મચ્છરસમાજનાં અધ્યક્ષા શ્રીમચ્છરીબહેન મલેરિયલે પ્રેરક સૂત્ર આપ્યું : 'ઉઠો, ઉડો અને કરડો!'
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
મચ્છરસમાજના ફેસબુક પેજ 'ગણગણાટ'માં સંગઠનના યુવા મહામંત્રી મૉસ્કિટો મોગરોએ પોસ્ટ મૂકી: માનનીય અધ્યક્ષા શ્રીમચ્છરીબહેન મલેરિયલે 'મોન્સૂન પ્લાનિંગ' માટે મચ્છરસમાજના સૌ માનવંતા સભ્યોની બેઠક બોલાવી છે. નદીની ડાબી તરફ કાંઠાથી ૧૦ ફૂટના અંતરે આવેલા સૌથી વિશાળ ગંદા ખાબોચિયે સૌ પધારશો. ખાસ નોંધ - મચ્છરીબહેન મલેરિયલની દેખરેખ હેઠળ જંગલની સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગનું અવલોકન કરીને આવેલી ટીમનો વિશેષ અહેવાલ રજૂ થશે.
'મચ્છરસમાજની માદાઓ અને નરોનું બેઠકમાં સ્વાગત છે,' કાર્યક્રમના સંચાલક અને સંગઠનના મહામંત્રી મૉસ્કિટો મોગરોએ વિધિવત્ રીતે સૌનું સ્વાગત કર્યું. મોગરાના છોડ ઉપર પડયો પાથર્યો રહેતો હોવાથી મૉસ્કિટોે 'મોગરો'થી જાણીતો હતો. મહામંત્રીએ ઉમેર્યું: 'જંગલની સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગનું અવલોકન કરીને આવેલી ટીમે તૈયાર કરેલો અહેવાલ ઉપપ્રમુખ શ્રીમચ્છરભાઈ મંદવાડ વાંચી સંભળાવશે'.
મચ્છરભાઈ મંદવાડના મમ્મી મચ્છરીબહેન મંદવાડનું સમાજમાં મોટું નામ હતું. એક સમયે જંગલમાં ઠેર-ઠેર માંદગી ફેલાવી દીધી હોવાથી તેમના પરાક્રમ બદલ સમાજે 'મંદવાડ'નો માનવંતો ખિતાબ તેમને આપ્યો હતો. પરિવારના પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને સંગઠનનું ઉપપ્રમુખપદ વારસામાં અપાયું હતું. તેમણે અહેવાલ વાંચવાનું શરૃ કર્યું: 'આપણા સમાજને આ વર્ષે પણ બહુ મુશ્કેલી પડે તેમ નથી. જંગલમાં ઠેર-ઠેર સ્વચ્છતા અભિયાન ચાલતું હોવા છતાં ઠીક-ઠીક માત્રામાં બધા જ વિસ્તારોમાં કચરો મળી રહે છે. ચોમાસા પહેલાં શરૃ થયેલું રસ્તાઓનું રિપેરિંગ કામ હજુ પૂરું થયું નથી અને ચોમાસા દરમિયાન પૂરું થાય એવી શક્યતા પણ નથી. બધા જ રસ્તાઓમાં મોટી સંખ્યામાં ગાબડાં પડયાં છે અને ચોમાસાનું પાણી એમાં સારી માત્રામાં ભરાઈ રહેશે. માદાઓ એવા ખાડાઓમાં વિસામો લઈને જંગલના વિવિધ વિસ્તારોમાં 'બાઈટિંગ' માટે જઈ શકશે. વળી, પહેલી નજરે સ્વચ્છ લાગતી સોસાયટીઓમાં પણ કચરાના ચોક્કસ ગંદા સ્થાનો આપણને માફક આવે એવાં છે. જંગલની સરકારે આપણાં સમાજના પોપ્યુલર અધ્યક્ષા શ્રીમચ્છરીબહેન મલેરિયલની રજૂઆતને ધ્યાનમાં લીધી છે. આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન પ્લાનિંગમાં કોઈ જ પ્લાનિંગ કરાયું નથી. હેપી મોન્સૂન!'
અહેવાલથી ઉત્સાહિત થયેલા મચ્છસમાજે કેટલીય વાર સુધી ગણગણાટ કર્યો. એમાંય માદાઓ ખૂબ જ આનંદિત થઈ ગઈ હતી. નરો તો શુદ્ધ શાકાહારી હતા. જંગલવાસીઓનું લોહી પીવાનું કામ તો માદાઓનું હતું. વાઘ-દીપડા-સિંહ-ચિત્તા જેવા કેટલાય માથાભારે સમાજોની હાજરી છતાં કદમાં નગણ્ય એવો આ મચ્છરસમાજ સદીઓથી જંગલવાસીઓનું લોહી પીતો આવતો હતો. માદાઓએ મચ્છરસમાજની 'કિલિંગ ટ્રેડિશન' જાળવી રાખી હતી અને વર્ષે સરેરાશ દસેક લાખ જંગલવાસીઓનો જીવ આ માદાઓ લઈ લેતી હતી. મચ્છરસમાજ પરંપરાગત રીતે જ માદા સશક્તિકરણનું સબળ ઉદાહરણ પૂરું પાડતો હતો. સમાજવ્યવસ્થા નર કેન્દ્રિત નહીં, માદા કેન્દ્રિત હતી. સંગઠનોમાં પણ માદાઓ જ ઊંચા હોદ્દા શોભાવતી હતી. નરોને માદા-સમોવડા કરવાની વિવિધ યોજનાના ભાગરૃપે સેકન્ડ કેડરના હોદ્દાઓ હવે નરોને મળતા થયા હતા.
'...તો દોસ્તો! હવે આપણને સૌને પ્રેરક શબ્દો કહેશે, આપણા સૌના આદરણીય એવાં શ્રીમચ્છરીબહેન મલેરિયલ'. કાર્યક્રમના સંચાલક મૉસ્કિટોે મોગરોએ મચ્છરીબહેન મલેરિયલને માઈક થમાવ્યું.
'સમાજના હોદ્દેદારો, અહીં ઉપસ્થિત સૌ માદાઓ, નરો અને બચ્ચાઓ. આપણાં સમાજની પરંપરા ૪૦ કરોડ વર્ષથી ટકી રહી છે. આપણું અસ્તિત્ત્વ ખતમ કરવા આપણી સામે કેટલાય ષડયંત્રો રચાયાં. અનેક કંપનીઓ મૉસ્કિટો નેટ બનાવીને પૈસાદાર બની ગઈ. અગરબત્તીઓ, સ્પ્રે, કપૂરદાનીઓ, રસીઓ, ઈલેક્ટ્રિક લિક્વિડ મશીનો આવ્યા છતાં આપણી સંગઠિત શક્તિને હરાવી શક્યા નથી...' મચ્છરીબહેનનું ઉત્સાહવર્ધક ભાષણ સાંભળીને ગેલમાં આવેલી માદાઓએ જોશભેર ગણગણાટ કર્યો. નરોના ઉત્સાહનો પણ પાર નહોતો. અધ્યક્ષાએ આગળ ચલાવ્યું: 'યલો ફીવર, મલેરિયા, ડેંગ્યુ, ઝિકા, ચિકનગુનિયા, નાઈલ વાયરસ જેવી પરાક્રમગાથાઓ આપણાં નામે બોલે છે. જંગલવાસીઓ નવા નવા ઉપાયો શોધતા રહ્યા ને સામે આપણી માદાઓએ પણ નવા નવા વાયરસો છોડયા. આ વર્ષેય હાંફ્યા-થાક્યા વગર પૂરજોશમાં બાઈટિંગ કરજો! સમાજની બધી જ પેટા જાતિઓને વિભાગોની ફાળવણી કરી દેવામાં આવશે. મલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયામાં આપણી એક્સપર્ટિઝ છે. આપણે એને વધુમાં વધુ ફેલાવીશું. જંગલવાસીઓનું લોહી પીને સૌ માદાઓ ભરપૂર માત્રામાં પ્રોટીન મેળવે અને આપણા અસંખ્ય નવા વારસો સિઝન દરમિયાન મળે એવી શુભેચ્છા!'
અધ્યક્ષા મચ્છરીબહેન મલેરિયલનું ભાષણ પૂરું થયું પછી માદાઓને વિવિધ વિસ્તારોની ફાળવણી થઈ. ચિકનગુનિયા, મલેરિયા, ડેંગ્યુની એક્સપર્ટ્સ માદાઓના સન્માનો થયાં. નવી સિઝનમાં એવા જ યોગદાન માટે તેમને પ્રોત્સાહન અપાયું. નરો તો શુદ્ધ શાકાહારી હતા એટલે તમામ નરોને મંદિરોમાં અને વિભિન્ન સોસાયટીઓમાં ફળ-ફૂલોમાંથી ખોરાક લેવા માટે વિસ્તારો અપાયા. એ સાથે જ મોન્સૂન પ્લાનિંગની મીટિંગ પૂરી જાહેર થઈ.
મચ્છરીબહેન મલેરિયલે જતા જતાં સૌને પ્રેરક સૂત્ર આપ્યું : 'ઉઠો, ઉડો અને કરડો!'
'ઉઠો, ઉડો અને કરડો...', 'ઉઠો, ઉડો અને કરડો...' એવા સૂત્રોચ્ચાર સાથે આખોય મચ્છરસમાજ જંગલની સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરા ઉડાડવા નીકળી પડયો!