ચોમાસામાં રસ્તા ધોવાઈ જતાં કરચલા કોન્ટ્રાક્ટર સામે આક્રોશ

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ચોમાસામાં રસ્તા ધોવાઈ જતાં કરચલા કોન્ટ્રાક્ટર સામે આક્રોશ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં રસ્તા બનાવવાનું કામ કરચલા કોન્ટ્રાક્ટરને મળ્યું હતું, એક જ વરસાદમાં જંગલના રસ્તા ધોવાઈ જતાં રાજા સિંહે કરચલા કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો પૂછ્યો...

મહારાજા સિંહની સરકાર જંગલમાં રસ્તાઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડતી હતી. જંગલના ઘણા બિલ્ડરો સરકારી રસ્તા બાંધવાના કોન્ટ્રાક્ટમાં રસ બતાવતા. કેમ ન બતાવે? સરકારી કામ એટલે ઓછી માથાકૂટે વધુ નફો. ખાનગી કામમાં મટિરિયલની પસંદગીથી લઈને બીજી કેટલીય નાની-નાની બાબતોમાં માલિકોનો ભારે ચંચુપાત રહેતો, પરંતુ સરકારી કામમાં એ સૌથી મોટી શાંતિ રહેતી.

કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ચાલતી હોય ત્યાં સુધી જંગલના વહીવટી અધિકારી મગરભાઈ માથાભારેને થોડી ઘણી પરેશાની રહેતી. એ પણ એટલી કે તેમના ટેબલ પર ફાઈલોનો થપ્પો લાગી જતો એટલે બપોરે જમ્યા પછી નિરાંતે માથું ટેકવીને સૂવામાં અગવડતા પડતી. થોડું કષ્ટ વેઠીને, સમય કાઢીને સહીઓ કરવી પડતી. બધી ફાઈલો એકઠી કરીને મહારાજા સિંહ અને માર્ગ પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડા સુધી પહોંચાડવી પડતી.

એક વખત મંત્રી હાથીભાઈ હરખપદૂડા અને મહારાજા સિંહ કોન્ટ્રાક્ટની ફાઈલમાં સહી કરી દે પછી મગરભાઈ માથાભારે બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જતા. ઈન ફેક્ટ, મહારાજા સિંહ અને તેમના દરબારીઓ પણ આખી પ્રક્રિયાથી મુક્ત રહેતા. તેમને એક્ટિવ થવું પડતું ખરું, પણ ત્યારે કે જ્યારે કોન્ટ્રાક્ટર સાથે નક્કી થયેલો હિસ્સો આવ્યો ન હોય.

રોડ બની ગયા પછી છેલ્લી વખત મગરભાઈ માથાભારેને એના ઉદ્ધાટન કાર્યક્રમ માટે મહેનત કરવી પડતી. જે વિસ્તારમાં રોડ બન્યો હોય ત્યાંના ધારાસભ્ય, સાંસદ, માર્ગ-પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડાની વિશેષ ઉપસ્થિતિમાં મહારાજા સિંહના વરદ પંજે રોડ સામાન્ય જંગલવાસીઓ માટે ખુલ્લો મૂકાય તે સાથે જ છેલ્લું પેમેન્ટ કોન્ટ્રાક્ટરને પહોંચી જતું. કોન્ટ્રાક્ટ એમાંથી જેને જેટલો હિસ્સો આપવાનો હોય એ છેલ્લો હપ્તો મોકલાવે કે એ કામ પૂરું જાહેર થતું.

આ પ્રક્રિયા કોન્ટ્રાક્ટના બધાં કામમાં લગભગ સરખી જ રીત ફોલો થતી. સિંહે સાગર ઉદ્યોગ સાહસિક યોજનાના ભાગરૂપે સમૃદ્રના ઉભરતા ઉદ્યોગ સાહસિકોને સરકારી કોન્ટ્રાક્ટ આપવાનું શરૂ કરેલું એટલે રોડનો છેલ્લો કોન્ટ્રાક્ટ કરચલા કોન્ટ્રાક્ટરને મળ્યો હતો. નેતાઓની હિસ્સેદારી, પાર્ટી ફંડ જેવી બધી જ શરતો કરચલો કોન્ટ્રાક્ટ માન્ય રાખતો હતો એટલે એક પછી એક રસ્તાઓનું કામ તેને મળવા માંડયું.

ચોમાસા પહેલાં કામ પૂરું કરી દેવાની સરકારી તાકીદને ધ્યાનમાં રાખીને કરચલાએ દિવસ-રાત કામ શરૂ રાખ્યું. દિવસે રસ્તો ન બને એટલો રાતે બનતો હતો, રાતે ન બને એટલો દિવસે બનતો હતો. આટલી ઝડપથી કામ થતું જોઈને જંગલવાસીઓ હરખાતા હતા. હાથીભાઈ હરખપદૂડાએ તો જાહેરાત કરી દીધી: 'હું માર્ગ પરિવહન મંત્રી બન્યો પછી જંગલમાં દરરોજ પાંચ ફૂટ રોડ બને છે. અગાઉ રોજ માત્ર અડધો ફૂટ રસ્તો બનતો હતો.'

કામ ચાલતું હતું ત્યાં મહારાજા સિંહે ઉદ્ધાટનની તારીખો જાહેર કરી દીધી. કરચલા કોન્ટ્રાક્ટર પર ધારણા કરતાંય વહેલું કામ પૂરું કરવાનું ભારણ આવ્યું. દરરોજ પાંચ ફૂટ રોડ બનતો હતો એ ૧૦ ફૂટ બનવા લાગ્યો. આખરે રસ્તા બની ગયા. મહારાજા સિંહે ભવ્ય ઉદ્ધાટન સમારોહ ગોઠવ્યો. 'જંગલ ન્યૂઝ'માં લાઈવ પ્રસારણ ચાલ્યું ને મહારાજા સિંહે પહેલી વખત એક પછી એક બધા રસ્તાઓ પર સ્વંય વૉક કરીને તેને સામાન્ય જંગલવાસીઓ માટે ખુલ્લા મૂક્યા. ટીવી પ્રસારણ ચાલ્યું: 'એક સાથે આટલા રસ્તા ખુલ્લા મૂકનારા મહારાજા સિંહ પ્રથમ રાજા... જંગલમાં આટલા રસ્તાઓનો એક સાથે ઉદ્ધાટન સમારોહ યોજાયો હોય એવી પ્રથમ ઘટના...'

ને થોડા દિવસમાં આખાય જંગલમાં પહેલો વરસાદ થયો. મેઘરાજા બરાબર વરસ્યા. જંગલમાં ઠેર-ઠેર પાણી ભરાયું. કલાકો પછી જ્યારે પાણી અદૃશ્ય થયું ત્યારે રસ્તાઓ પણ અદૃશ્ય થઈ ગયા. જંગલવાસીઓમાં ભારે આક્રોશ હતો. ચારે બાજુ એક જ સવાલ હતો : 'પહેલાં વરસાદમાં જ રસ્તાઓ કેવી રીતે ધોવાઈ ગયા?'

જંગલાક્રોશ ઠારવા મહારાજા સિંહે વધુ એક જાહેરાત કરી: 'હું કરચલા કોન્ટ્રાક્ટરને મળવા બોલાવીશ અને એનું કારણ જાણીશ!'

કરચલા કોન્ટ્રાક્ટરને રાજા સિંહના દરબારમાં હાજર કરાયો. ખુલાસો પૂછાયો. સવાલોનો વરસાદ થયો. જવાબમાં કરચલા કોન્ટ્રાક્ટરે મહારાજા સિંહને હિસાબનો ચોપડો આપતા કહ્યું: 'રાજાજી! સરકારી ફંડમાંથી આપની પાર્ટીને, માનનીય સાંસદ ગેંડાભાઈ ગુમાનીને, માનનીય ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુને હિસ્સો આપ્યો એ પછી આપની ઘણી ઈવેન્ટ કરાવવાની સૂચના પણ આવેલી. એ બધા પછી વધેલા ૫૦ ટકા ફંડમાંથી ૩૫ ટકા ફંડમાંથી રસ્તા બન્યા, ૧૫ ટકા મેં મારો નફો રાખ્યો. તમે કહો તો પાર્ટી ફંડમાં આપી દઉં?'

કરચલાનો જવાબ સાંભળીને નરમ પડેલા રાજા સિંહે તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈ સામે જોઈને કહ્યું: '૧૦ ટકા રકમ પાર્ટી ફંડમાં રાખી લો!' હાથીભાઈ હરખપદૂડા તરફ ફરીને તેમણે આદેશ આપ્યો : 'રસ્તા રિપેરિંગનું નવું ટેન્ડર બહાર પાડો! કરચલાને આમાં કંઈ મળ્યું નથી એટલે કોન્ટ્રાક્ટ એને જ આપજો!'

'જંગલ ન્યૂઝ'માં બેઠક પૂરી થયાનો અહેવાલ આવ્યો: 'રાજા સિંહે કરચલાને કરી તાકીદ... જવાબદાર અધિકારીઓ સામે થશે આકરી કાર્યવાહી... જંગલવાસીઓની મુશ્કેલી સમજતા રાજા સિંહે રસ્તા રિપેરિંગ માટે કરી માતબર રકમની જોગવાઈ...'


Google NewsGoogle News