For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુલામદાસ ગધેડા અને પપ્પુ પોપટનું નવું સ્ટાર્ટઅપ-'ધારાસભ્ય ખરીદ-વેચાણ સંઘ'

Updated: Sep 8th, 2022

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

મુખ્યમંત્રી કાચબાભાઈ કચકચિયાએ 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણી સમક્ષ સનસનીખેજ ધડાકો કર્યો : 'મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈએ અમારી પાર્ટીના ધારાસભ્યોને ખરીદવા માટે મોં માંગ્યો ભાવ આપવાની તૈયારી બતાવીને મારી સરકાર ઉથલાવી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. ઘણા ધારાસભ્યોનો ભાવ ઊંચો હોવાથી વાત અટકી ગઈ હતી. પોતાના ધારાસભ્યો ન ચૂંટાય ત્યાં સિંહ-રીંછની જોડી આખેઆખા ધારાસભ્યોને જ ખરીદવા લાગ્યા છે!'

આ દાવા પછી 'જંગલ ન્યૂઝ'માં રાજકીય વિશ્લેષકોની પેનલ ઘાંટા પાડતી સંભળાતી હતી. એ દરમિયાન 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના માલિક ગુલામદાસ ગધેડાના દિમાગમાં ઝબકારો થયો.

***

'જંગલમાં વધુ એક વખત ધારાસભ્યોના ભાવ બોલાયા છે. કેટલાક ધારાસભ્યોએ સરખો ભાવ ન મળ્યાનો અસંતોષ વ્યક્ત કર્યો. તો કેટલાક ધારાસભ્યોની વાત ભાવ-તાલના મુદ્દે અટકી ગઈ હોવાથી તેમને જાત વહેંચવાનું હાલ પૂરતું કેન્સલ કર્યું છે. એમને ભવિષ્યમાં ઊંચા ભાવ મળશે એવી આશા છે,' ગુલામદાસ ગધેડાએ ફોન કરીને ભાગીદાર ઉદ્યોગપતિ પપ્પુ પોપટને ઓફિસમાં મળવા બોલાવ્યો અને પછી આખો ઘટનાક્રમ ટૂંકમાં કહી સંભળાવ્યો. પપ્પુ પોપટ બધું સમજી ગયો પછી ગુલામદાસે ઉમેર્યું: 'બિચારા જંગલના ધારાસભ્યોને યોગ્ય કિંમત એટલે મળતી નથી કે જંગલમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણને સમર્પિત હોય એવી કોઈ સંસ્થા જ નથી. જે પક્ષને જરૂર પડે એ આડેધડ પોતપોતાની રીતે ભાવ-તાલ કરીને ધારાસભ્યોને ખરીદી લે છે. તેમને યોગ્ય વળતર મળે એ માટે એક પ્લેટફોર્મ બનાવવું જોઈઅ.ે'

'તો તમે રાજકીય પક્ષ બનાવવાનું વિચારો છો?' પપ્પુ પોપટના કપાળમાં ચિંતાની કરચલી પડી.

'ના, ના, ના.. આપણે ઉદ્યોગપતિઓ તો જરૂર પડે ત્યારે ફંડ આપીને પક્ષને જ ખરીદી લઈએ છીએ. આપણે પાર્ટી બનાવવાની શું જરૂર છે? હું તો એવું પ્લેટફોર્મ બનાવવાનું વિચારું છું કે જે તમામ પક્ષના ધારાસભ્યોને યોગ્ય વળતર અપાવે. જંગલના ધારાસભ્યોની અણઆવડત-ગુંડાગર્દી-ક્રાઈમ રેકોર્ડ-પક્ષપલ્ટાના ઈતિહાસના આધારે એ પ્લેટફોર્મ ખરીદી કરે અને જરૂર પડયે યોગ્ય કિંમતે અન્ય પક્ષને વેંચી દે.'

'આપણને કંઈ ફાયદો ખરો?' પપ્પુ પોપટે ચાંચ પહોળી કરીને પૂછી લીધું.

'આપણે પ્લેટફોર્મનું પૂરતું કમિશન મેળવીશું - ધારાસભ્યોને તેમની યોગ્ય કિંમત મળશે એટલે એની પાસેથી કમિશન મળશે, જે-તે પક્ષને જોઈએ એટલી સંખ્યામાં ધારાસભ્યો આપીશું એટલે એ તરફનું કમિશન પણ મળશે'. ગુલામદાસ ગધેડાએ આખું બિઝનેસ મૉડેલ સમજાવ્યું.

'વાહ, વાહ....' પપ્પુ પોપટ ગુલામદાસ ગધેડાની બુદ્ધિથી ખરેખર પ્રભાવિત થયો. તેણે ચાપલુસી કરી, 'તમે કરોડોમાં એક છો. તમારી બિઝનેસની આવડત અનોખી છે. હું તમારો બિઝનેસ પાર્ટનર છું એનું મને બેહદ ગૌરવ છે.'

થોડા દિવસમાં ગુલામદાસ ગધેડા અને પપ્પુ પોપટે મળીને નવા બિઝનેસની રૂપરેખા તૈયાર કરી લીધી...

***

'ધ ડોન્ંકી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના ઓફિશિયલ ફેસબુક પેજ પરથી જાહેરાત થઈઃ 'ધારાસભ્યોને યોગ્ય માન-સમ્માન, ભાવ-તાલ, ગૌરવ-ગરિમા મળે તે માટે અમારી કંપનીએ 'ધારાસભ્ય ખરીદ-વેચાણ સંઘ' નામનું પ્લેટફોર્મ શરૂ કર્યું છે. આ પ્લેટફોર્મ ધારાસભ્યોને તેમની મૂળ કિંમત કરતાં ૨૫થી ૩૦ ટકા સુધી વધુ વળતર અપાવશે. જો તમે જંગલની કોઈપણ બેઠક પરથી, કોઈપણ પક્ષ કે અપક્ષના ધારાસભ્ય બન્યા હોય તો તમે સારામાં સારું વળતર મેળવવા હકદાર છો. જાગૃત બનો. જાણકાર બનો. માલદાર બનો...'

બીજા દિવસથી જંગલની બધી જ ધારાસભાની બહાર 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ' અને 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ના બેનર લાગી ગયા. જેમાં ધારાસભ્યો જોગ લખાયું હતું:

અમારી સાથે જોડાવાના ફાયદા

* વિશ્વાસમત પહેલાં યોગ્ય ભાવ મેળવવા ધારો છો? તો આ તમારા માટે છે!

* ચાલતી સરકારને રાતોરાત પાડીને નવી સરકારનો ભાગ બનવા માગો છો? તો આ તમારા માટે છે!

* તમારી આવનારી પેઢીને પૈસે-ટકે સુખી કરવા માગો છો? તો આ તમારા માટે છે!

* તમારા પક્ષનો કોઈ મોટો નેતા બળવો કરે ત્યારે તમેય તેની સાથે જઈને લાભ મેળવવા ઈચ્છો છો? તો આ તમારા માટે છે!

* તમે પોતે ધારાસભ્ય તરીકે તમારું મૂલ્ય આંકી શકતા નથી? તો આ તમારા માટે છે!

*

અમારી ખાસિયતો

* જે પક્ષ તમને ખરીદવા માગતો હશે તેના કી પર્સન સાથે જ મીટિંગ કરાવીએ છીએ. વચેટિયાથી મુક્તિ મળશે.

* પક્ષ બદલીને જવા કરતાં તમારા પક્ષ સાથે જ બાર્ગેનિંગ કરવું હશે તો તમારા પક્ષના મુખ્ય નેતા સાથે સીધો જ ભાવ-તાલ અમારા એક્સપર્ટની હાજરીમાં કરાવશે.

* સતત પક્ષ બદલીને રાજ્ય સરકારોમાં મલાઈદાર મંત્રાલયો મેળવનારા ધારાસભ્યો પોતાની રાજકીય કારકિર્દી વિશે વીડિયો કોન્ફરન્સથી પ્રેરણા આપશે.

* જો કાયદાકીય ગૂંચ સર્જાશે તો એમાંથી આબાદ બચવા માટે મોટા મોટા ગુનેગારોના કેસ લડી ચૂકેલા કુખ્યાત વકીલોની ટીમ તૈનાત રાખીશું.

* ધારાસભ્ય તરીકે ગેરમાન્ય ઠર્યા હોવા છતાં ધારાસભ્યપદ બચાવીને યોગ્ય વળતર મેળવવાની ગુરૂચાવી મળશે.

* જો તમે પક્ષના વડા છો તો પણ તમારા માટે તક છે. અમારા માધ્યમથી ધારાસભ્યો ખરીદો, ધારાસભ્ય વેચો.

Gujarat