Get The App

'ફેક બર્ડ લવર્સથી સાવધાન!': પક્ષી સમાજની એપ 'પાંખ'માં નોટિફિકેશન

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
'ફેક બર્ડ લવર્સથી સાવધાન!': પક્ષી સમાજની એપ 'પાંખ'માં નોટિફિકેશન 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ઉત્તરાયણ પહેલાં બર્ડ લવર્સે ફોન કરીને હેલ્પ મેળવવાની સોશિયલ મિડીયા પોસ્ટ મૂકી હતી, પણ એ નંબરોમાં ઉત્તરાયણના દિવસે ફોન કર્યો તો તેમણે મદદ કરવાને બદલે બહાનાં બતાવ્યા હતા

ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે પક્ષી સમાજના પ્રમુખ ગગન ગરૂડે સંગઠનના સભ્યોની એક ખાસ બેઠક બોલાવી હતી. પક્ષી સમાજની ધર્મશાળા 'નેસ્ટ હાઉસ'માં પ્રમુખ ગગન ગરૂડ, માર્ગદર્શક હીરજી હંસ, મહામંત્રી કાગડો કંકાસિયો, ખજાનચી હોલો હઠીલો, મહિલાપાંખના પ્રમુખ કાબરબેન કલબલાટિયા સહિતનાં હોદ્દેદારો આવી પહોંચ્યાં. સંગઠન મંત્રી કબૂતર કાનાફૂસિયાએ સૌની હાજરી નોંધ્યા પછી કહ્યું, 'પ્રમુખ સાહેબ આપણાં સૌની સાથે મહત્ત્વની ચર્ચા કરવા માંગે છે એટલે આ બેઠક બોલાવી છે.'

'તમારો મેસેજ આવ્યો કે હું બધું જ કામ મૂકીને આવી ગઈ. આ તો શું કે સમાજનું કામ છે એટલે આવવું પડેને!' કાબરબેન કલબલાટિયા બોલ્યાં કે તરત જ ઘણા હોદ્દેદારોએ હોંકારા ભણ્યા. સમાજના હોદ્દેદારોમાં કાબરબેન જેવા એક-બે સભ્યો હોય જ. મૂળ વાત ચાલતી હોય એમાં વચ્ચે બોલે તો બોલે જ, પણ પોતાનાં અનેક કામ મૂકીને સમાજનું કામ કરે છે એવા પ્રચારની એક તક ન છોડે. કાબરબેને આગળ ચલાવ્યું, 'મારે તો બચ્ચાંઓના ગળા માટે સેફ્ટીકવર, ગોગલ્સ ને એ બધું લેવા જવાનું પણ બાકી છે, પણ સમાજનું કામ પહેલાં હોં!'

'મારેય એવું જ છે. તમારી ભાભી આજે જ કહેતી હતી કે ઉત્તરાયણ પહેલાં માળામાં થોડું રિપેરિંગ કરાવવું પડશે. મારે એક પક્ષીઓ અને ઉત્તરાયણને લઈને એક સંશોધન લેખ આપવાનો છે, પણ કબૂતરનો ફોન આવ્યો કે હું તો બધું મૂકીને આવી ગયો.' સ્વઘોષિત વિદ્વાન હોલા હઠીલો બોલ્યો કે ગગન ગરૂડે ત્રાંસી આખે કબૂતર સામે જોઈને અણગમો વ્યક્ત કર્યો.

'...તો તમે બધા વ્યસ્તતા વચ્ચે આવ્યાં છો ત્યારે આપણે મૂળ ચર્ચા કરી લઈએ.' કબૂતર કાનાફૂસિયાએ સંગઠન મંત્રીની ભૂમિકા નિભાવતા ઉમેર્યું, 'આ ઈન્ફોર્મલ મીટિંગનો હેતુ પ્રમુખ શ્રી ગગનભાઈ ગરૂડ કહેશે, પરંતુ એ પહેલાં હું તમને થોડી પ્રાથમિક માહિતી આપી દઉં. સંગઠનને એવી ફરિયાદો મળી હતી કે પતંગોત્સવમાં કાતિલ દોરીથી ઈજા પામેલાં પક્ષીઓને સમયસર સારવાર મળતી નથી. પરિણામે મૃત્યુઆંક વધી જાય છે. ગગનભાઈ ખુદ રાજા સિંહને રજૂઆત કરવા ગયા હતા. રાજા સિંહે તેમના અંગત વિશ્વાસુ અને આંતરિક મંત્રાલય સંભાળતા રીંછભાઈને ઘટતું કરવા જણાવ્યું હતું. રીંછભાઈએ ઈમરજન્સી સર્વિસ માટે તૈનાત રહેતી ટીમમાં સંખ્યા વધારી દીધી છે, પણ તેમ છતાં કેટલાય વિસ્તારોમાં ઈમરજન્સી ટીમ પહોંચી શકતી નથી.

'પણ રાજા સિંહની ખાસ અપીલ પછી તો કેટલાય સંગઠનોની મદદ મળે છે,' સિંહ સમર્થક કાગડો કંકાસિયો બોલ્યો.

'ગુલામદાસ ગધેડા જેવા ઉદ્યોગપતિઓ સારું એવું ફંડ આપે છે. બર્ડ લવર્સ પણ ઘણી મહેનત કરે છે.' હોલા હઠીલાએ કાગડાની વાતમાં સૂર પુરાવ્યો.

'આ મુદ્દે જ પ્રમુખ આપણી સાથે વાત કરશે. તો હવે હું ગગનભાઈને જ કહું તેઓ આપણે વધુ જાણકારી આપે.' કબૂતર કાનાફૂસિયાએ કહ્યું એ સાથે જ ગગન ગરૂડે એક ફાઈલ બહાર કાઢી. એમાંથી બધાને એક કાગળ આપ્યો.

'મેં કબૂતરોની મદદથી એક સર્વે કરાવ્યો હતો. એમાં જણાયું કે દર વર્ષે ઉત્તરાયણ વખતે બર્ડ લવર્સની સંખ્યા બમણી થઈ જાય છે, પણ ખરેખર મદદની વાત આવે ત્યારે આપણને કોઈ ફાયદો થતો નથી.' ગગન ગરૂડે કાગળમાં વાંચીને આગળ ચલાવ્યું, 'ગયા વર્ષે ઉતરાયણમાં જેટલા બર્ડ લવર્સે સોશિયલ મિડીયામાં પક્ષીપ્રેમ બતાવ્યો હતો એટલા ખરેખર મદદ માટે આવ્યા ન હતા. ઈજાગ્રસ્ત પરિવારોએ એવી ફરિયાદ કરી હતી કે ઉત્તરાયણ પહેલાં બર્ડ લવર્સે ફોન કરીને હેલ્પ મેળવવાની પોસ્ટ મૂકી હતી. એ નંબરોમાં ઉતરાયણના દિવસે ફોન કર્યો તો તેમણે મદદ કરવાને બદલે બહાનાં બતાવ્યા હતા. કોઈએ કહ્યું કે તેઓ બીજી સાઈટમાં મદદ કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે તમારું લોકેશન દૂર છે તો પહોંચી શકાય તેમ નથી. તમે બીજા કોઈની મદદ મેળવી લો. અમુક નંબર્સ તો બંધ હતા ને અમુકમાં રિંગ જ વાગતી રહી હતી.'

'આ બધા ફેક બર્ડ લવર્સ હોય છે. મદદનો દેખાડો કરે છે, મદદ કરતા નથી.' માર્ગદર્શક હીરજી હંસે તો ગુલામદાસ ગધેડાની સંસ્થા પર જ આરોપ મૂકતા કહ્યું, 'હમણાં કોઈએ કહ્યું કે ગુલામદાસ સારું ફંડ આપે છે, પરંતુ કાતિલ દોરીનું કારખાનું તો એ જ ચલાવે છે. ફંડ ન આપે ને ધારદાર દોરી બનાવવાનું બંધ કરે તો પણ પક્ષીસમાજ એનો આભારી રહેશે.'

'હું હીરજીભાઈની વાત સાથે સહમત છું. આ બધા ફેક બર્ડ લવર્સ હોય છે. માત્ર દેખાડો કરે છે. આપણે એનાથી સાવધાન રહેવું જોઈએ.' ગગન ગરૂડે બધા સભ્યો સામે જોઈને પ્રસ્તાવ મૂક્યો : 'મારી સલાહ એવી છે કે આપણે પાંખ એપમાં નોટિફિકેશન આપીને સૌને ચેતવણી આપી દઈએ, જેથી ઈજાગ્રસ્ત પક્ષીઓ આવા ફેક બર્ડ લવર્સની મદદની રાહ જોઈને જીવનું જોખમ ન લે.'

ગગન ગરૂડના પ્રસ્તાવ સાથે સૌ સહમત થયાં એટલે પાંખ એપમાં નોટિફિકેશન અપાયું :

'ફેક બર્ડ લવર્સથી સાવધાન!

સોશિયલ મિડીયા ગજવતા પ્રચારકોથી સાવધાન!

તમારું અને તમારા પરિવારનું રક્ષણ તમે જાતે કરો!'