Updated: Feb 2nd, 2023
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- મહારાજા સિંહના દરબારમાં વાર્ષિક બજેટ રજૂ થયું, જેમાં કેટલીય પરંપરાને તોડવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. જંગલવાસીઓની સ્કિલ ડેવલપ કરવા પર ખાસ ભાર મૂકાયો હતો
મહારાજા સિંહની જૂની યોજનાઓ માટે ફંડ
માદા સશક્તિકરણ મહારાજા સિંહનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી બજેટમાં એ માટે વિશેષ ફંડ ફાળવાયું. નરોને શિંગડે ચડાવીને હાહાકાર મચાવી દેનારી માદાઓને જંગલની સરકાર 'માથાભારે માદારત્ન' પુરસ્કાર આપતી હતી, એ પુરસ્કારમાં ધનરાશિ વધારવામાં આવી. આવી ફાઈટમાં શિંગડા ભાંગીતૂટી ગયા હોય એવી માદાઓને મજબૂત કૃત્રિમ શિંગડા ફિટ કરવાની યોજના વિનામૂલ્યે શરૂ કરાઈ. નર અશક્તિકરણનો પ્રોજેક્ટ પણ સરકારે અગાઉ શરૂ કર્યો હતો, એમાં જંગલની સરકારે ફંડ વધારીને નરોના અશક્તિકરણને નવી ઊંચાઈએ પહોંચાડવા પ્રતિબદ્ધતા બતાવી. માદાઓ સામે હથિયાર હેઠા મૂકી દેતા નરોને જે વરસમાં એક વખત 'સહનશક્તિભૂષણ' એવોર્ડ મળતો હતો, એ વર્ષે બે વખત આપવાની જાહેરાત થઈ.
તે સિવાય ઝેરી સજીવોને જંગલના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકારે ફરીથી નવી નવી યોજનાઓ જાહેર કરી. સર્પસમાજના ઝેર ઓકતા સાપો પાસેથી વધુમાં વધુ ઝેરનું ડોનેશન મેળવીને ચૂંટણીઓ વખતે નેતાઓના ભાષણમાં ઝેર ઓકવા માટે એનો ઉપયોગ કરવાની યોજના તો અગાઉથી જ હતી, એમાં સરકારે નવા ઉમેરા કર્યા - જે સર્પો નિયમિત ઝેર ડોનેટ કરશે એને ટેક્સમાંથી મુક્તિ આપવાનો બજેટમાં પ્રસ્તાવ રજૂ થયો. અગાઉ સરકારના 'વેર-ઝેર વિતરણ વિભાગે' આ યોજના અંતર્ગત ઝેરનો મોટો જથ્થો વેચ્યો હતો અને ચૂંટણીઓ વધી જતાં જથ્થો ખૂટી પડયો હતો. બધા જ પક્ષોનું એડવાન્સ બુકિંગ હોવાથી ઝેરના જથ્થાની જરૂરિયાતને પહોંચી વળવા બજેટમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી.
***
નવી યોજનાઓ માટે માતબર ફંડની ફાળવણી
કાચબા-સસલા માટે બજેટ : જૂના કાળે કાચબા-સસલા વચ્ચે દોડવાની સ્પર્ધા યોજાઈ હતી. એમાં સસલાનો વિજય નક્કી હતો છતાં કાચબાએ મેજર અપસેટ સર્જીને જીત મેળવી હતી. સસલાએ ઊંઘનું ઝોકું લીધું એમાં પરિણામ બદલાઈ ગયું હતું. એ ઘટના પછી કાચબાઓ ફાટીને ઘુમાડે ગયા હતા. એકની એક વાત રજૂ કરીને કાચબાઓ સસલાઓને જ નહીં, બધાને રેસનો પડકાર ફેંકતા હતા. મહારાજા સિંહ સુધી એની ફરિયાદો પહોંચી હતી. જંગલની સરકારે બજેટમાં નવી યોજના સાથે ખાસ ફંડ ફાળવ્યું હતું. એ પ્રમાણે સસલાઓને સ્પર્ધા દરમિયાન ઊંઘ કરવાની ઈચ્છા થાય તો સરખી ઊંઘ કરી શકે એ માટે જંગલમાં ઠેર-ઠેર આધુનિક રૂમ બાંધવામાં આવશે. એ ઓરડો સીસીટીવીથી સજ્જ હશે એટલે દૂરથી કાચબો દેખાશે કે તરત જ સસલાના મોબાઈલમાં એલાર્મ વાગશે. સસલો સમયસર જાગી જશે અને પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી જશે.
જંગલની સરકારનો માસ્ટરસ્ટ્રોક આ ન હતો. 'જંગલ ન્યૂઝ'ની ડિબેટમાં જેની ચર્ચા થવાની હતી એ માસ્ટરસ્ટ્રોક આ હતો: સ્પર્ધામાં ઉતરતાં પહેલાં કાચબાઓ મહારાજા સિંહની પાર્ટીમાં ફંડ આપે તો સસલાઓના રૂમની નજીક કાચબાઓ પહોંચશે તે પહેલાં જ સીસીટીવીમાં ટેકનિકલ ખામી સર્જાશે અથવા તો વીજળી ગૂલ થઈ જશે - એ પ્રકારની જોગવાઈ પણ બજેટમાં થઈ હતી. આ યોજનાથી એક તરફ સસલા માટે ઓરડા બાંધવામાં જે રકમ ખર્ચાવાની હતી એ કાચબા પાસેથી પાછી મેળવી લેવાનો વ્યૂહ હતો. જોકે, મહારાજા સિંહના દરબારમાં બજેટ વખતે એની મૌખિક જાહેરાત કરવામાં આવી ન હતી. આ વાત બજેટ સમજાવતા નિષ્ણાતો જ અંદરની 'ટર્મ્સ એન્ડ કન્ડિશન'માંથી સમજીને તારવી શકે એવી રીતે ગુપ્ત રાખવામાં આવી હતી, એ જ રીતે; જે રીતે ટેક્સ કેમ બચાવવો એ વાત ગુપ્ત રાખવામાં આવે છે અને માત્ર નિષ્ણાતો જ એના રહસ્યો સમજાવી શકે છે!
ગધેડા માટે સંગીત સુધારણા ટ્રેનિંગ : જંગલના ગધેડાઓ બેસૂરા ગાયન માટે કુખ્યાત હતા અને એ માટે જંગલના અન્ય સજીવોએ ગધેડાઓને ફટકાર્યા હોય એવી ય ઘટનાઓ નોંધાઈ ચૂકી હતી, પણ હવે ગધેડા પહેલાં જેવા રહ્યા નથી. ગધેડાસમાજમાંથી ગુલામદાસ ગધેડા મોટા ઉદ્યોગપતિ બન્યા અને મહારાજા સિંહના ખાસ વિશ્વાસુ સાબિત થયા પછી ગધેડાસમાજનું સન્માન વધતું જતું હતું. વળી, ગધેડાઓ મહારાજા સિંહના મતદારો બની ચૂક્યા હોવાથી તેમનો સર્વાંગી વિકાસ થાય એ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. એવી જ એક યોજના હતી ગધેડાઓ માટે સંગીત સંસ્થાઓ સ્થાપવાની. જંગલની સરકારે ગધેડાસમાજની વસતિ વધારે હતી એ વિસ્તારોમાં મ્યુઝિક એકેડમીઓ ખોલવાની જાહેરાત કરીને એકેડમીના ચેરમેનપદે કાગડાભાઈ કંકાસિયાની વરણી કરી. શરૂઆતમાં કોયલો ગધેડાઓને સંગીત શીખવે એવી વિચારણા હતી, પરંતુ કોયલોએ ચૂંટણી વખતે મહારાજા સિંહનાં પ્રચારગીતો ગાવાનો ઈનકાર કર્યો હોવાથી યોજનામાં કાગડાઓની એન્ટ્રી થઈ હતી. જંગલની સરકારે બજેટમાં આ યોજનાની જાહેરાત કરીને ગધેડા ઉપરાંત કાગડાસમાજને પણ સાચવી લીધો હતો.
***
'જંગલ ન્યૂઝ'માં હસીના હરણીએ અર્થશાસ્ત્રીઓને બોલાવીને દિવસભર બજેટની ચર્ચા કરી હતી. એમાં આ યોજનાઓને નિષ્ણાતોએ મહારાજા સિંહના માસ્ટરસ્ટ્રોક તરીકે બિરદાવી હતી. બજેટ રજૂ કરતાં પહેલાં મહારાજા સિંહ પોતે જે માસ્ટરસ્ટ્રોક બજેટના આયોજનોમાંથી શોધી શકતા નથી એવા એવા માસ્ટરસ્ટ્રોક આ નિષ્ણાતો શોધી કાઢતા હોવાથી મહારાજા સિંહે પણ આખો દિવસ પોતાની ખાસિયતો સમજવા માટે 'જંગલ ન્યૂઝ'ના અહેવાલો જોયા હતા!