- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- 'વિરાસત વારસામાં મળે છે અને વારસદારો એનું જતન કરે છે. પૂરોગામી રાજાઓ પાસેથી મળેલી આ વિરાસતનું રાજા સિંહે પણ ભારે જતન કર્યું છે.'
'જોયું? આ રાજા સિંહનું સુશાસન છે. હવે તો આપણા તહેવારો પણ મૂલ્યવાન બન્યા છે.' 'જંગલ ન્યૂઝ' એપનું નોટિફિકેશન જોઈને ગેલમાં આવેલા ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સોશિયલ મીડિયામાં સમાચારનો સ્ક્રીનશોટ શેર કર્યો. સમાચારમાં લખ્યું હતું: 'જંગલની સંસ્કૃતિનો ડંકો વાગ્યો. દિવાળીનો તહેવાર 'અમૂર્ત વિરાસત'માં સામેલ થયો. રાજા સિંહના સમયગાળામાં જંગલની વધુ એક સાંસ્કૃતિક ઓળખની કદર થઈ.'
ઘેટાભાઈ ઘાસફૂસિયાની પોસ્ટમાં કમેન્ટ્સનો વરસાદ થયો. સિંહની પાર્ટીના કાર્યકરો, નેતાઓએ ઉજવણી કરીને લખ્યું: 'વંદે જંગલમ્... રાજા સિંહનો જય હો!'
સ્વઘોષિત વિદ્વાન હોલા હઠીલાએ કલાકમાં તો લાંબી પોસ્ટ લખી કાઢી. મહારાજા સિંહ જંગલના રાજા બન્યા ત્યાર પછી જંગલની કેટલી વિરાસતોને અમૂર્ત વારસાના લિસ્ટમાં સ્થાન મળ્યું એ વિસ્તારપૂર્વક લખીને હોલા હઠીલાએ રાજા સિંહ માટે નવી ઉપમા આપી હતી: 'વિરાસત નર!'
સિંહ સમર્થકોએ 'હેશટેગ વિરાસત નર'થી અનેક પોસ્ટ મૂકી. બધાં જંગલોમાં આપણું જંગલ શ્રેષ્ઠ તો પહેલાંથી જ હતું, પરંતુ પહેલાંના રાજાઓ એ શ્રેષ્ઠતા સાબિત કરવાની દિશામાં બેપરવા હતા. રાજા સિંહના વિઝનથી જંગલના તહેવારો, જંગલની રીત-રસમો, જંગલના પૂજા-પાઠ, જંગલના મેળાઓ, જંગલની કસરતો, જંગલના ભજનોને દુનિયાભરનાં જંગલમાં આગવી ઓળખ મળી છે અને હવે તો મોટી મોટી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ આ વારસાને સન્માન આપે છે - એવા અર્થની પોસ્ટથી જંગલનું સોશિયલ મીડિયા ઊભરાઈ ગયું.
રાજા સિંહે પણ પોસ્ટ મૂકી: 'મારા પ્યારા જંગલવાસીઓ! દિવાળીનો તહેવાર આપણો ન રહેતા ગ્લોબલ બન્યો છે. દુનિયાભરનાં જંગલોમાં આપણા આ તહેવારની કદર થઈ છે ત્યારે હું બહુ ગૌરવનો અનુભવ કરી રહ્યો છું. વંદે જંગલમ્... જંગલ માતા કી જય!'
અમૂર્ત વિરાસતની વાતે જંગલમાં ઉત્સવનો માહોલ હતો. 'જંગલ ન્યૂઝ'માં તો ખાસ કાર્યક્રમ ગોઠવાયો. એમાં રાજા સિંહની યોજનાઓના નામો આપતો કલકલિયો કલમઘસૂ, રાજા સિંહની પ્રશંસામાં કાવ્યો લખતો ઘુવડ ઘાંટાપાડુ, સ્વઘોષિત વિદ્વાન હોલો હઠીલો, ભક્ત શિરોમણી કાર્યકર ઘેટો ઘાસફૂસિયો વગેરેની પેનલે 'જંગલની અમૂર્ત વિરાસતો'નું અદ્ભુત વિઝનથી ગ્લોબલ બ્રાન્ડિંગ કરવા બદલ રાજા સિંહના ભરપેટ વખાણ કર્યા.
આખાય જંગલમાં ઉજવણી ચાલતી હતી ત્યારે અમુક જંગલવાસીઓએ જુદો મત રજૂ કર્યો. કલાકાર મસ્તરામ મોરે લખ્યું: 'જંગલના તહેવારો રાજા સિંહના સુશાસનમાં અમૂર્ત વિરાસતો બને છે તે બહુ અદ્ભુત વાત કહેવાય, પણ મારા મતે જંગલની અમુક ખાસ બાબતો એવીય છે જે અમૂર્ત વારસો બનવા દાવેદાર છે. જેમ કે, બેરોજગારી... ગરીબી... અસમાનતા...'
મસ્તરામ મોરની આ પોસ્ટનો જબરો વિરોધ થયો. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સૌ સમર્થકોને અપીલ કરી કે મસ્તરામ મોરની આ ગુસ્તાખીનો જવાબ આપો. એ પછી તો મસ્તરામની પોસ્ટમાં 'જંગલદ્રોહી, સિંહદ્વેષી, જંગલવિરોધી...' જેવી કમેન્ટ્સનો મારો ચાલ્યો. રાજા સિંહના અઠંગ સમર્થક બકુલેશ બળદ અને પાડાકુમાર પંચાતિયાએ તો ધમકી પણ આપી, 'જંગલમાં રહેવું હોય તો માપમાં રહેજે, નહીં તો પીંછા ખેરવી નાખીશું. સમજ્યો?'
મસ્તરામ મોરને ચારેબાજુથી ઘેરાતો જોઈને તેના મિત્ર કબૂતર કાનાફૂસિયાએ એ પોસ્ટને શેર કરીને ઉમેર્યું, 'મિત્ર મોરની વાત સાથે હું સહમત છું. મારે આ મુદ્દે થોડી પાયાની સમજ આપીને વાત આગળ વધારવી છે. અમૂર્તને અંગ્રેજીમાં ઈન્ટેન્જિબલ કહેવાય છે. આ બંને સમાનાર્થી શબ્દોનો અર્થ થાય છે- જેને સ્પર્શી ન શકાય, પણ અનુભવી શકાય તેવી બાબતો. એવી બાબતો જે સૂક્ષ્મ રીતે આપણી સાથે છે, પરંતુ એનો કોઈ આકાર નથી. આપણે જે રસમો કરીએ છીએ એને જોઈ શકીએ છીએ, સ્પર્શી શકતા નથી. તહેવારને ઉજવી શકીએ, ટચ કરી શકીએ નહીં. હવે મોરની પોસ્ટના સમર્થનની વાત કરું તો જંગલમાં બેરોજગારી, ગરીબી, અસમાનતા છે ખરી, આપણે તેને અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. નિરાકરણ લાવી શકતા નથી. મારા મિત્ર મોરે તો આ યાદી અધૂરી રાખી છે. હું એમાં ઉમેરો કરીને ત્યાં સુધી કહીશ કે મોંઘવારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, હિંસા વગેરે પણ આમાં સમાવીને તેને જંગલની સરકારે વિરાસતો જાહેર કરવી જોઈએ.'
જંગલની વિરાસતોની વિરૂદ્ધની ગણાવાયેલી આ બંને પોસ્ટનો ભારે વિરોધ થયો. વળતી દલીલો પણ થઈ. કલકલિયા કલમઘસૂએ લખ્યું: 'આ બધું તો અગાઉના રાજાઓ વખતે પણ હતું. રાજા સિંહને દોષ ન આપી શકાય.'
કબૂતરે વળતી દલીલ કરી: 'મેં એવું લખ્યું જ નથી કે રાજા સિંહના કારણે આ વિરાસતો સર્જાઈ છે. વિરાસત એને જ કહેવાય કે જે પરંપરાગત રીતે વારસામાં મળે છે અને વારસદારો એનું જતન કરે છે. પૂરોગામી રાજાઓ પાસેથી મળેલી આ વિરાસતનું રાજા સિંહે પણ જતન કર્યું છે. એ બાબતે તો તેમનું સન્માન થવું જોઈએ.'
આ દલીલને કોપી કરીને મસ્તરામ મોરે નવેસરથી પોસ્ટ મૂકી અને એમાં રાજા સિંહને આવી અદ્ભુત વિરાસતોનું જતન કરવાની ક્રેડિટ આપીને મોરે હેશટેગ આપ્યું - 'વિરાસત નર!'
...બે દિવસ પછી સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ મસ્તરામ મોર અને કબૂતર કાનાફૂસિયાને 'જંગલદ્રોહ' કરવા મુદ્દે સમન્સ પાઠવ્યું. ત્યારથી મોર અને કબૂતર 'સિસ્ટમની ટીકા કરવી તે જંગલદ્રોહ ન કહેવાય' એ સાબિત કરવા પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહ્યા છે...


