- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સ્કવોડમાં કાગડા કંકાસિયાનો રોલ મહત્ત્વનો હતો. કાગડો કપલ્સની વિગતો એકઠી કરીને લાઈવ લોકેશન મોકલતો અને એના આધારે એન્ટી- વેલેન્ટાઈન્સ સ્કવોડ એક્શનમાં આવતી...
જંગલની યંગ જનરેશનમાં વેલેન્ટાઈન્સ ડેનું ભારે આકર્ષણ રહેતું. ચોકલેટ્સથી લઈને ગિફ્ટ, ગુલાબ, કપડાં, જ્વેલરી સુધીના ધંધામાં તેજી આવી જતી. પ્રેમીઓના આ તહેવારે હવે પતિ-પત્નીના જીવનમાં પણ સ્થાન મેળવી લીધું હતું. વેલેન્ટાઈન્સ ડેમાં ખાસ ખબર ન પડતી હોય એવી પત્નીઓ પણ પતિ પાસેથી આ દિવસે કંઈ ગિફ્ટ મળશે એવી અપેક્ષા રાખતી. ધંધા-રોજગારની દોડધામ વચ્ચે પણ પતિઓએ કંઈનું કંઈ લઈને જવું પડતું.
મેરેજ માટે ઉત્સુક લવબર્ડ્સ અને મેરીડ કપલ્સ ઉપરાંત સિક્રેટ લવર્સ માટેય આ તહેવારનું મહત્ત્વ કંઈ ઓછું ન હતું. એક જ ઓફિસમાં કામ કરતાં અમુક કપલ્સને એ દિવસે અચાનક 'કંઈનું કંઈ' કામ આવી જતું. થોડી મિનિટોના અંતરે બહાર નીકળી જતાં આ સિક્રેટ લવર્સના ગયા પછી ઓફિસમાં ગુસપુસ થતી. આવા સિક્રેટ લવર્સે ખાસ ધ્યાન રાખવું પડતું. ઘર-ઓફિસમાં અંદર રહેવાય નહીં, બહાર નીકળાય નહીં - એવી તેમની હાલત થતી. છતાં આ સિક્રેટ લવર્સ એવા લવ પોઈન્ટ શોધી કાઢતા કે જ્યાં પ્રેમભરી પળો વીતાવી શકાય. લગ્નોત્સુક લવર્સ, સિક્રેટ લવર્સ અને મેરીડ કપલ્સમાં વેલેન્ટાઈન્સનો માહોલ રહેતો એમ જંગલમાં બીજો એક વર્ગ હતો, જેમને વેલેન્ટાઈન્સ ડેની રાહ રહેતી. જંગલના આ વિશિષ્ટ વર્ગનું નામ હતું - એન્ટી-વેલેન્ટાઈન્સ ડે સ્કવોડ.
જંગલની સરકારે સુરક્ષાના બહાને સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાના નેતૃત્વમાં એન્ટી-વેલેન્ટાઈન્સ સ્કવોડ તો બનાવી જ હતી. એ સ્કવોડમાં બબ્બન બિલાડાએ તાલીમબદ્ધ કેટ કમાન્ડોઝને સ્થાન આપ્યું હતું. ફન પાર્ક્સ, કેફે, થિયેટર્સ, મોલ જેવા સ્થળોએ આ સરકારી સ્કવોડની નજર રહેતી. 'સુરક્ષા કરીએ છીએ' - એમ કહીને પૂછપરછ થતી અને એમાંથી કંઈ એવું મળી જાય તો બોયફ્રેન્ડ પાસેથી ચા-પાણીની વ્યવસ્થા થઈ જતી. બબ્બન બિલાડા અને તેની ટીમ માટે વેલેન્ટાઈન્સ ડે એક્સ્ટ્રા કમાણીનો દિવસ બની રહેતો.
પણ એ સિવાયની એક સ્કવોડ પણ એક્ટિવ થતી. એનું નામ પણ એન્ટી-વેલેન્ટાઈન્સ સ્કવોડ જ હતું, પરંતુ તેની સત્તાવાર રચના જંગલની સરકાર કરતી નહીં. આ સ્કવોડ જાતે એકાએક ફૂટી નીકળતી અને જાતે જ દિવસ પૂરો થાય કે વિખેરાઈ જતી. જંગલની સંસ્કૃતિની રખેવાળી કરવાના મહાન હેતુથી આ સ્કવોડ અસ્તિત્વમાં આવતી. મોટાભાગે આ સ્કવોડ રાજા સિંહના સમર્થકો બનાવતા.
રાજા સિંહના સમર્થકોને લાગતું હતું કે આવા બધા દિવસોથી જંગલની સંસ્કૃતિ પર ખતરો છે. એવા જ એક રાજા સિંહના સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા વેલેન્ટાઈન્સ ડે પહેલાં એક્ટિવ થતા અને રાજા સિંહના અન્ય સમર્થકોની મદદથી આખી ટીમ બનાવતા. ઘેટાભાઈએ સ્કવોડમાં હોલા હઠીલાને એડવાઈઝર તરીકે સ્થાન આપ્યું હતું. હોલો આ સ્કવોડને કાયદાકીય મદદ કરતો. કોઈ પ્રેમી કાયદાનો ડર બતાવીને સ્કવોડના સભ્યો સાથે દલીલો કરે ત્યારે હોલો એ કેસ હેન્ડલ કરતો. હોલો હઠીલો જંગલનો સ્વઘોષિત વિદ્વાન હતો અને પોતાને બેહદ બુદ્ધિશાળી ગણતો. ઘેટાભાઈ ઘાસફૂસિયાએ પાડાકુમાર પંચાતિયા અને બકુલેશ બળદને આ સ્કવોડમાં માથાભારે સદસ્યો તરીકે સમાવ્યા હતા. ગમે ત્યાં મારપીટ કરવાની હોય કે ઝઘડો કરવાનો હોય - આ બંને અડધી રાતેય તૈયાર રહેતા. તેમની એ આવડતના કારણે જ રાજા સિંહના ગમતા સમર્થકોમાં તેમનો સમાવેશ થતો હતો.
કાગડા કંકાસિયાનો રોલ મહત્ત્વનો હતો. કાગડો ચારેબાજુ ફરીને કપલ્સની વિગતો એકઠી કરતો. લાઈવ લોકેશન મોકલતો અને એના આધારે આ એન્ટી વેલેન્ટાઈન્સ સ્કવોડ એક્શનમાં આવતી. તે સિવાય અનેક સ્વયંસેવકો આ સ્કવોડમાં કાર્ય કરતા. પક્ષીસમાજના ઘણાં સ્વયંસેવકો આકાશમાં પહેરો ભરતા. પ્રાણીસમાજના સ્વયંસેવકો જમીન પર પ્રેમીઓનો પહેરો ભરતા. ને પાણીમાં પણ સ્વયંસેવકોની ટીમ તૈનાત રહેતી. જંગલમાં થોડા વર્ષોથી ઘેટાભાઈ ઘાસફૂસિયાના નેતૃત્વમાં ચાલતી આ સ્કવોડ જંગલની સરકારે બનાવેલી બિલાડા બબાલીની સ્કવોડ કરતાં પણ વધારે સજ્જ ગણાતી. તેનું કારણ એ હતું કે આ સ્કવોડ પ્રેમીઓ પાસે કંઈક આ પ્રકારના જંગલોપયોગી કાર્યો કરાવતી:
- બાઈકમાં બેસેલા કપલે વચ્ચે એક ફૂટનું સાંસ્કૃતિક અંતર જાળવવું. જરૂર લાગે તો સ્કવોડના સ્વયંસેવકો રસ્તા પર ઉભા રહીને ફૂટપટ્ટીથી અંતર પણ માપતા.
- હું તારા વગર જીવી નહીં શકું - એમ કહેનારા પ્રેમીએ ફેમિલીના લાભાર્થે તુરંત વીમા પોલિસી લેવી પડતી. આ ટુકડી વીમા એજન્ટને સાથે રાખતી.
- ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરનારા પ્રેમીના ઘૂંટણો ઘટના સ્થળે જ ચકાસવામાં આવતા. તેમને નિષ્ણાતોએ આપેલા 'ઘૂંટણને સાચવો, ઘૂંટણ તમને સાચવશે' એ વિષયનું લેક્ચર સંભળાવવામાં આવતું.
- ચોકલેટ લઈને જતાં પ્રેમીઓ પાસેથી આ સ્કવોડ જંગલના ગરીબો માટે ચોકલેટ ટેક્સ વસૂલતી. ચોકલેટને બદલે લાડુને પ્રોત્સાહન આપવાનું કામ પણ થતું. લાડુ કેવી રીતે જંગલની સંસ્કૃતિમાં મૂલ્ય ધરાવે છે તે સમજાવવામાં આવતું.
- ગુલાબ લઈને રખડતાં પ્રેમીઓએ ગુલાબની સાથે તુલસીનો છોડ ખરીદવાની ફરજ પાડવામાં આવતી. તુલસી ઓક્સિજન આપે છે - એવો કોઈ બાબાએ આપેલો ધાર્મિક બોધપાઠ સંભળાવામાં આવતો.
- સૌથી મહત્ત્વનું કાર્ય : જો આમાંથી એકેય કામ કરવામાં પ્રેમીઓ આનાકાની કરે તો પછી પાડાકુમાર પંચાતિયા અને બકુલેશ બળદ આગળનું કાર્ય કરતા હતા. એ બંને એક્ટિવ ન થાય તે માટે મોટાભાગના પ્રેમીઓ મને-કમને ઉપરનું બધું કરી નાખતા.


