- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- સિંહે કહ્યું, 'અગાઉના કોઈ રાજાએ તમારી સમસ્યાનું સમાધાન નથી કર્યું, પરંતુ મારી પાસે તદ્ન જુદી દૃષ્ટિ છે અને તેની મદદથી હું તમારી સમસ્યાઓનો નિકાલ કરી રહ્યો છું
'રાજા સિંહનો જય હો!' સિંહના સલાહકાર રીંછભાઈ એકી શ્વાસે બોલવા લાગ્યાઃ 'મહારાજ! જંગલમાં અછતની ફરિયાદો વધી છે. આપ કંઈક કરો!'
'મેં જંગલવાસીઓની નજર સામે આટલાં પગલાં ભર્યા હતા. દરબારીઓ અને અધિકારીઓ સાથે મળીને આપણે જંગલવાસીઓને આશ્વાસન આપ્યું તેની કોઈ અસર ન થઈ? જંગલવાસીઓમાં ધીરજ જ નથી!' રાજા સિંહ અકળાયા.
થોડા દિવસ પહેલાં જ જંગલનું પ્રતિનિધિમંડળ રાજા સિંહને મળ્યું હતું અને દાણા-પાણી-ચારાની અછતની ફરિયાદ કરી હતી. પંખીઓ માટે ગેસથી પાંખોના મસાજની વ્યવસ્થા હતી એ પંપોએ ગેસનો ભાવ વધાર્યો હતો અને પ્રાણીઓના પગમાં લિક્વિડની ધાર કરીને મસાજ ફ્યુઅલ થતું એના ભાવ પણ વધી ગયા હતા. એ બધી ફરિયાદો પછી રાજા સિંહે તુરંત જંગલવાસીઓની નજર સામે દરબારીઓ પાસેથી વિગતો મેળવીને જંગલવાસીઓને ધરપત આપી હતી. તે એટલે સુધી કે રાજા સિંહે પોતે એક હજાર પગલાં ભર્યા તેનો ડેટા જંગલવાસીઓને બતાવ્યો હતો. આ ઘટનાક્રમ પછી જંગલમાં ફરિયાદો શમી જશે એમ રાજાએ ધાર્યું હતું.
'તમે પગલાં ભર્યાં તેની અસર બે-એક દિવસ રહી, પણ હજુ ગેસની અછત છે. ફ્યુઅલના ભાવમાં વધારો થયો છે. વળી, તમારા મિત્ર વિદેશી જંગલના રાજા ગોલ્ડન ઈગલ વારંવાર નિર્ણયો બદલતા રહેતા હોવાથી આપણા જંગલવાસીઓના ધંધા-રોજગાર પર અસર થાય છે. ગોલ્ડન ઈગલે જે જંગલ પર હુમલો કર્યો છે એ જંગલ સાથે આપણા જંગલવાસીઓનો ઘણો વેપાર ચાલતો હતો અને...' રીંછભાઈની લાંબી વિગતોથી કંટાળેલા રાજા સિંહે તેમને અટકાવીને કહ્યું, 'ઠીક છે ઠીક છે... હું કંઈક કરું છું.'
રીંછભાઈને રવાના કરીને રાજા સિંહે ઊંડો વિચાર કર્યો. લાંબા મનોમંથન પછી મનોમન બોલ્યાઃ 'કંઈ કરવાનો અર્થ નથી. દાવા કરવાથી કામ બની જશે. હું ફરી એક વખત જંગલમાં કંઈ જ અછત નથી એવો દાવો કરી દઉં. એક સરસ ભાષણ આપી દઈશ કે કામ બની જશે.'
રાજા સિંહે તુરંત તેમના ભાષણ લખતા કલકલિયા કલમઘસુને બોલાવ્યો અને એક મોટિવેશનલ ભાષણ લખી આપવાનો આદેશ આપ્યો. ભાષણ તૈયાર થઈ ગયું. રાજા સિંહે વીડિયો શેર કર્યો. જંગલવાસીઓને આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એનાં પાંચ સૂત્રો રાજા સિંહે આપ્યાઃ 'સાથીંઓં! હું આજે તમારી બધી જ સમસ્યાનું નિરાકરણ લઈને આવ્યો છું. અગાઉના કોઈ રાજાએ તમારી સમસ્યાનું સમાધાન નથી કર્યું, પરંતુ મારી પાસે તદ્ન જુદી દૃષ્ટિ છે અને તેની મદદથી હું તમારી સમસ્યાઓનો નિકાલ કરી રહ્યો છું. તમારે માત્ર આ પાંચ સૂત્રો જ યાદ રાખવાના છે. તમારી બધી જ મુશ્કેલીઓનો ઉકેલ એમાંથી મળી રહેશે. સાંભળો...
ફરિયાદ ન કરો - વારંવાર ફરિયાદો કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ થશે. ફરિયાદો એ નબળા મનની નિશાની છે. મન નબળું હશે તો આપણે વિકાસ કેમ કરી શકીશું? આપણે વિકસિત જંગલ સંકલ્પ તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે ફરિયાદો કરવાથી આપણા વિરોધીઓ તેનો ગેરલાભ લેશે. આપણે આપણી જરૂરિયાતોની જ કુરબાની આપવાની છે. જે ન મળે એની ફરિયાદો ન કરો.
સંતોષી બનો - જે મળે છે એમાં આનંદ મેળવતા શીખો. આપણે આપણી પાસે જે છે એની કદર કરતા નથી. આપણા જંગલમાં ગેસ અને ફ્યુઅલની અછત હશે, ચારા-પાણી-દાણાની અછત હશે. એ અછતને હાઈલાઈટ ન કરો. હવા તો મળે છે. એનો આનંદ ઉઠાવો. જે મળે છે એમાં સંતોષ રાખો. ઈન્ટરનેટ મળે છે એના ડેટાનો ઉપયોગ કરો. રીલ્સ બનાવો, રીલ્સ જુઓ.
શાંતિ જાળવો - તમે અસંતોષની ફરિયાદો લઈને મારી પાસે આવશો તો આપણા જંગલની શાંતિ જોખમમાં મૂકાશે. આપણા જંગલની શાંતિનાં ઉદાહરણો હું જે વિદેશી જંગલોમાં જાઉં છું ત્યાં પણ મને આપવામાં આવે છે. વિદેશી જંગલોમાં જાણ થશે કે આપણે અશાંતિ ફેલાવીએ છીએ તો શું થશે? આપણા જંગલની મશ્કરી થશે. માટે શાંતિ જાળવો.
ધીરજ કેળવો - શાંતિ જાળવવાની સાથે સાથે ધીરજ કેળવવાની જરૂર છે. તમે શાંતિ જાળવતા હશો પણ ધીરજ નહીં હોય તો તમે અસંતોષી બની જશો. જંગલમાં ચીજવસ્તુઓ કે સુવિધાઓ ન મળે ત્યારે ધીરજ રાખીને એ બધું થાય તેની રાહ જુઓ. આજે નહીં તો કાલે કંઈક તો થશે જ - એમ ધારો અને ધીરજ રાખો. ધીરજ રાખતા શીખી જશો તો વિકસિત જંગલના સંકલ્પને સાકાર કરવામાં ખૂબ મદદ મળશે.
સહનશીલ બનો - તમે ફરિયાદ નહીં કરો, શાંતિ જાળવીને સંતોષી બનશો ને ધીરજ કેળવતા શીખી જશો એટલે સહનશીલ આપોઆપ બની જશો. સહનશીલ બનવાથી ઘણી મુશ્કેલીઓ ટળી જાય છે. સહન કરતાં શીખશો તો આપણા જંગલને વિકસિત કરતાં કોઈ રોકી નહીં શકે.'
રાજા સિંહનો વીડિયો મેસેજ પૂરો થયો કે જંગલવાસીઓએ રાહતનો શ્વાસ લીધો. એટલા માટે નહીં કે એમાંથી તેમની સમસ્યાઓના ઉકેલો મળી ગયા હતા, પરંતુ એટલા માટે કે રાજા સિંહે આપેલું આ સૌથી ટૂંકું ભાષણ હતું. જંગલવાસીઓ માનતા હતા કે રાજા સિંહનું ટૂંકું ભાષણ પણ ઘણી રાહત આપે છે...


