Get The App

આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર

મહારાજા સિંહ ટોપી પહેરવામાં નહીં, ટોપી પહેરાવવામાં માહેર છે

Updated: Aug 9th, 2018

GS TEAM

Google News
Google News
આપનાં તો અઢાર વાંકાં - અષ્ટાવક્ર 1 - image

'આ ટોપી ઉપરથી મને એક વાર્તા યાદ આવે છે' વૃદ્ધ હીરજી હંસે આંખ ઝીણી કરીને, ઊંચું જોઈને વર્ષો પહેલાં સાંભળેલી વાર્તા બરાબર યાદ કરી લીધી. એ દરમિયાન સભામાં જંગલવાસીઓ વાર્તા સાંભળવા અધીરા બની ગયા હતા. મંગળા માછલી ઉત્સાહથી બોલી : 'વાઉઉ.. વાર્તા! દાદા ઝડપથી યાદ કરો'. જ્ઞાાની ગાયબેને પણ ખુશ થઈને કહ્યું : 'વાહ! હીરજીભાઈ આજે તમે વાર્તા સંભળાવશો તો તો મજા પડશે'. બળદ-ઘેટાઓના ટોળાએ સૂત્રો પોકારતા હોય એમ ઊંચા અવાજે માગણી કરી : 'વાર્તા.. વાર્તા... વાર્તા...'

'તમે બધા શાંત થઈ જાઓ, નહીંતર હીરજીભાઈ હંસને વાર્તા યાદ આવતી હશે એ ય ભૂલાઈ જશે' જ્ઞાાની ગાયબેને બળદો-ઘેટાઓના ટોળા સામે જોઈને સ્મીત સાથે ઊંચા અવાજે કહ્યું. ટોળામાંથી કોલાહલ થોડો શાંત થયો ત્યાં વૃદ્ધ હીરજી હંસે આખી વાર્તા યાદ કરી લીધી... 'જૂના કાળની વાત છે' હીરજી હંસે વાર્તા માંડી : 'દૂરના જંગલનો કોઈ એક વેપારી બીજા જંગલમાં ટોપીઓ વેંચવા જતો હતો..'

'એ વેપારી 'ધ ડોન્કી ઢસરડા પ્રાઈવેટ લિમિટેડ'ના ચેરમેન ગુલામદાસ ગધેડા જેવો હતો કે 'પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રી'ના પપ્પુ પોપટ જેવો હતો?' ઘેટાભાઈ ઘનચક્કરે સવાલ કર્યો. 'હા. બસ એવો જ એક વેપારી હતો'. હીરજી હંસે ખોંખારો ખાઈને આગળ ચલાવ્યું : 'એ વેપારી જંગલોમાં ટોપીઓનો વેપાર કરતો હતો. જુદા-જુદા જંગલોમાં ટોપીઓનું પોટલું ઉંચકીને જતો અને ટોપીઓ વેંચીને પાછો આવતો. એ વેપારી પોતે ય ટોપી પહેરવાનો શોખીન હતો એટલે પોતાની સૌથી સારી ટોપી હોય એ પોતે ય પહેરતો. એ ટોપી જોઈને જ જંગલના પ્રાણી-પંખીઓ તેની ટોપી ખરીદતા.'

'ફેન્ટાસ્ટિક! પોતે જ પોતાની બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર બનતો હતો? હોશિયાર વેપારી હશે!' મંગળા માછલીએ વાર્તાના વેપારીની પ્રશંસા કરી. 'એક વખતની વાત છે. એ વેપારી એક બપોરે રસ્તામાં મોટા વૃક્ષના છાંયડામાં થાક ખાવા રોકાયો. ટોપીઓનું પોટલું બાજુમાં મૂકીને એ તો ઘસઘસાટ ઊંઘી ગયો. થાકમાં ને થાકમાં વેપારી સૂતો એ પહેલાં માથામાંથી ટોપી ઉતારવાનું ય ભૂલી ગયો. વેપારી સૂતો હતો ત્યાં જ એક વાનરોનું ટોળું આવી ગયું. વાનરોએ કંઈક ખોરાક મેળવવાની આશાએ પોટલું ખોલી નાખ્યું, પણ એમાંથી ખાવાનું તો કંઈ મળ્યું નહીં. ટોપીઓ હાથમાં આવી. તેનું શું કરવું એ વાંદરાઓને સમજાયું નહીં...'

'વાંદરાઓ ય બુદ્ધિમાં બળદ અને ઘેટા જેવા જ હતા? અત્યારે તો વાંદરાભાઈ વટપાડુ જેવા કેટલાક વાનરો આપણાં નેતા બની ગયા છે, બોલો!' મસ્તરામ મોરને જરા અચરજ થયું. 'અરે ભઈ! જંગલમાં એવા જ બધા નેતાઓ બને છે. નેતા બનવા માટે કોઈ ચાર વેદ ભણવા પડતા નથી'. જ્ઞાાની ગાયબેને કટાક્ષ કરીને ઉમેર્યું : 'હીરજીભાઈ તમ તમારે વાર્તા આગળ વધારો, સાંભળવાની મજા આવે છે'.

હીરજી હંસે અધૂરી વાર્તા આગળ ચલાવી : 'વાનરોએ ટોપીઓને આમથી તેમ ફેરવીને જોયું. તેનો શું ઉપયોગ હશે એ વિચાર્યું, પણ નકલ કરવામાં વાનરોને કોઈ ન પહોંચે! ટોળામાંથી એક થોડાક બુદ્ધિશાળી વાનરે વેપારી સામે જોયું તો એને ટોપીનો ઉપયોગ સમજાઈ ગયો. એણે એ ટોપી વેપારીએ પહેરી હતી એ જ રીતે પહેરી લીધી. બાકીના બધા વાનરોએ ય તેનું અનુકરણ કર્યું. વેપારીની આંખ ખૂલી ત્યારે એણે પોટલું ખૂલ્લું જોયું. ઝાડ ઉપર વાનરોનું ટોળું ટોપી પહેરીને બેઠું હતું!'

'સો સ્વીટ! પછી શું થયું દાદા?' મંગળા માછલીએ ઉત્સાહથી પૂછ્યું. 'પછી તો વેપારી મૂંઝાઈ ગયો. વાનરો પાસેથી ટોપીઓ પાછી ન મેળવે તો ધંધામાં ખોટ જાય તેમ હતી. વેપારી હોશિયાર હતો. તેને એક તરકીબ સૂઝી. તેણે જે ટોપી પહેરી હતી તે કાઢીને વાનરો જોઈ એમ થોડે દૂર ફેંકી દીધી અને પોટલું ઊંચકીને ચાલવાનો ડોળ કરવા લાગ્યો. વાનરોને થયું કે વેપારીએ ટોપી ફેંકી દીધી છે તો એને ય કંઈ કામની નથી. બધા વાનરોએ વેપારીએ કર્યુ હતું એ જ રીતે કર્યું. એક પછી એક બધા વાનરોએ ટોપી કાઢીને ફેંકી દીધી.'

'વાહ! વેપારીએ ય જોરદાર બુદ્ધિ દોડાવી' ચક્રધર ચકલાએ ઊંચી ડાળીએ બેસીને વાર્તાનો પ્રતિભાવ આપ્યો.
'પછી શું થયું?' મંગળા માછલીને વાર્તામાં બહુ રસ પડયો હતો. '...પછી એ વેપારીએ બધી જ ટોપીઓ ઊંચકીને ફરી પોટલું ભરી લીધું અને પોતાની ટોપી પહેરીને જંગલમાં ટોપીઓ વેંચવા ચાલી નીકળ્યો. વાનરોનું ટોળું જોતું રહી ગયું. રહી રહીને વાનરોને ટોપી ફેંકી દીધાની ભૂલ સમજાઈ, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. વેપારી જતો રહ્યો પછી વાનરોને ભાન થયું કે આપણે તો છેતરાઈ ગયા!'

'વાહ મજા આવી ગઈ', 'મસ્ત વાર્તા હતી', 'વાર્તામાં જોરદાર મેસેજ છે', 'તમને બહુ સરસ રીતે વાર્તાઓ કહેતા આવડે છે' જેવા પ્રતિભાવો પ્રાણી-પંખીઓએ આપ્યાં. હીરજી હંસને ય જૂની વાર્તા વાગોળીને ગમ્યું હતું.
'મહારાજા સિંહની ટોપી સાથે આ વાર્તાને શું સંબંધ છે?' બધા હીરજી હંસના વખાણ કરતા હતા ત્યાં કંકાસિયા કાગડાભાઈએ કર્કશ અવાજે સવાલ કર્યો.

'કંકાસિયા કાગડાભાઈની વાત સાચી છે. આ વાર્તા સાથે મને ય મહારાજા સિંહનું કોઈ જોડાણ દેખાતું નથી' મહારાજા સિંહના પ્રશંસક હોલાજી હઠિલાએ કાગડાની વાતમાં સૂર પૂરાવ્યો. 'કાગડાભાઈની વાત તો સાચી છે', 'મહારાજા સિંહ બધાની ટોપી પહેરતા નથી એ વાતને આ વાર્તા સાથે શું લેવાદેવા છે?' બળદો અને ઘેટાઓના ટોળાએ પણ તેમની તાસીર પ્રમાણે પક્ષ બદલ્યો.

'સંબંધ છે એટલે જ મેં આ વાર્તા સંભળાવી છે' હીરજી હંસે કંકાસિયા કાગડાભાઈ, હોલાજી હઠિલા અને બળદો-ઘેટાઓ સામે જોઈને ઉમેર્યું : 'વાર્તાના વેપારી અને રાજા સિંહની વાર્તાનું જોડાણ એ છે કે સિંહ પણ વેપારીની જેમ બુદ્ધિપૂર્વક ટોપી પહેરી લે છે અને ચતુરાઈથી જરૃર ન હોય ત્યારે ઉતારી ફેંકે છે! એક બાબત એ ય છે કે વેપારીએ વાનરો સામે જ ટોપી કાઢીને ફેંકી દીધી હતી અને મહારાજા સિંહ ટોપી કાઢીને જાહેરમાં ફેંકતા નથી, પરંતુ ખાનગીમાં ફેંકી દે છે.'

'બીજો એક ફરક એ ય છે કે વેપારીએ બીજાએ પહેરેલી પોતાની ટોપીઓ પાછી મેળવી હતી, જ્યારે મહારાજા સિંહ બીજાની ટોપીઓ જરૃર મુજબ પહેરે છે' મસ્તરામ મોરે કંકાસિયા કાગડાભાઈ સામે જોઈને કટાક્ષ કર્યો.
'વિપક્ષના ઘોડાભાઈની વાત આમ તો સાચી છે. સિંહે અગાઉ પણ અમુક કલરની અને અમુક પ્રકારની ટોપી પહેરવાનો ઈનકાર કરી દીધો હતો' મંગળા માછલીએ થોડાક વર્ષો પહેલાં મહારાજા સિંહે ટોપી પહેરવાનો ઈનકાર કર્યો તેનો ફોટો ઈન્ટરનેટમાંથી શોધ્યો અને મોબાઈલ ઊંચો કરીને બતાવ્યો.

'હું તો ત્યાં સુધી કહું છું કે મહારાજા સિંહે સદભાવ બતાવવા માટે અલગ અલગ પ્રકારની, જુદા-જુદા રાજ્યોની અને વિભિન્ન ધર્મોની ટોપી પહેરવાનો એક કાર્યક્રમ રાખવો જોઈએ. એ કાર્યક્રમમાં તેમણે ટોપીઓ પહેરીને લોકોનું મનોરંજન કરવું જોઈએ. આમેય સિંહને જુદા-જુદા રંગના કપડાનો શોખ તો ખરો જ!' શાંત બેસીને સાંભળી રહેલા બકુલાબેન બકરીએ એવી વાત કરી દીધી કે ઘેટાભાઈ ઘનચક્કરથી લઈને કંકાસિયા કાગડાભાઈ સહિતના સિંહના પ્રશંસકો નારાજ થઈ ગયા.

અચાનક પાંખો ફફડાવતો કબૂતર કાનાફૂસિયો દાખલ થયો અને બોલ્યો : 'દોસ્તો તમને ગમશે નહીં, પણ મહારાજા સિંહ ટોપી પહેરવાના નહીં, ટોપી પહેરાવવામાં માહેર છે!' 'કેવી રીતે?' ઘણાં પ્રાણી-પંખીઓના મોઢે એક જ સવાલ નીકળ્યો. કબૂતર કાનાફૂસિયાએ આક્રમક અંદાજમાં જવાબ આપ્યો : 'ઉદ્યોગપતિઓથી લઈને નાના વેપારીઓ, ખેડૂતો, બેરોજગારોને મહારાજા સિંહે જે વાયદાઓ કર્યા હતા તે ક્યાં પૂરા થયા છે? એને ટોપી પહેરાવી ન કહેવાય? નવી રીતે ટેક્સ લાદીને તેમના દરબારની કમાણી વધી ગઈ છે એ તમે જોયું નહી? અરે બીજું બધું તો ઠીક, વિદેશની કાળી બેંકમાંથી લાવીને દરેક પ્રાણી-પંખીઓના ગોડાઉનમાં ૧૫ મણ ખોરાક જમા કરાવવાનું કહ્યું હતું કે નહીં? એ જમા થયો? તે રીતે જુઓ તો તો મહારાજા સિંહે આખા જંગલને ટોપી પહેરાવી કહેવાય! ખરૂં કે નહીં?'

કબૂતર કાનાફૂસિયાના આક્રમક સવાલોનો જવાબ કોઈ પાસે નહોતો. સિંહ ખરેખર ટોપી પહેરવામાં માહેર છે કે પહેરાવવવામાં તે વિશે એકમત ન થયેલા પ્રાણી-પંખીઓ આખરે ધીમે ધીમે વિખરાઈ ગયા...
વિપક્ષના એક નેતા ઘોડાએ ટ્વીટ કર્યું : 'મહારાજા સિંહ બધાની ટોપીઓ પહેરે છે. તે નાનકડા રાજ્યોની પીંછા અને રૃંછડાવાળી ટોપી ય પહેરવાનું પસંદ કરે છે, પણ અમુક ચોક્કસ ધર્મની ટોપી પહેરતા નથી. સિંહે બધાની ટોપીને સરખો ન્યાય આપવો જોઈએ'.

આ ટ્વીટ પછી મહારાજા સિંહની ટોપી ટ્વિટર ટ્રેન્ડ બન્યો. ઉત્સાહી ટ્વિટર યુઝર્સે મહારાજા સિંહની અલગ અલગ પ્રકારની ટોપીઓ પહેરેલી તસવીરો શેર કરી. તો કોઈએ વળી ટોપી પહેરવાની સિંહની સ્ટાઈલની ય ભરપેટ પ્રશંસા કરી. મહારાજા સિંહ અને તેમની વિવિધ ટોપીએ જંગલવાસીઓની બેઠકમાં ય ચર્ચા જગાવી..

Tags :