Get The App

યુવા નેતા કોકરોચ કચવાટિયાને ખતમ કરવા જંગલના રાજકારણમાં અણધાર્યું ગઠબંધન

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
યુવા નેતા કોકરોચ કચવાટિયાને ખતમ કરવા જંગલના રાજકારણમાં અણધાર્યું ગઠબંધન 1 - image

- આપનાં તો અઢાર વાંકાં- અષ્ટાવક્ર

- કોકરોચ સમાજનું રાજકીય મહત્ત્વ સાબિત કરવા માટે અસંતોષી, શિક્ષિત બેરોજગાર કોકરોચ કચવાટિયાએ રાજકીય પાર્ટી બનાવી તે પછી જંગલમાં બનેલી આશ્ચર્યજનક ઘટના..

જંગલના રાજકારણમાં પ્રાણીઓનો દબદબો હતો, પક્ષીઓએ પણ ઠીક-ઠીક મહત્ત્વ સાબિત કર્યું હતું. દરિયાઈ જીવોનું રાજકીય મૂલ્ય વધતું જતું હતું. સરીસૃપોનેય રહી રહીને જરૂર હોય ત્યારે રાજકારણીઓ માન-પાન આપી દેતા હતા. રાજા સિંહે સૌનો સાથ, સૌનો વિકાસ કરવાની યોજના જાહેર કરીને જંગલમાં મોટું પરિવર્તન કર્યું હતું. વૉટબેંક પોતાના તરફ વાળવાની અને વળી ગયા પછી જાળવી રાખવાની રાજા સિંહની આવડત બેનમૂન હતી અને એટલે તેમના આ સૂત્રો એમાં બહુ ઉપયોગી થઈ પડતાં હતાં.

તે છતાં સદીઓથી જંગલમાં જંતુઓને રાજકીય મહત્વ મળતું ન હતું. જંતુઓ તરફ જંગલવાસીઓ બહુ તિરસ્કારની નજરથી જોતાં હતાં. જંતુઓનો સામૂહિક વધ જંગલમાં 'ક્રાઈમ એક્ટ' ગણાતી ન હતી. એમાંય મચ્છર, માખી અને કોકરોચની સ્થિતિ ખૂબ ખરાબ હતી. સૌનો સાથ સૌનો વિકાસ - એવા નારા લગાવતા લગાવતા ખુદ મહારાજા સિંહ આવો નારો આપી દેતા હતા - સૌનો સાથ, સૌનો વિકાસ, મચ્છર-માખી-વંદાઓનો વિનાશ.

આવી સંઘર્ષપૂર્ણ સ્થિતિ વચ્ચે કોકરોચ સમાજમાંથી એક તેજસ્વી યુવા કોકરોચ વિદેશના જંગલમાં જઈને વન રિલેશનનું ભણી આવ્યો. કોકરોચ કચવાટિયાએ પોતાના સમાજને ઓળખ આપવા ને કોકરોચ સમાજનું રાજકીય મહત્ત્વ પ્રસ્થાપિત કરવા માટે કોકરોચ પાર્ટી બનાવવાની જાહેરાત કરી. સૌ વંદાઓ ગણતરીની કલાકમાં એક થઈ ગયા. જંગલમાં ક્યારેય કોકરોચની ચર્ચા થઈ ન હતી, પણ એકાએક કોકરોચ સમાજ સૌ જંગલવાસીઓમાં મુખ્ય મુદ્દો બની ગયો.

કોકરોચ સમાજની આ એકતા જોયા પછી રાજા સિંહે દરબારીઓની ઈમરજન્સી બેઠક બોલાવીને 'વંદાવિનાશ પ્રોજેક્ટ'નું ફંડ બમણું કરી દીધું. રાજા સિંહના ખાસ મિત્ર અને જંગલના સૌથી ધનવાન બિઝનેસમેન ગુલામદાસ ગધેડાની કંપની ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડને વંદા વિનાશના પ્રોજેક્ટનું ટેન્કર આપી દીધું. રાજા સિંહે આદેશ આપ્યો, 'દેખો ત્યાં સ્પ્રે કરો!' આ આદેશ બાદ એક તરફ વંદાઓને મારી નાખવા માટે દવાઓનો છંટકાવ શરૂ થયો ને બીજી તરફ વંદાઓ જંગલવિરોધી છે એવું સાબિત કરવા રાજા સિંહના સમર્થકોની ટીમ એક્ટિવ થઈ ગઈ.

ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાના નેતૃત્વમાં સોશિયલ મીડિયામાં હોલો હઠીલો, કાગડો કંકાસિયો, પાડો પંચાતિયો, બકુલેશ બળદ વગેરેએ મોરચો સંભાળ્યો. સોશિયલ મીડિયામાં કોકરોચ સમાજને ટાર્ગેટ કરવાનું શરૂ થયું. તેને જંગલના દુશ્મનો ગણીને ઝૂડવાનું શરૂ કર્યું અને પાડો પંચાતિયો અને બકુલેશ બળદે તો કોકરોચો દેખાય તો એને કચડી નાખવાનું મિશન પણ ઉપાડી લીધું. તેનાથી કોકરોચોમાં ભય ફેલાઈ ગયો. રાજા સિંહે કોકોરોચો પર ઝેરી સ્પ્રે કરવાનો આદેશ આપ્યો પછી તો ખુદ યુવા નેતા કોકરોચ કચવાટિયો પણ જંગલમાં ક્યાંય દેખાતો ન હતો.

આવા ડરના માહોલમાં કોકરોચોને હિંમત આપવાનું કામ કર્યું વિપક્ષના નેતા સસલાભાઈએ. કોકરોચોને બૂસ્ટર ડોઝ આપતા સસલાભાઈએ વીડિયો મેસેજમાં કહ્યું, 'કોકરોચોને નબળા સમજવાની ભૂલ ન કરશો. આવા તો કેટલાય ઝેરનો સામનો કરીને એ જીવી શકે છે. સિંહના મિત્ર ગુલામદાસ ગધેડાના ઝેરીલા સ્પ્રેની કોઈ અસર થવાની નથી. કોકરોચો એમનું કામ કરીને રહેશે. મારું તેમને સમર્થન છે. કોકરોચો જો એમના અસલી લડાયક મિજાજમાં આવી જશે તો જંગલમાં રાજા સિંહને ભાગવું ભારે થઈ જશે.'

સસલાભાઈના વીડિયોને વિપક્ષના સૌ નેતાઓ શેર કર્યો. સસલાભાઈના ખાસ મિત્ર બારહસિંગાભાઈએ વીડિયો શેર કરતાં લખ્યું, 'આખો બારહસિંગા સમાજ કોકરોચોની સાથે છે.' વાઘણબહેને કહ્યું, 'કોકરોચોમાં સત્તાપરિવર્તન કરવાની ક્ષમતા છે.' કાચબાભાઈ કકળાટિયાએ પણ વીડિયો મેસેજથી કહ્યું, 'કોકરોચ કચવાટિયો તો ખૂબ હોંશીલો અને નિડર છે. મારી સાથે એણે તો અગાઉ કામ કર્યું છે એટલે મને વિશ્વાસ છે કે એ કરી બતાવશે.'

આ બૂસ્ટર ડોઝની ધારી અસર થઈ. કોકરોચ કચવાટિયો રાજા સિંહના 'દેખો ત્યાં સ્પ્રે કરો'ના આદેશથી સંતાઈ ગયો હતો. તેણે વીડિયો મૂકીને જાહેરાત કરીઃ 'હું બે દિવસ પછી રાજા સિંહની ગુફા બહાર ખુલ્લા મેદાનમાં હાજર થઈશ. સૌ કોકરોચો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહે એવી મારી અપીલ છે. આપણે સૌ મળીને અન્યાય સામે લડીશું. રાજા સિંહ સામે દેખાવો કરીશું અને આપણને રોજગારી મળે, જંગલમાં માન-સન્માન મળે અને જંગલની યોજનાઓનો લાભ મળે તેની માગણી મૂકીશું.'

આ વીડિયો જોઈને રાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈએ ગુલામદાસ ગધેડાને ફોન કરીને વધુ ઝેરીલા સ્પ્રે બનાવવાની તાકીદ કરી ને અગાઉ કેટલાય એન્કાઉન્ટર કરી ચૂકેલા સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને બોલાવીને આદેશ આપ્યો, 'તારા કેટ કમાન્ડોને તૈયાર રાખજે. લોકેશન નક્કી થઈ ગયું છે. તારીખ નક્કી થઈ ગઈ છે. સમય પણ નક્કી જ છે. કોકરોચો એકઠા થઈ જાય કે તરત જ તૂટી પડજો!'

'જી. બિલકુલ. કોઈ ભૂલ નહીં થાય.' બબ્બન બિલાડો રવાના થયો.

રાજા સિંહે મોબાઈલમાંથી મેસેજ ટાઈપ કર્યો, 'થેન્કયુ!'

વળતો મેસેજ આવ્યો, 'થેન્કયુ!' એ મેસેજ સસલાભાઈનો હતો.

કોકરોચોને પૂરા કરવા રાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈએ મળીને ગુપ્ત ઓપરેશન પાર પાડવાની ડીલ કરી હતી. એકમેકના સહયોગ બદલ સ્માઈલી સાથે બંને તરફથી થેન્ક્યુની આપ-લે થઈ રહી હતી.