Get The App

'આખું બાંધકામ તૂટી પડયું નથી, માત્ર થોડો હિસ્સો તૂટયો છે'

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
'આખું બાંધકામ તૂટી પડયું નથી, માત્ર થોડો હિસ્સો તૂટયો છે' 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'મને બાંધકામનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ચકાસણી અને જાળવણીનું કામ તો જંગલની સરકાર હસ્તક હતું, કરાર પ્રમાણે એમાં મારી કોઈ જ જવાબદારી નથી...'

જંગલની સરકારે જંગલના સર્વાંગી વિકાસ માટે કેટલીય યોજનાઓ જાહેર કરી હતી. જંગલવાસીઓનું કલ્યાણ થાય એ જ સરકારનો મૂળ હેતુ હતો. જંગલની સરકાર બધી કલ્યાણકારી યોજનાઓ લાગુ પાડવામાં પહોંચી વળતી નહીં એટલે મહત્ત્વના કાર્યો કરાર આધારિત થતાં હતાં.

જંગલના માર્ગો બાંધવાના હોય તો ટેન્ડર બહાર પાડીને કામોની ફાળવણી થતી હતી. રસ્તાઓમાં પડેલા ખાડાઓનું સમારકામ કરવાનું હોય તો એ પણ કોન્ટ્રાક્ટરને આપવું પડતું. ગટરની લાઈન રિપેર કરવાની હોય કે પછી આવાસોનું બાંધકામ કરવાનું હોય - એ બધું જ કોન્ટ્રાક્ટ આપીને કરાવવાનું સરળ બનતું. કોન્ટ્રાક્ટ આપવાની આ પદ્ધતિ એટલી અસરકારક નીવડી હતી કે જંગલમાં સરકારો બદલાઈ તોય પદ્ધતિ એની એ રહેતી હતી. કોન્ટ્રાક્ટથી કામ કરાવવામાં અધિકારીઓ, નેતાઓ, સરકાર - એમ બધાને ફાયદો હતો. આમ સહિયારી જવાબદારી અને આમ કોઈની નહીં.

જંગલમાં ટૂંકાગાળામાં નામ કાઢી ચૂકેલા કરચલા કોન્ટ્રાક્ટરને જ રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ મળતો. કરચલો પોતાના માટે જેટલો હિસ્સો રાખતો એનાથી વધુ તો એ રાજા સિંહની પાર્ટીમાં ફંડ આપતો એટલે રાજા સિંહ અને રીંછભાઈનો એ માનીતો થઈ પડયો હતો. કરચલાએ બનાવેલા રસ્તાઓ ધોવાઈ જતા હોવાની વારંવારની ફરિયાદ ઉઠતી પછી જંગલની સરકારે એનોય ઉકેલ આપ્યો. કરચલાને જ ખાડા રિપેર કરવાનો એક્સ્ટ્રા કોન્ટ્રાક્ટ મળતો. 

જંગલની સરકારે જંગલવાસીઓની સરળતા માટે નદીઓ પર પુલો બાંધ્યા હતા. આ પુલોના કારણે જંગલવાસીઓને આવવા-જવામાં સરળતા રહેતી હતી. જંગલની દરેક નદી પર આવા પુલો બન્યા હતા. એ પુલો પરથી પગપાળા કે વાહનો લઈને જંગલવાસીઓ પસાર થતાં.

એક દિવસ આવી જ એક નદી પર બનેલો પુલ એકાએક ધરાશાયી થઈ ગયો. કેટલાય જંગલવાસીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. કીડી-મંકોડા-ગોકળગાય જેવા નાના-નાના સજીવો ધબ્બ કરતાંકને નદીમાં ખાબક્યા. 

જંગલની સરકાર એમ કંઈ સંવેદનહીન નહોતી. તુરંત બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ. થાય એટલા પ્રયાસો કરીને બચાવી શકાય એટલા સજીવોને બચાવ્યા. જંગલના અધિકારી મગરભાઈ માથાભારેએ તુરંત નિવેદન પણ આપ્યુંઃ 'મહારાજા સિંહના આદેશથી નિષ્પક્ષ તપાસ થશે. પુલની નિયમિત ચકાસણી થતી હતી. એમાં કોઈ વાંધો હોય એવું જણાતું ન હતું. જે જંગલવાસીઓ પુલ પરથી પસાર થયા એના વાહનોમાં કંઈ ગરબડ હશે તો એનીય તપાસ થશે. ગરબડ કરનારા પકડાશે તો આકરાં પગલાં લેવાશે.'

પુલ ધરાશાયી થયો એ ઘટનાના સાક્ષીઓએ 'જંગલ ન્યૂઝ'ને બાઈટ આપી એ પ્રમાણે પુલ ઘણાં સમયથી હાલક-ડોલક થતો હતો. ગર્લફ્રેન્ડ પ્રેમા પારેવડીને બાઈકમાં બેસાડીને દુર્ઘટનાની થોડીવાર પહેલાં જ પુલ પરથી પસાર થયેલા કબૂતર કાનાફૂસિયાએ કહ્યું, 'હું દરરોજ આ પુલ પરથી નીકળતો હતો. એમાં અવાજો આવતા હતા. મેં ઓનલાઈન રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ચકાસણી થઈ ન હતી.'

બાબાલાલ બકરા કાર લઈને દરરોજ આ પુલ પરથી નીકળતા હતા. તેમણે નિવેદન આપ્યું, 'આ પુલ હમણાંથી વધારે હાલક-ડોલક થતો હતો.' કીડીબહેન કટકટે આરોપ મૂક્યોઃ 'અમારું કીડીઓનું આખું ગુ્રપ પુલ પરથી પસાર થતું ત્યારે પુલ એક તરફ નમી જતો હતો. કંઈક ગરબડ તો હોવી જોઈએ.'

મહાસીર માછલાએ પોસ્ટ મૂકીઃ 'હું દરરોજ પુલ પરથી કૂદકો લગાવતો હતો. આજે જીએફ મંગળા માછલીને મળવા ગયો એમાં આવતા મોડું થઈ ગયું એટલે બચી ગયો. થેન્ક ગોડ!'

સિંહના સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ 'જંગલ ન્યૂઝ'ના સ્ટુડિયોમાં હાજર રહીને નેગેટિવ ટીપ્પણીઓ સામે સવાલો ઉઠાવ્યાઃ 'જો પુલ જોખમી હતો તો જંગલવાસીઓ એનો ઉપયોગ કેમ કરતા હતા? હું કીડીબહેન કટકટને કહેવા માંગું છું કે તમે ગરદનનો ઈલાજ કરાવો. એ ત્રાંસી થઈ ગઈ હશે. આવી વાતો સદંતર બેઝલેસ છે. રાજા સિંહને બદનામ કરવાનું રાજકીય ષડયંત્ર છે.' સિંહ સમર્થકો કાગડાભાઈ કંકાસિયા, હોલાજી હઠીલા જેવાએ પણ પુલ તૂટી જવા પાછળ જંગલની સરકાર જવાબદાર નથી એવાં નિવેદનો કર્યા. સામે પક્ષે ચકાસણી અને જાળવણીમાં ગરબડો રહી ગયાના આરોપો મસ્તરામ મોર, હીરજી હંસ વગેરેએ કર્યા.

'જંગલ ન્યૂઝ'ના રિપોર્ટર લક્કડખોદ લપલપિયાએ પુલ બાંધનારા કરચલા કોન્ટ્રાક્ટરનું નિવેદન લીધું. કરચલાએ બચાવમાં કહ્યું, 'જંગલની સરકારે જે તપાસ સમિતિ બનાવશે એને હું સહકાર આપીશ. બાંધકામમાં કોઈ ગરબડ રહી ન હતી. પુલ બરાબર ચાલતો હતો. જોકે, એની ચકાસણી ને જાળવણી મારી જવાબદારી ન હતી. એનો જવાબ તો સરકાર જ આપી શકશે. પણ હા, હું એટલું ચોક્કસ કહીશ કે આખો પુલ તૂટયો છે એવાં નિવેદનો ભૂલભરેલા છે. ખરેખર તો બાંધકામનો થોડો હિસ્સો જ તૂટી પડયો છે. એ સિવાયનું બાંધકામ તો હજુય મજબૂત છે.'

Tags :