વલસાડ લોકસભા બેઠક પર 73.66 ટકા મતદાન: તાપમાં પણ લોકો નીકળ્યા
- સૌથી વધુ ડાંગમાં 72.76 ટકા અને ઓછું પારડીમાં 63.28 ટકા મતદાન
વલસાડ,તા,23 એપ્રિલ 2019, મંગળવાર
વલસાડમાં લોકસભા બેઠકની ચૂંટણી માટે સાંજે ૬-૦૦ કલાક સુધીમાં વલસાડ જિલ્લામાં અને વલસાડ લોકસભા બેઠક અંતર્ગત આવતાં વાંસદા અને ડાંગ મળી કુલ ૭૩.૬૬ ટકા મતદાન થયું હતુ. સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ ૭૨.૭૬ ટકા મતદાન ડાંગમાં અને સૌથી ઓછું ૬૩.૨૮ ટકા મતદાન પારડી તાલુકામાં થયું હતુ.
દેશના લોકશાહીના મોટા પર્વ સમાન ચૂંટણીમાં સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લામાં પણ મતદાન થયું હતું. સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સવારે ૯ વાગ્યા પછી વધુ મતદાન થયું હતુ.
અસહ્ય ગરમી હોવાથી બપોરે ઓછું મતદાન થવાની સંભાવનાઓ વચ્ચે વલસાડ બેઠક પર ૧૧ થી ૧ કલાક દરમિયાન દિવસનું સૌથી વધુ મતદાન ૧૭.૪૧ ટકા, પારડી બેઠક પર બપોરે ૧ થી ૩ કલાક દરમિયાન ૨૧.૬૧ ટકા મતદાન, કપરાડામાં બપોરે ૧૧ થી ૧ કલાક દરમિયાન ૨૪.૬૧ ટકા મતદાન થયું હતુ. જ્યારે વાંસદામાં સવારે ૯ થી ૧૧ દરમિયાન ૨૦.૩૪ ટકા મતદાન થયું હતુ. ધરમપુરમાં સવારે ૭ થી ૯ દરમિયાન સૌથી વધુ ૧૭.૪૮ ટકા મતદાન થયું હતુ. જેને લઇ સૌથી વધુ ઉત્સાહ ધરમપુરમાં જોવા મળ્યો એવું કહી શકાય.
લોકસભાની ચૂંટણીમાં મતદાનમાં નિરસતા રહેશે એવી તમામ ગણતરી અને ચર્ચાઓ ખોટી ઠરી હતી. સમગ્ર જિલ્લામાં અનેક વૃદ્ધોએ, દિવ્યાંગોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતુ. એકંદરે વલસાડમાં સમગ્ર દિવસ દરમિયાન મતદાનનો મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે ૬-૦૦ વાગે પુરા થયેલા મતદાનને અંતે કુલ ૭૩.૬૬ ટકા મતદાન નોંધાયું હતું.
વયોવૃધ્ધો, દિવ્યાંગો અને વરરાજાએ મતદાન કર્યું
વલસાડના તિથલ રોડ પર પ્રમુખ પાર્કમાં રહેતા વાલીબેન દેશરભાઇ ભાનુશાળીએ ૧૦૫ વર્ષની ઉમરે મતદાન કર્યું હતુ. આવી જ રીતે કપરાડાના બાલચોંડી ગામે નાનાભાઇ જોગીભાઇ પટેલે ૧૦૫ વર્ષની ઉમરે મતદાન કર્યું હતું. જ્યારે વલસાડના દિવ્યાંગ યુવાન અને સાઇફર ફિલ્મના મુખ્ય કલાકાર પરેશ ભાનુશાળી અને તેમના પત્નીએ પણ સવારે મતદાન કર્યું હતુ.
મરઘમાળ ખાતે અને ઓલગામ ખાતે પીઠી લગાડેલી હાલતમાં બે જોડાએ મતદાન કર્યું હતુ. વલસાડમાં ઓપરેશન થકી પ્રસૂતિ બાદ એમ્બ્યુલન્સમાં આવીને ગુજરાત હાઉસિંગ બોર્ડની ૨૩ વર્ષિય પરિણીતા હિનલ યશ ભટ્ટે પણ સ્ટ્રેચર પર આવીને મતદાન કર્યું હતુ.
મતદાન કરાવનારા કર્મચારી જ મતદાનથી વંચિત રહ્યા
વલસાડ બેઠક પર મતદાનની પ્રક્રિયા માટે આવેલા વાપી અને વલસાડ તાલુકાના કેટલાક કર્મચારીઓને જે તે બૂથ પર મત આપવા માટેનું સર્ટીફિકેટ અપાયું ન હતુ. આ માટે તેમણે ફોર્મ નં. ૧૨ ભરવાનું હતુ. આ ફોર્મ જે તે તાલુકાના મામલતદારે ન આપતાં તેઓ મતદાનથી વંચિત રહ્યા હતા. ત્યારે તેમને બેલેટ પેપરથી મતદાન કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીએ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે.
ભાજપ કાર્યકર્તાઓ અનેક બુથમાં સિમ્બોલ સાથે દેખાયા
વલસાડ શહેરમાં ડીએમડીજી સ્કૂલમાં અને અબ્રામા ખાતે ભાજપના કાર્યકર્તાઓ સિમ્બોલ સાથે મતદાન મથકમાં જોવા મળ્યા હતા. ડીએમડીજીમાં કાર્યકર્તાઓ સિમ્બોલ સાથે જોવા મળતાં કોઇએ પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસ આવતાં કાર્યકરો રવાના થઇ ગયા હતા. જેની વ્યાપક ચર્ચા ચાલી હતી.
વલસાડ બેઠક પર દર બે કલાકનાં મતદાનની ટકાવારી
બેઠક |
૭ થી ૯ |
૯ થી ૧૧ |
૧૧ થી ૧ |
૧ થી ૩ |
૩ થી ૫ |
ડાંગ |
૧૪.૫૫ |
૧૩.૯૨ |
૧૮.૬૮ |
૧૮.૬૩ |
૬.૯૮ |
વાંસદા |
૧૨.૮૫ |
૨૦.૩૪ |
૧૬.૯૭ |
૧૦.૬૩ |
૧૧.૯૫ |
ધરમપુર |
૧૭.૪૮ |
૧૪.૫૩ |
૧૨.૯૧ |
૧૧.૫૨ |
૧૩.૩૩ |
વલસાડ |
૯.૯૨ |
૧૬.૬૭ |
૧૭.૪૧ |
૧૧.૬૧ |
૧૦.૦૭ |
પારડી |
૭.૪૮ |
૯.૯૨ |
૧૬.૪૩ |
૨૧.૬૧ |
૭.૮૪ |
કપરાડા |
૯.૫૭ |
૫.૬૨ |
૨૪.૬૧ |
૧૮.૯૩ |
૧૩.૨૩ |
ઉમરગામ |
૯.૧૨ |
૧૪.૮૦ |
૧૬.૭૮ |
૧૨.૫૧ |
૧૦.૯૪ |