For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાઈટ ફેસ્ટિવલ : કિક માટે બહાર નીકળતાં પક્ષીઓને સાવધાન રહેવા પ્રમુખનો આદેશ

Updated: Jan 11th, 2024

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- પક્ષીસમાજની એપ 'પાંખ'માં નોટિફિકેશન આવ્યું: 'કાઈટ ફેસ્ટિવલ શરૂ થયો હોવાથી અખિલ જંગલીય પક્ષી સમાજના હોદ્દેદારોની મીટિંગ મળી રહી છે. સમાજના પ્રમુખ ગગનભાઈ ગરૂડ વિશેષ સંબોધનમાં યંગ જનરેશન માટે ખાસ મેસેજ આપશે.'

જંગલમાં વધુ એક કાઈટ ફેસ્ટિવલ આવી ગયો. પંખીઓ માટે ઘાતક ગણાતા આ ફેસ્ટિવલમાં સૌ પક્ષીઓ સલામત રહે તે માટે વર્ષોથી અખિલ જંગલીય પક્ષી સમાજના હોદ્દેદારોની ઉત્તરાયણ પહેલાં ખાસ બેઠક મળતી. તેમાં સમાજ માટે ગાઈડલાઈન જાહેર થતી. કાર્યક્રમના સંચાલક કબૂતર કાનાફૂસિયાએ એક સંચાલકને શોભે એવા ભારેખમ શબ્દોથી શરૂઆત કરી: 'અત્રે ઉપસ્થિત પક્ષી સમાજના આદરણીય-સન્માનનીય ગગનભાઈ ગરૂડ, માર્ગદર્શક હીરજીભાઈ હંસ, મહામંત્રી કાગડાભાઈ કંકાસિયા, ખજાનચી હોલાજી હઠીલા, મહિલા પાંખનાં પ્રમુખ કાબરબેન કલબલાટિયાનું હું સંગઠન મંત્રી તરીકે સ્વાગત કરું છું.'

સંગઠનની યશોગાથા વગર જંગલમાં ભાગ્યે જ કોઈ કાર્યક્રમ આગળ વધતો. અખિલ જંગલીય પક્ષી સમાજ પણ એમાંથી બાકાત ન હતો. સંચાલક કબૂતર કાનાફૂસિયાએ માહિતી આપવા માંડી: 'આ સંગઠન દર વર્ષે ઉત્તરાયણ પહેલાં ગાઈડલાઈન જાહેર કરે છે. કાઈટ ફેસ્ટિવલમાં ઘવાયેલા પક્ષીઓના ઈલાજ માટે કેમ્પોનું આયોજન થાય છે. હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવે છે. કાઈટ ફેસ્ટિવલ પછી સમાજનું સંમેલન મળે છે. એમાં પતંગની દોરીથી કપાઈ મરેલા પક્ષીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. મૃતકોના પરિવારજનોને એક વર્ષની ચણની સહાય અપાય છે. ઈલાજ લાંબો ચાલે તેમ હોય એવા પક્ષીઓને આર્થિક સહાય મળે છે. જે નર પક્ષીઓને ઈજા પહોંચે છે તેમના પરિવારને ત્રણ માસનો દાણો-પાણી આપણે આપીએ છીએ.' 

યોજનાઓની જાણકારી પૂરી થઈ એટલે સૌ હોદ્દેદારોએ સહેજ પંજા ટકરાવીને તાળીઓ પાડવાની કોશિશ કરી. સામાન્ય રીતે તાળીઓ તો ઓડિયન્સે પાડવાની હોય, હોદ્દેદારોએ નહીં - એવી પ્રબળ માન્યતા હોવાથી હોદ્દેદારો ખુલીને તાળીઓ પાડી શકતા નહીં. તેમને એવી આદત જ ન હતી.

સંચાલકના આગ્રહથી હીરજી હંસે માઈક હાથમાં લીધું: 'હોદ્દેદારોના નામ બોલીને સમય નહીં બગાડતા આપણે મૂળ વાત પર આવીએ. અસલના વખતમાં આ તહેવાર એક-બે દિવસનો હતો, પણ જંગલની સરકારે વિદેશી પ્રાણીઓને ખુશ કરવા સ્પર્ધાઓ યોજવાની શરૂઆત કરી. સરકારી પરવાનગીથી આપણી સૌની પાંખો કાપવા મહેમાનો આવી પડે છે એટલે હવે કાઈટ ફેસ્ટિવલ સપ્તાહ લાંબો ચાલે છે. તેથી આપણે સૌએ સલામત રહેવું જરૂરી છે.'

એક પછી એક બધા હોદ્દેદારોનો વારો આવ્યો એમ સૌએ સલાહો આપી. સૌથી છેલ્લે પ્રમુખ ગગન ગરૂડે ભાષણ આપ્યું: 'પતંગ મહોત્સવથી અખિલ જંગલીય પક્ષી સમાજને દર વર્ષે મોટું નુકસાન થાય છે. ગરૂડ, ગીધરાજ જેવાં પક્ષીઓ ઊંચાઈએ ઉડે છે એટલે તેમને ઓછી ઈજા થાય છે, પણ નીચે ઉડતાં કબૂતરો, ચકલીઓ, કાગડાઓ, કાબરો વગેરે મોટી સંખ્યામાં ભોગ બને છે. આ સૌને હું સલામત રહેવાની અપીલ કરું છું.' ગગન ગરૂડે કાગળમાં આગળનો મુદ્દો જોઈને ઉમેર્યું: 'મને કોઈએ કહ્યું કે ઘણાં પક્ષીઓ મીઠાઈનો મોહ છોડી શકતા નથી. પ્રાણીઓ રસઝરતી જલેબીઓ આરોગે છે તેની સુગંધથી ખેંચાઈને પક્ષીઓ કાઈટઝોનમાં જઈ ચડે છે. મીઠાઈની લાલચે પાંખો કપાવે છે. દોસ્તો આપણે એક સપ્તાહ કંટ્રોલ કરવો પડશે.' આગળના મુદ્દા પર નજર ફેરવીને પ્રમુખે કહ્યું: 'ઘણાં ચટાકેદાર વાનગીના શોખીનો જોખમ ખેડીને ઉંધીયું ઝાપટવા પહોંચી જાય છે. યાદ રાખો, આ જલેબી અને ઉંધીયું આપણા માટે એક પ્રકારનું છટકું છે. તમે નજીક જશો તો પાંખો કપાઈ જ સમજો!'

પ્રમુખની વાતમાં સૂર પુરાવીને હોદ્દેદારોએ ડોકાં હલાવ્યાં. હીરજી હંસનો તો અવાજ પણ સંભળાયો: 'અસલના વખતમાં આવું નહોતું! આપણી આબરૂ ઘટે છે આમાં...'

પ્રમુખે ભાષણ આગળ ચલાવ્યું: 'હીરજીભાઈની વાત સાચી છે. આપણે વગર આમંત્રણે ખાવા પહોંચી જઈએ છીએ અને પ્રાણીઓએ વેરેલું, એઠું કરેલું ખાઈએ છીએ એનાથી આખાય સમાજને નીચાજોણું થાય છે.' પ્રમુખે છેલ્લા મુદ્દા પર નજર ફેરવીને ઉમેર્યું: 'મને બીજી એક જાણકારી આપણાં સંગઠન મંત્રી કબૂતર કાનાફૂસિયાએ આપી તે બહુ અગત્યની છે. નવી પેઢીના ઘણાં સાહસિક પંખીડાઓ કાઈટ ફેસ્ટિવલ દરમિયાન પતંગો સાથે હોડ જમાવે છે. ધારદાર દોરાની નજીકથી નીકળવાના સાહસમાં એ બધાને કિક લાગે છે. તેમને આડા દિવસોમાં ખુલ્લું આકાશ મળે છે એટલે દરરોજ એકના એક પ્રકારનું ઉડીને ઘણાં બોર થઈ જાય છે. રંગ-બેરંગી પતંગોથી ભરચક આકાશ હોય ત્યારે કંઈક નવું જોવા-જાણવા નીકળે છે ને પાંખો કપાવીને જમીન પર પટકાય છે. હું યુવાપેઢીને આવા દુ:સાહસ ન કરવાની તાકીદ કરું છું! અને હા. એક છેલ્લો મુદ્દો...' 

મુદ્દાસર વાત પૂરી થઈ જાય એવું જંગલના કાર્યક્રમોમાં ક્યારેય ન બને. 'છેલ્લી વાત છેલ્લી વાત' - એમ કહીને વક્તાઓ આગળ ચલાવ્યા જ રાખે. ગગન ગરૂડે પણ ચલાવ્યું: 'આજકાલ સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર પંખીડાઓ પતંગો સાથે વિડીયો બનાવવા ઉડે છે, પણ યાદ રાખજો ધારદાર દોરી ગળે વીંટળાશે તો એ વિડીયો વાયરલ તો થશે, પણ તમે જોઈ નહીં શકો!'

ગગન ગરૂડનું ભાષણ પૂરું થયું એ સાથે જ મીટિંગ પણ પૂરી થઈ. ઉંધીયું-જલેબી આરોગીને હોદ્દેદારો છૂટા પડયા...

Gujarat