- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
- રાજા સિંહે સૌ કાર્યકરો માટે નારો આપ્યોઃ 'એક બૂથ, દસ યુથ.' આ એક પ્રકારનો સંકેત હતો. એ માત્ર સિંહ, રીંછભાઈ અને કાર્યકરો જ જાણતા હતા...
સિંહ આખાય જંગલના રાજા હતા, પરંતુ જે ભાગમાં વાઘણબહેનનું રાજ ચાલતું હતું ત્યાં રાજા સિંહનો ગજ વાગતો ન હતો. રાજા સિંહની વાત વાઘણબહેન માનતા ન હતાં. રાજા સિંહ આખાય જંગલ માટે જે નિયમો બનાવે તેનો વાઘણબહેન ભારે વિરોધ કરતાં હતાં. વાઘણબહેનનો મિજાજ એવો કે એ કોઈનું સાંભળે નહીં. રાજા સિંહ સામે દરેક વાતમાં લડે-ઝઘડે. વિપક્ષના નેતા સસલાભાઈ, વિપક્ષના મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા, સસલાભાઈના મિત્ર બારહસિંગાભાઈ એ સૌ વાઘણબહેનને ચાવી ભરાવતા એટલે વાઘણબહેનનો કોન્ફિડન્સ આસમાને ચડયો હતો.
રાજા સિંહે વાઘણબહેનને હરાવવા મહેનત આદરી. અંગત સલાહકાર અને ખાસ વિશ્વાસુ રીંછભાઈને મિશન સોંપ્યું. સિંહ અને રીંછે મળીને એક પછી એક ચૂંટણીઓમાં ટક્કર આપી, પણ વાઘણબહેન અડીખમ રહ્યાં. વાઘણબહેનના વિસ્તારમાં રહેતા જંગલવાસીઓ રાજા સિંહથી પ્રભાવિત થાય એવા બધા પ્રયાસો રીંછભાઈએ શરૂ કર્યા. રાજા સિંહની સહાયો મોકલવાનું શરૂ કર્યું તો વાઘણબહેને ઘુરકીને કહી દીધુંઃ 'તમારી મદદની જરૂર નથી. અમે અમારું કરી લઈશું.'
સિંહ અને રીંછભાઈએ વાઘણબહેનને હરાવવા માટે સ્ટ્રેટજી ઘડી કાઢી. વાઘણબહેનના સૌથી નજીકના સાથી બાઘરોલ બિલાડાને બોલાવીને સમજાવ્યોઃ 'તું અમારી સાથે આવી જા. તને વાઘણબહેનના જંગલનો મુખ્યમંત્રી બનાવી દઈશ.'
બાઘરોલ બિલાડો શરૂઆતમાં થોડો ડર્યો, પણ રીંછભાઈએ તેને મોંઘી મોંઘી ગિફ્ટ આપી એટલે માની ગયો. તેણે વાઘણબહેનના વિસ્તારમાં જઈને જાહેરાત કરી દીધીઃ 'હું રાજા સિંહનું સમર્થન કરું છું. મને રાજા સિંહની યોજનાઓ ખૂબ ગમે છે. ચૂંટણીમાં હું રાજા સિંહની પાર્ટીમાંથી લડીશ.'
એક કામ પાર પડયું પછી સિંહે બીજું કામ શરૂ કર્યું. સિંહે તમામ જંગલવાસીઓ માટે ખાસ પ્રકારના ઓળખકાર્ડ બનાવ્યા. જો કોઈ પાસે ઓળખકાર્ડ ન હોય તો એ જંગલવાસી ગણાય નહીં એવી વ્યવસ્થા ગોઠવી દીધી. તે એટલે સુધી કે જંગલમાં પાણી કે ઘાસચારો કે ચણ જોઈતી હોય તો પણ રાજા સિંહે આપેલા ઓળખકાર્ડ જરૂરી હતા. રાજા સિંહના ઘણા વિરોધીઓ તો વ્યંગમાં એમ પણ કહેતા કે ઓળખકાર્ડ વગર રાજા સિંહ શ્વાસ પણ લેવા દેશે નહીં. રાજા સિંહની સહી હોય એવા કાર્ડ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાજા સિંહના વિશ્વાસુ ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની ઓનલાઈન કંપનીને મળ્યો હતો.
આ બધું થયા પછી એક દિવસ રાજા સિંહે જંગલમાં ચૂંટણીની જવાબદારી સંભાળતા બાજ સમાજને બોલાવીને ભવ્ય પાર્ટી આપી. બાજ સમાજનો જે વડો હોય એને 'બેખોફ'ની ઉપાધિ મળતી હતી. એવું મનાતું હતું કે બાજ સમાજ બેખોફ થઈને, કોઈનાય પ્રભાવમાં આવ્યા વગર કે કોઈથી ડર્યા વગર ચૂંટણી વખતે નિગરાની કરે છે. આ કામને ધ્યાનમાં રાખીને સમાજના વડાને 'બાજ બેખોફ'નું સંબોધન થતું હતું. રાજા સિંહે બાજ બેખોફને સાનમાં સમજાવ્યુંઃ 'જંગલમાં ઘણે ઠેકાણે નકલી મતદારો વૉટિંગ કરતા હોવાની અટકળો ચાલી રહી છે. અમુક જંગલોમાં બહારનાં પક્ષીઓ ઉડીને આવી જાય છે અને ચૂંટણીમાં અસર કરે છે. તમારા જેવા હોશિયાર ચૂંટણી સમીક્ષક હોય ત્યારે આવું થાય નહીં, પણ મેં આવું સાંભળ્યું છે એટલે તમને જાણ કરું છું.'
'શક્ય જ નથી. હું મારી આખી ટીમ પાસે ફરીથી તપાસ કરાવીશ.' બાજ બેખોફે આખાય જંગલમાં ચકાસણી શરૂ કરાવી. ઓળખકાર્ડ ન હોય એવા તમામનું નામ કાઢી નાખ્યું. વાઘણબહેનના વિસ્તારમાં તો એવા કેટલાય પકડાયા. વાઘણબહેન નહોર બહાર કાઢીને બાજ બેખોફ સામે ધસી આવ્યા. બાજ બેખોફ એમ કંઈ વાઘણની પક્કડમાં આવે એવો ન હતો. એણે જાહેર કર્યું, 'રાજા સિંહે આપેલા કાર્ડ નહીં હોય એ જંગલવાસી ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. વાઘણબહેનના વિસ્તારમાં ભારે હોબાળો થયો. વાઘણબહેન ખુદ ગુફા છોડીને ચારેબાજુ વિરોધ કરવા લાગ્યા, પણ બાજ બેખોફે આખરી નિર્ણય સંભળાવી દીધોઃ 'ચૂંટણીમાં મતદાન કરવું હશે તો કાર્ડ ફરજિયાત છે.'
*
થોડા સમયમાં વાઘણબહેનના વિસ્તારમાં ચૂંટણી આવી. રાજા સિંહે ખૂબ પ્રચાર કર્યો. જુદા જુદા નારા લગાવ્યા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાને પ્રચારની જવાબદારી સોંપીને સૌ કાર્યકરો માટે નારો આપ્યોઃ 'એક બૂથ, દસ યુથ.' આ એક પ્રકારનો સંકેત હતો. એ માત્ર સિંહ, રીંછભાઈ અને કાર્યકરો જ જાણતા હતા.
રીંછભાઈએ સુરક્ષા અધિકારી બબ્બન બિલાડા સાથે મળીને વ્યૂહ ઘડયો. કાર્ડ વગર કોઈ વૉટિંગ ન કરી શકે એ માટે બબ્બન બિલાડાએ તેમના ખાસ તાલીમ પામેલા કેટ કમાન્ડોને ગોઠવી દીધા ને દસ દસ યૂથને એક એક બૂથમાં જવાની પરવાનગી પણ આપી દીધી.
આ બધું જોઈને વાઘણબહેન વિફર્યાં. તેણે વિરોધ કર્યો, 'આ બધું નહીં ચાલે. મારા વિસ્તારમાં સૌને મતદાન કરવા દો. બાજ બેખોફ, રાજા સિંહ અને રીંછ ગરબડો કરે છે.'
વાઘણબહેનના આવા આરોપો વચ્ચે બાજ બેખોફે પરિણામ જાહેર કરતા કહ્યું, 'રાજા સિંહનું સમર્થન મેળવનારો બાઘરોલ બિલાડો જીતી ગયો છે!'
વાઘણબહેને બળવો કર્યો, 'હું મારી ગુફા નહીં છોડું!'
વાઘણબહેનની આ વાત સાંભળીને આખાય વિસ્તારમાં ગુસપુસ થઈ રહી છેઃ 'રિઝલ્ટ સાંભળ્યું ત્યારથી વાઘણબહેનનું મગજ ઠેકાણે નથી!'


