કાગડો, વિમાન અને ઊંઘ .
- કિશોર પંડયા
તે છેને પછી કાગડો ઊડતો ઊડતો આવ્યો. ના, તેના મોઢાંમાં પુરી ન હતી. અડધી રોટલી હતી. કાગડો તો આવીને દીવાલ પર બેસી, પુરી પગ નીચે દબાવીને ગાવા લાગ્યો - ક્રોઓ... ક્રોં, ક્રોઓ ક્રોં..., ક્રોઓ... ક્રોં. ક્રાં.. ક્રાં.. ક્રાં... કાં...
એનું ગાયન સાંભળીને કૂતરો દોડી આવ્યો.
તોય કાગડાએ તો ગાવાનું ચાલુ જ રાખ્યું. ક્રોઓ ક્રોં, ક્રોઓ ક્રોં, ક્રોઓ ક્રોં...
એટલે કૂતરાએ ભસવાનું ચાલુ કર્યું - ભાઉ... ઉ....ભાઉ.... ઉ... ભાઉ... ઉઊઊઊ... ઊ...
કૂતરાનો અવાજ સાંભળી કાગડો ગભરાઈ ગયો. એટલે કાગડો તો ઊડી ગયો. ઊંચે ને ઊંચે વિમાનની જેમ પાંખ ફેલાવીને ઉડવા લાગ્યો. વિમાન ક્યાં ઊડે? તમને ખબર છે? વિમાન આકાશમાં ઊડે.
વિમાનમાં કોણ બેસે ખબર છેને?
વિમાનમાં તો દાદા બેસે, મમ્મી બેસે, પપ્પા બેસે, મા પણ બેસે. બધાં બેસે. વિમાન આકાશમા ઊંચે ઊંચે ઊડે. દાદા, મમ્મી, પપ્પા, મા અને અને..
હવે જો લાવ તારી આંગળી લાવ-
આ ગાય કોની? દાદાની.
આ ગાય કોની? મમ્મીની.
આ ગાયકોની? પપ્પાની.
આ ગાયકોની? માની.
બસ તો હવે? તો ગલીને ઘોડો ખડખાતો, રમતો જમતો, પાણી પીતો, વછૂટ્યો. એ ગલીનું ઘર ક્યાં છે? ગલી શોધવા જાય છે.
પણ અરે આ આંગળી તો બાકી રહી ગઈ.
કઈ આંગળી?
આ એક... આ બે... આ ત્રણ... આ ચાર અને આ?
અરે પણ આ ક્યાં આંગળી છે?
આ તો અંગુઠો છે.
ચાર આંગળી ભેગી થાય તો શું થાય?
અંગુઠો દબાઇ જાય અને અંગુઠો જોર કરી છટકી જાય તો? આંગળીયું હથેળીના મેદાનમાં સૂતી રહે અને અંગુઠો ઊંચો થઈને ટટ્ટાર થઈને હાથનું રક્ષણ કરતો હોય એમ ઊભો રહે.
એય ને પછી તો કબૂતર આવે છે, સાથે એની ઊંઘને લાવે છે.
એ ઊંધ આવે છે... ઊંઘ આવે છે... પવન આવે છે... લીમડાની ડાળ ઝૂલે છે, એ પવનને લાવે છે. ઊંઘ આવે છે.