Get The App

ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીની ખાસ વાતચીત

- 'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો

Updated: May 6th, 2020

GS TEAM

Google News
Google News

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર


ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીની ખાસ વાતચીત 1 - image

ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે 'જંગલ ન્યૂઝ'ની ચુલબુલી એન્કર હસીના હરણીની ખાસ વાતચીત

'નમસ્કાર! હું છું હસીના હરણી અને આપ જોઈ રહ્યા છો - 'જંગલ ન્યૂઝ'. લૉકડાઉન વચ્ચે આપણી સાથે વિડીયો કોન્ફરન્સથી ખાસ ઉપસ્થિત થયા છે - ભક્ત શિરોમણી રાજકીય કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા. લૉકડાઉનમાં સરકારની તરફેણમાં આખો દિવસ મેસેજ ફોરવર્ડ કરવાની કામગીરી ઘરેથી જ કરતા હોવાથી કાર્યકર ઘેટાભાઈ જરાય ફ્રી રહેતા નથી, તેમ છતાં આજે આપણી સાથે લૉકડાઉન સહિતના મુદ્દે વાત કરવાનો સમય તેમણે આપ્યો છે. તો ચાલો, વાતો કરીએ શ્રીઘેટાભાઈ ઘાસફૂસિયા સાથે'

હસીના હરણી: 'જંગલ ન્યૂઝમાં વિડીયો કોન્ફરન્સથી આપનું સ્વાગત છે!' અદ્લ એન્કરને શોભે એવું બનાવટી સ્મિત આપીને હસીના હરણીએ ઘેટાભાઈ ઘાસફૂસિયાને આવકાર્યા.

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'ધન્યવાદ!' સેલિબ્રિટીની અદાથી ભક્ત શિરોમણી રાજકીય કાર્યકર ઘેટાભાઈ હસ્યા.

હસીના હરણી: 'લૉકડાઉન વિશે અમારા દર્શકોને કંઈક કહો'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'મહારાજા સિંહે કહ્યું કે લૉકડાઉન જરૂરી છે, તો જરૂરી છે. વાત પૂરી. એમાં મારે તો શું કોઈએ કંઈ કહેવાની જરૂર નથી!' ઘેટાભાઈએ જંગલની સરકારના અઠંગ ભક્ત હોવાના લખણો બતાવ્યાં.

હસીના હરણી: 'લૉકડાઉનના કારણે અસંખ્ય જંગલવાસીઓ ભૂખ્યા-તરસ્યા ફસાઈ ગયા છે તેનું શું? જંગલના રાજા સિંહ કેમ યોગ્ય પગલાં ભરતા નથી?' જે સવાલ રાજાને પૂછવો જોઈએ એ સવાલ હસીનાએ કાર્યકરને પૂછ્યો.

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'મહારાજા સિંહ દરરોજ 'પગલાં' ભરી રહ્યા છે. તમને મીડિયાને એમના પગલાં દેખાતા નથી. તમને વિરોધપક્ષના સસલાભાઈ નાનકડું પગલું ભરે એ તરત દેખાય છે, પરંતુ અમારા મહારાજા સિંહ દરરોજ મોટી મોટી ગુલબાંગો ભરે છે એ તમને નથી દેખાતું?

હસીના હરણી: (ઘેટાભાઈને વચ્ચે અટકાવીને) 'ગુલબાંગનો મતલબ થાય છે ગપ્પા. તો શું તમે એમ કહો છો કે મહારાજા ગુલબાંગો હાંકે છે?' હસીનાને લાગ્યું કે ઘેટાભાઈએ 'જંગલ ન્યૂઝ'માં આખો દિવસ એકની એક લાઈન ચલાવવા માટેનો સનસનીખેજ મસાલો આપી દીધો છે. 

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'ગુલબાંગ ભૂલથી બોલાઈ ગયું. હું છલાંગ બોલવા જતો હતો.' ઘેટાભાઈએ બચાવ કરીને ઉમેર્યું, 'મહારાજા સિંહ ગુફાની બહાર પગલાં ભરતા હોય એ મેં મારી નજરે જોયું છે અને તમે કહો છો કે મહારાજા સિંહ પગલાં ભરતા નથી?'

હસીના હરણી: 'હું એ પગલાંની વાત નથી કરતી. હું સરકારના નિર્ણયોનું કહું છું'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'ઓહ. અચ્છા... સોરી. મહારાજા સિંહે લૉકડાઉનનો નિર્ણય લીધો એ નિર્ણય નથી?' ઘેટાભાઈએ વળતો સવાલ કરીને આક્રોશભેર આગળ ચલાવ્યું, 'અગાઉના રાજાઓ વખતે તો તમે લૉકડાઉનના સવાલો નહોતા પૂછતાં. હવે જ કેમ પૂછો છો?'

હસીના હરણી: 'પહેલાંના રાજા વખતે પણ લૉકડાઉન થયું હતું?' હસીનાએ હાથમાં રહેલા કાગળને ફેરવી જોયો પણ એમાં એવી કોઈ વિગતો ન હતી. આમેય એન્કર હોવાના નાતે તેને બહુ ઊંડાણથી ઈતિહાસની જાણકારી રાખવાની જરૂર પડતી ન હતી.

ઘેટાભાઈ ઘાસફૂસિયા: (જરા ખચકાઈને) 'એ મને ખબર નથી, પણ થયું જ હશેને વળી?' ઘેટાભાઈએ અગાઉના અધૂરા સવાલનો જવાબ આપતા ઉમેર્યું, 'તમે કહ્યું કે અસંખ્ય જંગલવાસીઓ ભૂખ્યા-તરસ્યા ફસાઈ ગયા છે. તો તેમને ત્યાં ફસાવા જવું ન જોઈએને? પછી બધો દોષ મહારાજા સિંહને આપવાનો?'

હસીના હરણી: 'એમ નહીં પણ કંઈક વ્યવસ્થા તો કરવી જોઈને?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'તો જંગલની સરકારે દવા-દારૂની વ્યવસ્થા કરી એ તમને નથી દેખાતું? બીજી બધી વસ્તુમાં ભલે અછત આવી હોય, પણ મહારાજા સિંહે દવા-દારૂમાં અછત આવવા દીધી છે? એ જ તો અમારા મહારાજા સિંહની સિદ્ધિ છે' ઘેટાભાઈ હરખાયા

હસીના હરણી: 'જી ચોક્કસ! મહારાજા સિંહે જંગલવાસીઓ માટે દવા-દારૂની વ્યવસ્થા કરી દીધી છે - એ વાત તો માનવી જ પડશે' કટાક્ષ કરીને હસીનાએ કેમેરા સામું જોઈને કહ્યું: 'જંગલવાસીઓ! અહીં સમય થયો છે, એક નાનકડા વિરામનો. વિરામ પછી ઘેટાભાઈ ઘાસફૂસિયા આપની સમક્ષ લૉકડાઉન દરમિયાન તેમની કાર્યકર તરીકેની કામગીરી અંગે જણાવશે. જોતા રહો 'જંગલ ન્યૂઝ'...'

*

'વિરામ બાદ ફરી એકવાર 'જંગલ ન્યૂઝ'માં આપનું સ્વાગત છે. આપણી સાથે વાતચીત કરવા વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે - શ્રીઘેટાભાઈ ઘાસફૂસિયા'

હસીના હરણી: 'ઘેટાભાઈ અમારા દર્શકોને જણાવો કે લૉકડાઉનમાં તમારી રાજકીય કાર્યકર તરીકેની કામગીરી કેવી હોય છે?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'રાજકીય કાર્યકર તરીકેની કામગીરી ખૂબ જ પડકારજનક હોય છે. એમાંય આવા કપરાં સમયમાં અમારું કામ વધી જાય છે. જંગલવાસીઓ મહારાજા સિંહ વિશે ખોટી ધારણાઓ ન બાંધે તે માટે અમારે સવારથી લઈને રાત સુધી સતત સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવી પડે છે અને ફોરવર્ડ કરવી પડે છે'

હસીના હરણી: 'દર્શકોને જરા વિસ્તારથી કહો કે દિવસ દરમિયાન તમે શું કરો છો?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'પાર્ટીના આદેશ પ્રમાણે કામ કરીએ છીએ. ઉઠયા પછી તરત જ મારી ડયૂટી શરૂ થઈ જાય છે. સવારે મહારાજા સિંહની પ્રશંસા કરતી પોસ્ટ ફરતી કરવાની હોય છે. જમ્યા પછી બીજા સેશનમાં વિરોધપક્ષોની, ખાસ તો સસલાભાઈની એવી એવી વાતો ફેલાવવાની કામગીરી હોય છે કે જે ઘટના ક્યારેય બની જ હોતી નથી. મોડી રાત્રે આપણી મહાન પરંપરાના ગુણગાન કરવામાં સમય વીતે છે. પરંપરાગત ઉપચાર પદ્ધતિ, ઉકાળો પીવાની સલાહ, લૉકડાઉન પ્રાચીનકાળમાં પણ થતાં હતા એવી બધી વાચન સામગ્રી ફેલાવીને હું પાર્ટીનું કામ ઘરે બેઠા કરું છું'

હસીના હરણી: 'વાહ! ઘેટાભાઈ, અમારા દર્શકોને ટૂંકમાં એ પણ જણાવો કે આવી સાવ નવી અને કલ્પનાકથાને પણ પાછળ મૂકી દે એવી વાતો સોશિયલ મીડિયા માટે લખો છો કેવી રીતે?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'બધું તો લખવાનો સમય નથી હોતો. કારણ કે ફેલાવો કરવામાં જ મારો સમય જાય છે. આવા લખાણો માટે અમે ખાસ ટીમ રાખી છે. જે રાઈટ-અપ લખીને મોકલી આપે છે.'

હસીના હરણી: એ રાઈટ-અપ માટે ધારાધોરણ વગેરે પણ હશેને?

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'હા. બહુ ઊંચા સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યાં છે!'

હસીના હરણી: (ઈમ્પ્રેસ થઈને) 'વાઉ... બહુ જ સરસ કહેવાય. જંગલની સરકાર એમાંય સ્ટેન્ડર્ડ જાળવે છે?'

ઘેટાભાઈ  ઘાસફૂસિયા: 'જી. બધા જ રાઈટ-અપમાં મહારાજા સિંહના નિર્ણયોની તરફેણ કરવાની હોય છે. વિરોધપક્ષના નેતા સસલાભાઈ અને તેમના પરિવારને શક્ય એટલા એક્સપોઝ કરવામાં આવે છે. એના માટે તો આખી કલ્પનાકથાના લેખકોની ટીમ અલગથી તૈનાત રાખવામાં આવે છે'

હસીના હરણી: 'સોશિયલ મીડિયામાં મહારાજા સિંહની ટીકા કરતા જંગલવાસીઓને જવાબો આપવાનો સમય કેવી રીતે કાઢો છો? એ માટે શું વ્યવસ્થા છે?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: 'અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમ છે. મહારાજા સિંહ, તેમના અંગત સલાહકાર રીંછભાઈ કે જંગલની સરકારની ક્યાંક પણ ટીકા થાય કે તરત એ ટીમ અલગ અલગ ગુ્રપમાં લિંક શેર કરીને મારા જેવા ભક્ત શિરોમણી કાર્યકરોને જાણ કરે છે. બસ અમે એ લિંકમાં પહોંચી જઈએ છીએ. એ કામ માટે કોઈ નિયત સમય ફાળવવામાં આવતો નથી. એ કામ ઈમરજન્સીમાં કરવું પડે છે. કારણ કે ગમે ત્યારે કોઈ જંગલવાસી સરકારની ટીકા કરી શકે છે. એને ધ્યાનમાં રાખીને અમે થોડો થોડો સમય તુરંત જ ફાળવી દઈએ છીએ'

હસીના હરણી: 'અચ્છા.' હસીનાએ યંત્રવત હોંકારો આપીને કાગળમાં સવાલોનું લિસ્ટ જોયું અને છેલ્લો સવાલ પૂછ્યો, 'ઘેટાભાઈ અમારા દર્શકોને જાણવું ગમશે કે તમે જંગલની સરકારને વફાદાર રહીને આટલી એક્ટિવિટી કરો છો, દિવસભર વ્યસ્ત રહો છો, તો પછી નોકરી-ધંધાનો સમય કેવી રીતે મેનેજ કરો છો?'

ઘેટાભાઈ ઘાસફૂસિયા: (ખડખડાટ હસીને) 'હું મહારાજા સિંહને સમર્પિત છું. સિંહભક્તિ એટલે કે જંગલભક્તિમાં મેં મારું જીવન બલિદાન કરી દીધું છે. મોબાઈલ ડેટા સહિતની જરૂરિયાતો ફંડથી પૂરી થઈ જાય છે, એટલે મારે નોકરી-ધંધાની જરૂર પડતી નથી. વંંદે જંગલમ્, જંગલ માતા કી જય!'

હસીના હરણી : 'વેલ, આ હતા શ્રીઘેટાભાઈ ઘાસફૂસિયા. લૉકડાઉન વચ્ચે પણ ઘેટાભાઈ નીચી મૂંડી રાખીને સતત જંગલની સરકાર માટે કામ કરી રહ્યા છે. તેમની અવિરત સક્રિયતાને ધ્યાનમાં રાખીને જ જંગલવાસીઓએ પ્રેમથી તેમને ભક્ત શિરોમણીનું બિરૂદ આપ્યું છે'

કાર્યક્રમ પૂરો કરવાની જાહેરાત કરતા હસીના હરણીએ કહ્યું : 'હું ફરી આપની સમક્ષ હાજર થઈશ, ત્યાં સુધી આપની આ પ્યારી હસીના હરણીને રજા આપો! જોતા રહો 'જંગલ ન્યૂઝ'...'

Tags :