રાષ્ટ્રસંઘનું અરણ્ય રૂદન
દેશમાં આપણે ખુદ જાણીએ છીએ કે પર્યાવરણ અને ભારત વચ્ચે કેટલી ગહન ખીણ છે. ભારત વાતાવરણમાં સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે એ હકીકત પરથી ભારતે જરાય સંતોષ લેવાની જરૂર નથી. જો કલાઈમેટ ચેઈન્જને આ ચાલુ સદીનો સૌથી મોટો પ્રશ્ન માનવામાં આવતો હોય તો એક વાત નક્કી છે કે આપણે એ માણસજાત છીએ જે મોતના કૂવામાં પણ સરકસના ખેલ કરે છે. આપણે સદાય એમ માનતા આવ્યા છીએ કે કુદરત હજુ આપ્યા જ કરશે. માણસને જગાડવા અને પર્યાવરણ અંગે પ્રવૃત્ત કરવા યુએન ઉપરાંતની પણ અનેક સંસ્થાઓ મહેનત કરે છે પણ એનો પ્રભાવ લોકજીવન સુધી પહોંચતો નથી. મનુષ્ય જાણવા છતાં ઝેરી વ્યસન આચરે છે અને રાજનેતાઓ પ્રજાના ખિસ્સા પર જ હાથ રાખે છે.
આવા સંયોગો વચ્ચે જંગલની એક લીલી પાંદડીની વીતકકથા કોણ સાંભળે ? જેણે જિંદગીમાં એક પણ ઝાડ વાવ્યું નથી એવા કરોડો લોકોના જમેલા વચ્ચે પર્યાવરણની વાત કોઈ સાંભળે એ કલ્પના એટલી જ હાસ્યાસ્પદ છે જેટલી ભાજપ પોતાની ભૂલો જોતાં શીખે એ વાત એક મજાક છે.
પર્યાવરણવિદો જોઈ રહ્યા છે કે અરધો મનુષ્ય તો લૂંટાઈ ગયેલો છે. માણસ જીવે છે પણ એનું આરોગ્ય હણાઈ ગયેલું છે. એટલે કે પચાસ વરસની વય સુધીમાં તો ભારતીય નાગરિકના શરીર પર ડૉક્ટરોની ફોઝ ચકરાવા લેવા લાગે છે. સુખની વેળાએ જ સંસાર મૂકીને ચાલ્યા જનારાની સંખ્યા બહુ છે. કોરોનાની વાત અલગ છે પણ એ સિવાય પણ મૃત્યુ આંક ઊંચા જ હતા. સમાજનો એ એક અપ્રગટ વિષાદયોગ છે.
સ્પેનની રાજધાની મેડ્રીડમાં ભરાયેલી યુએન કોન્ફરન્સ આ પ્રશ્નનું સાચું નિરાકરણ લાવવામાં વધુ એકવાર નિષ્ફળ નીવડી છે. યુએન કોન્ફરન્સમાં દુનિયાભરના બે હજાર જેટલા ડેલીગેટ્સે ભાગ લીધો હતો. વિકસિત અને અલ્પવિકસિત દેશોમાંથી આવેલા એ પ્રતિનિધિઓના હાથમાં વૈજ્ઞાાનિક રિપોર્ટ હતો. ઇન્ટરગવર્ન્મેન્ટલ પેનલ અને યુએન પર્યાવરણ પ્રોગ્રામે કરેલા સંશોધનનું તારણ એમાં હતું જેમાં કયો દેશ કેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એ માહિતી આપવામાં આવી હતી.
વર્ષો પહેલા ગ્રીનહાઉસના ઉત્સર્જન વિશે બધા દેશોએ સમજૂતી કરાર કરેલો જે ક્યોટો પ્રોટોકોલના નામે ઓળખાય છે. એના પછી થોડા સમય પહેલા જ પેરીસમાં સમજૂતી કરારો થયેલા. પેરીસ કરાર બહુ વિખ્યાત છે જેમાં સહી કર્યા પછી અમેરિકાને પેટમાં શૂળ ઉપડયું હતું. આ બંને કરારો અન્વયે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનની ગણતરીમાં જે પારદશતા જળવાવી જોઈએ એ જળવાઈ નથી. અમુક દેશો આ અપારદર્શકતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.
ઘણાં દેશોમાં અચાનક બદલી જતી આબોહવાને કારણે પણ અમુક દેશોને અંગત નુકસાન થઈ રહ્યું છે જેમાં ભારતનો સમાવેશ પણ છે. ૨૨૫ બિલિયન ડોલરનું કુલ નુકસાન થયું છે. આ બધા આંકડાઓ ખૂબ ચિંતાજનક છે. યુએન કોન્ફરન્સમાં રજુ થયેલો આ રિપોર્ટ સૂચવે છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે.
વિકાસશીલ દેશો ઓછું પ્રદુષણ થાય એવી ટેકનોલોજી અલ્પવિકસિત દેશોને વેચતી વખતે ગરીબ દેશોનું શોષણ કરે એ પણ એક જોખમ છે. યુરોપિયન કમિશને જે ગ્રીન ડીલ કરી તેનો એક હેતુ એ પણ છે કે ૨૦૩૦ સુધીમાં દરેક દેશ એનું કાર્બન ઉત્સર્જન પચાસ ટકા ઓછું કરી નાખે. યુરોપિયન કમિશનનો આ નિર્ણય કલાઈમેટ ચેન્જની બાબતમાં તેને વિશ્વ સ્તરે નામના અપાવી શકે. આવો નિર્ણય અમેરિકા લઈ શક્યું નથી, અમલ કરવાની વાત તો દૂર રહી. ભારતે જો આ ટાર્ગેટ હાંસલ કરવો હશે તો પોતાના માળખામાં બહુ ફેરફાર કરવા પડશે. એ ફેરફારો માટે ભારતના રાજતંત્રની કે પ્રજા તંત્રની કોઈ તૈયારી નથી.
યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનું હવે એક જ પ્રદાન મહત્ રહ્યું છે કે એ માત્ર ચિત્ર બતાવે છે. આપણે કેટલા ખતરનાક વળાંક પરથી પસાર થઈએ છીએ એ યુએન આવા સંમેલનો દ્વારા પ્રતિપાદિત કરે છે. એ સિવાય એનો અવાજ બહુ રહ્યો નથી. હા, એક વાત એ ખરી કે યુએનના અરણ્યરુદનમાંથી પ્રેરણા લઈને કેટલાક કોસ્ટારિકા અને દાઘેસ્તાન જેવા દેશો પોતાના આયોજન, વ્યવસ્થા અને કુદરતી સંસાધનોના ઉપયોગની ભૂમિકા બદલાવે છે.