Get The App

ઝેર ઓકતા સાપોના રાફડા પર ગરુડોની એરસ્ટ્રાઈક

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ઝેર ઓકતા સાપોના રાફડા પર ગરુડોની એરસ્ટ્રાઈક 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ડંખ મારતા સાપોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે જંગલવાસોઓએ સાપો સામે કાર્યવાહીની માગ કરી હતી. આખરે રાજા સિંહના આદેશ પછી ગરુડોની ટૂકડી સાપોના રાફડા પર તૂટી પડી હતી...

મારખોર બકરાઓ જે જંગલમાં રાજ કરતા હતા તેની રક્ષણની જવાબદારી ગધેડાઓના માથે હતી. મારખોર બકરાઓનું આ જંગલ રાજા સિંહના જંગલમાં એક નહીં તો બીજી રીતે મુશ્કેલી ખડી કરતું હતું. રાજા સિંહનું જંગલ બધી રીતે મારખોર બકરાઓના જંગલથી ખૂબ શક્તિશાળી હતું. સિંહના જંગલની સરહદોનું રક્ષણ ઘોડાઓ કરતા હતા. શક્તિની રીતે ઘોડાઓ સામે લડી શકવાની ગધેડાઓની કોઈ જ ક્ષમતા નહોતી. અગાઉ જ્યારે જ્યારે ઘોડા-ગધેડાઓ વચ્ચે લડાઈઓ થઈ હતી ત્યારે ગધેડાઓ ઘોડાઓ સામે હારી ગયા હતા.

રાજા સિંહના જંગલ સાથે સ્પર્ધામાં ઉતરે તો મારખોર બકરાનું જંગલ એકેય રીતે જીતે તેમ ન હતું. મારખોર બકરાઓને આ વાત સમજાઈ ગઈ હતી. સિંહની સાથે વાઘ, દીપકા, ઘોડા, ચિત્તા, ગરુડ, મહાસીર માછલાઓની શક્તિ એકત્ર થાય તો મારખોર બકરાઓનું નામોનિશાન રહે નહીં.

મારખોર બકરાઓએ ઝેરીલા સાપોનું ટોળું એકઠું કર્યું. ગધેડાઓને કહીને મારખોર બકરાઓએ સાપોને રાજા સિંહના જંગલ વિરૂદ્ધ ભડકાવ્યાં. ઝેરીલું દૂધ પીવડાવીને સાપોને હુમલા માટે ઉશ્કેર્યા. સતત નશામાં રહેતા સાપોને મારખોર બકરાઓએ સિંહના જંગલમાં ઘૂસાડવાનું શરૂ કર્યું. પહેરો ભરતા ઘોડાઓના પગમાં ડંખ મારીને આ સાપો ગુપ્ત ભૂમિ માર્ગે નાસી જતા. ઘોડાઓ વધારે સાવધાન બન્યા એટલે અમુક સાપો પકડાઈ જતા. પકડાયેલા સાપોના માથાને ઘોડાઓ એડીની નીચે છૂંદી નાખતા, પરંતુ મારખોર બકરાઓએ સાપોની આખી ફૌજ ખડી કરી હતી. આ સાપો આવતા અને જંગલવાસીઓને ઝેરી ડંખ મારીને ચાલ્યા જતા. સાપોના ટોળાએ સૂત્ર અપનાવ્યું - ઘૂસણખોરી કરો, ડંખ મારો, પાછા ફરો અથવા ખપી જાવ.

એક દિવસ સાપોનું ટોળું ત્રાટક્યું ને કેટલાય જંગલવાસીઓ એના ઝેરીલા ડંખથી મૃત્યુ પામ્યા. જંગલવાસીઓએ રાજા સિંહ સમક્ષ માગણી આક્રોશપૂર્ણ માગણી કરી: 'ઝેર ઓકતા સાપોને સીધા કરો.'

સાપોનો સમૂળગો ખાતમો બોલાવવા માટે રાજા સિંહે તેમના અંગત સલાહકાર રીંછભાઈની સલાહ તો લીધી જ, સાથે સાથે વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, લંગૂરભાઈ લપલપિયા સાથેય ચર્ચા કરી. સૌનો એક જ મત હતો - સાપોને ખતમ કરવાનું કામ જો કોઈ કરી શકશે તો એ છે ગરુડો.

વાત પણ સાચી હતી. ગરુડો પરંપરાગત રીતે જ સાપોને દુશ્મન ગણતા. ગરુડ સમાજ આમેય ભવ્ય ઈતિહાસ ધરાવતો હતો. ભગવાન વિષ્ણુના વાહન બનવાનું ગૌરવ આ સમાજને પ્રાપ્ત થયું હતું. ગરુડોને પક્ષીઓમાં શ્રે ગણવામાં આવતા હતા. તેમની ઝડપ, તીવ્ર આંખો અને ચપળતાના ગુણોનાં ઉદાહરણો અપાય છે. ગરુડ સમાજને પક્ષીઓની સભામાં આદરથી વિશેષ સ્થાન મળે છે. તેમની કથાઓ સાહસથી ભરેલી છે.

અગાઉ કેટલાય મિશનો ગરુડોએ પાર પાડયા હતા. જંગલમાં જેમ જમીની સરહદનું રક્ષણ તેજતર્રાર તોખારો કરતા હતા તેમ જંગલના આકાશની સુરક્ષા ગરુડોને સોંપવામાં આવી હતી. ગરુડો દિવસ-રાત પહેરો ભરીને આકાશમાં કંઈક ગતિવિધિ થાય તો તુરંત પકડી પાડતા ને વળતી કાર્યવાહી કરતા. પાડોશી જંગલના મારખોર બકરાઓએ તેના આકાશની સુરક્ષા ચકોરપક્ષીઓને સોંપી હતી, તેની સાથેની અથડામણમાં ગરુડો કેટલીય વખત વિજેતા બન્યા હતા.

આવો જોરદાર રેકોર્ડ ધરાવતા ગરુડોને આખરે સાપોના વિનાશનું મિશન સોંપાયું. જંગલવાસીઓનો આક્રોશ જોઈને લાલચોળ થયેલા રાજા સિંહે ગરુડોની ટીમને આદેશ આપ્યો: 'જાઓ! સાપોને સીધા કરો!'

આદેશ મળતાં જ ગરુડોની તાલીમબદ્ધ ટુકડી નીકળી પડી. ગરુડોએ આ મિશનને નામ આપ્યું - ઓપરેશન એરસ્ટ્રાઈક. મારખોર બકરાઓને અંદેશો તો હતો જ કે રાજા સિંહ વહેલા મોડા ગરુડોને જ સાપોના વિનાશ માટે મોકલશે. સાપોને ગરુડોની બચાવવા મારખોર બકરાઓ અને ગધેડાઓએ મળીને ખાસ સુરક્ષિત રાફડા બનાવી રાખ્યા હતા. એ રાફડા ગરુડોની નજરમાં આવશે નહીં એવો મારખોર બકરાઓને વિશ્વાસ હતો, પરંતુ આધુનિક ગરુડો ટેકનોલોજીના ઉપયોગથી તેમના પૂર્વજો કરતાંય વધુ સ્માર્ટ, વધુ ખાતક બની ગયા હતા. તેમણે આવડત, તાલીમ અને ટેકનોલોજીનો સમન્વય કરીને સાપોના રાફડા શોધી કાઢયા. 

મારખોર બકરાઓએ ચકોરપક્ષીઓની એક ટુકડી બનાવી હતી. જો ગરુડોની ટીમ સાપોના શિકાર માટે આવે તો આ ચકોરપક્ષીઓએ તેમની પાછળ પડીને સાપોને બચાવવાના હતા, પરંતુ મારખોર બકરા, ગધેડા અને ચકોરની ધારણાથી વિપરીત ગરુડોની ટુકડીએ મધરાતે સાપો પર હલ્લો બોલાવ્યો. એના રાફડા તોડી પાડયા. કેટલાય સાપોનો વિનાશ કર્યો. ગરુડોએ તેમની શાખ પ્રમાણે એટલી ત્વરાથી આ મિશન પાર પાડયું કે ઝેરીલા સાપોને ભાગવાનો કે છૂપાવાનો પણ સમય ન મળ્યો.

જંગલમાં ઘૂસણખોરી કરતાં ઝેરીલા સાપોના ટોળામાં હાહાકાર મચી ગયો. મારખોર બકરાઓ રઘવાયા થયા. ગધેડાઓ પણ બેબાકળા બન્યા.

આ તરફ ઝેરીલા હુમલાનો ભોગ બનેલા જંગલવાસીઓના મોતનો બદલો લેવાયો હોવાથી જંગલમાં ગરુડોની વાહવાહી થઈ ગઈ. મહારાજા સિંહે ગરુડોના કામની સરાહના કરતા સૂત્ર આપ્યું: ગરુડોની ગર્જના, સાપોનો સર્વનાશ.

સૌ જંગલવાસીઓએ પણ એ સૂત્ર ઉપાડી લીધું - ગરુડોની ગર્જના, સાપોનો સર્વનાશ.

Tags :