Get The App

જંગલમાં ગરીબો 'ગરીબી'માંથી બહાર નીકળીને ક્યાં ગયા?

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
જંગલમાં ગરીબો 'ગરીબી'માંથી બહાર નીકળીને ક્યાં ગયા? 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ગરીબોને 'ગરીબી રેખા' નામની કાલ્પનિક રેખાની ઉપર લાવવા માટે જંગલની સરકારે આર્થિક નહીં, માનસિક પ્રયાસો કર્યા હતા. તેનું પરિણામ પણ મળ્યું...

'રાજાજીનો જય હો!' સિંહના અંગત સલાહકાર રીંછભાઈ આનંદમાં જણાતા હતા. તેમણે સિંહને અભિનંદન આપ્યાઃ 'જંગલ બેંકે ગરીબીનો નવો અહેવાલ આપી દીધો છે. આપણા જંગલના સેંકડો ગરીબો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે.'

રાજા સિંહે મિજાજથી જવાબ આપ્યોઃ 'એ તો થવાનું જ હતું. મારું કામ જડબેસલાક હોય છે. હું બીજા રાજાઓ કરતાં અલગ એટલે જ છું. બીજા રાજાઓ નીચેથી કામ શરૂ કરતા હતા. મેં સીધું ઉપર જ ધ્યાન આપ્યું છે.'

'આપ અનોખા રાજા છો. આપનું આયોજન હંમેશા જડબેસલાક હોય છે. નીચેથી કામ કરીએ, પછી એનો અહેવાલ આવે. એની ક્રેડિટ મળેે - એ બધામાં તો કેટલો સમય લાગી જાય. એ બધું પાછું ખર્ચાળ પણ ખરું. નીચલા સ્તરે ઝીણું ઝીણું કામ કરવામાં તો વર્ષોનાં વર્ષો નીકળી જાય. એના કરતાં ઉપર ફોકસ કરવું સ્માર્ટ વિચાર છે.' ખુશામત કર્યા પછી રીંછભાઈએ સવાલ પૂછ્યો, 'આપે આ ચમત્કાર કર્યો કેવી રીતે મહારાજ?'

'જો એક વાત સમજ, આપણી મોટાભાગની સમસ્યાઓ માનસિક હોય છે,' મોટિવેશન અને ચિંતનાત્મક પુસ્તકોમાંથી ગોખી કાઢેલાં વાક્યો યાદ કરીને રાજા સિંહે ફિલોસોફી આગળ ચલાવી, 'તમે મનથી કોઈ સમસ્યામાંથી મુક્ત થઈ જાઓ તો સમસ્યા સમસ્યા રહેતી જ નથી. ઘણા શારીરિક રોગો પણ માનસિક હોય છે. તમે એમ વિચાર્યા રાખો કે મને શરીરમાં આ ભાગ દુખે છે તો એ દુખાવો ફીલ થશે, પણ જો એ દુખાવાની દિમાગમાં અસર થવા દેશો નહીં તો દુખાવો ફીલ થતો બંધ થઈ જશે.'

'જી, મહારાજ! આપનું થીકિંગ અલગ લેવલનું છે. આપણા જંગલનું સૌભાગ્ય છે કે આપ રાજા બન્યા.' રીંછભાઈ જાણતા હતા કે સલાહકાર તરીકે સાચી સલાહ આપવી ગૌણ છે. ખુશામત મુખ્ય છે. શાસકો ખુશામતથી બેહદ પ્રસન્ન થતા હોય છે.

ખુશખુશાલ રાજા સિંહ આજે બોલવાના મૂડમાં હતા. તેમણે ગરીબોને કેવી રીતે ગરીબી રેખાથી બહાર કાઢ્યા તે રીંછભાઈને કહી સંભળાવ્યું, 'મેં શું કર્યું? મેં ગરીબોને ગરીબી રેખા નામની કાલ્પનિક રેખામાંથી બહાર લાવવા ફંડ ન આપ્યું. ફંડ આપ્યું હોય તો શું થાત? તો આપણા ખર્ચ ઘટી જાત. મારે જંગલની સરકારના ખર્ચમાં કાપ મૂકવો પડયો હોત. મારી સુરક્ષામાં ઘટાડો કરીને ખર્ચ ઘટાડી દેવો પડયો હોત. અને સમજવા જેવી વાત એ છે કે ગરીબોને ગમે એટલું ફંડ આપો તોય એ કંઈ અમીર થવાના નથી. આટલાં વર્ષોમાં કેટલા રાજાઓએ ફંડ આપ્યું? કંઈ ફરક પડયો?'

'એ સત્ય હકીકત છે મહારાજ! તમે જંગલવાસીઓને બરાબર ઓળખો છો!' વચ્ચે વચ્ચે રીંછભાઈ સિંહના વખાણનું ટમકું મૂકી દેતા હતા.

'તો મેં આર્થિક પ્રયાસો કરતાં માનસિક પ્રયાસો પર ધ્યાન આપ્યું. મૂળ તો હું જંગલવાસીઓની મેન્ટાલિટીનો અઠંગ જાણકાર તો ખરો જ. ખરું કે નહીં?'

'બિલકુલ સાચું, મહારાજ!' રીંછભાઈએ હકારમાં બે-ચાર વખત ફટાફટ ગરદન હલાવી દીધી.

'મેં બે-ચાર સ્તરે કામ કર્યું. એક તો સૌ ગરીબોને મોટિવેશનલ ભાષણો આપ્યાં. એ ભાષણોનો સોશિયલ મીડિયામાં મારા સમર્થકોના માધ્યમથી બેહદ ફેલાવો કર્યો. મેં ગરીબોને સતત સમજાવ્યું કે તમે ગરીબી રેખાની બહાર  નીકળી ગયા છો. આ જંગલનું અર્થતંત્ર અરબો-ખરબોમાં પહોંચી ગયું છે. તમે ગરીબ ગણાશો તેનાથી જંગલની ઈમેજ ખરડાશે. તમારી આવક વધી ચૂકી છે. ભલે તમારી સ્થિતિ સુધરી નથી, પરંતુ તમે ગરીબ નથી. તમે સૌ વિકસિત જંગલના વિકસિત જંગલવાસીઓ છો.'

'વાહ! વાહ! શું સ્ટ્રેટજી છે રાજાજી!' રીંછભાઈએ ફરીથી પ્રશંસાનું ટપકું મૂકી દીધું.

'ગરીબોને એ સમજાતું ન હતું કે તેઓ ગરીબી રેખામાંથી કેવી રીતે બહાર નીકળી ગયા? મેં અવિરત તેમને મોટિવેટ કર્યા. એક લીડર તરીકે જંગલવાસીઓને મોટિવેટ કરવા એ મારું કામ છે. મેં વર્ષોવર્ષ આ કામ કર્યું. ધીમે ધીમે મોટા ભાગના ગરીબોએ ગરીબી રેખાથી બહાર નીકળી ગયા એ વાત સ્વીકારી લીધી. મેં તેમની સરકારી સહાય બંધ કરી એટલે સરકારી આંકડામાં પણ સુધારો થયો.'

'શું આયોજન છે મહારાજ. અદ્ભુત!' રીંછભાઈએ આખું શરીર ડોલાવીને ખુશામત કરી.

'મેં જંગલ બેંકના સર્વેયરોને સરકારી આંકડાં બતાવીને કહ્યું કે સૌ ગરીબોને આ સવાલ પૂછો - તમે ગરીબી રેખામાં છો કે બહાર નીકળી ગયા? જવાબ તો મને ખબર જ હતો. ગરીબોએ એવો જ જવાબ આપ્યો જે મેં વિચારી રાખ્યો હતો. અધૂરામાં પૂરું, મેં જંગલ બેંકનો અહેવાલ તૈયાર કરવાનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો, પણ શરત રાખી હતી કે મારા જંગલના ગરીબોને ગરીબોમાંથી બહાર કાઢી આપજો. જંગલ બેંકના અધિકારીઓ તો મારા પ્રસ્તાવથી બેહદ ખુશ હતા એટલે તેમણે અપેક્ષા મુજબનો જ અહેવાલ આપ્યો. તો આ રીતે મેં જંગલમાંથી સેંકડો ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ચમત્કાર કહેવાય કે નહીં?'

'વાહ મહારાજ વાહ.' રીંછભાઈના મનમાં ક્યારનો એક સવાલ ઘૂમરાતો હતો. તેમણે છેલ્લે એ પૂછી જ નાખ્યોઃ 'મહારાજ! આ ગરીબો ગરીબીમાંથી બહાર નીકળીને ગયા ક્યાં?'

રાજા સિંહે ખડખડાટ હસતા જવાબ આપ્યોઃ 'એ તો હવે નવો અહેવાલ આવે ત્યારે ખબર પડશે!'