વેકેશનની વાલીને ચિંતા?
રાજ્યમાં પરીક્ષાઓનો ધમધમાટ ચાલે છે. શાળાઓ માત્ર વરસે ગ્રીષ્મમાં અને દિપાવલીમાં વેકેશન રાખે છે એનાથી કેટલાક વાલીઓ નારાજ દેખાય છે. તેઓ મૂંઝવણમાં મૂકાઈ જાય છ, કારણ કે આખો દિવસ સંતાનો સાથે રહેવાની તેમને તાલીમની જરૂર પડે છે. આ દિવસોમાં તેમને ખ્યાલ આવે છે કે શાળાઓ કેટલી મહાન છે! એનું એક બીજું પણ કારણ છે કે વિદ્યાર્થી, કે જે કમાયેલી રજા જેવું વેકેશન માણવાના ખુશનુમા ખ્યાલમાં ઘરે આવે છે, એના માતા અને પિતાની જિંદગીમાં અને વ્યવસાયમાં વેકેશન શબ્દ અવતર્યો હોતો નથી. આ કેટલાક જ વાલીઓની વાત છે કે જેઓ પોતાના સંતાનોને પૂરતો સમય આપી શકતા નથી. 'કેટલાક'નો અર્થ કેટલી સંખ્યા થાય તેનાથી સમાજ સારી રીતે વાકેફ છે અને વાલી પણ એક સન્માનપાત્ર અને જવાબદાર વ્યક્તિ છે. આ જે 'કેટલાક' વાલીઓ છે તેઓને સંતાનોનું સતત ઘરે હોવાનું અનફિટ લાગે છે એમ તો ન કહેવાય, કારણ કે આ તેમનાં વહાલા બાળકો છે.
કેટલાક વાલીઓ પોતાના સંતાનોને રજાઓમાં પણ રેસના ઘોડા બનાવવા માટેની તાલીમ આપે છે. અન્ય થોડા વળી આવતા વરસનાં પુસ્તકોનો ઢગલો વહેલા લઈ આવે છે અને પાઠયક્રમોમાં ડૂબકી મારવાના આદેશ કરે છે. શું દરેક વિદ્યાર્થી કે જેની પરિવારમાં સંતાન સ્વરુપે પ્રતિષ્ઠા થયેલી છે એનું કામ આ વેકેશનમાં પણ માત્ર થોથાં ઉથલાવવાનું જ છે? એ સિવાય તેમણે કોઈ કામ કરવાનું નથી? વિદ્યાર્થીઓ જો કોલેજ પૂરી કરે ત્યાં સુધી કદી એના માતા કે પિતા સાથે બેન્કમાં ન ગયા હોય કે સ્નાનાગારમાં તરતા ન શીખ્યા હોય અને ભવ્ય ગ્રંથાલયોની મુલાકાત ન લીધી હોય તો એવા એ વિદ્યાર્થીઓ પાસેથી તેમના વાલીઓ પુખ્ત વયે શી અપેક્ષા રાખી શકે? અમેરિકા અને યુરોપમાં વીકએન્ડની જે પરંપરા છે એ વાસ્તવમાં તો પેરેન્ટિંગનો રાજમાર્ગ છે. સહુ દર શનિ-રવિમાં બાળકો માટે લાંબી-ટૂંકી સફરે નીકળી પડે છે.
અરે, આજે પણ ગુજરાત એટલું તો સમૃદ્ધ છે જ કે આપણે જ્યાં વસતા હોઈએ એના માત્ર એક સો કિલોમીટરના ઘેરાવામાં ઓછામાં ઓછા પચીસ સ્થળો તો એવાં હોય છે જે સંતાનોને પર્યટનનો અનુભવ કરાવે. બહુ અલ્પ સાધન અને અલ્પ સંપત્તિમાં પણ ઉત્તમ પેરેન્ટિંગ સદાય સંભવ હોય છે. વાલીઓમાં ચાલાકી પણ યુગપ્રભાવે પ્રવેશી ગઈ છે અને સમય હોય ત્યારે તેઓ નાણાંનો વાંક બતાવે છે અને નાણાં હોય ત્યારે સમયનો વાંક કાઢે છે. માત્ર પાંચ રૂપિયાની ખારી શિંગ લઈને સંતાનો સાથે સાંજે સ્વૈરવિહાર કરનારા પાછલી પેઢીના વાલીઓએ દેશને ઉદ્યોગપતિઓની એક આખી નવી પેઢી તૈયાર કરી આપી છે.
એક વેકેશનમાં બાળકો ઘરમાં રહીને જે નવા નવા પ્રશ્નો પપ્પા-મમ્મી અને દાદા-દાદીને જે પૂછે છે એ તો એક સ્વતંત્ર ગ્રંથનો વિષય છે, પરંતુ એમાંથી જે પ્રશ્નોને વાલીઓ નિરુત્તર રહેવા દે છે તે તેઓનો અપરાધ છે, કારણ કે જેનો જવાબ ઘરમાંથી ન મળે તે પ્રશ્નો સંતાનોના મનમાં શમી જતા નથી, પરંતુ તેના જવાબો શોધવા તે બાહ્ય જગતમાં લટાર મારવાની શરૂઆત કરે છે. સંતાનોને સાંભળવા જોઈએ અને એમને સાંભળવા જ પડે.
માતા અને પિતા વચ્ચેનું ટયુનિંગ, રિધમ, લય, તાલ અને સૂર તો સંતાનોની પરમ જિજ્ઞાસાના વિષયો છે. હવાની લહેરને પણ તેઓ એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિના પારખી લે છે, કારણ કે એમના અંતઃકરણમાં કુદરતના એકદમ લેટેસ્ટ નવી એડિશનના સોફટવેર છે. આપણે એમને શીખવવાનું છે કે એમની પાસેથી શીખવાનું છે એ તો આ જગતનો સૌથી મોટો કોયડો છે.
વેકેશન બહુ લાંબુ છે કે નહીં? એમ બોલતાં કોઈ વાલીને સાંભળવા એ ગુજરાતીઓનો સહજ ક્રમ છે. વેકેશન બહુ સંખ્ય વાલીઓને લાંબું લાગે છે, પણ અનેક વાલીઓ પોતાનો અભિપ્રાય છુપાવી રાખે છે. સારું છે, કમ સે કમ એમને એ તો ખબર છે કે સંતાનો રજાઓમાં ઘરે કિલ્લોલ કરતા હોય એવા વેકેશનને લાંબંુ માનવું એ પ્રજ્ઞાપરાધ છે, છતાં ગુજરાતમાં બાળકો શેરીઓમાં રમતાં જોવા મળે છે. હમણાં જ સચિન તેંડુલકર રાત્રે મુંબઈમાં પસાર થતા હતા ને થોડા છોકરાઓ ફૂટપાથ પર ક્રિકેટ રમતા હતા. સચિનની નજર એ તરફ ગઈ અને જાણે કે શૈશવે સાદ પાડયો હોય એમ એની કાર થંભી ગઈ. એ બધા છોકરાઓ સાથે એમની જ અદામાં ક્રિકેટ રમવા લાગ્યો. બધી જ શેરીઓના રમતિયાળ બાળકોને કંઈ એકલા સચિનની જરૂર નથી, એને મન તો ઘરે કે બાહિરે, એમની પ્રવૃત્તિઓમાં રસ લે એ જ સુપરસ્ટાર છે. અને આવા રોજબરોજની બાળકોની જિંદગીમાં રસ લેનારા સુપરસ્ટાર્સની આપણા સમાજમાં અને ક્યારેક તો પરિવારોમાં પણ અછત વર્તાવા લાગી છે.