- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલના નેતાઓ વર્ષભર એકબીજા સાથે ઝઘડતા રહે છે, પરંતુ સત્તાવાર રીતે તેમને જંગલવાસીઓ ઝઘડતા જોઈ શકે તે માટે સંસદીય સત્રની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી
જંગલના નેતાઓ આમ તો સતત એકબીજા પર કિચડ ઉછાળતા રહે છે, પરંતુ ચૂંટણી હોય ત્યારે અને સંસદનું સત્ર ચાલતું હોય ત્યારે તેમને એકબીજાની ટીકા કરવાનો સત્તાવાર પરવાનો મળે છે. જંગલમાં બહુ જ વિચાર કરીને જંગલશાહીની સ્થાપના કરવામાં આવી હતી. મૂળ ઈરાદો એવો હતો કે જંગલમાં સુશાસન સ્થપાય. સૌને સુવિધા મળે, સૌને અધિકાર મળે, સૌની જવાબદારી નક્કી થાય અને ખાસ તો જંગલિયતની પરિસ્થિતિ ઊભી ન થાય.
જંગલશાહી મજબૂત રહે તે માટે બે વ્યવસ્થા ગોઠવવામાં આવી. એક, ચૂંટણી. એના માધ્યમથી જંગલની અંદરથી કોઈ પણ જંગલવાસીઓ ચૂંટાઈને સત્તામાં સહભાગી બની શકે, સત્તા સંભાળી શકે. બીજી વ્યવસ્થા હતી સંસદગૃહમાં ચર્ચા કરવાની. મૂળ ઈરાદો એવો હતો કે જંગલવાસીઓએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જંગલના સર્વાંગી વિકાસ માટે વાદ-વિવાદ, ચર્ચા-વિચારણા કરીને જંગલવાસીઓના હિતમાં નિર્ણય કરે.
જંગલશાહી મજબૂત કરવા જે બે વ્યવસ્થા ગોઠવી હતી એ જ વ્યવસ્થાને જંગલના સ્માર્ટ નેતાઓએ જંગલિયતમાં ફેરવી દીધી. ચૂંટણી લડવાની પદ્ધતિમાં જૂઠાણા-પ્રપંચ-પાવરનું મહત્ત્વ વધી ગયું. સંસદના સત્રમાં ધમાલ-તોફાન-હિંસા-અરાજકતા વધી ગયાં. જંગલમાં શરૂઆતમાં એવા સાંસદને સ્પીકરની જવાબદારી મળતી કે જે કુશળતાથી બધા સાંસદો વચ્ચે ચર્ચા-વિચારણા કરાવી શકે. સ્પીકર એટલે સંસદગૃહમાં પક્ષ-વિપક્ષના સાંસદો વચ્ચે મધ્યસ્થી કરાવનાર, તેમને સાંભળનાર સાંસદ. પછી તો સ્પીકરની પસંદગીમાં ધોરણ જળવાયું નહીં. સ્પીકર ચર્ચા-વિચારણા કરવાને બદલે તેમની પાસે પાવર હોય એનો ઉપયોગ કરીને સંસદગૃહ જ ખોરવી નાખે. પછી તો સ્પીકરની પસંદગી જ એ માપદંડથી થતી કે એ નેતામાં કાર્યવાહી ખોરવી નાખવાની ક્ષમતા હોય.
સંસદગૃહની કાર્યવાહી ખોરવવાની આવી જ ક્ષમતા ધરાવતા નેતા જરખભાઈ જડને રાજા સિંહે સ્પીકર બનાવ્યા. જરખભાઈની ખાસિયત એ હતી કે કોઈ પણ સ્થિતિમાં અક્કડ રહી શકતા હતા. રાજા સિંહને તો રાજકારણનો બહોળો અનુભવ હતો. વળી, તેમના અંગત વિશ્વાસુ રીંછભાઈ પણ અઠંગ રાજકીય દાવપેચ ખેલી જાણતા. બંનેએ મળીને જરખ જડને સ્પીકર બનાવ્યા, કારણ કે તેમને ખબર હતી કે જરખભાઈના જડ વલણ વિપક્ષો પરેશાન થઈ જશે.
ને થયું પણ એવું જ. સંસદનાં સત્રો શરૂ થતાં એમાં જરખભાઈ એવું જડ વલણ બતાવતા કે વિપક્ષો નારાજ થઈને સંસદગૃહમાંથી જ ચાલ્યા જતાં. પછી મહારાજા સિંહ અને રીંછભાઈ ભેગા મળીને જે મંજૂરી મેળવવી હોય એ વિપક્ષની ગેરહાજરીમાં મેળવી લેતા. તેમના માટે નવાં બિલો પસાર કરવાનું સરળ બની ગયું. જંગલની સંસદના એક પછી એક સત્રો યોજાતા રહ્યા. જરખભાઈ વધુને વધુ જડ થતા ગયા. તે એટલે સુધી કે વિપક્ષના સાંસદો રાજા સિંહની વિરૂદ્ધમાં કંઈ રજૂઆતો કરે તો એને જ સસ્પેન્ડ કરી દેતા. આ જોઈને રાજા સિંહ ખુશ થતાં, રીંછભાઈ મૂછમાં હસતા. જરખભાઈનો આ ઉજળો રેકોર્ડ જોઈને સિંહે તેમને વધુ સમય માટે સ્પીકરનું પદ આપી દીધું.
બીજી તરફ વિપક્ષોએ ભારે વિચારણા કરી. વિપક્ષના નેતા સસલાભાઈ, વિપક્ષના મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા, બારહસિંગાભાઈ, વાઘણબહેન વગેરેએ જરખભાઈ જડને ઘેરવાનો વ્યૂહ બનાવ્યો. વાઘણબહેનના સૂચનથી સંસદગૃહમાં જરખની સામે જ દીપડાઓને બેસાડવાનું નક્કી થયું. જરખ જડ જેવી સંસદની કાર્યવાહી ખોરવવાની કોશિશ કરે કે દીપડાઓ તરત હો-હા મચાવી દેતા. આખાય ગૃહમાં દીપડાઓ હલ્લાબોલ કરી મૂકતા. દીપડાઓ એવી રીતે ડોળા કાઢતા કે જરખે નીચું જોઈ જવું પડતું. જરખને ડર હતો કે દીપડા ક્યાંક મધરાતે તેમના પર હુમલો ન કરી નાખે.
દીપડાઓના ડરથી જરખે થોડું નમતું આપવાનું શરૂ કર્યું તો સિંહના નેતાઓએ સંસદગૃહમાં જરખ સામે ઘૂરકિયા શરૂ કર્યા. જરખ જડ સામે બેવડી મુશ્કેલી હતી. વિપક્ષના નેતાઓ સામે આકરા પાણીએ થાય તો દીપડાઓનો ડર. નરમ પડે તો સિંહના આક્રમક નેતાઓનો ભય.
સંસદગૃહમાં સ્થિતિ તંગ બનતી જતી હતી એટલે એક દિવસ જરખભાઈ જડે પહેલી વખત ફ્લેક્સિબિલીટી બતાવીને વિપક્ષના નેતા સસલાભાઈને કહ્યું, 'આપણે સૌએ મળીને જંગલવાસીઓના હિતમાં કામ કરવું જોઈએ. આપ મારી મહેમાનગતિ માણવા પધારો. આપણે વિગતે ચર્ચા કરીએ!'
આટલું માન મળતું જોઈને સસલાભાઈ તો ઉત્સાહમાં આવી ગયા ને જરખની મહેમાનગતિ માણવા તૈયાર પણ થઈ ગયા. તેમના અંગત સલાહકાર ઊંટભાઈ ઉટપટાંગે તેમને રોક્યા.
એ બધું ચાલતું હતું ત્યાં જરખભાઈની બધી જ એક્ટિવિટી પર નજર રાખતા ખબરીઓએ રાજા સિંહને આખી વાતની જાણ કરી.
રાજા સિંહે જરખને બોલાવીને એટલું જ કહ્યું, 'મારી પાસે ફ્લેક્સિબલ નેતાઓની કોઈ અછત નથી, તું જડ છો એટલે જ કામનો છો!'
આવા તંગ માહોલમાં જરખ જડને છાતીમાં ધીમો દુખાવો શરૂ થયો હતો...


