mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

નેતાઓના ઝભ્ભા સીવતા ટેઇલરબર્ડ ટકટકાટની ખાસિયતો

Updated: Apr 11th, 2024

નેતાઓના ઝભ્ભા સીવતા ટેઇલરબર્ડ ટકટકાટની ખાસિયતો 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ટેઇલરબર્ડ ટકટકાટે નેતાઓ માટે ઝભ્ભા સીવવા ઉપરાંત ચૂંટણી લડતી માદાઓ માટે સાદગી દેખાય એવી મોંઘી સાડી વેચવાનો બિઝનેસ પણ શરૂ કર્યો હતો. એમાં એને ઉજળી તકો દેખાતી હતી

જંગલમાં નેતા બનવું હોય કે નેતા છે એવી ઈમેજ ઉભી કરવી હોય તો ઝભ્ભા પહેરવા અનિવાર્ય છે. નેતા હોવાની એ પહેલી શરત છે. જૂની પેઢીના નેતાઓની કારકિર્દી બે-પાંચ ઝભ્ભામાં જ પૂરી થઈ જતી. એમાંય રંગોનું ખાસ વૈવિધ્ય નહીં. એમના એકના એક ઝભ્ભા જોઈને તો મતદારો ય કંટાળી જતા. ઘણાં મતદારો એમના ઝભ્ભાને વારંવાર જોવા ન પડે એટલે કાયમ તેમને મત આપવાનો વાયદો કરી દેતા ને એમ દરેક ચૂંટણીમાં એ નેતાઓના દોરાં નીકળી ગયેલાં એકના એક ઝભ્ભા જોવામાંથી બચી જતા.

પણ 'ન્યૂ જંગલ'નો નારો લઈને રાજકારણમાં આવેલા રાજા સિંહ ઝભ્ભાના ધંધામાં જબરી તેજી લાવ્યા હતા. રાજા સિંહ પોતે અલગ અલગ કલરના, અલગ અલગ ડિઝાઈનના ઝભ્ભા પહેરવાના ભારે શોખીન. એમનું માનવું હતું કે એકના એક કલરના ઝભ્ભા પહેરો એનાથી મતદારોને જંગલનું રાજકારણ સ્થિર થઈ ગયાનું લાગે, પરંતુ વિભિન્ન રંગના ઝભ્ભા પહેરવાથી વાઈબ્રન્ટ જંગલનો માહોલ બને. યોજનાઓથી જે કામ ન થાય એ ઝભ્ભાઓથી થાય છે. એ વાત રાજા સિંહે આટલા વર્ષોના શાસનકાળમાં સાબિત પણ કરી દીધી. ડિઝાઈનર કપડાં પહેરો તો મતદારોને આખુંય ચિત્ર રંગબેરંગી બતાવી શકાય એ થિયરી માટે રાજા સિંહ તો જંગલમાં મહાન થવાના જ છે, પણ તેમણે જંગલના રાજકારણમાં જે 'ઝભ્ભાક્રાંતિ' કરી છે એના કારણે ય જ્યાં સુધી રાજકારણમાં ઝભ્ભા રહેશે ત્યાં સુધી એમનું નામ રહેશે.

ને ઝભ્ભાક્રાંતિ સાથે જોડાયેલું બીજું નામ એટલે ફેશન ડિઝાઈનર ટેઇલરબર્ડ ટકટકાટ. જંગલમાં ઘણાં ટેઇલરબર્ડ્સ ઝભ્ભાઓ સીવતા હતા, પણ એ બધામાં ટેઇલરબર્ડ ટકટકાટે આગવી ઓળખ બનાવી હતી. મહારાજા સિંહ, રીંછભાઈ, મંત્રી હાથીભાઈ હરખપદૂડાથી લઈને સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ સહિતના નેતાઓના ઝભ્ભા બનાવવાનું કામ ટેઇલરબર્ડ ટકટકાટને જ મળતું.

વળી, સમાજના પ્રમુખો સ્નેહમિલનોથી લઈને સમાજની નાની-મોટી મીટિંગમાં ઝભ્ભા પહેરીને જતા. કૂતરાસમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકા, બિલાડાસમાજના પ્રમુખ બિલાડાભાઈ બબાલી, બકરાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ બાબાલાલ બકરા સહિતના જંગલના વિવિધ સમાજોના પ્રમુખો નેતાઓનું જોઈને ટેઇલરબર્ડ ટકટકાટ પાસે ઝભ્ભા સીવડાવતા. નેતાઓ, કાર્યકરો, સામાજિક આગેવાનોના કારણે ટેેઇલરબર્ડનો બિઝનેસ બરાબર જામી ગયો હતો. એના પંજા નીચે કેટલાય યુવા ફેશન ડિઝાઈનર્સ કામ કરતા હતા. જંગલમાં ટેઇલરબર્ડના ઘણાં શો-રૂમ શરૂ થયા હતા.

બિઝનેસ જામવા પાછળ એની માર્કેટિંગ સ્કિલ, સમય સાથે પરિવર્તન, રાજકીય હવા પારખવાની ક્ષમતા, એ પ્રમાણે નવી પ્રોડક્ટ લોંચ કરવાની આવડત પણ એટલી જ જવાબદાર હતી. જાણીતા ક્લાયન્ટના પોસ્ટર્સ એણે શો-રૂમમાં લગાવ્યા હતા. ટેઇલરબર્ડ ટકટકાટ પર કેસસ્ટડી કરીને મેનેજમેન્ટ સ્કોલરે એની ખાસિયતો તારવી એ કંઈક આવી હતીઃ

- એ પાર્ટીની ઈમેજ પ્રમાણે ઝભ્ભાનો કલર પસંદ કરી આપતો.

- ઉમેદવારની ધાર્મિક ઈમેજના આધારે ડિઝાઈન થતાં ઝભ્ભોમાં ધાર્મિક પ્રતીકોનો ઉપયોગ કરતો.

- કેટલાક કલરના ઝભ્ભા તો એ તૈયાર જ રાખતો. જેમ કે, રાજા સિંહના નેતાઓ માટે કોમ્યુનલ ટચ ધરાવતા ઘેરા રેડ-ઓરેન્જ, વિપક્ષના નેતા સસલાભાઈ માટે સેક્યુલર કલર્સનો આભાસ ઊભો કરતાં ઓરેન્જ, ગ્રીન, બ્લ્યૂના લાઈટ્સ સંયોજનના ઝભ્ભા તૈયાર મળી રહેતા.

- એ આઉટસોર્સથી ઝભ્ભા બનાવીને પોતાના ટેગ લગાવી દેતો એટલે ભાવ મોં માગ્યા મળતા.

- મહારાજા સિંહને જે ઝભ્ભા આપે એ પ્રકારની ડિઝાઈન હોય એવા ઝભ્ભા બનાવી રાખતો. સિંહના મંત્રાલયના કેટલાય મંત્રીઓમાં સિંહની કોપી કરવાની હોડ જામતી એટલે એ ઝભ્ભાના સારા દામ મળતા.

- નેતાના કદ પ્રમાણે એ ખિસ્સા બનાવતો. મોટો નેતા હોય તો એ પ્રમાણે ખિસ્સુ મોટું હોય, નેતા નાનો હોય તો ખિસ્સુ ય નાનું હોય. એને ખબર હતી કે નાના ઉભરતા નેતાને ક્યાં ખિસ્સામાં કંઈ મુકવાની તક મળવાની છે. કાર્યકરો માટેના ઝભ્ભામાં ખિસ્સા જ ન હોય, હા. એ મોબાઈલ અને ચાર્જર રાખવાનું જુદુ પોકેટ આપતો. કાર્યકરોને ફોરવર્ડ મેસેજ દિવસ-રાત કરવાના હોય એટલે મોબાઈલ-ચાર્જરની જરૂર પડતી. એના સિવાય એની પાસે કંઈ આવવાનું નહોતું એ ટેઈલરબર્ડ જાણતો હતો.

- નેતાઓના સંતાનો માટે પણ ડિઝાઈન ઝભ્ભા બનાવી આપતો. નેતા કેટલો મોટો છે એના આધારે એના સંતાનોના ઝભ્ભામાં ખિસ્સા નક્કી કરતો. મોટો નેતા હોય ને પ્રચાર કરવા જાય ત્યારે મતદારોને આર્થિક મદદ કરવા સક્ષમ હોય તો સંતાનોના પોકેટમાં વધારાના ખિસ્સા કામ આવતા. નેતાનું ખિસ્સુ ખાલી થાય ત્યારે સંતાનોના ઝભ્ભાના ખિસ્સામાં રાખેલી નોટો ભારે કામ આવતી. વળી, નેતાના સંતાનો નેતા જ બનવાના છે એટલે અત્યારથી ખિસ્સા મોટા હોય તો કામ લાગે એ વાત ટેઈલરબર્ડ ટકટકાટ સમજતો હતો. નેતાઓ પણ એ વાત સમજતા હતા કે ટેઇલરબર્ડ આ વાત સમજે છે!

મેનેજમેન્ટ સ્કોલરે આપેલા તારણો વચ્ચે ટેઇલરબર્ડે નવા બિઝનેસમાં પણ ઝંપલાવ્યું હતું. જંગલના રાજકારણમાં માદાઓ માટે ૩૩ ટકા તક સર્જાતી જોઈને એણે માદા ટેઇલરબર્ડ્સને ડિઝાઈનર સાડી બનાવવાનું કામ સોંપ્યું હતું. સાદગી દેખાય એવી મોંઘી સાડી બનાવી આપવાના બિઝનેસમાં ટેઇલરબર્ડ ટકટકાટને અનેકગણી શક્યતા દેખાતી હતી.

Gujarat