Get The App

જંગલમાં જિબલી આર્ટની સમાંતરે ચુગલી આર્ટનો દબદબો

Updated: Apr 2nd, 2025

GS TEAM

Google News
Google News
જંગલમાં જિબલી આર્ટની સમાંતરે ચુગલી આર્ટનો દબદબો 1 - image

- આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

- જંગલના સોશિયલ મીડિયામાં ચારેબાજુ 'જિબલી જિબલી' થઈ ગયું. જિબલીનો ઉચ્ચાર આવડતો ન હતો એ યુઝર્સે પણ ઘિબલી, ગિબલી જેવા આવડે એવાં ઉચ્ચારો કરીનેય આર્ટિસ્ટિક ઈમેજ શેર કરી

ફ્રોગભાઈ ફ્રોડે સોશિયલ મીડિયામાં રાજા સિંહની તસવીરો જિબલી આર્ટમાં કન્વર્ટ કરીને મૂકી તો એ વાયરલ થઈ ગઈ. રાજા સિંહ વાછરડાને રમાડતા હોય એ, રાજા સિંહ મોરને દાણા ખવડાવવા હોય એ, રાજા સિંહ તેમના મિત્ર વિદેશી જંગલના રાજા ઈગલભાઈને હગ કરતા હોય એ અને ભાષણ આપતા હોય એ તમામ જિબલી ઈમેજ ખૂબ શેર થઈ.

પોતાનો ફોટો પોસ્ટ કરીને ફ્રોગભાઈ ફ્રોડે લખ્યું, 'મેં વિદેશી જંગલની જિબલી ટેકનિકથી રાજા સિંહની અને મારી આ ઈમેજ બનાવી છે. તમેય ટ્રાય કરો!'

હેકરમાંથી રાજા સિંહના ખાસ સાઈબર એક્સપર્ટ બનેલા ફ્રોગભાઈ ફ્રોડનાં સૂચનોને સૌ સિંહ સમર્થકો વધાવી લેતા. ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ ફ્રોગભાઈએ કહેવી ટેકનિક પ્રમાણે જિબલી ઈમેજ બનાવીને શેર કરી. મોટી આંખો, વિખરાયેલા વાળ, બહાર નીકળેલી જીભ અને ઉઘડતા કલર્સના બેકગ્રાઉન્ડમાં કંઈક બ્રાઉન રંગમાં શોભતા ઘેટાભાઈની જિબલી ઈમેજને સંખ્યાબંધ લાઈક્સ-કમેન્ટ્સ મળી.

એ પછી જંગલના સોશિયલ મિડીયામાં ચારેબાજુ 'જિબલી જિબલી' થઈ ગયું. જિબલીનો ઉચ્ચાર કરતાં નહોતું આવડતું એ સૌ યુઝર્સે પણ ઘિબલી, ગિબલી જેવા આવડે એવાં ઉચ્ચારો કરીનેય આર્ટિસ્ટિક ઈમેજ શેર કરી. મંગળા માછલીએ બોયફ્રેન્ડ મહાસીર માછલા સાથે પાડેલી સેલ્ફીમાંથી જિબલી આર્ટ ઈમેજ બનાવીને પોસ્ટ કરી. બકુલાબહેન બકરીનો આદેશ છૂટયો એટલે બાબાલાલ બકરાએ બહુ મથામણ પછી બકુલાબહેનની જિબલી ઈમેજ બનાવી. બકુલાબહેને તો હરખાઈને બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સમાં એ ઈમેજ પોસ્ટ કરી. પ્રોફાઈલ પિક પણ સેટ કર્યું. ઓછું હતું તે વોટ્સએપમાં જેટલા કોન્ટેક્ટ નંબર હતા એ સૌને હોંશેહોંશે પોતાની 'આર્ટિસ્ટિક' ઈમેજ મોકલી આપી. જિબલી ઈમેજમાં બકુલાબહેનનાં શિંગડા કંઈક જુદી જ રીતે વળેલાં જણાતા હતાં, વધારે બેસેલું નાક અને વધુ ઉપસેલા કાનથી બકુલાબહેન ફની લાગતાં હતાં.

કાગડાભાઈ કંકાસિયાએ જિબલી ઈમેજ શેર કરી એ સૌથી અલગ હતી. બંને આંખો જુદી જુદી દિશામાં જોતી હોય એનાથી જેટલું ફન સર્જાતું ન હતું એટલું એમની પહોળી થયેલી ત્રિકોણ ચાંચથી સર્જાતું હતું. જિબલીની ટેકનિક કેવી રીતે કામ કરતી હતી એ કોઈને સમજાતું ન હતું. પ્રાણીઓની ઈમેજ અલગ રીતે બનતી હતી અને પક્ષીઓની ઈમેજ વળી જુદી રીતે બનતી હતી.

આ બધા વચ્ચે રાજા સિંહના સમર્થક અને પ્રખર જંગલભક્તિના હિમાયતી હોલા હઠીલાએ સોશિયલ મીડિયામાં તદ્ન નવું કેમ્પેઈન શરૂ કર્યું. પોતાને વિદ્વાન ગણતા હોલાજી માનતા કે દરેક બાબતમાં પોતાનો વૈચારિક એંગલ આપવો જરૂરી છે. તેમણે જિબલીના સંદર્ભમાં વૈચારિક એંગલ આપતા કહ્યું, 'આપણા જંગલના ટેકનો-એક્સપર્ટે વિદેશી જંગલની કોપી કરવાને બદલે આપણી પોતાની જિબલી જેવી ટેકનિક વિકસાવવી જોઈએ. આપણા જંગલની આટલી મહાન પરંપરા હોય ત્યારે આપણે શું કામ કોઈની કોપી કરવી જોઈએ? આપણે શા માટે જિબલીની જેમ ચિબલી આર્ટ નથી વિકસાવતા?'

હોલા હઠીલાની આ પોસ્ટ સિંહ સમર્થકોમાં વાયરલ થઈ. જંગલમાં સંસ્કારી પાઠશાળામાં શિક્ષણ આપવું જોઈએ તેની હિમાયત કરતાં પરંપરાવાદી બગલાભાઈ બટકબોલાએ હોલાની પોસ્ટ શેર કરી ને રાજા સિંહને પણ ટેગ કર્યા. રાજા સિંહ એ પોસ્ટમાં થમ્બનું ઈમોજી મૂકી ગયા એટલા માત્રથી પોસ્ટ ક્લાસિક શ્રેણીમાં આવી ગઈ. 'રાજા સિંહ જેમાં ઈમોજી મૂકી ગયા એ પોસ્ટમાં શું છે?' એવા ન્યૂઝ ચાલવા માંડયા. 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ પેનલ ડિસ્કશન કરાવીને આખી પોસ્ટનું વિશ્લેષણ કરાવ્યું. પેનલમાં હાજર કાગડાભાઈ કંકાસિયાએ કહ્યું, 'રાજા સિંહને પસંદ પડયો હોય છે એનો અર્થ કે આઈડિયા તો જબરો છે.' યોજના એક્સપર્ટ તરીકે પેનલમાં હાજર કલકલિયા કલમઘસુએ ઓપિનિયન આપ્યોઃ 'મને લાગે છે કે રાજા સિંહ ચિબલી આર્ટના નામે કોઈ યોજના શરૂ કરી શકે છે. આ યોજનાથી રોજગારી સર્જાશે.'

મસ્તરામ મોરે કલકલિયા કલમઘસુને સવાલ કર્યો, 'આટલી યોજનાઓ છે એમાંથી રોજગારી મળી નથી તો આમાંથી શું મળશે?'

હીરજી હંસે અલગ મુદ્દો ઉઠાવ્યો, 'આપણે કોપી કરવાને બદલે જંગલની અભિન્ન ઓળખ બને એવી કોઈ ટેકનોલોજી વિકસાવવી જોઈએ.'

બધા વાદ-વિવાદ વચ્ચે પેનલમાં હાજર કબૂતર કાનાફૂસિયાએ કાતિલ કટાક્ષ કર્યો, 'હસીનાજી! તમે કહો છો કે જંગલમાં જિબલી આર્ટનો ટ્રેન્ડ છે, પરંતુ મને તો લાગે છે કે આપણે ત્યાં ચુગલી આર્ટનો દબદબો છે!'

હસીનાને આ વર્ડપ્લેમાં રસ પડયો. તેણે પૂછ્યું, 'કાનાફૂસિયાજી અમારા દર્શકોને તમારો કોન્સેપ્ટ જરા વિસ્તારથી સમજાવો!'

કબૂતર કાનાફૂસિયાએ વિગતવાર સમજાવ્યુંઃ 'જુઓ! આપણા જંગલમાં એકબીજાની ચાડી કરવાની જુની પરંપરા છે. જંગલવાસીઓ તક મળ્યે એકબીજાની ચુગલી કરી નાખે છે, જંગલના અધિકારીઓ અંદરો અંદર એકબીજાની પરોક્ષ નિંદા કરતા રહે છે. નેતાઓને એકબીજા કાર્યકરો કાનભંભેરણી કરે છે. ઓછું હોય એમ રાજા સિંહના મંત્રાલયના મંત્રીઓ સિંહ સામે એકબીજાની ચુગલી લઈને પહોંચી જાય છે. વાત આટલેથી અટકતી નથી. રાજા સિંહની ચુગલી વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા વગેરે દિવસ-રાત કરતા રહે છે. ને રાજા સિંહ એનાથી એક કદમ આગળ વધીને વિદેશી જંગલમાં જઈનેય સસલાભાઈ અને તેના પૂર્વજોની ચુગલી કરી નાખે છે. ચુગલી આર્ટમાં આપણા જંગલનો કોઈ જોટો જડે તેમ નથી!'