- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલના રાજકારણમાં માન-સન્માન મળે તે માટે કોકરોચ સમાજે કોકરોચ કચવાટિયાના નેતૃત્વમાં આંદોલનનો માર્ગ પસંદ કર્યો હતો, રાજા સિંહે આંદોલનને ઉગતું ડામી દેવા માટે આયોજન કરી રાખ્યું હતું
'સાવધાન! તમારા પર મોટું જોખમ સર્જાશે. મોટાપાયે સ્પ્રે થશે. બચીને રહેજો!' કોકરોચ કચવાટિયો વિરોધ પ્રદર્શન માટે નક્કી કરેલા સ્થળે પહોંચતો હતો ત્યારે તેને એક લેટર મળ્યો. લેટર વાંચીને કોકરોચ કચવાટિયો મૂંઝાયો. વાત જો સાચી હોય તો અસંખ્ય કોકરોચો પર જીવનું જોખમ આવી બને. વાત અટકળ હોય અને આંદોલન કરતાં અટકાવવા માટે આ તરકીબ અજમાવી હોય એવુંય બની શકે.
મૂળ તો કોકરોચ કચવાટિયાના નેતૃત્વમાં આખોય કોકરોચ સમાજ જંગલમાં રાજકીય મહત્ત્વ સાબિત કરવા મેદાને પડયો હતો. મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા સાથે કામ કરી ચૂકેલા કોકરોચ કચવાટિયાને થોડા સમયમાં સમજાઈ ગયું કે કાચબાભાઈના ભરોસે રહેવા કરતાં જાતે જ રસ્તો કરવો પડશે. તેણે વિદેશના જંગલમાં વીઆર (વન રિલેશન)ના વિષયમાં ડિગ્રી મેળવી. તેને સમજાયું કે એકતા બતાવ્યા વગર રાજકીય મહત્ત્વ સાબિત થશે નહીં.
અગાઉ કોઈએ નહોતું કર્યું એવું કોકરોચ કચવાટિયાએ કર્યું. કોકરોચ સમાજને એક કરવા તેણે કોકરોચ પાર્ટી બનાવી. આખો કોકરોચ સમાજ એમાં જોડાઈ ગયો. કોકરોચો પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક થયા હતા એટલે જંગલની સરકાર પણ ચિંતામાં હતી. રાજા સિંહે તેમના અંગત સલાહકાર રીંછભાઈને બોલાવીને વંદાવિનાશ પ્રોજેક્ટમાં ફંડ વધારવાની તાકીદ કરી હતી. જંગલની સરકાર વર્ષોથી વંદાવિનાશ માટે અલગ ફંડ ફાળવતી હતી અને ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ કંપની વંદાઓને મારવા માટે સ્પ્રે બનાવીને સરકારને આપતી હતી.
કોકરોચ કચવાટિયાએ જાણ્યું કે વંદાવિનાશ પ્રોજેક્ટમાં ફંડ વધારીને તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેણે છુપાઈ જવાનું નક્કી કર્યું, પરંતુ વિપક્ષના નેતા સસલાભાઈએ કોકરોચ સમાજને સમર્થન આપતા કહેલુંઃ 'કોકરોચો આવા તો કેટલાય ઝેરનો સામનો કરીને જીવી શકે છે. ગુલામદાસ ગધેડાના ઝેરીલા સ્પ્રેની કોઈ અસર થવાની નથી. મારું તેમને સમર્થન છે. કોકરોચો જો એમના અસલી લડાયક મિજાજમાં આવી જશે તો જંગલમાં રાજા સિંહને ભાગવું ભારે થઈ જશે.'
આ સાંભળીને કોકરોચ કચવાટિયામાં હિંમત આવી હતી. તેણે વીડિયો મેસેજ મોકલીને આખાય કોકરોચ સમાજને એક થવા અને આંદોલન કરવા જણાવ્યું. સ્થળ, સમય અને તારીખ નક્કી પણ થઈ ગઈ હતી. કોકરોચોમાં આ આંદોલનને લઈને ભારે ઉત્સાહ હતો. કોકરોચો પહેલી વખત જંગલવાસીઓ સામે ઘૂરકિયા કરવા માંડયા હતા. જંગલવાસીઓને જોઈને છુપાઈ જતાં કોકરોચો સામી છાતીએ સામનો કરવા તૈયાર હતા.
રાજા સિંહ અને સસલાભાઈની ગુપ્ત ડીલ થઈ હતી. સસલાભાઈ કોકરોચને મોટિવેટ કરીને બહાર લાવે અને પછી રાજા સિંહ સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને કહીને સ્ટ્રોંગ સ્પ્રેનો છંટકાવ કરી દે. એટલે કોકરોચો વર્ષો સુધી માથું ઊંચું ન કરી શકે. તેનાથી રાજાની સરકાર સામે ઉઠેલો વિરોધ શમી જાય અને વિપક્ષના નેતા તરીકે સસલાભાઈનું સ્થાન પણ મજબૂત રહે એવી બંને પક્ષે સમજૂતી થઈ હતી.
આ અણધાર્યા ગઠબંધનથી અજાણ કોકરોચ કચવાટિયો અનામી લેટર વાંચીને અવઢવમાં પડી ગયો. તેણે હજુ પાર્ટીના નવા નવા ઉપપ્રમુખ બનેલા વંદા વખારીને લેટર બતાવીને ચિંતા વ્યક્ત કરી, 'આપણા હજારો વંદાઓ પર જોખમ છે. આંદોલન જતું કરવું પડે અથવા તો જોખમ લેવું પડે. સમજાતું નથી શું કરું!'
વંદો વખારી અનુભવી હતો. વખારોમાં રહીને તેણે ઘણો અનુભવ મેળવ્યો હતો. વિપરીત પરિસ્થિતિમાં છેલ્લી ઘડીએ કેમ બચી શકાય એનો તેને જાત અનુભવ હતો. તેણે થોડું વિચારીને ઉપાય બતાવ્યોઃ 'રાજકારણી તરીકે તમે કાર્યકરોની ચિંતા કરો એ બિલકુલ ન ચાલે. કાર્યકરોના બલિદાન પર તો જંગલની પાર્ટીઓ સફળ થઈ છે. થોડા વંદાઓ બલિદાન આપશે તો એનાથી આપણું પોલિટિક્સ ચમકી જશે. રાજા સિંહ, સસલાભાઈ, કાચબાભાઈ જેવા દરેક નેતાએ આવું કર્યું જ છે.'
'...પણ આ તો ખોટું કહેવાય!' કોકરોચ કચવાટિયો હજુય ચિંતામાં હતો. તેને અટકાવીને વંદા વખારીએ ઉમેર્યું, 'વંદાઓ આમેય બિચારા સ્પ્રેથી મરી જ જવાના છે. થોડા વહેલા મરશે, પણ શહીદ કહેવાશે. સમાજનું ભલું થશે. છતાં આપણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને આંદોલનની જગ્યા બદલી નાખીએ તો જોખમ ઘટી જશે.'
'આઈડિયા સારો છે.' કોકરોચ કચવાટિયો જગ્યા બદલવાની વાતથી કન્વિન્સ થયો.
'નવી જગ્યાએ પણ સ્પ્રે એટેક થઈ શકે છે. એટલે આપણે સુરક્ષિત રહીએ એવી વ્યવસ્થા કરી લઈએ. જો હુમલો થાય તો થોડા વંદા શહીદ થશે, પણ એટલું જોખમ આપણે લેવું પડશે.' વંદા વખારીના સૂચન પછી જગ્યા બદલી નાખવામાં આવી.
કોકરોચ કચવાટિયો, વંદો વખારી નવા સ્થળે પહોંચ્યા તો સોશિયલ મીડિયામાં પાર્ટીને જેટલો આવકાર મળ્યો હતો એટલા સભ્યો દેખાયા નહીં. ઉગ્ર વિરોધ કરીને રાજા સિંહની ઊંઘ ઉડાડી દેવાની ગણતરી હતી એવું થયું નહીં. માત્ર થોડાં નિવદનો આપીને આંદોલન સમેટવું પડયું.
આંદોલનમાં કેમ મોટી સંખ્યામાં વંદાઓ આવ્યા નહીં તેની તપાસ કરતાં ખબર પડી કે જે લેટર કોકરોચ કચવાટિયાને મળ્યો હતો એવો જ લેટર અનેક વંદાઓને મળ્યો હતો. આંદોલન નાકામ બનાવવા માટે એ કામ ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા અને તેની રાતોરાત પાર પાડયું હતું...


