Get The App

વાઘને બદલે ગાયને વિશેષ પ્રાણીનો દરજ્જો આપો : સાંસદ ગેંડાભાઈ ગુમાની

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
વાઘને બદલે ગાયને વિશેષ પ્રાણીનો દરજ્જો આપો : સાંસદ ગેંડાભાઈ ગુમાની 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'સુંદરબન' નામના વાઘસમાજના હેડક્વાર્ટરમાં સમાજના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડયાં. અખિલ જંગલીય વાઘસમાજના પ્રમુખે કહ્યું: આપણાં સમાજે તાત્કાલિક લોબિંગ શરૂ કરવું પડશે.

મહારાજા સિંહ સતત એક્ટિવ રહેવામાં માનતા હતા. કામ થાય કે ન થાય, એક્ટિવ રહેવું જરૂરી છે. મહારાજા સિંહ માનતા કે સતત એક્ટિવ રહેવાથી સાંસદોને, વિપક્ષને અને જંગલવાસીઓને એમ લાગે છે કે રાજા સિંહ સતત કામ કરે છે. તમે મૂંગા મોંએ જૂના રાજા સિંહની જેમ કામ કરો પણ પ્રચાર ન કરો તો જંગલવાસીઓ ભૂલી જાય છે. એના બદલે કામ ન કરો ને મોં ખોલીને ન થયેલા કામનો પ્રચાર કરો એનાથી જંગલવાસીઓને લાગે છે કે જંગલની સરકાર સતત કામ-કાજ કરે છે. રાજા સિંહ પણ એકધારો એવો પ્રચાર કરતા કે તેમની પાસે બિલકુલ સમય હોતો નથી. દિવસ-રાત, રાત દિવસ, સવાર-બપોર-સાંજ-રાત બસ સિંહ સતત કામ જ કરે છે. જંગલહિત માટે સિંહે એમનું આખું જીવન સમર્પિત કરી દીધું છે એવો એક માહોલ રાજાએ બનાવ્યો હતો. 

જંગલની સરકાર 'જંગલશાહી'થી ચાલે છે એવું પ્રાણી-પંખીઓને લાગે તે માટે મહારાજા સિંહ વર્ષમાં ત્રણ-ચાર વખત તેમની ગુફાની નજીકમાં આવેલા વિશાળ મેદાનમાં સભા ભરતા હતા. સાંસદો પાસેથી ઓપિનિયન મેળવતા અને એવો દેખાડો કરતા કે જંગલની સરકાર બહુમતી સાંસદોના ઓપિનિયનથી ચાલે છે. જ્યારે હકીકત રાજા સિંહની નજીકના સૌ જાણતા હતા કે સરકાર રાજા સિંહની મનની ઈચ્છા પ્રમાણે ચાલે છે. એમાં રાજા સિંહ વતી તેમના અંગત સલાહકાર રીંછભાઈ સાંસદોને સૂચનો કરતા અને એવું બોલવાનું કહેતા. પછી એ મુદ્દો લઈને રાજા સિંહ સાંસદોની માગણી છે એમ કહીને તેનો પ્રચાર કરતા ને ધાર્યું કામ કરાવતા. એના ભાગરૂપે રાજા સિંહની પાર્ટીમાંથી ચૂંટાયેલા સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ રજૂઆત કરી: 'મહારાજા સિંહ અને રીંછભાઈને વંદન..' સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ જંગલના બંને ટોચના નેતાઓને કમરથી વળીને પ્રણામ કર્યા પછી કાગળમાં જોઈને ઉમેર્યું : 'આખા જંગલવાસીઓની લાગણીને વાચા આપતા હું મહારાજા સિંહને રજૂઆત કરું છું કે ગાયસમાજને જંગલમાં વિશેષ દરજ્જો આપવામાં આવે'.

ગેંડાભાઈના આ વાક્યથી કોલાહલ થઈ ગયો. રાજા સિંહની પાર્ટીના સાંસદોએ આ માગણીને તુરંત વધાવી લીધી. સાંસદ ગેંડાભાઈ ગુમાનીએ રજૂઆત આગળ ચલાવી: 'છેલ્લાં કેટલાય વર્ષોથી જૂના મહારાજાએ વાઘસમાજને જંગલીય પ્રાણીનો દરજ્જો  આપી રાખ્યો હતો, પરંતુ હવે ગાયોને આ દરજ્જો મળવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણને ગાયો ખૂબ પ્રિય હતી. ગાયોનું આપણાં જંગલમાં ધાર્મિક મહત્વ પણ છે. વારંવાર ફરિયાદો ઉઠે છે કે વાઘો આ દરજ્જાનો દુરૂપયોગ કરી રહ્યા છે. આદરણીય, માનનીય મહારાજા સિંહજી આ દિશામાં ઘટતું કરે એવી અમારી માગણી છે'.

ગેંડાભાઈની રજૂઆત પૂરી થઈ પછી રાજા સિંહ અને રીંછભાઈએ સામ-સામું જોઈને સંકેતમાં સ્માઈલ આપ્યું. મહારાજા સિંહની પાર્ટીના સાંસદોએ તુરંત ગેંડાભાઈની માગણીને વધાવી લીધી. મહારાજા સિંહને એક ચૂંટણી પ્રચારમાં જવાની ઉતાવળ હતી એટલે તેમણે ટૂંકમાં નિવેદન આપતા કહ્યું: 'આ સરકાર જંગલશાહીથી ચાલે છે. જો જંગલવાસીઓની આ માગણી હશે તો હું અને રીંછભાઈ તે અંગે વિચારીશું. ગાયોને યોગ્ય સન્માન મળે તે જરૂરી છે.'

આટલું કહીને મહારાજા સિંહ ઝડપભેર ચાલ્યા ગયા. તેમની પાછળ પાછળ રીંછભાઈ પણ ગયા. એ પછી આખી સભા વિખેરાઈ ગઈ. આખા જંગલમાં આ ચર્ચાએ જોર પકડયું...

સાંસદ ગેંડાભાઈની રજૂઆત ટીવીમાં સાંભળ્યા પછી આખોય વાઘસમાજ તુરંત સક્રિય થયો. 'સુંદરબન' નામના વાઘસમાજના હેડક્વાર્ટરમાં સમાજના નેતાઓ અને કાર્યકરો ઉમટી પડયાં. અખિલ જંગલીય વાઘસમાજના પ્રમુખે કહ્યું: આપણાં સમાજે તાત્કાલિક લોબિંગ શરૂ કરવું પડશે. મહારાજા સિંહ સાથે બેઠક યોજવાની તૈયારી કરો. સાથે સાથે સરકારમાં મહત્વના હોદ્દા ધરાવતા મંત્રીઓ-અધિકારીઓ સાથે ઓળખાણ કામે લગાડીને આપણો પક્ષ રજૂ કરો. જો આપણો દરજ્જો હટાવાશે તો જંગલમાં જે માન-સન્માન મળે છે એમાં પણ ઘટાડો થશે. વિશેષ દરજ્જો જાળવી રાખવા લડત આપવી પડે તો પણ આપીશું.

...બીજી તરફ જંગલમાં વિશેષ દરજ્જો મળશે એટલે માન-સન્માનમાં વધારો થશે એમ માનીને ગાયસમાજે સેલિબ્રેશન કર્યું. ગાયબેનોએ ભેગા મળીને ગેંડાભાઈ ગુમાનીને તેમની તરફેણ કરવા બદલ આભારપત્ર લખ્યો. આ બધી પ્રક્રિયા ચાલતી હતી ત્યારે ગાયસમાજના અગ્રણી જ્ઞાાની ગાયબેન આવી પહોંચ્યાં. 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ તેમને આ અંગે પ્રતિક્રિયા પૂછી ત્યારે જ્ઞાાની ગાયબેન આટલું જ બોલ્યાં: 'જંગલની સરકાર અમને રાષ્ટ્રીય પ્રાણી જાહેર ન કરે તો કંઈ નહીં, પરંતુ બે ટંકનો ચારો અને રહેવા માટે છાપરાની વ્યવસ્થા કરે તો પણ અમને રઝળપાટમાંથી મુક્તિ મળી જાય. અમારી તો વર્ષોથી આટલી જ અપેક્ષા છે'.

આ બધું ચાલતું હતું ત્યારે બંને સમાજની ગતિવિધિ ઉપર ચાંપતી નજર રાખી રહેલા મહારાજા સિંહે રાજકીય સલાહકાર રીંછભાઈને પૂછ્યું: 'વાઘસમાજે ચૂંટણીફંડમાં વધારો કરવાની તૈયારી બતાવી છે?'

'જી મહારાજ!' રીંછભાઈએ ઉમેર્યું, 'તેમણે ગત વર્ષની સરખામણીએ ફંડ વધારવાની જાહેરાત કરવા ઉપરાંત આપણી પાર્ટીને તીક્ષ્ણ નહોર ધરાવતા વાઘોની એક ટૂકડી આપવાની પણ જાહેરાત કરી છે.'

'વેરી ગુડ!' રાજા સિંહ હસ્યા.

'મહારાજ! આ ગાયો નારાજ થશે એનું શું કરીશું?' રીંછભાઈએ ધીમા અવાજે પૂછ્યું.

ખડખડાટ હસતા રાજા સિંહે કટાક્ષમાં વળતો સવાલ કર્યો: 'ગાયો પાસે નહોર છે? ચૂંટણી ફંડ છે? ગાયો નારાજ થઈનેય શું કરી લેશે?'