For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાજા સિંહનું બજેટ, 'જંગલ ન્યુઝ'માં એક્સપર્ટ્સનું વિશ્લેષણ

Updated: Feb 1st, 2024

Article Content Image

- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ બજેટના દિવસે સ્ટુડિયોમાં એક દિવસ માટે બનેલા બજેટ એક્સપર્ટ્સ બેસાડયા હતા. આ નિષ્ણાતોની ખાસિયત એ હતી કે દરેક યોજના તેમને માસ્ટરસ્ટ્રોક લાગતી હતી...

રાજા સિંહ, તેમના અંગત સલાહકાર રીંછભાઈ, માર્ગ પરિવહન મંત્રી હાથીભાઈ હરખપદૂડા, સિંહની પાર્ટીના સાંસદો, વિપક્ષના નેતા સસલાભાઈ સહિત વિરોધ પક્ષના સાંસદોની હાજરીમાં શરૂ થયેલા બજેટ સત્રના પહેલાં દિવસે આખા વર્ષનું બજેટ રજૂ થતું. બજેટ ગમે એટલું સારું કે ગમે એટલું ખરાબ હોય, જંગલની પરંપરા પ્રમાણે સત્તાપક્ષના નેતાઓ તેને અદ્ભૂત, અભૂતપૂર્વ, અદ્વિતીય ગણાવતા ને વિપક્ષના નેતાઓ તેને વખોડી કાઢતા.

સામાન્ય જંગલવાસીઓ ક્યાંક બજેટ સમજ્યા વગરના રહી ન જાય તે માટે જંગલના મીડિયામાં વિશેષ પ્રયાસો થતાં. ચેનલોમાં પેનલો બેસાડાતી. અખબારોમાં અર્થશાસ્ત્રીઓના લેખો છપાતા. બજેટની બારીકીઓ સમજાવનારા રાતોરાત ફૂટી નીકળતા. ન્યૂઝ ચેનલોમાં જે બે દિવસ પહેલાં સુધી રાજકીય-સામાજિક ચર્ચા કરતા હોય એ બધા જ બજેટના દિવસે અર્થશાસ્ત્રી બનીને વિશ્લેષણ કરતા જોવા મળતા. એમાંય 'સરળ ભાષામાં બજેટ સમજો' એવી કેટેગરીમાં એવા એવા અઘરા શબ્દો પ્રયોજાતા કે સામાન્ય જંગલવાસીઓને વિચાર આવતો - 'જો આ સરળ ભાષા છે તો અઘરી ભાષાનું બજેટ કેવું હશે?'

'જંગલ ન્યુઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીએ બજેટ રજૂ થવાને થોડી મિનિટોની વાર હતી ત્યારે એક્સપર્ટ્સનો પરિચય કરાવ્યો: 'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યાં છો 'જંગલ ન્યુઝ'ની વિશેષ રજૂઆત. આપ સૌ બજેટ સરળ રીતે સમજી શકો તે માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અર્થશાસ્ત્રી હોલાજી હઠીલા, મહારાજા સિંહના સમર્થક ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા, આવકવેરા નિષ્ણાત કાગડાભાઈ કંકાસિયા, વરિષ્ઠ રાજકીય વિશ્લેષક હીરજીભાઈ હંસ, મહારાજા સિંહની યોજનાઓના અભ્યાસુ કબૂતર કાનાફૂસિયા અને સોશિયલ એન્જિનીયરિંગ એક્સપર્ટ મસ્તરામ મોર... તો ચાલો, તેમની પાસેથી બજેટ સમજીએ..'

રાજા સિંહના દરબારમાંથી બજેટના આંકડાં આવવા માંડયા હતા અને તેનું વિશ્લેષણ પણ શરૂ થયું હતું. હસીનાએ અર્થશાસ્ત્રી હોલાજી હઠીલાને પૂછ્યું: 'તમને શું લાગે છે? આ બજેટ કેવું છે?'

હોલાજી તો પહેલેથી મહારાજા સિંહના કટ્ટર સમર્થક હતા, અર્થશાસ્ત્રી તો આજના દિવસ પૂરતા બન્યા હતા. તેમણે કહ્યું: 'બજેટથી જંગલની કાયાપલટ થઈ જશે. આ બજેટ મહારાજા સિંહનો માસ્ટરસ્ટ્રોક છે. બજેટમાં પ્રાણીઓ માટે તો જાતભાતની યોજનાઓ છે જ, પરંતુ પક્ષીઓનો જ એટલો ખ્યાલ રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી જે સરીસૃપ સમાજને મુખ્ય પ્રવાહથી અલગ રાખવામાં આવ્યો હતો તેમના માટે પણ કેટલીય યોજનાઓની જોગવાઈ છે. વળી, દરિયાઈ સજીવોના સર્વાંગી વિકાસ માટે પણ પૂરતો ખ્યાલ રખાયો છે.'

'માસ્ટરસ્ટ્રોક છે માસ્ટરસ્ટ્રોક... આવા બજેટો જંગલમાં મહારાજા સિંહના શાસનમાં જ આવતાં થયા છે. આ બજેટથી આપણાં જંગલનો દબદબો વધશે.' ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયાએ સિંહભક્તિનું પ્રદર્શન કર્યું.'

'બિલકુલ. હું આમાં એક વાત જોડીશ...' આવકવેરા એક્સપર્ટ કાગડાભાઈ કંકાસિયાએ કાગળમાંથી આંકડા તપાસીને આગળ ચલાવ્યું, '૩૨ ટકા પક્ષીઓને રોકાણ બતાવવાથી આવકવેરામાંથી મુક્તિ મળશે. ૪૮ ટકા પ્રાણીઓની આવકમાં સીધો કોઈ ટેક્સ નથી. જંગલની વિશાળ વસતિએ ટેક્સ ચૂકવવો નહીં પડે. આ મહારાજા સિંહનો માસ્ટરસ્ટ્રોક છે..'

'આવક હોય તો ટેક્સ ભરેને?' બજેટના વખાણથી અકળાયેલા કબૂતર કાનાફૂસિયાએ કટાક્ષમાં ઉમેર્યું: 'શિક્ષણ-સ્વાસ્થ્ય-રોજગારીની યોજનાઓ તરફ ખાસ ધ્યાન અપાયું નથી. જૂની યોજનાઓનાં નવાં નામકરણ થયા છે, પરંતુ બજેટના અભાવે ઘણી કામની યોજનાઓ બંધ થઈ રહી છે. એના માટે બજેટ ફાળવાયું નથી. યોજનાઓ પોપ્યુલર બને તે માટે પ્રયાસો થયા છે, પરંતુ લાંબા ગાળે અસરકારક બને એવી જોગવાઈ દેખાતી નથી.'

બજેટના દિવસે સોશિયલ એન્જિનીયરિંગ એક્સપર્ટ તરીકે પેનલમાં હાજર એવો મસ્તરામ મોર કબૂતરના સમર્થનમાં બોલ્યો: 'કબૂતર કાનાફૂસિયાની વાત સાચી છે. જંગલમાં સામાજિક સંતુલન જળવાય એવી યોજનાઓ નજરે ચડતી નથી. જંગલવાસીઓ વચ્ચે જાતિગત ભેદભાવ વધે એવી યોજનાઓ દેખાય છે. જુઓ, હું ઉદાહરણ આપું...' મસ્તરામ મોર કાગળમાં જોઈને કંઈક બોલવા જતો હતો તેને વચ્ચે અટકાવીને હસીના હરણીએ મોટા અવાજે શરૂ કર્યું: 'અહીં હું તમને અટકાવીશ. આપણે હજુ એક પેનલિસ્ટનો ઓપિનિયન લેવાનો બાકી છે. હીરજીભાઈ! વરિષ્ઠ રાજકીય વિશ્લેષક તરીકે તમે આ બજેટને કેવું ગણો છો?'

'મને લાગે છે કે આ બજેટ પણ અગાઉના બજેટ જેવું જ છે. બજેટથી નેતાઓને લાભ થશે. જંગલવાસીઓએ તો દરરોજ પરસેવો પાડીને મહેનત જ કરવી પડશે.' હીરજી હંસે ટૂંકમાં પતાવ્યું. છેલ્લાં ત્રણેય એક્સપર્ટ્સની વાત સાંભળીને હોલાજી હઠીલા, ઘેટાભાઈ ઘાસફૂસિયા, કાગડાભાઈ કંકાસિયા બરાબર અકળાયા. તેમણે તો સ્ટૂડિયોમાં શોર મચાવી મૂક્યો: 'આ બજેટ ઐતિહાસિક છે, મહારાજા સિંહનો માસ્ટરસ્ટ્રોક છે. આ એક્સપર્ટ્સ જંગલદ્રોહી છે. મહારાજા સિંહના વિરોધી છે..'

એ પછી સિંહ સમર્થક એક્સપર્ટ્સે બજેટમાં ન કહેવાયેલી વાતોનું થોડી મિનિટોમાં એવું વિશ્લેષણ કરી બતાવ્યું કે 'જંગલ ન્યુઝ'ના દર્શકો એ વાતે કન્વિન્સ્ડ હતા કે આ બજેટ મહારાજા સિંહનો માસ્ટરસ્ટ્રોક જ છે, એમાં કોઈ શંકા નથી. આ નિષ્ણાતોએ બજેટમાંથી એવા એવા માસ્ટરસ્ટ્રોક શોધી કાઢ્યા કે જેની જાણકારી ખુદ મહારાજા સિંહને 'જંગલ ન્યુઝ' જોઈને મળી.

રાજા સિંહે રીંછભાઈને બોલાવીને આદેશ આપ્યો : 'આપણાં સમર્થક પેનલ એક્સપર્ટ્સને લાભ થાય એવી એકાદી યોજના આવતા બજેટમાં સમાવી લેજે!'

Gujarat