રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ?
રાજસ્થાનના રાજકારણના આટાપાટા વર્ષોથી હિન્દી ફિલ્મ જેવા રહ્યા છે. કલાઈમેક્સ ખબર હોવા છતાં કહાની જોવાની મજા આવે. છેલ્લે ઘી વઘારેલી ખિચડીમાં જ ઢોળાશે એ ખબર હોવા છતાં રાજસ્થાન કોંગ્રેસ સરકાર રાજસમંદના કિલ્લા પરથી રાજા પડે એમ પડી રહી છે એવા સમાચારો વહેતા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ જો રાજસ્થાન સરકાર બચાવવામાં નિષ્ફળ નીવડી હોત તો સમગ્ર દેશમાં તેની નહિવત્ અને અવશેષરૂપ બચેલી આબરૂના લીરા ઉડયા હોત. પણ એવું થયું નહીં. જો કે એવું ભવિષ્યમાં નહીં થાય તેની કોઈ ખાતરી આપી શકાય એમ નથી. મિસ્ટર ગેહલોત રાજસ્થાન વિધાનસભામાં હાલ જે બહુમતે શાસન ચલાવે છે એને ઠેબે ચડાવવા માટે રાજસ્થાન પ્રદેશ ભાજપ સક્રિય છે. બે વરસ પહેલાં ગેહલોત વિશ્વાસનો મત જીતી ગયા એટલે એક મોટી ઘાત ટળી હતી, પરંતુ હવે એ ઘાત ફરી તોળાઈ રહી છે. ગેહલોત પાસે પણ અવિચળ સત્તાની કોઈ વેક્સિન નથી. વગર ચૂંટણીએ સત્તા પડાવી લેવા માટે ભાજપનું નિશાન છે, રાજસ્થાન.
જ્યારથી કોંગ્રેસે રાજસ્થાનને મોડેલ સ્ટેટ તરીકે પ્રોજેક્ટ કરીને ગુજરાત અને હિમાચલની પ્રજા સમક્ષ પ્રચારના નગારાં વગાડયાં છે ત્યારથી રાજસ્થાનની ગેહલોત સરકાર ભાજપ હાઈકમાન્ડની આંખમાં લોહકણની જેમ ખટકે છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ઉપર તોળાઈ રહેલું સંકટ ઉપરછેલ્લી રીતે તો જતું રહે છે, પરંતુ જ્યારથી સચિન પાયલટ અને તેના કેમ્પના બીજા બળવાખોર સંસદસભ્યો જયપુર પરત ફર્યા છે. તેમના ચહેરા પર કેસરી રંગનો થોડોક ઝરમર છંટકાવ હતો તે હવે ગેહલોતે આપેલા ગંગાજળના મુખપ્રક્ષાલનમાં ધોવાઈ ગયો છે. તેઓના મુખારવિંદ પર ફરી કોંગ્રેસી આભાનો ઉઘાડ થયો છે. એક પછી એક રાજ્યોને ખટપટથી આંચકી લેતા ભાજપના રથને ગેહલોતે એકલે હાથે રાજસ્થાનમાં રોક્યો છે અને એના પૈડાં જયપુરના મ્યુઝિયમમાં પ્રવાસીઓને જોવા માટે મોકલી આપ્યા છે! રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચે એ પહેલાં નેતૃત્વ પરિવર્તન કરીને ગેહલોતને સ્થાને સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માટે જોરશોરથી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.
અશોક ગેહલોત પાસે વિધાનસભામાં બહુમતી છે એ સાબિત થઈ ગયું, પરંતુ છે કે નહીં તે વિવાદ વિશ્વાસના મત પહેલાં જ શમી ગયો હતો. રાજસ્થાન સરકારની એ સમયે ચાલેલી ફિલમનો હેપી એન્ડ આવ્યો અને કોંગ્રેસે રાહતનો દમ લીધો એવું કહી ન શકાય, કારણ કે કોંગ્રેસના વલણ ઉપરથી એવું લાગતું જ ન હતું કે તે ચિંતામાં હોય. જો ખરેખર કોંગ્રેસ ચિંતામાં હોત તો તેના પોતાના જ પક્ષમાં આટલા અસંતુષ્ટો પેદા ન થવા દીધા હોત. ત્યારે અશોક ગેહલોતની ખુશી બેવડાઈ ગઈ છે, કારણ કે તેની સામે પાયલટ મંડળીએ ઝૂકવું પડયું હતું અને ગેહલોતનું રાજકીય વજન પણ અભિવૃદ્ધ થઈ ગયું હતું. આપણા દેશમાં કેટલાય એવા ઘરડાઓ છે જેમને પહોંચી વળવા માટે જુવાનિયાઓએ ચન્દ્ર પરના શૂન્યાવકાશી જિમ્નેશિયમમાં કસરત કરવા જવું પડે એમ છે. વડલા એમ કંઇ હવાની અમથી લહેરે પડી જતાં નથી.
બળવાખોર સંસદસભ્યોની ઘરવાપસી થવી સ્વાભાવિક હતી, કારણ કે એ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું જે વિધાનસભામાં ગહેલોત બહુમતી સાબિત કરી દેશે. પાયલટની મંડળીમાં ચિંતાનું મોજું ફરી ગયું હતું. જો સચિન પાયલટે ઘરવાપસી કરી ન હોત તો એની જ મંડળીના બધા ધારાસભ્યો ગેહલોતના ખોળે પહોંચી ગયા હોત. આવું થશે તેના એંધાણ પણ આવી ગયા હતા અને શરૂઆત પણ થઈ ચૂકી હતી. પરિણામ સ્વરૂપ સચિન પાયલટે જ ઘરવાપસીનું નેતૃત્વ લીધું અને કોંગ્રેસ સરકારે બુદ્ધિ વાપરીને શરણાગતનું ગૌરવ જળવાય એની સાવધાની રાખી. એ ક્ષણને પ્રસંગમાં ફેરવીને પાયલટ મંડળીનું સન્માન કર્યું. આ આદર-સત્કાર ક્યાં સુધી ટકશે તે ભલે કહેવું મુશ્કેલ હોય, પણ ભાજપ હોત તો એણે પુનરાગમિત ધારાસભ્યોની કિંમત કોડીની કરી નાંખી હોત. કોંગ્રેસ પાસે પોલિટિકલ કલ્ચર હજુ છે એનો આ પ્રકરણ એક ચમકારો છે. હવે પાયલોટની ધીરજ ઘટી છે, કારણ કે સચિન પાયલોટની બેટિંગથી જ રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તા પર આવેલી છે.
યુવાઓને માન નહીં, ફક્ત વૃદ્ધ નેતાઓ જ આદરપાત્ર - આ કોંગ્રેસનો વણલખ્યો નિયમ રહ્યો છે. કોંગ્રેસની વર્તમાન હાલતનાં અનેક કારણોમાંથી એક મુખ્ય કારણ આ પણ છે કે કોંગ્રેસ પોતાની રૂઢિવાદી નીતિ છોડીને એકવીસમી સદીના આઝાદ ખ્યાલોમાં પગ મુકવા માગતું નથી. મજબૂત લોકતંત્રમાં એક સશક્ત વિપક્ષ બહુ જરૂરી હોય છે. કોંગ્રેસ પક્ષ પોતાની ભૂલોમાંથી ન શીખીને પોતાના પક્ષને અને દેશને નુકસાન પહોંચાડી રહ્યો છે.