સુરેન્દ્રનગર શહેર પાસેથી લીંબડીની મહિલાની લાશ મળી આવી
- નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશન પાસેથી
- ભાઈના ઘરે ત્રણ દિવસથી રોકાયેલી મહિલા દવા કરાવવા શહેરમાં આવી હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની મેડીકલ કોલેજથી આગળ દુધરેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી લીંબડીની મહિલાની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી હતી.
શહેરની ટી.બી. હોસ્પીટલ પાછળ આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ જીવણભાઈ મકવાણાના મોટાબેન ગીતાબેન રઘુભાઈ તલસાણીયાના મગજની દવા ચાલતી હોવાથી તેઓ લીંબડીથી સુરેન્દ્રનગર શહેરમાં પોતાના ભાઈને ત્યાં દવા લેવા માટે આવ્યા હતા. તેઓ ત્રણ દિવસથી શહેરમાં પોતાના ભાઈના ઘરે રોકાયા હતા. આજે તેમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં મગજની બિમારીથી કંટાળી તેમણે કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું મનાય છે. નગરપાલીકાની ફાયર વિભાગની ટીમે તેમના મૃતદેહને બહાર કાઢયો હતો. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પીટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતાં લોકોના ટોળાં ઉમટી પડયા હતા. બનાવથી શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.