Get The App

ચૂંટણી વ્યૂહરચનાકાર બગલાભાઈ બટકબોલાની ડિમાન્ડ

Updated: May 9th, 2024


Google NewsGoogle News
ચૂંટણી વ્યૂહરચનાકાર બગલાભાઈ બટકબોલાની ડિમાન્ડ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- આખાય જંગલમાં ચપળતાથી ફરી શકતા બગલા સમાજમાં અંડર કરન્ટ જાણવાની ગજબનાક સૂઝ હોવાથી ચૂંટણી વખતે આ સમાજનો ઓપિનિયન બહુ ઉપયોગી થઈ પડતો

ચૂંટણી વખતે જંગલના બધા જ પ્રાણી-પંખીઓ, સરીસૃપો, દરિયાઈ સજીવોનું મહત્ત્વ વધી જતું. જંગલની સરકાર આ બધા જ સમાજોને ધ્યાનમાં રાખીને અનેક વાયદાઓ કરતી. તેમનું જીવનધોરણ સુધરે તે માટે કેટલીય યોજનાઓ શરૂ કરવાની બાંહેધરી આપતી. બધા નેતાઓ છૂટા મોંએ તેમની પ્રશંસા કરતા, છૂટા પંજાએ વચનોની લહાણી કરતા.

ચૂંટણીમાં ખાસ પ્રકારના સમાજોની ડિમાન્ડ પણ વધી જતી, જેમ કે નેતાઓ જીતવા માટે મંત્ર-તંત્રનો ભરોસો કરતા હોવાથી ઘુવડ સમાજના બલિદાન આપનારા ઘુવડોની માંગ વધતી. ઘેટાસમાજ નેતાઓને સવાલ કર્યા વગર તેમના એજન્ડા પ્રમાણે ઠેર-ઠેર જઈને પ્રચાર કરવામાં માહેર હોવાથી તેમનેય મહત્ત્વ મળતું. વિરોધીઓને હડફેટે લઈને સીધા કરવામાં ઉસ્તાદ આખલાઓ નેતાઓને પ્રિય થઈ પડતા. કૂતરાઓ અવિરત ભસીને પ્રચારગીતો ગાઈ શકતા હોવાથી તેમની ડિમાન્ડ વધી જતી. ચૂંટણીમાં એવો જ ઉપયોગી થઈ પડતો સમાજ એટલે બગલા સમાજ.

બગલાઓ નદીકાંઠે, તળાવોની પાળે, કૂવાની આસપાસ, ખેતરો સહિત જંગલની મહત્ત્વની જગ્યાઓ પર દિવસ-રાત હાજર હોય. એ પ્રાણીઓ સાથેય દોસ્તી બાંધે ને પક્ષીઓની સભાઓમાં પણ જાય. તેથી બગલાઓનો જંગલના બધા સમાજો સાથે જબરો રેપો બંધાતો ને તેનાથી બગલાઓ અંડર કરન્ટ જાણવામાં માસ્ટર બની જતા. નેતાઓ ચૂંટણીમાં બગલાઓની આ માસ્ટરીનો ઉપયોગ કરતા. જંગલમાં ક્યો સમાજ કોને મત આપશે અને ક્યો સમાજ કોનાથી નારાજ છે એ બધું બગલાઓ જાણતા હોય. એ ડેટાનો ઉપયોગ કરીને ઘણા બગલાઓ રાજકીય નિષ્ણાત બની જતા. કોઈ ટીવી ડિબેટના એક્સપર્ટ બનતા. કોઈ વળી નેતાઓના સલાહકારો બની જતા તો કોઈ સફળ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે કારકિર્દી બનાવતા.

એવા જ નિવડેલા ચૂંટણી વ્યૂહરચનાકાર એટલે બગલાભાઈ બટકબોલા. મહારાજા સિંહથી માંડીને વિપક્ષના નેતા સસલાભાઈ, મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા, સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ જેવા નેતાઓ માટે જુદી જુદી ચૂંટણીઓમાં બગલાભાઈ બટકબોલા કામ કરી ચૂક્યા હતા. બગલા સમાજના ઈતિહાસમાં ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે એમના જેટલી સફળતા કોઈને મળી ન હતી. તેમણે ચૂંટણી વ્યૂહરચનાના ક્ષેત્રમાં નવા માપદંડો બનાવ્યા હતા. નવા વિક્રમો સેટ કર્યા હતા. બગલાભાઈ બટકબોલાને રણનીતિનું કામ સોંપો એટલે જીત નક્કી - એવી એક ધારણા જંગલના નેતાઓમાં દૃઢ થઈ હતી.

કોઈ પણ શરમ વગર જે લાગે એ બોલી નાખવાનો ગુણ તેમનામાં હોવાથી બટકબોલાની સ્પષ્ટવક્તાની ઈમેજ હતી. જંગલમાં જે અંડર કરન્ટ હોય એ મોઢામોઢ કરી દેનારા બગલાભાઈ અન્ય રણનીતિકારોથી અલગ નેતાઓને જીતવાનો રોડમેપ તૈયાર કરી દેતા. અંડર કરન્ટ સાથે મેચ થાય એવા ચૂંટણી મુદ્દા ઉછાળવાની તેમની ભલામણ કેટલાય નેતાઓને ફળી હતી.

બગલાભાઈ બટકબોલાએ બગલા સમાજમાંથી ચુનંદા ચપળ બગલાઓ પસંદ કરીને એક ટીમ બનાવી હતી. એ બગલાઓ જંગલમાં કોઈ પણ સ્થળે પહોંચી જતા. ક્યારેક સર્વેક્ષણો કરીને ઉપયોગી માહિતી મેળવી લાવતા, તો ક્યારેક વાતો સાંભળીને તારણ કાઢી આવતા. ઘણીવાર આ ટીમના બગલાઓ અન્ય પાર્ટીના કાર્યકરો બની જતા ને વિરોધી પાર્ટીની અંદરની વિગતો લાવી આપતા.

એ બધી વિગતો ભેગી કરીને બગલાભાઈ બટકબોલા વ્યૂહરચના ઘડી કાઢતા. તેમની વ્યૂહરચનાનો સૌથી વધુ ફાયદો મહારાજા સિંહને થયો હતો. સિંહે અગાઉ તેમની વ્યૂહરચના પ્રમાણે સોશિયલ મિડીયા કેમ્પેઈન ચલાવીને ચૂંટણીઓ જીતી લીધી હતી. જંગલની નવી પેઢીની અપેક્ષા શું છે તેનો ડેટા એકઠો કરીને બગલાભાઈએ મહારાજા સિંહને ભાષણો લખી આપવામાં મદદ કરી હતી. એ પછી મહારાજા સિંહે જે ભાષણો આપ્યા એ જંગલની યંગ જનરેશનમાં એટલા પોપ્યુલર થયા કે યુવા પેઢીમાં મહારાજા સિંહનો અલગ ફેનબેઝ બની ગયો, જે લાંબા ગાળે દરેક ચૂંટણીમાં કામ આવવાનો હતો. મહારાજા સિંહની તરફેણમાં આ યંગ જનરેશનની બદલાયેલી માનસિકતાથી વિપક્ષના નેતા સસલાભાઈની પોપ્યુલારિટી ધોવાઈ ગઈ હતી.

અચ્છા, જંગલની ચૂંટણી રણનીતિમાં બગલભાઈનું આટલું જ પ્રદાન નહોતું. નેતાઓના ભાષણમાંથી બિનજરૂરી હિસ્સો કાઢીને માત્ર સનસની ફેલાય અને વોટિંગમાં વ્યાપક અસર થાય એવી ક્લિપિંગ્સ બનાવવાની પરંપરા શરૂ કરવાનો યશ બગલાભાઈને મળે છે. જે નેતાનું કેમ્પેઈનનું કામ લીધું હોય એના વિડીયોમાંથી મતદારોમાં ફાયદો થાય એટલા ટુકડા વાયરલ કરીને ફાયદો મેળવવામાં બગલાભાઈની જેટલી કુશળતા હતી એટલી જ કુશળતા વિપક્ષી નેતાઓના અર્થનો અનર્થ કરતા વિડીયો ક્લિપિંગ્સ વાયરલ કરવામાં પણ હતી.

બગલાઓનું વિશાળ નેટવર્ક, અંડર કરન્ટ પ્રમાણે ટ્વિસ્ટ કરવાની આવડત અને પવન મુજબ દિશા બદલી શકવાની કુશળતાના કારણે બગલાભાઈ બટકબોલા જંગલના સૌથી સફળ ચૂંટણી વ્યૂહરચનાકાર બન્યા. દરેક ચૂંટણીમાં તેમની ડિમાન્ડ વધતી. તે એટલે સુધી કે બધા નેતાઓ તેમની વ્યૂહરચના માટે મોં માગ્યા દામ આપવા તૈયાર થતા.

પણ પછી બગલાભાઈ બટકબોલાએ આગવી ઈમેજના જોરે પૈસા કમાવવાનો તદ્ન જુદો રસ્તો શોધી કાઢ્યો. ચૂંટણી પહેલાં તેઓ માત્ર ટીવી ઈન્ટરવ્યુ આપતા. કોઈ નેતાની તરફેણમાં નિવેદન કરતા ને કોઈની ઝાટકણી કાઢતા. બસ, આટલું કરવાની તગડી ફી વસૂલતા. આખી ચૂંટણીની વ્યૂહરચના ઘડીને જેટલી કમાણી નહોતી થતી એટલી તો એ એક ઈન્ટરવ્યુમાંથી કરી લેતા.

આજે સેંકડો બગલાઓ માટે તેઓ રોલમોડેલ છે!


Google NewsGoogle News