- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ઘુડખર ઘોંઘાટિયાને રાજા સિંહના કહેવાથી પાર્ટીના સંગઠનમાં મહત્ત્વની જવાબદારી મળી. તેમની ઘોંઘાટ કરવાની આવડતને રાજા સિંહે ધ્યાનમાં લીધી હતી
જંગલના રાજા સિંહ તેમની પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતા ન હોવા છતાં બધા નિર્ણયો કરતા રહે છે. તેમને પૂછ્યા વગર તેમની પાર્ટીનો એકેય નેતા ઊંચો-નીચો થતો નથી, છતાં રાજા સિંહ બધા હોદ્દા પોતાની પાસે ન રાખીને જંગલશાહીને પ્રોત્સાહન આપતા હતા. તેમણે વરૂભાઈ વાયડાને અગાઉ પાર્ટીના પ્રમુખ બનાવ્યા હતા. વરૂભાઈ તેમના નામ પ્રમાણે ખૂબ વાયડાઈ કરતા હતા. તેમણે મહારાજા સિંહ પાસેથી એવો પાવર મેળવ્યો હતો કે પાર્ટીના કોઈ નેતા તેમની સામે આંખ ઊંચી કરી શકતા નહીં.
પણ વરૂભાઈ એકના એક ભાષણો આપતા હતા એટલે રાજા સિંહને હવે વરૂભાઈ પાસેથી હોદ્દો પાછો લઈ લેવાની ગણતરી હતી. રાજા સિંહે વરૂભાઈને જંગલમાં પાણીનું મંત્રાલય સોંપી દીધું અને તેના સ્થાને નવા પ્રમુખ બનાવવા માટે અરજીઓ મંગાવી. ઘેટાભાઈ ઘાસફૂસિયાએ પાર્ટીના પ્રમુખ બનવા દાવેદારી નોંધાવી. ઘેટાભાઈને પાર્ટી ઘાસ આપે કે ન આપે, ઘેટાભાઈ સતત કામ કરતા હતા. તેમનો આટલો ઉત્સાહ જોઈને તેઓ 'ભક્ત શિરોમણી કાર્યકર'ના ઉપનામથી વિખ્યાત થયા હતા. 'જંગલ ન્યૂઝ'ના અહેવાલમાં પણ સિંહની પાર્ટીના વડા બનવા માટે ઘેટાભાઈ ઘાસફૂસિયાને સૌથી પ્રબળ દાવેદાર ગણવામાં આવ્યા હતા.
રાજા સિંહ જ્ઞાાતિ-જાતિનાં સમીકરણો સેટ કરતા હોય છે એટલે જો પક્ષીસમાજને તક આપવાની હોય તો કાગડાભાઈ કંકાસિયા સૌથી પ્રબળ દાવેદાર મનાતા હતા. પાંખોને ભારે શ્રમ આપીને વર્ષોથી કાગડાભાઈ રાજા સિંહનો પ્રચાર કરતા હતા. પક્ષીસમાજમાંથી હોલાજી હઠીલા બીજા નંબરના મજબૂત દાવેદાર હતા. હોલાજી હઠીલા સ્વઘોષિત વિદ્વાન હતા. 'ગૌમૂત્ર અને છાણ : આરોગ્યની દૃષ્ટિએ એક અભ્યાસ' એવા વિષયમાં તેમણે પીએચડી કર્યું હતું. એ શોધનિંબધ ભલે કોઈને સમજાતો ન હતો, પરંતુ બધા એના વખાણ બહુ કરતા હતા.
હેવી વેઈટ પ્રાણીઓની કેટેગરીમાં જો પ્રતિનિધિત્વ આપવાનું હોય તો પાડા પંચાતિયાનું નામ ચર્ચાતું હતું, પરંતુ પાડાભાઈએ પાર્ટીમાં એ લેવલનું કામ કર્યું નથી એવીય એક આંતરિક ફરિયાદ હતી. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુને ઊંડે ઊંડે આશા હતી કે જો ચંચળ પ્રાણીઓની કેટેગરીમાંથી નામ આવે તો કદાચ તેમના પર પણ પસંદગી ઉતરી શકે.
રાજા સિંહ અને તેમના અંગત વિશ્વાસુ રીંછભાઈએ સંભવિત ઉમેદવારોની યાદી તારવી લીધી. આ બંનેની પસંદગી પદ્ધતિ સદંતર જુદી હતી. 'જંગલ ન્યૂઝ'માં નામ ચાલતાં હતાં એ ઉમેદવારોના પ્રોફાઈલ કચરાપેટીમાં ફેેંકી દીધાં. એ સિવાયના ઉમેદવારોના પ્રોફાઈલ પણ ખાસ જોયા નહીં, એના બદલે તેમણે વિડીયો જોવાનું પસંદ કર્યું. વિડીયોમાં આ ઉમેદવારો કેવાં ભાષણ આપી શકે તેમ છે એના પર વધુ ધ્યાન આપ્યું.
મુખ્ય માપદંડ કંઈક આવા હતા:
કારણ હોય કે ન હોય, વિપક્ષના નેતાઓ - સસલાભાઈ, કાચબાભાઈ વગેરે સામે આડેધડ નિવેદનો આપી શકે છે કે કેમ?
ચૂંટણી વખતે ઉશ્કેરણીજનક ભાષણની આવડત છે કે કેમ?
જંગલની પરંપરા વિશે બિનતાર્કિક દાવાઓ કરી શકે કે નહીં?
રાજા સિંહની યોજનાઓના પ્રચારમાં કેટલો ઘોંઘાટ કરી શકે છે?
રાજા સિંહ અને રીંછભાઈની પ્રશંસા કરવાની ક્ષમતા છે કે નહીં?
રાજા સિંહના એજન્ડા પ્રમાણે આંખ બંધ કરીને કામ કરી શકે છે કે નહીં?
આ માપદંડો પ્રમાણે ઘેટાભાઈ ઘાસફૂસિયા, કાગડાભાઈ કંકાસિયા, હોલો હઠીલો, વરૂ વિસ્તારક વગેરે ઉમેદવારો યોગ્ય લાગતા હતા, પરંતુ આ બંનેનું ધ્યાન ખેંચ્યું રણના કાર્યકર ઘુડખર ઘોંઘાટિયાએ. ઘોંઘાટ કરવામાં અને રાજા સિંહના એજન્ડા પ્રમાણે કામ કરવામાં ઘુડખર ઘોંઘાટિયા સૌથી કન્વિન્સિંગ જણાતા હતા.
આખરે રાજા સિંહે ઘુડખર ઘોંઘાટિયાના નામ પર મહોર મારી. રીંછભાઈએ સત્તાવાર રીતે નામની જાહેરાત કરતાં કહ્યું, 'રણના ગધેડાઓને રાજકીય મહત્ત્વ મળે તે જરૂરી છે. રાજા સિંહ આમેય ગધેડા સમાજને બહુ સન્માનથી દૃષ્ટિથી જુએ છે. તેમણે પાર્ટીના નવા વડા તરીકે ઘુડખર ઘોંઘાટિયાને પસંદ કર્યા છે. સૌ કાર્યકરો અને નેતાઓ તેમની સાથે મળીને પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરશે.'
પાર્ટીના નેતાઓ અને કાર્યકરો માટે તો ઘુડખર ઘોંઘાટિયાનું નામ અનઅપેક્ષિત હતું. ખુદ ઘુડખર ઘોંઘાટિયાને પણ કલ્પના ન હતી કે તેમના પર રાજા સિંહ આટલો ભરોસો મૂકશે. તેમણે મનોમન નિર્ધાર કર્યો: 'રાજા સિંહના એજન્ડા પ્રમાણે ચાલીને આ પદની શોભા વધારવી. અગાઉના પાર્ટી પ્રમુખોએ ન કર્યું હોય એવું કામ કરી બતાવવું અને રાજા સિંહના ભરોસાને સાર્થક કરવો.'
તેમણે વિચાર્યું કે એવું શું કરું કે રાજા સિંહ બેહદ ખુશ થાય? બહુ વિચારતા એના દિમાગમાં ચમકારો થયો કે જંગલમાં બનાવટી ચીજવસ્તુઓના કારણે રાજા સિંહની ટીકા થાય છે. જો બનાવટી ચીજવસ્તુઓ બાબતે યોગ્ય નિર્ણય થાય તો રાજા સિંહ ખુશ થશે.
મક્કમ નિર્ધાર સાથે ઘુડખર ઘોંઘાટિયાએ પાર્ટીના વડાની જવાબદારી સંભાળી. પહેલા જ ભાષણમાં તેમણે ખૂબ ઘોંઘાટ સાથે સૌને અપીલ કરી: 'મારા પ્યારા જંગલવાસીઓ! આપણે સૌ એટલી બનાવટી ચીજવસ્તુઓ વાપરીએ કે બનાવટી ચીજવસ્તુઓ બનાવતા સૌને રોજગારી મળે. આપણે જંગલની બનાવટી ચીજવસ્તુઓને એક નવી ઊંચાઈએ લઈ જઈએ!'
સૌ સમર્થકોએ પંજાઓના ગડગડાટથી આ વાત વધાવી લીધી. રાજા સિંહને આ વિડીયો જોઈને પોતાની પસંદગી પર ગૌરવ થયું...


