- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલવાસીઓએ આગલી રાતે છેક સુધી પાર્ટીની વ્યવસ્થા ગોઠવી. મોડી રાત સુધી પાર્ટી સેલિબ્રેશન કર્યા પછી સવારે ઉઠયા ત્યારે લાગ્યું કે નવા વર્ષના કોઈ સંકલ્પો પણ કરવા જોઈએ. તેમણે મનોમન જે સંકલ્પો કર્યા એ કંઈક આવા હતા...
બાબાલાલ-બકુલાબહેન
બાબાલાલ બકરા અને બકુલાબહેન બકરી એક અલગ પ્રકારનું કપલ હતું. ઘરમાં બકુલાબહેનનો દબદબો હતો. બાબાલાલને બીજા ખાસ શોખ ન હતા, પણ વારે-તહેવારે પાર્ટીનો શોખ હતો. હરણીઓના ડાન્સ જોવાનો પણ ચસ્કો લાગ્યો હતો. આ દંપતીના સંકલ્પો:
બાબાબાલ : બકુલી બકરી ગમે તેટલો ઉશ્કેરે તોય સવારે એની સાથે માથાકૂટ કરીશ નહીં. દરરોજ એ જે બનાવે એ ચુપચાપ ખાઈ લઈશ. કોઈ વાંધા-વચકા કાઢીશ નહીં. તહેવોરોમાં દોસ્તો સાથે 'માપ'માં રહીને પાર્ટી કરીશ અને પાર્ટી કરીશ ત્યારે પકડાઈશ નહીં. દરેક વખતે પાર્ટીમાં પકડાયા પછી બકુલી આખું વર્ષ સંભળાવે છે એ સ્થિતિ નહીં આવવા દઉં.
બકુલાબહેન : બાબાલાલ ગમે તેમ તોય મારા હસબન્ડ છે. વર્ષભર એને ભાવતી વાનગીઓનો ખ્યાલ રાખીશ. એના ભાઈબંધો પાર્ટીઓના નામે બાબાલાલને ખાડામાં ઉતારે છે એવું આ વર્ષે થવા નહીં દઉં. પાર્ટીઓમાં જતાં અટકાવી નહીં શકું તો રંગે હાથ પકડી લઈશ. બાબાલાલ ઘરમાં પાર્ટી ગોઠવી શકે એવો શાંતિપૂર્ણ માહોલ રાખવાની કોશિશ કરીશ.
એલિફન્ટ આલ્કોહોલિક
અલિફન્ટ આલ્કોહોલિક જંગલનો કુખ્યાત ડ્રિંકર હતો. નશામાં હિટ એન્ડ રન પણ કરી ચૂક્યો હતો. કરજ કરીને પણ પીવાનું ચૂકતો નહીં. એલિફન્ટની સૂંઢમાં શરાબ ભરેલો જ રહેતો. એનો ન્યુ યર સંકલ્પ:
પીધા પછી ભાનમાં રહીશ. ભાનમાં નહીં રહી શકું તો આડેધડ વાહન ચલાવવા બજારમાં નીકળી નહીં જાઉં. પીવા માટે કરજ નહીં કરું. કંઈની કંઈ કમાણી કરીને એમાંથી જ પીવાનું બજેટ ફાળવીશ. દરરોજ એટલી કમાણી કરીશ કે એ રકમના ૧૦ ટકા પીવામાં આપી શકું. બ્રાન્ડેડ નહીં મળે તો નહીં પીઉં, પણ દેશીમાં સૂંઢ નહીં બોળું. સમાજમાં નામ ખરડાય એવા સાથીઓ સાથે પીવાનું ટાળીશ.
બબ્બન બિલાડો
બબ્બન બિલાડો જંગલનો સુરક્ષા અધિકારી હતો. રાજા સિંહ અને રીંછભાઈનાં કેટલાય મિશનો પાર પાડતો. ઉંદરોના ફેક એન્કાઉન્ટર કરીને એ લાઈમલાઈટમાં આવેલો. બબ્બન બિલાડો ટ્રાફિક પણ મેનેજ કરતો. એનો સંકલ્પ:
હું આ વર્ષે જંગલની સરકારે આપેલો ટાર્ગેટ તો સમયસર પૂરો કરીશ જ, પરંતુ મારો કમાણીનો ટાર્ગેટ પણ સેટ કરીશ. અધિકારી તરીકે રાજા સિંહના પ્રીતિપાત્ર બની રહેવા માટે જેટલું કરવું પડશે તે આ વર્ષે પણ કરીશ. અન્ય અધિકારીઓ મારાથી આગળ ન આવે તે માટે પણ પૂરતી મહેનત કરીશ. નિવૃત્તિ પછી રાજકારણમાં કારકિર્દી બનાવી શકાય તે માટે અત્યારથી જ પ્રયાસો કરીશ.
મગર માથાભારે
મગર માથાભારે જંગલનો વહીવટી અધિકારી હતો. રાજા સિંહ અને તેમના અંગત સલાહકાર રીંછભાઈનો ખાસ ગણાતો હતો. તેણે નવા વર્ષે સંકલ્પ કર્યો : હું રાજા સિંહની પાર્ટીના વહીવટો કરવામાં ખૂબ ચીવટ રાખીશ. વિપક્ષના નેતા સસલાભાઈ મારા પર આરોપ મૂકે એવી કોઈ તક આપીશ નહીં. વહીવટમાં પારદર્શકતા છે તે બતાવવા ખાસ પ્રયાસો કરીશ. પારદર્શી વહીવટની ઈમેજ બનાવવા જરૂર પડશે તો એજન્સીની પ્રોફેશ્નલ મદદ લઈને વહીવટ કુશળ અધિકારી તરીકે છવાઈ જઈશ. રાજા સિંહની પાર્ટીને સદ્ધર કરીશ અને સાથે સાથે મારો પણ વિકાસ કરીશ.
વાંદરાભાઈ વટપાટુ
વાંદરાભાઈ વટપાડુ જંગલના ધારાસભ્ય હતા. રાજા સિંહની પાર્ટીના ઉભરતા નેતાઓમાં તેમની ગણતરી થતી હતી. રીંછભાઈ તેમના કામથી ખુશ હતા એટલે તેમને ભવિષ્યમાં મંત્રી બનવાની આશા હતી. તેમણે સંકલ્પ કર્યો:
બધી સરકારી ગ્રાન્ટમાંથી બેસવાના બાંકડા બનાવીશ. એમાં મારું નામ વ્યવસ્થિત કોતરાવીશ. અત્યારે બાંકડાંઓમાં જે તખ્તી લાગે છે તેનું મટિરિયલ ખરાબ છે. એટલે નવા વર્ષે હું ખાસ આના પર કામ કરીશ. રાજા સિંહ અને રીંછભાઈની ખૂબ નજીક જઈ શકાય તે માટે પાર્ટીના બધાં કામો કરીને રેકોર્ડ સુધારીશ. શક્ય એટલા વીડિયો વાયરલ કરીને ન્યુઝમાં રહીશ.
ગેંડાભાઈ ગુમાની
ગેંડાભાઈ ગુમાની જંગલના સંસદસભ્ય હતા. તેમને પાર્ટીમાં કોઈ મહત્ત્વનો હોદ્દો જોઈતો હતો, પરંતુ ખાસ મેળ પડયો ન હતો. તેમનો નવા વર્ષનો સંકલ્પ:
રાજકારણમાં કોઈ મિત્ર હોતો નથી એ ન્યાયે પહેલું કામ કરીશ ધારાસભ્ય વાંદરાને કટ-ટુ-સાઈઝ કરવાનું. વાંદરો ઝડપભેર લોકપ્રિય થઈ રહ્યો છે. આ વર્ષે તેને સ્કેન્ડલમાં ફસાવીને લોકપ્રિયતા ઘટાડવાની કોશિશ કરીશ. જંગલ ન્યુઝના અહેવાલોમાં મારી ઈમેજ એક કુશળ નેતા તરીકે ઉપસે તે માટે ગ્રાન્ટમાંથી જાહેરાતો આપીશ. તેના તમામ પ્રતિનિધિઓને તહેવારોમાં ગિફ્ટ આપીશ. ઉદ્ધાટનોના કાર્યક્રમોમાં હાજરી આપીને કામ કરતો હોવાનું ચિત્ર મતદારો સમક્ષ ઊભું કરીશ.
રાજા સિંહ
જંગલના રાજા સિંહે પણ મનોમન સંકલ્પ કર્યો: વિપક્ષના નેતા સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, વાઘણબહેન, બારહસિંગા વગેરે ભેગાં મળીને મારી ઈમેજ ખરડાવે છે. મને મતદારો સમક્ષ ઉઘાડો પાડે છે. આ વર્ષે હું આ તમામ પર તપાસ એજન્સીઓનો સકંજો વધારે મજબૂત બનાવીશ. આ વર્ષે એક-બે વિપક્ષના નેતાને જેલમાં ધકેલવા જરૂરી વ્યૂહ ગોઠવીશ. ફરીથી જંગલની નાની-મોટી ચૂંટણીઓ જીતી બતાવીને મારી લોકપ્રિયતા, મહાનતા સાબિત કરીશ. જંગલની સરકારી યોજનાઓમાં મારા વધુ સારા ફોટોઝ આવે તે માટે તાકીદે નવું ફોટોશૂટ કરીશ.


