છેલ્લા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વાંદરાભાઈ વટપાડુ ખીલ્યા : 'આ બધું મેં જ કર્યું છે!'
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુએ ફરીથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, મતદાનનો દિવસ નજીક આવતો હતો એમ વાંદરાભાઈએ માહોલ બનાવવા હતું એટલું બળ લગાવી દીધું...
'ગમે તે કહો, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુની સભાઓ હિટ છે, હોં...' કાગડાભાઈ કંકાસિયાએ પ્રાણી-પંખીઓની બેઠકમાં ચર્ચા શરૃ કરી.
'એ તો હિટ જ હોયને! ફ્રીલાન્સ ચૂંટણી વ્યૂહરચનાકાર બગલાભાઈ બટકબોલાની સલાહ લીધી હોય એટલે કંઈ ઘટે નહીં,' હોલાભાઈ હઠીલાએ બગલાભાઈ પ્રત્યે અહોભાવ બતાવ્યો.
'બગલાભાઈ તો બગલાભાઈ. એમની સલાહ લીધા પછી જંગલમાં એકપણ ઉમેદવાર નિષ્ફળ ગયો નથી. વિધાનસભાના ઉમેદવાર વાંદરાભાઈ વટપાડુ પણ બગલાદાદાની સલાહ પ્રમાણે જ વર્તી રહ્યા છે,' કાગડાભાઈ કંકાસિયા પણ બગલાભાઈ બટકબોલાના ફેન હતા.
'ચૂંટણીના પ્રચારમાં નવું ક્યાં કંઈ હોય છે? બગલાભાઈએ નવી સલાહ શું આપી હશે?' હીરજીભાઈ હંસને સવાલ થયો.
'બગલાભાઈએ આ સલાહ આપી હતી: સભાઓમાં મેદની એકઠી કરવા વચનોની લહાણી કરજે. વચનો પળાય કે ન પળાય એની ચિંતા કર્યા વગર બોલજે અને વિરોધી ઉમેદવાર વિશે આક્ષેપ કરવામાં પાછી પાની ન કરતો. તું બોલીશ એ સાચું નહીં હોય તો ખુલાસો એને કરવાનો થશે. તારે નહીં!' કબૂતર કાનાફૂસિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો.
'...એટલે બગલાભાઈએ કટ્ટર માનસિકતાની સાથે સાથે જૂઠાણાં ચલાવવાની પણ સલાહ આપી?' મસ્તરામ મોરે તિરસ્કારથી પૂછ્યું.
'વ્યૂહરચનાકાર બગલાભાઈએ વાંદરાભાઈ વટપાડુને જૂઠાણાં ચલાવવાનું ક્યાં કહ્યું? આરોપ મૂકતી વખતે સાચું જ બોલવું એ જરૃરી નથી એ સમજાવ્યું!' હોલાભાઈ હઠીલાએ મૂળ અર્થ તારવી આપ્યો.
'એ જ થયું, હોલાભાઈ! બેફામ બોલવાની સલાહ આપો અને સાચું બોલવાની જરૃર નથી એમ કહો તો એનો અર્થ એ જ થાય કે ખોટું બોલવામાં પાછી પાની ન કરો!' કબૂતર કાનાફૂસિયાએ આક્રોશ બતાવ્યો.
'હંસભાઈ જેને 'રાજનીતિ' કહે છે તેને તમે 'રાજકારણ' બનાવી દીધું છે!' મસ્તરામ મોરે ભારોભાર હતાશા વ્યક્ત કરી.
'તમારે જે કહેવું હોય એ કહો, અમે તો એને જમાના પ્રમાણેનું પરિવર્તન ગણીએ છીએ. સમય બદલે એમ પ્રેક્ટિકલ થવું પડે!' કાગડાભાઈ બોલ્યા એટલે હોલાભાઈએ એના પંજામાં તાલી મારી.
'વાંદરાભાઈ સભામાં કેવાં ભાષણો આપે છે?' ગાયબેન જ્ઞાાનીએ પૂછ્યું.
'વાંદરાભાઈ તો બહુ હોશિયાર છે. બગલાભાઈ બટકબોલાએ જે સલાહ આપી તેનો મર્મ બરાબર પકડયો છે,' કાગડાભાઈ કંકાસિયાએ ફરી વાંદરાભાઈની પ્રશંસા કરી.
'હા. આમ પણ જંગલમાં વાંદરા જેવી નકલ બીજું કોણ કરી શકે!' કબૂતર કાનાફૂસિયો આજે તડાફડીના મૂડમાં જણાતો હતો.
'વાંદરાભાઈના ભાષણનો એક અંશ જુઓ...' હોલાભાઈ હઠીલાએ એક વીડિયો બતાવ્યો, જેમાં વાંદરાભાઈ બોલતા હતા: 'હું દરેક મતદારને બંગલો બાંધી આપીશ. મને મત આપનારા યુવામતદારોને સરકારી નોકરી આપીશ. જે પરિવાર મત આપશે તેને કાર આપીશ.'
'ઓહ! સાધારણ નોકરીના ઠેકાણાં નથી ને સીધી સરકારની નોકરીનાં વચનો? આ તો હદ છે. લાઈટ-પાણી-રસ્તાના ઠેકાણાં નથી ત્યાં બંગલો બાંધવાનાં વચનો? બસની સુવિધા પણ પૂરી મળતી નથી એવા પ્રાણીઓને કાર આપવાનાં વચનો? પૂરા થવાનાં ન હોય એવાં વચનો શું કામ આપવા જોઈએ?' મસ્તરામ મોરે ફરી ટીકા કરી.
'એક સભામાં તો હજારો મતદારોની હાજરીમાં વાંદરાભાઈ વટપાડુએ બુલંદ અવાજે કહ્યું હતું કે હું જીતીશ તો ખેતી કરતાં પ્રાણી-પંખીઓને લાખો રૃપિયાની વ્યાજ વગરની લોન આપીશ. બીજી એક સભામાં કહ્યું કે આખા મત વિસ્તારમાં સાવ મફત શિક્ષણ આપીશ...' કાગડાભાઈ કંકાસિયાએ ઉત્સાહમાં વાંદરાભાઈના ચૂંટણીવચનો કહી સંભળાવ્યાં.
'એક સભામાં વિરોધપક્ષના ઉમેદવાર હરણભાઈની ઝાટકણી કાઢતા વાંદરાભાઈએ કહ્યું હતું: હરણભાઈ રાષ્ટ્રદ્રોહી અને સમાજદ્રોહી છે. લોકોને લૂંટવા માટે ચૂંટણી લડે છે. હરણના પક્ષે મતવિસ્તાર માટે કંઈ જ કર્યું નથી. આ મતવિસ્તારમાં જેટલાં કામો થયાં છે એ છેલ્લાં પાંચ વર્ષમાં મેં જ કર્યાં છે. મારા કાર્યકાળમાં જ આ પંથકનો માન-મોભો વધ્યો છે,' હોલાભાઈ હઠીલાએ વાંદરાની ભાષણકળાની પ્રશંસા કરતા ઉમેર્યું: 'હવે વાંદરાભાઈ કંઈ નહીં કરે તો પણ ભાષણ કરવાની કળાના કારણે જીતી જશે. નેતા તો વાંદરાભાઈ જેવા જ હોવા જોઈએ!'
'એનો અર્થ કે વાંદરાભાઈના ચૂંટણીપ્રચારનું સૂત્ર એ છે, અસત્ય બોલવું, સતત બોલતા રહેવું અને બુલંદ સૂરે બોલીને મતદારોને ભરમાવતા રહેવું!' હીરજી હંસે કટાક્ષ કરીને ઉમેર્યું: 'વાંદરાભાઈ તો એક વખત ધારાસભ્ય બન્યા, એ પહેલાં શું જંગલમાં આપણે સૌ જીવતા નહોતા? જંગલમાં અગાઉ અંધારયુગ હતો?'
'પણ મતદારોને આવું જ ગમે છે. જો ન ગમતું હોત તો વાંદરાભાઈની સભા હિટ થોડી જાત?' ગાયબેન જ્ઞાાનીએ તર્ક આપ્યો.
'એ જે હોય તે, પણ વાંદરાભાઈ છેલ્લ છેલ્લે ખીલ્યા છે એમાં ના નહીં! જંગ જીતી જાય તો મને નવાઈ નહીં લાગે!' કબૂતર કાનાફૂસિયો ઉડતા પહેલાં બોલતો સંભળાયો: 'જંગલના મતદારોને સાચું નહીં, સારું સાંભળવું ગમેે છે!'