mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'કબૂતરબાજી' શબ્દથી કબૂતર સમાજમાં નારાજગી: ચરક ચળવળનું આહ્વાન

Updated: Jan 4th, 2024

'કબૂતરબાજી' શબ્દથી કબૂતર સમાજમાં નારાજગી: ચરક ચળવળનું આહ્વાન 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'જંગલ ન્યૂઝ'માં વારંવાર સમાચારો આવતા હતા: 'અન્ય જંગલોમાં કબૂતરબાજી કરતા જંગલવાસીઓ ઝડપાયા. કબૂતરબાજીનું પ્રમાણ વધતાં જંગલની સરકાર સક્રિય...' તેનાથી કબૂતર સમાજની ઈમેજ ખરડાતી હતી

'કબૂતર સમાજને બદનામ કરવાનું બંધ કરો!' કબૂતર કાનાફૂસિયાએ સોશિયલ મીડિયામાં 'જંગલ ન્યૂઝ'નો વિડીયો શેર કરીને પોસ્ટ લખી. 'જંગલ ન્યૂઝ'ના અહેવાલોમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પ્રાણી-પંખીઓ માટે કબૂતરબાજી શબ્દનો ઉપયોગ થતો હતો. કોઈ એક જંગલમાંથી બીજા જંગલમાં જવું હોય તો એનો સત્તાવાર પરવાનો લેવો જરૂરી હતો. અન્ય જંગલની સરકારો પરવાનગી ન આપે તો પ્રાણી-પંખીઓ એકબીજાના જંગલમાં જઈ શકે નહીં. જે-તે જંગલમાં પ્રાણી-પંખીઓની વસતિ નિયંત્રણમાં રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘણાં પ્રાણી-પંખીઓ કમાણી માટે બીજા જંગલમાં જતા. એ માટે બધી જ પ્રોસેસ કરીને પરવાનગી મેળવતા, પણ એમાં ઘણો સમય લાગતો. સમય આપ્યા પછી પણ પરવાનગી મળશે જ એની કોઈ ખાતરી નહીં.

તોડબાજ પ્રાણી-પંખીઓએ બીજા જંગલમાં પ્રવેશ કરવાનો તોડ પણ કાઢી લીધો. ડોક્યુમેન્ટની પળોજણમાં પડયા વગર જ ગેરકાયદે અન્ય જંગલમાં ઘૂસી જવાનું આખું અંડરગ્રાઉન્ડ તંત્ર ગોઠવાઈ ગયું. એના નિયમો સાવ અલગ. કોઈ ડોક્યુમેન્ટની જરૂર ન પડે. જે જંગલવાસી વળતરની વ્યવસ્થા કરી શકે એ ધારે તે જંગલમાં ગેરકાયદે એન્ટ્રી મેળવી શકે. પરવાના વગર ઘૂસણખોરી કરતાં જે જંગલવાસીઓ પકડાતા એને ફરીથી તેમના મૂળ જંગલમાં મોકલી દેવાતા.

એક સમયે જંગલમાં કબૂતરોની ઉડવાની સ્પર્ધા યોજાતી તેને કબૂતરબાજી કહેવાતી. સ્પર્ધામાં વિજેતા કબૂતરને ઈનામ મળતા. કબૂતરોની નેવિગેશન સિસ્ટમ બહુ સારી હતી એનો લાભ લઈને ઘણાં કબૂતરો એક જંગલમાંથી બીજા જંગલમાં જઈ ચડતાં. ઘણાં કબૂતરો એ જ જંગલમાં સ્થાઈ થતાં એટલે ધીમે ધીમે સ્પર્ધાનો શબ્દ ગેરકાયદે ઘૂસણખોરો માટે વપરાવા લાગ્યો. કબૂતરો સિવાય પણ જે પ્રાણી-પંખીઓ આવી ઘૂસણખોરી કરતાં એને 'કબૂતરબાજી' કહેવામાં આવતી. તાજેતરમાં ઘેટા-બકરા અને હોલા-કાબરોનું એક ગુ્રપ બીજા જંગલમાં જવાની પેરવીમાં હતું ત્યાં ઝડપાઈ ગયું. 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ આવ્યા : 'ઘેટા-બકરા-હોલા-કાબરોનું ટોળું કબૂતરબાજી કરતાં ઝડપાયું. કબૂતરબાજીના કિસ્સા વધતાં જંગલની સરકાર સક્રિય. ટૂંક સમયમાં પગલાં ભરશે.'

આ સમાચારથી આખાય કબૂતર સમાજમાં આક્રોશ વ્યાપી ગયો. કબૂતર કાનાફૂસિયો સમાજની યુવાપાંખનો પ્રમુખ હતો. તેણે પોસ્ટ મૂકીને આખાય સમાજનું આ તરફ ધ્યાન દોર્યું. કબૂતર કાનાફૂસિયાની ગર્લફ્રેન્ડ પ્રેમા પારેવડીએ પોસ્ટ શેર કરીને લખ્યું: 'કબૂતરસમાજનો ગૌરવવંતો ઈતિહાસ છે. આવા અપમાનજનક શબ્દો સમાજ હવે ચલાવી નહીં લે. આ શબ્દોને સત્તાવાર દસ્તાવેજોમાંથી દૂર કરો.'

કબૂતર કાનાફૂસિયાએ આખાય સમાજને આહ્વાહન આપ્યું : 'આપણે 'ચરક ચળવળ' કરીશું. કબૂતરબાજી કોને કહેવાય એ બતાવી દઈએ...' 

નેતાઓના ઘરમાં, મહારાજા સિંહના દરબારમાં, જાહેર સ્થળોએ ગંદકી ફેલાવવા માટે 'ચરક ચળવળ' શરૂ કરવાની સત્તાવાર જાહેરાત થઈ. અત્યાર સુધી કબૂતરબાજીના અહેવાલ ચલાવતી ટીવી ચેનલ 'જંગલ ન્યૂઝ'ને પણ આમાં રસ પડયો. એન્કર હસીના હરણીએ આખો વિશેષ કાર્યક્રમ એના પર ગોઠવી દીધો. વિશેષ સંવાદદાતા લક્કડખોદ લપલપિયાએ ગ્રાઉન્ડ પર જઈને રિપોર્ટિંગ શરૂ કર્યું.

બીજા દિવસે સવારથી જ કબૂતરોએ ઠેર-ઠેર 'ચરક ચળવળ' આદરી દીધી. સાંસદ ગેંડાભાઈ ગુમાની વૉક કરવા નીકળ્યા ત્યારે કબૂતર કાનાફૂસિયાની આગેવાનીમાં આવી પહોંચેલા કબૂતરોના જૂથે એને ભરી મૂક્યા. પ્રેમા પારેવડીના નેતૃત્વમાં એક ગુ્રપ ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના નિવાસસ્થાને પહોંચ્યું હતું. કૂણા તડકામાં બેસીને વાંદરાભાઈ વટપાડુ બે રાજકીય સલાહકારો - કૂતરાભાઈ કડકા અને બિલાડાભાઈ બબાલી સાથે ચર્ચા કરતાં કરતાં બ્રેકફર્સ્ટમાં કેળા આરોગતા હતા. બરાબર એ જ વખતે ધસી આવેલા કબૂતરોના જૂથે ચરક ચળવળ શરૂ કરી. વાંદરાભાઈ, બે સલાહકારો ચરકથી લથબથ થઈ ગયા. તેમનું આખું પર્સનલ ગાર્ડન પણ ગંદુ થઈ ગયું.

આ બેય ઘટના 'જંગલ ન્યૂઝ'ના કેમેરામાં કેદ થઈ હતી. સમાચાર જોઈને જંગલવાસીઓમાં દહેશત ફેલાઈ. એમાં વચ્ચે વચ્ચે હસીના હરણીએ હેલ્થ એક્સપર્ટ ડૉ. અષ્ટબાહુ ઓક્ટોપસ સાથે ચરકના ગેરફાયદા વિશે ચર્ચા કરી. ડૉ. ઓક્ટોપસે કહ્યું કે ચરકથી શ્વાસોશ્વાસમાં મુશ્કેલી પડી શકે છે અને અન્નનળી ડેમેજ થઈ શકે છે.

જંગલમાં હાહાકાર મચી ગયો. એક પછી એક નેતાઓને નિશાન બનાવાઈ રહ્યા હતા. ગમે ત્યારે કબૂતરોનું ટોળું મહારાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈને ચરકથી ભરી મૂકવામાં આવશે એવી અટકળો શરૂ થઈ. અહેવાલો જોઈને રાજા સિંહને ડર લાગ્યો. સિંહે તાત્કાલિક અસરથી રીંછભાઈ, સુરક્ષા અધિકારી બબ્બન બિલાડો, વહીવટી અધિકારી મગર માથાભારે સાથે વાત કરી. બંને સરકારી અધિકારીઓ પાસે કબૂતરો સામે નિપટવાનું કોઈ આયોજન ન હતું.

સિંહે કહ્યું: 'હું બ્રાન્ડેડ-ચોખ્ખાંચણાક કપડાં પહેરીને બહાર નીકળું ત્યારે તો મારા પર ચરક પડે તો શું કરવું?'

'તમે બે-ત્રણ કલાક બહાર ન નીકળશો, હું હમણાં કબૂતરોનો વહીવટ કરું છું.' સિંહને ધરપત આપીને રીંછભાઈ ગયા.

થોડી કલાકો પછી આખાય જંગલમાં પતંગો ઉડતી દેખાતી હતી. મજબૂત-ચળકતી દોરી સાથે રીંછભાઈએ પતંગબાજોને મેદાનમાં ઉતારી દીધા હતા.

હવે ડરવાનો વારો કબૂતરોનો હતો. ચરક ચળવળ આટોપીને કબૂતરોએ પાંખો બચાવવા તરફ ધ્યાન આપ્યું.

રીંછભાઈ બબડયા : 'મારી પતંગબાજી સામે તમારી કબૂતરબાજી ક્યાં સુધી ટકી રહેશે?'

Gujarat