ગોલ્ડી માછલી અને બન્ની બગલો .
- વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. મોટાં મોટાં મોજાં જોરથી ઉછળવા લાગ્યાં. ગોલ્ડી માછલીને તો લાગી બીક. વાવાઝોડાના કારણે એને કશું દેખાતું નહોતું.
- ડો. પારુલ અમિત 'પંખુડી'
આજે સવારથી વાવાઝોડાની એલર્ટ ના સમાચાર ચારે બાજુથી આવી રહ્યા હતા. વાવાઝોડું દરિયામાં પ્રવેશી ચૂક્યું હતું. વાવાઝોડાનું નામ જબરું હતું - જગ્ગા વાવાઝોડું!
દરિયાદાદાએ દરિયામાં રહેતા તમામ નાના-મોટા જીવને મેસેજ કરી દીધો હતો અને સમાચાર પણ મોકલી દીધા હતા.
સમાચાર મળતાં જ ગોલ્ડી માછલીની મમ્મીએ એને કહી દીધું હતું, 'ગોલ્ડુ બેટા, આજે ઘરે જ રહેવાનું છે... અને હા, વાવાઝોડાના કારણે લાઈટો જશે એટલે મોબાઈલથી રમવાનું પણ નથી.'
પરંતુ ગોલ્ડી માછલી માને ખરી. એણે તો કાનમાં ઇયર ફોન ભરાવી રાખ્યા હતા. મમ્મીની વાત એણે સાંભળી જ ક્યાં હતી!
મમ્મીએ તો વોનગ આપી દીધી કે આજે ક્યાંય બહાર રમવા જવાનું નથી, પરંતુ ગોલ્ડી માછલી તો ભારે જિદ્દી. એણે સાંભળ્યું ના સાંભળ્યું કરી નાખ્યું અને વોટ્સએપ ગુ્રપના દોસ્તો કલ્લુ કાચબો, કિત્તુ કરચલો, ઝિલ્લું ઝીંગા,અન્ના ઓક્ટોપસને અને ડીગ્ગી દેડકીને ઇન્વાઇટ કર્યા: 'હલો ફ્રેન્ડ્સ... આપણે કલાકમાં દરિયા કાંઠે ફૂટબોલ રમવા ભેગાં થઈએ છીએ.'
પણ દોસ્તોએ ના પાડી: આજે જગ્ગા વાવાઝોડાની પધરામણી થવાની છે અને જગ્ગા વાવાઝોડાથી તો બધા થરથરે છે. આપણને દરિયાકાંઠે જોઈ દરિયાદાદા ખીજાશે એ અલગ!
પણ ઉતાવળી ગોલ્ડી માછલીએ દોસ્તોના રિપ્લાય જોયા નહીં.
એની મમ્મી એને ઘણીવાર કહેતી કે તારી ઉતાવળ કરવાની આદત સુધાર... અને વાતે વાતે સ્ટેટસ મૂકવાની આદતના કારણે ક્યારેક તને પસ્તાવાનો વારો આવશે.
...પરંતુ ગોલ્ડી માછલીને તો પોતે જે કંઈ ખાતી હોય, પીતી હોય, રમતી હોય એ બધું જ સ્ટેટસમાં મુકવાની આદત.
ગોલ્ડ માછલીએ તો સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં, ડિજિટલ વોચ પહેરી અને ગળે સ્કાફ બાંધ્યો. પછી સેલ્ફી પાડી સ્ટેટસમાં મૂકી એ તો ચાલી ફૂટબોલ રમવા.
એ ગીત ગાવા લાગી...
'ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી
ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી
સ્પોર્ટ્સનાં બૂટ પહેરી લટક મટક કરતી'તી
ગોલ્ડી માછલી ફૂટબોલ રમતી'તી...'
બીજી બાજુ બન્ની બગલો અને તેના ફ્રેન્ડ આજના મસ્તમજાના વરસાદી વાતાવરણમાં માછલીનાં ભજીયા ખાવાનો પ્લાન કરી રહ્યા હતા.
તેઓ વિચારી રહ્યા હતા કે આહા... આવા વાતાવરણમાં કોઈ મળી જાય તો આજે તો મોજ મોજ પડી જાય!
એટલામાં તો બગલાએ જોયું કે ગોલ્ડી માછલીએ એના સ્ટેટસમાં લખ્યું છે કે, ગોલ્ડી ગોઈંગ ફોર ફૂટબોલ મેચ.
મોકાનો ફાયદો ઉઠાવી બન્ની બગલાએ પણ એના વ્હોટ્સએપ ફ્રેન્ડ્સને દરિયા કિનારે મિજબાની કરવા માટે ઇન્વાઇટ કરી નાખ્યા.
વાતાવરણ ધીમેધીમે પલટાઈ રહ્યું હતું, પણ લાલચી બગલાઓ વાતાવરણની પરવા કર્યા વગર નીકળી પડયા.
એમની આંખોમાં દરિયાના પાણીની વાંછટ ઉડી રહી હતી, પાંખો થાકી ગઈ હતી, પરંતુ માછલી ખાવાની જીદે ચડેલા લાલચી બગલાઓ આ બધું અવગણીને દરિયાકિનારા તરફ ધસી રહ્યા હતા.
આ બાજુ, ગોલ્ડી માછલીના મોબાઇલમાં બેટરી લૉ હતી. એણે એ પણ દરકાર ન લીધી કે એના ફ્રેન્ડ આવી રહ્યા છે કે નહીં. પોતે સ્ટેટસ મૂકી દીધું એટલે જાણે પત્યું!
ફૂટબોલ લઈને ગોલ્ડી માછલી પહોંચી દરિયાકાંઠે.
...ને ત્યાં જ જગ્ગા વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. મોટાં મોટાં મોજાં જોરથી ઉછળવા લાગ્યાં. ગોલ્ડી માછલીને તો લાગી બીક .
વાવાઝોડાના કારણે એને કશું દેખાતું નહોતું.
...અને આ શું? મોબાઈલ પણ સ્વિચ ઓફ થઇ ગયો હતો.
વાવાઝોડાને કારણે ગોલ્ડી માછલી પોતાનું સંતુલન ગુમાવી રહી હતી. એણે જોરજોરથી રડવાનું શરૂ કર્યું.
એણે મદદ માટે બૂમો પાડવા માંડી: 'બચાવો... બચાવો...'
એણે જોયું તો એક બાજુથી વાવાઝોડું આવી રહ્યું હતું, જ્યારે બીજી બાજુથી બન્ની બગલો એના મિત્રો એનો શિકાર કરવા આવી રહ્યા હતા!
ગોલ્ડી માછલીનો ફૂટબોલ છટકીને રગડતો રગડતો ડિગ્ગી દેડકી પાસે પહોંચી ગયો.
ફૂટબોલની હાલત જોઇ ડિગ્ગીને શંકા ગઇ: કંઈક ગરબડ લાગે છે. એણે તરત મિત્રોને ફોન કર્યા.
થોડી વારમાં ડિગ્ગી દેડકી, કલ્લુ કાચબો, કિત્તુ કરચલો, ઝિલ્લુ ઝીંગા અને અન્ના ઓક્ટોપસ આવી પહોંચ્યાં. જોકે જગ્ગા વાવાઝોડાંનું જોર એટલું બધું હતું કે તેઓ આગળ વધી નહોતાં શકતાં. બધાં એકબીજાને પકડી ઘીમે ઘીમે આગળ વધવાની કોશિશ કરવા લાગ્યાં.
...પણ આ શું? એમણે જોયું કે બન્ની બગલો અને એના દોસ્તો ગોલ્ડીને ચાંચમાં પકડી ઊડી રહ્યા છે! ૈગોલ્ડીના મિત્રો દરિયાદાદાને મદદ માટે વિનંતી કરવા લાગ્યા.
પોતાનાં વ્હાલા બચ્ચાંની વાત સાંભળી દરિયાદાદાએ એવાં મોજાં ઉછાળ્યાં, એવા મોજાં ઉછાળ્યા કે બન્ની બગલાની ચાંચમાંથી ગોલ્ડી માછલી ઊછળીને પડી સીધી અન્ના ઓક્ટોપના ખોળામાં!
ભયંકર જગ્ગા વાવાઝોડામાં ફૂટબોલ રમવાની જીદ ગોલ્ડીને ભારે પડી. આ બાજુ, માછલીની મિજબાની લાલચમાં બન્ની બગલા અને તેના મિત્રોએ પાંખો ગુમાવવી પડી.
ગોલ્ડી માછલીએ દરિયાદાદા અને મિત્રોનો આભાર માન્યો. એણે મનોમન મમ્મીની પણ માફી માંગી લીધી. એને સમજાઈ ગયું કે મોટાઓની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ ને અનુસરવી જોઈએ... અને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ.
દરિયાઈ જીવોને ખુશખુશાલ જોઈ જગ્ગા વાવાઝોડું આખરે શાંત થઈ ગયું.