Get The App

ઝેર ઓકતા સાપોને સીધા કરો : જંગલવાસીઓની માગણી

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ઝેર ઓકતા સાપોને સીધા કરો : જંગલવાસીઓની માગણી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ઝેરીલા સાપોના ટોળાએ એકાએક હુમલો કરતાં ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ. સાપોના ડંખથી કેટલાય જંગલવાસીઓનાં મોત થયાં એ પછી આખાય જંગલમાં સાપો સામે રોષ વ્યાપી ગયો...

જંગલની બરાબર બાજુમાં બીજું એક જંગલ છે. એમાં મારખોર બકરાઓ રહે છે. વર્ષો પહેલાં જંગલના પ્રાણી-પંખીઓ સાથે ફાવ્યું નહીં એટલે મારખોર બકરાઓએ પોતાના જંગલની જુદી સરકાર બનાવી. બકરાઓની સાથે એ જંગલમાં ગધેડાઓ પણ મોટી સંખ્યામાં રહે છે. ગધેડાઓને સત્તામાં બેસવાનો તો મેળ પડતો ન હતો, પરંતુ મારખોર બકરાઓએ તેમનામાં એવી જંગલભક્તિ ભરી દીધી હતી કે જો ગધેડાઓ જંગલનું રક્ષણ નહીં કરે તો આ જંગલ પર રાજા સિંહના જંગલમાંથી ઘોડાઓ હુમલો કરીને સત્તા સ્થાપી દેશે.

આમ તો શક્તિની રીતે, સ્ફૂર્તિની રીતે, લડાઈના અનુભવની રીતે ઘોડાઓ સામે લડી શકવાની ગધેડાઓની કોઈ જ ક્ષમતા નહોતી. અગાઉની લડાઈઓમાં ગધેડાઓ ઊંધા માથે થઈને લડયા છતાં ઘોડાઓ સામે હારી ગયા હતા. એક વખત તો ચાર પગે થઈને બધા જ ગધેડાઓએ ઘોડાઓની માફી માગી ત્યારે માંડ છૂટયા હતા. ગધેડાઓમાં મૂળે જ ઘોડાઓ જેટલો તેજતર્રાર હણહણાટ ન હતો. એ તો થોડું ઘણુંય ભૂંકતા હતા ડ્રેગનના ભરોસે. ડ્રેગન જે જંગલનો રાજા હતો ત્યાં ગધેડાઓની અછત રહેતી. મારખોર બકરાઓ પાસેથી ગધેડાઓ લઈ જઈને ડ્રેગન એના જંગલમાં જાતભાતના કામ કરાવતો. એના બદલામાં ડ્રેગને કહી રાખ્યું હતું: 'ઘોડાઓ સામે લડવાનું થશે તો હું બેઠો છું.'

મારખોર બકરાઓને સમજાઈ ગયું હતું કે ગધેડાઓ સીધી રીતે ક્યારેય રાજા સિંહની સેનાના પરાક્રમી ઘોડાઓ સામે જીતી શકવાના નથી. અંદરખાને મારખોર બકરાઓ એ પણ સમજી ચૂક્યા હતા કે ભલે ડ્રેગને ધરપત બંધાવી હોય, પરંતુ સિંહની સાથે વાઘ, દીપકા, ઘોડા, ચિત્તાની આખી ટીમ હશે ત્યારે ડ્રેગન પણ ભાવ આપશે નહીં. મારખોર બકરાઓએ નવો ઉપાય અજમાવ્યો. ઝેરીલા સાપોનું ટોળું એકઠું કર્યું. ગધેડાઓને કહીને મારખોર બકરાઓએ મઝહબ નામના દૂધના કટોરામાં ચડિયાતું ઝેર ભરી ભરીને સાપોને એટલું પીવડાવ્યું કે સાપો સતત ઝેરના નશામાં રહેવા લાગ્યા. મારખોર બકરાઓએ આ સાપોને ધીમે ધીમે સિંહના જંગલમાં ઘૂસાડવાનું શરૂ કર્યું.

જંગલની સરહદે શક્તિશાળી, તેજતર્રાર ઘોડાઓ ખડે પગે રહીને પહેરો ભરતા હતા. ઘોડાઓની ખાસિયત એ છે કે એ ક્યારેય પગ વાળીને બેસે નહીં. સતત પહેરો ભરતા ઘોડાઓને સીધી રીતે તો થાપ આપી શકાય નહીં. એટલે મારખોર બકરાઓએ ગધેડાઓને કહીને સાપો ઘૂસણખોરી કરી શકે તે માટે ગુપ્ત દર બનાવ્યા. એ દરમાંથી સાપોનું ટોળું જંગલમાં ઘૂસી જતું અને ઘોડાઓને ચુપકીદીથી ડંખ મારીને જતું રહેતું. ઘોડાઓ ભેદી બીમારીથી એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા. ઘૂસણખોર સાપો વારંવાર જંગલમાં આવીને ઝેર ઓકીને નાસી જતા. ઘોડાઓ વધારે સાવધાન બન્યા એટલે અમુક સાપો પકડાઈ જતા. પકડાયેલા સાપોના માથાને ઘોડાઓ એડીની નીચે છૂંદી નાખતા, પરંતુ મારખોર બકરાઓએ સાપોની આખી ફૌજ ખડી કરી હતી. સાપોની એક પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી - એમ ટુકડીઓ આવતી. અમુક બચી જતા. અમુકને ઘોડાઓ કચડી નાખતા.

આ લડાઈ લાંબી ચાલી. સાપો એક નહીં તો બીજી રીતે જંગલમાં ઘૂસી જતા. ઘોડાઓને ડંખ મારીને ચાલ્યા જતા. પછી તો સાપોનો ત્રાસ વધવા માંડયો. ઘોડાઓને નિશાન બનાવી રહેલા સાપોના ટોળાં જંગલમાં દૂર સુધી ઘૂસવા માંડયા ને અન્ય પ્રાણી-પંખીઓને પણ નિશાન બનાવતા. સિંહના શાસનો બદલાવા માંડયા. એક સિંહ, બીજો સિંહ, ત્રીજો સિંહ - બધાએ આ સાપોનો ત્રાસ ડામવા પ્રયાસો કર્યા, પરંતુ ત્રાસમાંથી મુક્તિ ન મળી. મારખોર બકરાઓની પણ પેઢીઓ બદલાતી ગઈ. એક, બીજો, ત્રીજો, ચોથો એમ જે બકરો સત્તામાં આવતો એ સાપોને દૂધ પીવડાવવા માટે ખાસ બજેટ ફાળવતો. તે એટલે સુધી કે સાપોને પીવડાવવા માટે મઝહબ નામના દૂધના કટોરા તો આ મારખોર બકરાઓ અન્ય જંગલોમાંથી પણ મેળવતા થયા હતા. સાપોની પેઢીઓ બદલાઈ ગઈ ને એનેય આ ઝેરી દૂધ માફક આવી ગયું હતું. ઘૂસણખોરી કરીને ડંખ મારવા, પાછા ફરવું કે મરી જવું - આ સૂત્ર સાપોના ઝેરીલા ટોળાએ આત્મસાત કરી લીધું હતું.

એક દિવસ તો જંગલમાં અરાજકતા ફેલાઈ ગઈ. ઘોડાઓ રક્ષણ કરવા જે વિસ્તારમાં હાજર ન હતા ત્યાં સાપોનું ટોળું ત્રાટક્યું. સાપોના આ ઝેરીલા હુમલાથી કેટલાય જંગલવાસીઓ મૃત્યુ પામ્યા. ગુસ્સે થયેલા જંગલવાસીઓએ રાજા સિંહ સમક્ષ માગણી મૂકી : 'ઝેર ઓકતા સાપોને સીધા કરો. જરૂર પડે તો મારખોર બકરાના જંગલમાં હુમલો કરો, ગધેડાઓનો ખાતમો બોલાવો, પરંતુ હવે આ ઝેરીલા સાપોના ત્રાસથી જંગલને મુક્તિ આપો!'

જંગલવાસીઓની માગણીને સમર્થન આપતા વિપક્ષના નેતા સસલાભાઈએ કહ્યું, 'અમે રાજા સિંહની સાથે છીએ. તુરંત એક્શન લો!'

વિપક્ષના નેતા કાચબાભાઈએ કહ્યું, 'સાપો અને ગધેડાઓ બંનેનો એક સાથે વિનાશ કરો. અમારો ટેકો છે.'

જંગલવાસીઓનો આક્રોશ જોઈને રાજા સિંહે તાત્કાલિક રાજકીય સલાહકાર રીંછભાઈને મળવા બોલાવ્યા. વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈનેય બોલાવ્યા

લાલચોળ આંખોથી સિંહે ઘોડાઓને આદેશ આપ્યો: 'જાઓ! સાપો, ગધેડાઓ, મારખોર બકરાઓને સીધા કરો!'

એ સાંભળીને આ વખતે તો જંગલવાસીઓને આશા છે કે ઘોડાઓ જશે અને સાપોના ત્રાસમાંથી કાયમ માટે મુક્તિ અપાવશે.

Tags :