપ્પુ પોપટે ઉદ્યોગપતિ મિત્ર ગુલામદાસ ગધેડા સાથે ફોટો મૂકીને હાર્ટના ઈમોજી સાથે લખ્યું: 'લોંગ ટર્મ (એલ) પાર્ટનરશિપ (પી) ગ્રોથ (જી).'

રાજા સિંહના સમર્થક ભક્તિ શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ રાજકીય કાર્યકરને શોભે એવી અસ્પષ્ટ પોસ્ટ લખી: 'લક્ષ્ય (એલ), પરિશ્રમ (પી) અને ગતિ (જી). રાજા સિંહનું શાસન આ એલપીજી પ્રમાણે ચાલી રહ્યું છે. રાજા સિંહ જંગલને મહાન બનાવવાના લક્ષ્યથી સખત પરિશ્રમ કરી રહ્યા છે અને તેનાથી જંગલના વિકાસને ગતિ મળી છે.' 

ઘેટાભાઈની આ પોસ્ટ રાજા સિંહના સમર્થક કાર્યકરો અને નેતાઓએ ફોરવર્ડ કરી. કાગડાભાઈ કંકાસિયાએ તેના બધા જ કોન્ટેક્ટ્સમાં પોસ્ટ શેર કરી દીધી. સ્વઘોષિત વિદ્વાન હોલાજી હઠીલાએ એનાથી પ્રેરિત થઈને લાંબો નિબંધ ઘસડી કાઢ્યો અને એમાં વધારે શબ્દો જોડીને એલપીજીનો વિચારવિસ્તાર કર્યો. ઘુવડ સાહિત્યમાં માતબર પ્રદાન કરનારા કવિ ઘુવડ ઘાંટાપાડુએ એલપીજી પર કવિતા લખી નાખી. વિસ્તાર વરુભાઈ વાંકાએ એલપીજી પર જેટલી પોસ્ટ અને કવિતાઓ મળી એટલી એકઠી કરીને નવી લાંબી પોસ્ટ નવેસરથી ફોરવર્ડ કરવાનું મિશન શરૂ કર્યું.

મંગળા માછલીએ આ બધું જોઈને સવાલ કર્યો: 'લાઈનમાં પરેશાન ગ્રાહકો - આ પણ એલપીજી છે. શું કોઈ રાજકારણી એના પર ધ્યાન આપશે?'

પરીક્ષા આપીને થાકી ગયેલા પ્રીત પારેવડાએ અનુભવ જણાવ્યો: 'લાંબું (એલ) પેપર (પી) આપીને ગભરામણ (જી) થાય છે. એનો કોઈ ઉપાય છે?' મોટિવેશનલ સ્પીકર ઉલ્લુ ઉકળાટિયો નીચે લખી ગયો: 'પ્લીઝ ડીએમ મી. આઈ કેન હેલ્પ યુ.'

હીરજી હંસે આકરો કટાક્ષ કર્યો : 'જંગલમાં લોંગટર્મ (એલ) પ્લાનિંગ (પી) ગ્રોથ (જી) માટે યોજનાઓની જરૂર છે, પરંતુ આપણા રાજકારણીઓ લોંગટર્મ (એલ) પોવર્ટી (પી) ગેરન્ટી (જી) આપીને સંતોષ માને છે. જંગલના રાજકારણીઓ આપણને સૌને કહે છે- તમે લાંબા સમય સુધી ગરીબ રહો એની ખાતરી અમે આપીશું!'