Get The App

કૂતરાઓના વસતિ નિયંત્રણ માટે કરોડોની ફાળવણી સામે કૂતરાસમાજમાં આક્રોશ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
કૂતરાઓના વસતિ નિયંત્રણ માટે કરોડોની ફાળવણી સામે કૂતરાસમાજમાં આક્રોશ 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કૂતરા સમાજની વસતિ નિયંત્રણમાં રહે તે માટેના તમામ પ્રયાસો થશે. જે કૂતરાદંપતી નિયમ તોડશે તેને દંડ થશે.'

જંગલમાં કૂતરાઓની વધતી વસતિ ઘણાંની આંખે ચડી હતી. ગલુડિયાને આમથી તેમ આંટા મારતા જોઈને કૂતરા સમાજના વિરોધીઓ વિચારતા કે કાલે સવારે આ બધા મોટા થઈને જંગલની ચૂંટણીઓમાં મહત્વનો ભાગ ભજવવા માંડશે અને આમને આમ ચાલ્યું તો તો કૂતરાઓ જ ભવિષ્યમાં જંગલમાં માન-મરતબો ભોગવશે. શક્ય છે કે એકાદ કૂતરો જ જંગલનો રાજા થઈ જાય. આવા વિચારે તો કૂતરા સમાજના વિરોધીઓને પરસેવો વળી જતો.

કૂતરાઓના વિરોધીઓએ ભેગા મળીને કૂતરાઓને કટ ટુ સાઈઝ કરવાનો કારસો ઘડી કાઢ્યો. એમાં મદદે આવ્યા કૂતરા સમાજના હળાહળ વિરોધી સરકારી અધિકારી બબ્બનભાઈ બિલાડા. કૂતરાઓ કાબુમાં હોય તો જ જતે દહાડે બિલાડા સમાજની વેલ્યૂ રહે એ વાત બરાબર સમજતા સરકારી અધિકારી બબ્બન બિલાડાએ સરકારી પરિપત્ર જારી કર્યો :

'એનિમલ બર્થ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ કૂતરા સમાજની વસતિ નિયંત્રણમાં રહે તે માટેના તમામ પ્રયાસો થશે. કૂતરા સમાજે વસતિ નિયંત્રણના નિયમોનું પાલન કરવું પડશે. જે કૂતરાદંપતી નિયમ તોડશે તેને દંડ થશે. નિયમો તોડનારની સરકારી સહાયો બંધ થશે. કૂતરા સમાજના અમુક માથાભારે તત્વો નિર્દોષ જંગલવાસીઓ ઉપર હુમલો કરી રહ્યા છે. ડોગબાઈટથી હજારો નિર્દોષ જંગલવાસીઓના મોત થાય છે તે ચલાવી લેવાશે નહીં. આ પ્રોગ્રામ માટે કરોડોનું ફંડ સરકારે મંજૂર કર્યું છે.'

પરિપત્ર જોઈને કૂતરાસમાજના નેતાઓ સક્રિય થયા. ગલુડિયાના જન્મ જેવી કુદરતી પ્રક્રિયામાં આવો વટહુકમ બહાર પડે તે કૂતરા સમાજને માન્ય નહોતું. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના રાજકીય સલાહકાર અને કૂતરા સમાજના પ્રમુખ હોવાના કારણે કૂતરાભાઈ કડકાએ સમાજના આ મુદ્દે આખો વ્યૂહ ઘડી કાઢ્યો.

'વાંદરાભાઈ આપ અમારી રેલીમાં હાજર રહો એવી આખા સમાજની ખૂબ ઈચ્છા છે.' કૂતરાભાઈ કડકાએ વાંદરાભાઈ વટપાડુને વિનંતી કરી. આખો કૂતરા સમાજ વાંદરાભાઈની વોટબેંક ગણાતો આવ્યો છે. કૂતરા સમાજને પ્રભાવિત કરવાની આ તક વાંદરાભાઈ જતી કરવા માગતા નહોતા.

'હું કૂતરા સમાજને મારું ખુલ્લુ સમર્થન આપીશ.' વાંદરાભાઈ વટપાડુએ સભામાં હાજર રહેવાની ખાતરી આપી.

નક્કી કરેલા દિવસે જંગલની શેરીઓમાં કૂતરાઓની મોટી રેલી યોજાઈ. સૌથી આગળ કૂતરાભાઈ કડકા ચાલી રહ્યા હતા. તેની પાછળ સૂત્રોચ્ચાર કરી રહેલાં કૂતરાઓએ બેનરો બતાવતા હતા, જેમાં લખ્યું હતું : 'અનલિમિટેડ સંતતિ એ અમારો જન્મસિદ્ધ અધિકાર', 'વસતિ વિસ્તાર વિના નહીં ઉદ્ધાર...'

કૂતરા સમાજની રેલીમાં 'માદા વિભાગ'ના બેનર હેઠળ મોટી સંખ્યામાં કૂતરીઓ પણ જોડાઈ હતી. આખા કૂતરા સમાજે શક્તિ પ્રદર્શન કરીને સરકાર ઉપર દબાણ વધાર્યું હતું. એક મોટા મેદાનમાં બધા કૂતરાઓ પહોંચ્યા. કૂતરાભાઈ કડકાએ મંચ ઉપર જગ્યા લીધી. વાંદરાભાઈ વટપાડુ સભાસ્થળની નજીક પહોંચી ચૂક્યા હતા, પરંતુ ત્યાં એક વૃક્ષની ડાળીએ લટકીને શ્રોતાઓને રાહ જોવડાવતા હતા. નેતાએ થોડુંક મોડું પહોંચવું જોઈએ એવું માનતા વાંદરાભાઈ વટપાડુએ થોડીક વાર રાહ જોવડાવ્યા પછી સભામાં એન્ટ્રી મારી તે સાથે ભાષણો શરૂ થયા.

કૂતરાભાઈ કડકાએ ભાષણ આપ્યું : 'સૌના લોકલાડિલા નેતા વાંદરાભાઈ વટપાડુનો આપણને સૌને ટેકો મળ્યો છે તે આપણાં બધાનું સૌભાગ્ય છે. વાંદરાભાઈએ મને ખાતરી આપી છે કે પરિપત્રમાં જેની સાઈન છે તે બબ્બન બિલાડાની બદલી કરાવવા બધું જ ઘટતું કરાશે. વસતિ નિયંત્રણનો નિયમ પાછો ખેંચવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત થશે. આવેદનપત્ર આપીને ય કામ નહીં થાય તો વાંદરાભાઈ વટપાડુ ખુદ મહારાજા સિંહની ગુફા સુધી જઈને આપણો પક્ષ રજૂ કરશે.'

એ પછી ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ ટૂંકું પ્રવચન આપ્યું : 'કૂતરા સમાજના મારા પ્યારા નર-માદા અને ગલુડિયાઓ. આપ સૌને ન્યાય મળે તે માટે હું મારાથી બનતું બધું જ કરીશ. આપ સૌ જાણો છો કે તમારા સમાજના અગ્રણી કૂતરાભાઈ કડકા મારા ખાસ રાજકીય સલાહકાર છે. એનો સમાજ તે મારો સમાજ. તમે બિલકુલ ચિંતા ન કરશો. આ ઘટનાક્રમ પાછળ જેની પણ સંડોવણી સાબિત થશે તેની સામે પગલાં લેવા હું બધું જ કરીશ. લખી રાખો, તમને વસતિ વિસ્તાર કરતા કોઈ અટકાવી નહીં શકે.' વાંદરાભાઈ વટપાડુના આ વાક્યથી આખાય કૂતરા સમાજમાં ઉત્સાહનો સંચાર થયો. થોડીવાર સભામાં ભસવાના અવાજો આવ્યાં. કૂતરાભાઈ કડકાએ શાંત રહેવા ઈશારો કર્યો પછી ફરીથી શાંતિ થઈ ગઈ. વાંદરાભાઈએ ભાષણ પૂરું કરતા જણાવ્યું : 'તમે બધા ચિંતામુક્ત થઈ જાઓ. કૂતરાઓનું ખસીકરણ ન થાય એ માટેય હું મહારાજા સિંહને મળીને રજૂઆત કરીશ.' છેલ્લી વાતથી તો આખા કૂતરા સમાજને વાંદરાભાઈ ઉપર માન થઈ ગયું.

આખા કૂતરા સમાજની વાહવાહી મેળવીને વાંદરાભાઈ જવાની તૈયારીમાં હતા કે પાછળથી 'જંગલ ન્યૂઝ'ના સંવાદદાતાનો અવાજ આવ્યો : 'કૂતરા સમાજની વસતિ નિયંત્રણના નવા નિયમો લાગુ થયા છે તે પાછળ તમારા જ બીજા રાજકીય સલાહકાર બિલાડાભાઈ બબાલી જવાબદાર છે. બિલાડાભાઈ બબાલીના ઈશારે જ સરકારી અધિકારી બબ્બન બિલાડાએ પરિપત્ર બહાર પાડયો હતો.' 'જંગલ ન્યૂઝ'ના પ્રતિનિધિએ ઘડાકો કર્યો એ સાથે જ આખી સભામાં હાહાકાર મચી ગયો. ઉશ્કેરાયેલા કૂતરાઓ વાંદરાભાઈ વટપાડુની પાછળ પડે તે પહેલાં જ વાંદરાભાઈ હતું એટલું જોર કરીને દોડવા માંડયાં...