- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર
- રીંછભાઈએ બબ્બનને ખખડાવ્યો, 'તને ભાન પડે છે કોની સાથે ઝઘડો કરે છે? એ પાર્ટીનો કાર્યકર છે. એના પર હું કાર્યવાહી કરું એનાથી પાર્ટી કાર્યકરોમાં ખોટો મેસેજ જાય!
પાર્ટી કાર્યકરો માથાભારે છે એટલે તો અમારું કામ થાય છે. સમજ્યો?'
બબ્બન બિલાડો જંગલમાં સુરક્ષા અધિકારી હતો. મહારાજા સિંહ અને તેમના અંગત રાજકીય સલાહકાર રીંછભાઈનો ખાસ ગણાતો હતો. રાજા સિંહ બબ્બન બિલાડાને કાયમ ક્રીમ પોસ્ટિંગ આપતા હતા. બબ્બન પણ એટલો કહ્યાગરો હતો કે રાજા સિંહના એક ઈશારે એ બધું જ કરી છૂટતો.
જંગલમાં વર્ષોથી ખાસિયત હતી. સરકારના કહ્યાગરા અધિકારીઓ ક્યારેય નિરાશ થતાં નહીં. અધિકારીઓ સરકારનું ધ્યાન રાખતા અને સરકાર અધિકારીઓનું ધ્યાન રાખતી. આમ તો જંગલમાં મેરિટ પ્રમાણે અધિકારીઓને પોસ્ટિંગ આપવું - એવું જંગલના બંધારણમાં લખ્યું હતું, પરંતુ સત્તાધીશ નેતાઓ 'મેરિટ' શબ્દની આગળ અદૃશ્ય રીતે 'ખુશામતખોરી' એવું વાંચતા હતા. પરિણામે જે સરકારી અધિકારી ખુશામતખોરીના મેરિટમાં અવ્વલ હોય એ મેરિટમાં આગળ ગણાતો અને ક્રીમ પોસ્ટિંગનો હકદાર ગણાતો.
બબ્બન બિલાડો ખુશામતખોરીના મેરિટમાં હંમેશા અવ્વલ રહેતો હતો. રાજા સિંહ માટે મધરાતેય કામ કરવા તૈયાર રહેતો બબ્બન બિલાડો ક્રીમ પોસ્ટિંગ મેળવીને જંગલનો મુખ્ય સુરક્ષા અધિકારી બની ગયો હતો. રાજા સિંહના અંગત વિશ્વાસુ રીંછભાઈ જંગલની આંતરિક બાબતો સંભાળતા હતા. બબ્બન બિલાડો તેમની સાથે કામ કરતો હતો. જંગલમાં ચૂંટણીઓ હોય ત્યારે સિંહ-રીંછના કહેવા પ્રમાણે બધા સેટઅપ ગોઠવી આપતો. વિપક્ષી કાર્યકરોને દબડાવી આપતો, ખોટા કેસો કરી આપતો, સિંહના કાર્યકરો પર મારામારીના કેસો થાય એ રદ્ કરી આપતો. તે એટલે સુધી કે ઉંદરોનો ત્રાસ વધે તો બબ્બન બિલાડો ઉંદરોના એન્કાઉન્ટર્સ પણ કરી આપતો.
વાતો તો એવીય થતી કે રાજા સિંહે બબ્બન બિલાડાને ખાનગીમાં કહી રાખ્યું છે, 'તું નિવૃત્ત થઈશ પછી મારી સરકારમાં તને મંત્રી બનાવી દઈશ.' રાજા સિંહનો રેકોર્ડ જોતાં બબ્બનને તેમની વાત ન માનવાને કોઈ કારણ લાગતું ન હતું. અગાઉ રાજા સિંહે નિવૃત્ત સરકારી અધિકારી સાઈબેરિયન ક્રેનને પ્રવાસી પક્ષીઓના વિભાગનો મિનિસ્ટર બનાવ્યો હતો. મંત્રી તરીકે સાઈબેરિયન ક્રેન સદંતર બેઅસર હોવા છતાં એ વર્ષોથી આ મિનિસ્ટ્રી સંભાળતો હતો. સાઈબેરિયન ક્રેન અધિકારી હતો ત્યારે રાજા સિંહને ઉપયોગી કામ કરતો હતો. એના ઉદાહરણ પરથી બબ્બન બિલાડા જેવા ઘણા અધિકારીઓ ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજા સિંહનું કામ કરતા હતા.
આ બબ્બન બિલાડાને એક દિવસ મહારાજા સિંહના કાર્યકર બકુલેશ બળદ સાથે માથાકૂટ થઈ. વાત એમ બની કે બકુલેશ બળદ જંગલના ખ્યાતનામ સિંગર-ડાન્સર ડોન્કીકુમાર ડિસ્કોના કાર્યક્રમમાં ગયો હતો. ડોન્કીકુમાર ડિસ્કો બકુલેશનો ફેવરિટ સિંગર હતો એટલે બકુલેશ વારંવાર છેક સ્ટેજ પાસે જઈને એનો વિડીયો બનાવતો હતો. ડોન્કીકુમાર ડિસ્કોની સાથે આવેલી ડાન્સર હોંશીલી હરણી બબ્બનની ફેવરિટ હતી. વારંવાર બકુલેશ સ્ટેજ પાસે જતો હતો એનાથી બબ્બનને હોંશીલીનો ડાન્સ માણવામાં અવરોધ આવતો હતો. અકળાયેલા બબ્બને સરકારી અધિકારી હોવાના નાતે બકુલેશને રોફ બતાવ્યો.
થોડી બોલાચાલી થઈ એમાં બબ્બને વધુ પાવર બતાવ્યો એટલે બકુલેશના મગજની નસ ગુસ્સાથી ફાટફાટ થવા માંડી. બકુલેશે આગળના પગની લાત મારીને બબ્બન બિલાડાને દૂર ફંગોળ્યો. બબ્બન પણ એમ કંઈ ગાજ્યો જાય એમ ન હતો. એણે ચુનંદા બિલાડાની બનેલી બ્લેક કમાન્ડોની આખી ફોજ બોલાવી લીધી. બકુલેશે બધા બિલાડાને ધોઈ નાખ્યા. બકુલેશ ગુસ્સામાં બધા બિલાડાઓને ધમકી આપતા બોલ્યોઃ 'હું તમારા બધાની નોકરી ખાઈ જઈશ. ઓળખો છો મને? હું કોણ છું?'
બબ્બન બિલાડાએ રોફમાં વળતો જવાબ આપ્યો, 'તારાથી થાય એ કરી લેજે. તું મને ઓળખે છે? હું જંગલનો મુખ્ય સુરક્ષા અધિકારી છું. તારા પર એટલા કેસ કરીશ કે જામીન મેળવવામાં જિંદગી ખર્ચાઈ જશે. જેલમાંથી બહાર નહીં નીકળ!'
'હા...હા...હા...' બકુલેશ જોરથી હસીને બોલ્યો, 'ભઈ, તું કેસની ધમકી વિપક્ષના કાર્યકરોને આપજે હોં. મારા પર તો એક ડઝન કેસ ઓલરેડી ચાલી રહ્યા છે. તારાથી કંઈ થવાનું નથી. મેં તને એટલે જ પહેલાં પૂછ્યું હતું કે તું મને ઓળખે છે, હું કોણ છું? હું રાજા સિંહની પાર્ટીનો કાર્યકર છું!'
'...તો શું થયું? હું રાજા સિંહ અને રીંછભાઈનો વિશ્વાસુ અધિકારી છું.'
બબ્બન બિલાડાએ બકુલેશને પોતાની તાકાત બતાવી દેવા રીંછભાઈને ફોન કર્યો ને આખી ઘટના કહી સંભળાવી.
આખી વાત સાંભળ્યા પછી રીંછભાઈએ બબ્બનને ખખડાવ્યો, 'તને ભાન પડે છે કોની સાથે ઝઘડો કરે છે? એ પાર્ટીનો કાર્યકર છે. એના પર હું કાર્યવાહી કરું એનાથી પાર્ટી કાર્યકરોમાં ખોટો મેસેજ જાય. પાર્ટીના કાર્યકરો માથાભારે છે એટલે તો અમારું કામ થાય છે. રાજા સિંહના વિરોધીઓ પર આ કાર્યકરો જ તૂટી પડે છે. રાજા સિંહને ખબર પડશે તો તારું આવી બનશે. એની સાથે મામલો પતાવી નાખ. ચલ પછી વાત કરીએ!'
રીંછભાઈનો ફોન કટ થયો. બબ્બન બિલાડો ફોન સામે જોઈ રહ્યો ને પછી બકુલેશ પાસે જઈને બોલ્યોઃ 'સોરી!'
બબ્બનને એ પળે વિચાર આવી ગયો - 'કાલ સવારે આ જડબુદ્ધિ બકુલેશ પણ મિનિસ્ટર બની જાય. સિંહની પાર્ટી છે. એમાં કંઈ પણ શક્ય છે. અત્યારે સોરી કહી દેવું સારું.'


