Get The App

જંગલવાસીઓની પરેશાની સાંભળીને રાજા સિંહે તુરંત પગલાં ભર્યાં

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
જંગલવાસીઓની પરેશાની સાંભળીને રાજા સિંહે તુરંત પગલાં ભર્યાં 1 - image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- રાજા સિંહે મોં પર ભારોભાર ચિંતા લાવીને કહ્યું, 'મારા વ્હાલા જંગલવાસીઓ! મેં તમારા સૌની સ્થિતિ જાણી છે. તમારી રજૂઆતને ધ્યાનમાં લઈને જ હું તુરંત એક્શનમાં આવ્યો છું.'

રાજા સિંહના મિત્ર રાજા ગોલ્ડન ઈગલે તેના દુશ્મન જંગલ પર હુમલો કર્યો. એ જંગલો વચ્ચે લડાઈ ફાટી નીકળી તેની અસર રાજા સિંહના જંગલમાં પણ થઈ. ચીજવસ્તુઓની અછત થઈ ગઈ. ભાવમાં વધારો થઈ ગયો. આ બધું જોઈને વિપક્ષના નેતા સસલાભાઈએ આરોપ મૂક્યો, 'જંગલવાસીઓ પરેશાન થાય છે છતાં કોઈ પગલાં ભરતાં નથી.'

ઘણા જંગલવાસીઓને સસલાભાઈની વાત યોગ્ય લાગી. બીજાં જંગલોમાં લડાઈઓ થાય તેની અસર આપણા જંગલમાં તો ન જ થવી જોઈએ એવી દલીલો થવા લાગી. ટેન્શનમાં આવેલા જંગલવાસીઓએ દાણા-પાણી-ચારાનો જથ્થો ભેગો કરવા લાઈન લગાવી. 

જંગલવાસીઓએ વિચાર્યું, 'રાજા સિંહ બીજા કામોમાં વ્યક્ત હોય છે એટલે જંગલવાસીઓની પરેશાની તરફ ધ્યાન ન ગયું હોય એ શક્ય છે. આપણે રજૂઆત કરીને તેમનું ધ્યાન દોરવું જોઈએ.' 

વડીલ હીરજી હંસની આગેવાનીમાં માદાઓના પ્રતિનિધિ જ્ઞાાની ગાયબેન, કલાકારોના પ્રતિનિધિ મસ્તરામ મોર, યુવા પ્રતિનિધિ પ્રીત પારેવડો, પક્ષીઓનો પ્રતિનિધિ ચક્રધર ચકલો, સમુદ્રી પ્રતિનિધિ મંગળા માછલીએ રાજા સિંહ પાસે જઈને રજૂઆત કરીઃ 'રાજાજી, બીજાં જંગલોમાં યુદ્ધ ફાટી નીકળ્યું તેની અસર આપણા જંગલમાં થઈ છે. જંગલમાં ઘણી ચીજવસ્તુઓની અછત થઈ ગઈ છે. વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે. આપ કંઈક પગલાં ભરો.'

પગલાં ભરવાનું આશ્વાસન આપીને પ્રતિનિધિમંડળને રવાના કર્યું ને તુરંત અંગત સલાહકાર રીંછભાઈને બોલાવીને પૂછ્યું, 'બીજાં જંગલોમાં કંઈ થાય એમાં ટેકનિકલી હું તો કંઈ કરી શકું નહીં. છતાં જંગલવાસીઓ કહે છે કે હું કંઈક એક્શન લઉં તો તારા મતે મારે શું કરવું જોઈએ?'

રીંછભાઈએ સલાહ આપીઃ 'મહારાજ! એક સભા ભરો. એમાં તમે એક્શન લો. આદેશો આપો. પગલાં ભરો!'

રાજા સિંહે રીંછભાઈ સામે જોયા કર્યું ને પછી કોઈ ઊંડા વિચારમાં પડી ગયા. મિનિટો સુધી વિચારમાં ખોવાયેલા રહ્યા પછી બોલ્યા, 'સારું. તુરંત એક સભાનું આયોજન કર. હું જંગલવાસીઓને જણાવીશ કે તેમના માટે કેટલાં પગલાં ભરી રહ્યો છું.'

સિંહના આદેશ પછી તુરંત રીંછભાઈએ બધી વ્યવસ્થા ગોઠવી. રાજા સિંહ સભા કરવાના છે એ જાણીને સમર્થકો એકઠા થયા ને જંગલવાસીઓ પણ આવી પહોંચ્યા. રાજા સિંહે સભાના હાજર થઈને મોં પર ભારોભાર ચિંતા લાવીને કહ્યું, 'મારા વ્હાલા જંગલવાસીઓ! મેં તમારા સૌની સ્થિતિ જાણી છે. તમારી રજૂઆતને ધ્યાનમાં લીધી છે તેથી હું અત્યારે જ કેટલાક મહત્ત્વનાં પગલાં ભરીશ.'

રાજા સિંહનાં આ વાક્યોથી જંગલવાસીઓએ રાહત અનુભવી. રાજા સિંહના ભાષણને સોશિયલ મિડીયામાં લાઈવ જોઈ રહેલા સેંકડો જંગલવાસીઓ પણ ખુશ થયા. રાજા અત્યારે જ જંગલવાસીઓ માટે એક્શન લેશે એ જાણીને બધાની નજર તેમના પર સ્થિર થઈ. સિંહે હાજર સૌ જંગલવાસીઓ તરફ નજર નાખી લીધી ને પછી આદેશ આપ્યો, 'તમામ દરબારીઓ અને સરકારી અધિકારીઓ તુરંત મારી સામે આવીને ઉભા રહે!'

થોડી મિનિટોમાં રાજા સિંહના અંગત સલાહકાર અને જંગલની આંતરિક બાબતો સંભાળતા રીંછભાઈ, માર્ગ-પરિવહન અને બાંધકામ મંત્રી હાથીભાઈ હરખપદૂડા, સુરક્ષા અને વિદેશી જંગલોનું સંકલન સંભાળતા મંત્રી હરણભાઈ હોશિયાર, માદા કલ્યાણ અને વેપાર મંત્રી સાબરબહેન, સુરક્ષા અધિકારી બબ્બન બિલાડો, વહીવટી અધિકારી મગર માથાભારે વગેરે રાજા સિંહની સામે હાજર થયાં.

'જંગલવાસીઓ પરેશાન છે. આપણું શું પ્લાનિંગ છે?' સિંહે સૌને પૂછ્યું.

'જંગલમાં ચીજવસ્તુઓની અછત થાય છે કે નહીં તેના પર હું નજર રાખી રહ્યો છું,' રીંછભાઈએ સૌથી પહેલો જવાબ આપ્યો.

'હું રીંછસરના માર્ગદર્શનમાં સુરક્ષા પર નજર રાખી રહ્યો છું. લાઈનમાં ઉભેલા જંગલવાસીઓ વચ્ચે મારામારીના અને ધક્કા-મુક્કીના બનાવો બન્યા છે એની તપાસ ચાલી રહી છે,' સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ રિપોર્ટ રાજા સિંહને આપ્યો.

'જંગલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાજો સરહદ પર નજર રાખી રહ્યા છે. ચિંતાનું કોઈ કારણ નથી. જડબાતોડ જવાબ માટે તૈયાર છીએ,' જંગલની સુરક્ષા અને વિદેશી જંગલોનો વિભાગ સંભાળતા હરણભાઈએ હોશિયારીપૂર્વક કહ્યું.

'કઈ કઈ ચીજવસ્તુઓની અછત સર્જાઈ રહી છે અને કઈ ચીજવસ્તુઓ સદંતર ખૂટી પડી છે તેનો અહેવાલ મારી ટીમ તૈયાર કરી રહી છે,' વેપાર મંત્રી સાબરબહેને રાજા સિંહના પંજામાં ફાઈલ થમાવી.

'યુદ્ધના કારણે વહીવટોમાં કોઈ ગરબડ નહીં થાય,' વહીવટી અધિકારી મગર માથાભારે ખાતરી આપી.

રાજા સિંહે આ બધું સાંભળી લીધા પછી જંગલવાસીઓને કહ્યું, 'તમે જોયું એમ મારા મંત્રીઓ અને અધિકારીઓ સતત કામ કરી રહ્યા છે. તમે બિલકુલ ચિંતા ન કરો. થોડી ધીરજ રાખો. બધું બરાબર થઈ જશે.' આશ્વાસન આપીને તેમણે ઉમેર્યું, 'જુઓ!' 

આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે જ મંચ પર રાજા સિંહ હજારેક પગલાં ભરી ચૂક્યા હતા. એ સ્માર્ટવૉચમાં બતાવીને રાજા સિંહે વિપક્ષના નેતા સસલાભાઈ પર કટાક્ષ કર્યો, 'સસલાભાઈ કહે છે હું કોઈ પગલાં ભરતો નથી. હું તો તમારા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યો છું. પુરાવો તમારી સામે છે.'

તેમની આ સક્રિયતા, નિષ્ઠા જોઈને સમર્થકોએ પંજાનો ગડગડાટ કરી મૂક્યો. લાઈનોમાં ઊભા રહેલા જંગલવાસીઓએ કેટલીય વાર સુધી આ ગડગડાટ સાંભળ્યા કર્યો...