Get The App

લાલચી ખેડૂત .

Updated: Sep 15th, 2023

GS TEAM


Google News
Google News
લાલચી ખેડૂત                                                                            . 1 - image


- કરશન ચાલાક હતો. તેને ખ્યાલ આવી ગયો કે ઘણાં વર્ષે ટમેટાંનો પાક ઓછો થયો છે એટલે ટમેટાંનો ભાવ વધશે. તે અવારનવાર શહેરમાં જતો એટલે તેની આવી માહિતી મળ્યા કરતી.

કિરણબેન પુરોહિત 

રા મપુર નામના એક નાનકડા ગામડામાં માધવ અને કરશન નામના બે મિત્રો રહેતા હતા. બંને મિત્રો શાકભાજીનો ધંધો કરતા હતા. માધવ ખૂબ ભોળો હતો, જયારે કરશન ખૂબ કપટી હતો.

માધવ ઈમાનદારીથી ધંધો કરતો. તે ખૂબ સંતોષી હતો. આથી તેની જિંદગીમાં સુખ અને સંતોષ હતાં. કરશનને પૈસાથી ક્યારેય સંતોષ જ ના થતો. તેને હંમેશા એમ જ થતું કે હું વધારે કમાઈ લઉં અને ખૂબ ધનવાન બની જાઉં. પોતાના ફાયદો થાય તે માટે શાકભાજી જોખવામાં તે કપટ કરતો. માપતોલમાં ગ્રાહકને ખબર ના પડે તે રીતે ઓછું શાકભાજી જોખીને આપતો. કરશન હંમેશા પોતાને વધારે ફાયદો કંઈ રીતે થાય તે જ વિચારતો. તેની નજર તો માધવના ખેતર ઉપર હતી. માધવના ખેતરમાં સરસ લાલ લાલ ટમેટાં ઊગ્યાં હતાં. તેણે આ વખતે ટમેટાં ઓછા ઉગાડયાં હતાં.

કરશન ચાલાક હતો. તેને ખ્યાલ આવી ગયો કે ઘણાં વર્ષે ટમેટાંનો પાક ઓછો થયો છે એટલે ટમેટાંનો ભાવ વધશે. તે અવારનવાર શહેરમાં જતો એટલે તેની આવી માહિતી મળ્યા કરતી. તે માધવ પાસે ગયો અને તેના ખેતરમાં ઊગેલા ટમેટાં ખરીદવાની વાત કરી. પહેલાં તો માધવે ના પાડી. કરશને ચાલાકી વાપરીને તેને સમજાવ્યું કે તેના કુટુંબમાં પ્રસંગ છે એટલે તેને બધાં ટમેટાંની જરૂર છે. શહેરમાં વેચવા જઈશ તો તારે રીક્ષા ભાડું પણ થશે. ભોળા માધવને ખબર ના હતી કે ટમેટાંના ભાવ ખૂબ વધી જશે. માધવને છેતરીને સાવ સસ્તા ભાવમાં કરસને ટમેટાં ખરીદી લીધાં. ઘરમાં એક મોટા કોથળામાં ટામેટાં ખુલ્લાં રાખી દીધાં કે જેથી બગડે નહીં. તેની વાડીનાં ટમેટાં પણ લાવીને રૂમમાં રાખી દીધાં.

શહેરમાં કરશન ટમેટાના ભાવની તપાસ કરવા ગયો. ટમેટાંનો ભાવ વધી ગયો હતો. ઘણા શાકભાજીવાળા પાસેથી જાણવા મળ્યું કે બે-ત્રણ દિવસ પછી તો બહુ ભાવ વધશે.

કરશને વધારે પૈસા કમાવાની લાલચમાં ત્રણ-ચાર દિવસ જવા દીધા. પાંચમા દિવસે તેણે પત્નીને કહ્યુંઃ હવે ટમેટાંનો ભાવ બહુ વધી ગયો છે. શહેરમાં જઈને બધાં ટમેટાં વેચી આવું. કરશન અને તેની પત્ની ટમેટાં લેવા રૂમમાં જાય છે પણ પાંચ દિવસ થઈ ગયાં હતાં અને ગરમીને કારણે બધાં ટમેટાં બગડી ગયાં હતાં.

કરશનનાં આંખમાં આસું આવી ગયાં. તેને સમજાઈ ગયું કે અતિ લોભ એ પાપનું મૂળ છે. વધારે પૈસા કમાવવાનાં લોભમાં તેનાં બધાં ટમેટાં બગડી ગયાં અને એક રૂપિયો પણ ના મળ્યો.

અઠવાડિયા પછી માધવના ખેતરમાં બીજાં નવાં ટમેટાં પણ ઊગી ગયાં. તે શહેરમાં જઈને વેંચી આવ્યો. ટમેટાં સારા ભાવમાં વહેંચાયા એટલે માધવને નફો થયો. માધવ સંતોષી અને નીતિવાળો હતો એટલે તેને કર્મનું ફળ સારું મળ્યું. કરશનની દાનત ખરાબ હતી તેણે ધંધામાં કપટ કર્યું હતું એટલે તેને ખૂબ નુકસાન થયું હતું. જેવું કર્મ કરો તેવું જ ફળ 

મળે છે.

Tags :